સમયસેતુ પાર કરતો શબ્દાર્થ ~ શ્રીકાંત ગૌતમ
સમાન સંયોગ, સંજોગ અને પ્રસંગને આધીન અનેક ફિલ્મોમાં એકસમાન ગીત માટેની સિચ્યુએશન ઊભી થતી હોય છે. ઉદાહરણ તરીકે અનેક ફિલ્મોમાં ચિત્રીકરણ પામેલાં હેાળી રંગોત્સવનાં ગીતો કે પછી જન્મદિન નિમિત્તે સિનેપરદે ગવાયેલાં ગીતો અથવા તો પ્રેમીઓ એકબીજાથી વિખૂટા પડે તે સમયનાં વિરહ ગીતો.
આવા અનેકવાર ઉદ્ભવતા અતિસામાન્ય ફિલ્મ પ્રસંગોની સમાનતા અને તેને અનુલક્ષીને ગવાયેલાં ગીતો સિવાયનાં અન્ય ગીતોને આજે યાદ કરીએ, જે ગીતોના પ્રસંગોની સમાનતા કરતાં સવિશેષ તો આ ગીતોના શબ્દોની અર્થસભરતા એકબીજાને મળતી આવી છે.
ગીતોના શબ્દોનાં સૂર, શૈલી અને લય અલગ હોવા છતાં આ ગીતોમાંથી સ્ફૂટ થતા અર્થની ભાવાર્થની સમાનતાને કારણે આ અલગ અલગ ગીતો એક જ ગોત્રના ભાસે એટલી માત્રાએ તે એકબીજાની નજીકના લાગે છે. પ્રારંભ કરીએ ગાયિકા નૂરજહાંના કંઠેથી ગવાયેલાં એક ગીતથી. ગીતના શબ્દો છે:
‘‘મુઝ સે પહેલી સી મુહબ્બત
મેરે મહેબૂબ ન માગ..’’
આ ગીતમાં આગળ આવે છે,
‘‘ઔર ભી દુ:ખ હૈ જમાને મેં
મહોબ્બત કે સિવા
રાહે ઔર ભી હૈ
હુસ્ન કી રાહ કે સિવા..”
એટલે આ ‘ગીતમાં શાયરે મહોબ્બત અને ઈશ્ક જ સર્વેસર્વા છે એનો નકાર કરતા આ જગતમાં આના સિવાય પણ અનેક મહત્ત્વની વસ્તુઓ અને વિચારણા છે, તે વાસ્તવિકતાના વજૂદને વધુ ઠોસ ગણાવ્યું છે.
પ્રેમની વિરહવેદનાના દુઃખ કરતાં પણ અનેકગણું દુઃખ આ જગતમાં છે, જેની સામે આંખ આડા કાન ન કરી શકાય તે તથ્યની મહત્તા શાયરે આ ગીતમાં દર્શાવી છે.
હવે આવા અર્થનું જ બીજું ગીત યાદ કરીએ. ફિલ્મ ‘દીદી’માં સાહિર લુધિયાનવી લિખિત તથા ગાયક મુકેશ અને ગાયિકા સુધા મલ્હોત્રાના કંઠેથી ગવાયેલું ગીત ગણગણીએ. પ્રેમિકા પોતાના પ્રેમીને પોતાના પ્રત્યેની અવગણના સંદર્ભે ફરિયાદ કરતાં કહે છેઃ
‘‘તુમ મુઝે ભૂલ ભી જાઓ,
તો યહ હક્ક હૈ તુમકો
મેરી બાત ઔર હૈ
મૈંને તો મહોબ્બત કી હૈ..”
આ રાવ-ફરિયાદનો પ્રત્યુત્તર પ્રેમી આ શબ્દોમાં આપે છે.
‘‘ભૂખ ઔર પ્યાસ કી મારી હુઈ
ઈસ દુનિયા મેં
જિંદગી સિર્ફ મહોબ્બત નહીં,
કુછ ઔર ભી હૈ..’’
પ્રેમિકાની પોતાના પ્રત્યેની નારાજગી સામે પ્રેમી કહે છે,
‘‘તુમ અગર આંખ ચૂરા લો
તો યહ હક્ક હૈ તુમકો
મૈંને તુમસે હી નહીં
સબસે મહોબ્બત કી હૈ..’’
એટલે અત્રે વ્યક્તિનિષ્ઠ પ્રેમની તુલનાએ સમષ્ટિ પ્રતિના પ્રેમની મહત્તા શાયરે વધારે આંકી છે, કારણ કે ભૂખ અને તરસથી બેહાલ થયેલી આ જગતની માનવજાતનું મૂલ્ય વ્યક્તિગત પ્રેમથી અદકેરું અત્રે શાયરે દર્શાવ્યું છે.
અહીં પણ વ્યક્તિનિષ્ઠ પ્રેમને સર્વેસર્વા ગણવાનો નકાર સ્પષ્ટ છે. મહોબ્બત અને ઈશ્ક સિવાય પણ આ જગતમાં અનેક મહત્ત્વનાં કાર્યો છે. આ વિચારસરણીને કવિ ઇંદિવરે ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’માં આ રીતે વ્યક્ત કરી છે. લતા મંગેશકરના કંઠેથી ગવાયેલું આ ગીત યાદ કરો,
‘‘છોડ દે સારી દુનિયા
કિસી કે લિયે
યહ મુનાસિબ નહીં
આદમી કે લિયે…..
“પ્યા૨ સે જરૂરી કહીં કામ હૈ,
પ્યાર સબ કુછ નહીં
જિંદગી કે લિયે…”
આમ, આ ગીતનો શબ્દાર્થ પણ આગળનાં બંને ગીતોના શબ્દાર્થ સાથે સૂર પુરાવે છે.
ગુજરાતી કાવ્યગીત ‘‘તમે રે તિલક રાજા રામના…”ની યાદ અપાવતાં બે સિનેગીતને અત્રે યાદ કરીએ. આ બંને ગીતમાં પ્રેમીઓ પોતાની જાતને પોતાના પ્રેમીની સરખામણીએ ગૌણ સમજે છે અને તેઓ પોતાની આ લાગણી અને ભાવના આ રીતે વ્યક્ત કરે છે.
ફિલ્મ ‘સતી સાવિત્રી’માં લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં ગવાયેલું આ ગીત જુઓ, પ્રેમિકા કહે છે,
“તુમ ગગન કે ચંદ્રમા હો,
મૈં ધરા સી ધૂલ હું..’’
ત્યારે તેના પ્રત્યુત્તરમાં પ્રેમી પ્રેમિકાને પોતાનાથી મહાન ગણતાં ગાય છે,
‘‘તુમ હો પૂજા, મેં પૂજારી
તુમ સુધા, મૈં પ્યાસ હું…’
આ જ શબ્દાર્થને ફિલ્મ ‘ફરેબ’માં સંગીતકાર અનિલ બિશ્વાસરચિત અને કિશોરકુમાર તથા લતા મંગેશકર દ્વારા ગવાયેલાં આ ગીત સાથે સરખાવી, ગાયક ગાય છે,
‘‘આ મહોબ્બત કી બસ્તી
બસાયેંગે હમ
ઈસ ધરતી સે,
આસમાં સે દૂર…”
ત્યારે પ્રેમિકા પોતાના પ્રેમીની સરખામણીએ પોતાની લઘુતાગ્રંથિ આ શબ્દોમાં વ્યક્ત કરે છે,
‘‘મૈં હું ધરતી તુમ
આકાશ હો સનમ
દેખ ધરતી સે આકાશ હૈ
કીતના દૂર…’’
ફિલ્મ ‘હકીકત’ અને ફિલ્મ ‘બોર્ડર’ બન્ને યુદ્ધભૂમિની પાશ્ચાદ્ભૂ ધરાવતી ફિલ્મો અને બન્ને ફિલ્મોમાં પોતાનાં ગામ, ઘર અને કુટુંબથી વિખૂટા પડી જઈને સરહદ પર રહેતા જવાનોની વિરહવેદના આ શબ્દોમાં વ્યક્ત થાય છે. ફિલ્મ હકીકતમાં શાયર કૈફી આઝમીના આ શબ્દો અવિસ્મરણીય છે,
‘‘હોકે મજબૂર મુઝે
ઉસને ભુલાયા હોગા
ઝહર છૂપકે સે દવા
જાનકર ખાયા હોગા…’’
https://www.youtube.com/watch?v=2AHJBQ2T_Wk
અને શ્વશુર (કૈફી આઝમી)નું અનુસંધાન સાધતાં શાયર જાવેદ અખ્તર ‘બૉર્ડર’માં લખે છે,
‘‘સંદેશે આતે હૈ,
મુઝે તડપાતે હૈ.’’
બન્ને ગીતોની સિચ્યુએશન તો એકસમાન છે જ તો તેની સાથોસાથ બન્ને ગીતોમાં પોતાના સ્નેહીજનો અને વહાલાંથી દૂર રહેવાની વેદના પણ એકસરી જ જણાઈ રહી છે.
ફિલ્મ ‘જબ જબ ફૂલ ખિલે’ની રિમેક ગણાતી ‘રાજા હિન્દુસ્તાની’માં પોતાની પુરોગામી ફિલ્મનાં ગીતનો ભાવાર્થ અલગ રીતે પ્રસ્તુત થયો છે. ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’માં ગીત હતું,
‘‘પરદેશિયોં સે ના
અખિયાં મિલાના
પરદેશિયોં કો હૈ
એક દિન જાના…
જ્યારે રાજા હિન્દુસ્તાનીમાં પરદેશી માટેની લાગણી આ શબ્દોમાં વ્યક્ત થાય છે,
‘‘પરદેશી પરદેશી જાના નહીં.
મુઝે છોડ કે, મુઝે છોડ કે…’’
પોતાની પ્રેમિકાની મદભરી મતવાલી ચાલને પ્રેમી અલગ અલગ ફિલ્મમાં આ રીતે વ્યક્ત કરે છે. અહીં યોગાનુયોગ એવો છે કે બન્ને ફિલ્મમાં મતવાલી ચાલ ચાલતી મતવાલી નાર વહિદા રહેમાન છે અને બંને ફિલ્મોમાં આ ચાલને બિરદાવતો કંઠ ગાયક મુકેશનો છે. ફિલ્મ ‘એક ફૂલ ચાર કાંટે’માં આ ગીત છે.
‘‘મતવાલી નાર ઠૂમક ઠૂમક
ચલી જાય
ઈન કદમોં પે કિસિકા
જીયરા લલચાય..”
જ્યારે ફિલ્મ ‘પથ્થર કે સનમ’માં આ મતવાલી ચાલથી તોબા પોકારી જતો પ્રેમી ગાઈ ઊઠે છે,
‘તોબા યહ મતવાલી ચાલ,
ઝૂક જાયે ફૂલોં કી ડાલ
ચાંદ ઔર સૂરજ આ કર માગે
જીસસે રંગે મિસાલ હસીના,
તેરી મિસાલ કહાઁ..’
ફિલ્મ ‘જુલી’માં ગાયિકા પ્રીતિ સાગરે સંગીતકાર રાજેશ રોશનની સૂરરચનામાં અંગ્રેજીમાં ગીત ગાયું હતું, “માય હાર્ટ ઈઝ બિટિંગ..”
જ્યારે ધક.. ધક.. માધુરીએ પડદા પર ગાયું, “ધક ધક કરને લગા, ઓ મોરા જીયરા ડરને લગા..”
આમ, અનાયાસે, યોગાનુયોગે ઉપરોક્ત ગીતો જે અલગ અલગ સમયખંડોમાં અસ્તિત્વમાં આવ્યાં તે ગીતો શબ્દાર્થ અને ભાવાર્થની દૃષ્ટિએ એકબીજાની સાવ નજદીક આવી ગયાં.
~ શ્રીકાંત ગૌતમ
One Comment