ઓક્ટોબરફેસ્ટમાં… છલકાયે જામ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:36 ~ ઉત્કર્ષ મઝુમદાર
ઓક્ટોબરફેસ્ટના ટેન્ટની બહાર તો બહાર, બેસવાની જગા મળી ગઈ એટલે જાણે લોટરી લાગી. હવે બીજી લોટરી લાગે તેની રાહ જોવા લાગ્યા કે હમણાં જાહેરાતોમાં, અસંખ્ય ફોટામાં ને યુટ્યુબના વીડિયોમાં જોયેલી ફૂટડી નવયૌવના માદક સ્મિત રેલાવતી અમારી પાસે આવી બીયરનો ઓર્ડર લેશે પણ હાય રે, નસીબ બે ડગલાં આગળ! અથવા કહો અમારી પત્નીઓની નજર લાગી તે એવી કોઈ લલના આવી નહિ એને બદલે એક આધેડ ઉંમરનો વેઈટર આવ્યો.
હશે, બીજા ટેન્ટમાં નસીબ ચમકશે એમ માની મન મનાવ્યું ને પેલાને ચાર બીયરનો ઓર્ડર આપ્યો. પેલાએ આગોતરા પૈસા માંગ્યા. અચ્છા, અહીંયા પણ મુંબઈના ક્વોટર બાર જેવી પદ્ધતિ છે, એમને!
મુંબઈમાં ઘણાં બાર છે. મોટાભાગનામાં તમને પેગ મળે જયારે અમુક બાર એવા છે જ્યાં કવોટર સિસ્ટમ ચાલે એટલે કે તમારે જે દારૂ જોઈએ તે પેગને બદલે કવોટરમાં મળે એટલે તમને સસ્તો પડે. અલબત્ત અહીં તમને ગ્લાસ, પાણી અને બરફ મફતમાં મળે. ચખના માટે અલગથી પૈસા ચૂકવવાના. અહીં પણ વેઈટર પહેલા જ પૈસા લઈ લે, પાછળથી ભાંજગડમાં કોણ પડે?
દરેક ગ્લાસના બાર યુરો થતા હતા. એટલે કે એક ગ્લાસના હજાર રૂપિયા. ઓહ, આટલા બધા? એવો વિચાર આવે તેને બાજુએ મૂકી દો કારણ કે એક મગમાં એક લિટર બીયર આવે એટલો મોટો મગ. જેને અહીં ‘માસ’ કહે છે.
દરેક બીયર કંપનીનો પોતાનો બીયર ટેન્ટ હોય એટલે તમને એમનો જ બીયર મળે. અમે અહીં દાખલ થતા હતા ત્યારે મેં બહાર એક નાનકડો સ્ટોલ જોયો, જ્યાં મોટી સાઈઝના પ્રેટ્ઝલ મળતાં હતાં. કોઈને સવાલ થશે કે આ પ્રેટ્ઝલ એટલે શું?
ગોળાકારમાં મોટી ગાંઠ બાંધી હોય એવા આકારની ઘઉંના લોટની બનેલી એક બેકરી વાનગી. ઉપરથી ચમકતા કથ્થાઈ રંગની હોય ને આમ પાંઉ જેવી લાગે પણ બનાવવામાં ફરક છે. આના લોટને ઉકાળીને પછી બેક કરાય છે ને ઉપર મીઠાના નાના કણ ભભરાવ્યાં હોય. જર્મનીની આ વિશિષ્ટ વાનગી યુરોપ અમેરિકામાં ખાસી પ્રચલિત થઇ ગઈ છે.
એક નાના બાળકની જેમ મને તરત જ એ લેવાનું મન થઇ ગયું પણ નિશ્ચિન્તે મને એક વડીલની જેમ રોક્યો ને કહ્યું,’ અંદર મળશે, ધીરજ ધર’. બીયર આવે એ પહેલા પેલી પ્રેટ્ઝલ વેચતી બાઈ આવી. એકના 3 યુરો હતા. બીજા કોઈને નહોતા ખાવા. હું મૂળે પાઉંનો ઘેલો એટલે મને એ બહુ ભાવે. એક ખરીદ્યું.
અમારો વેઈટર બે હાથમાં આઠ ગ્લાસ લઈને આવ્યો. ચાર અમારા ને બીજા ચાર બીજાના. મેં એક હાથે મગ ઉઠાવ્યો ને ઓહ બોય! ઓહ બોય! બહુ ભારે હતો. સ્વાભાવિક છે. જાડા કાચના ગ્લાસનુ વજન અને એમાં રહેલા એક લિટર બીયરનું વજન ભારે ન હોય તો શું હલકું હોય? વિચાર કરો આવો એક ગ્લાસ ઉપાડવો ભારે લાગે તો આટઆટલા ગ્લાસ કેવી રીતે ઉપાડતા હશે?
બે હાથમાં મળીને બાર ગ્લાસ ઊંચકીને લઇ આવી ગ્રાહકોને પીરસતી યુવતી કે આધેડ વયની મહિલાને જોઈને છક્ જ થઇ જવાય. સલામ છે તેમને.
સામાન્ય રીતે અમારો લીડર દિવસ દરમ્યાન પીતો નથી. બંનેની પત્નીઓને પણ બીયર એટલો પસંદ નહિ. એક માત્ર હું બીયરનો રસિયો પણ બીયર પીઉ તો બાથરૂમની મુલાકાત ખાસી લેવી પડે.
આ બીયર ફેસ્ટિવલમાં શું કરવું? એડલ્ટ ડાઈપર તો પહેરી લઈશ પણ ત્યાં યુરિનલની સગવડ હશે? હોવી તો જોઈએ કારણ આ સમસ્યા ઘણાને નડતી હોય છે એટલે આયોજકોએ આનું ધ્યાન તો રાખ્યું જ હશે. છતાંય મેં નેટ પર જઈને પહેલા આના વિષે જાણકારી મેળવી લીધેલી ને ખબર પડી કે અહીં 1800 જેટલા યુરિનલ અને ટોઇલેટ્સની વ્યવસ્થા છે એટલે વાંધો નહિ આવે. તમતમારે બીયર ઢીંચો બિન્દાસ.
અમારી ટોળકીમાના આજે તો બધા બીયરની મઝા માણવા માગતા હતા. ચિયર્સ કહીને અમે પહેલી ચુસ્કી લીધી ને દિલ બાગ બાગ થઇ ગયું, સપનું સાકાર થયું. અમે આખરે ઓક્ટોબરફેસ્ટમાં હતા ને બીયર પી રહ્યા હતા – ટેન્ટની બહાર તો ટેન્ટની બહાર. (જોકે બીજા ટેન્ટમાં અમને અંદર જગા મળવાની હતી).
અહીં કશે મંચિગ મફતમાં સાથે આપવાનો રિવાજ નથી. જે જોઈએ તે પૈસા ખર્ચીને મંગાવવું પડે. વેફર્સ કે શીંગ કે કાજુ કે પાપડ એવું કઈ હોય નહિ. આ બધાથી ટેવાયેલાને આ જરા જુદો અનુભવ થાય. નસીબજોગે મારી પાસે પ્રેટ્ઝલ હતું. એના ટુકડા કરીને ખાતો રહ્યો.
અમારામાંથી બીજા કોઈને ‘પાઉંના ડુચા’ માં રસ નહોતો. મને તો ટેસડો પડી ગયો. હવે નજર આસપાસ ફરવા લાગી. આજુબાજુ જે ટોળકીઓ હતી (કોઈ એકલદોકલ નહોતું આવ્યું) તે બધા જોરશોરથી વાતચીતોમાં, ઠઠ્ઠામશ્કરી, ખાખાખીખીમાં મસ્ત હતા.
એક અવનવો અનુભવ થયો. અમારો વેઈટર જયારે બીયર આપવા આવ્યો ત્યારે એણે નિશ્ચિન્તની પાણીની બોટલ જોઈ ઇશારો કર્યો. નિશ્ચિન્ત એ સમજી નહી એટલે એણે પાણીની બોટલ દેખાડી કહ્યું, “હાઇડ ઈટ”. પાણીની બોટલ સંતાડો?
આવું તો કયારે કોઈએ કહ્યું ન હતું. અત્યાર સુધીનો અનુભવ એવો હતો કે તમે કયાંક બહાર ખુલ્લામાં દારૂ પીતા બેઠા હો તો તમને કોઈ આવીને કહે કે દારૂની બોટલ સંતાડો. પોલીસ આવે છે તો તમે બોટલ સંતાડવાના કામે લાગી જાવ. પણ પાણીની બોટલ સંતાડવાની?
બીયર ટેન્ટમાં તમે પાણીની બોટલ લઇ જાવ એટલે કેટલું મોટું અપમાન? એ તો કેમ ચલાવાય, એવું હશે? આજુબાજુના લોકો પણ આશ્ચર્યથી જોવા લાગેલા. ખેર, પાણીની બોટલ સંતાડાઈ. નકામો પંગો શું કામ લેવો અજાણ્યા ગામમાં? એટલી સમજ તો હતી. અમે પછી ખૂબ હસ્યા.
અમારી વાતો ચાલી એમાં નિશ્ચિન્તે પૂછ્યું, “પર યે ફેસ્ટિવલ શુરુ કૈસે હુઆ?”
મેં મારુ ઇન્ટરનેટયું જ્ઞાન ઓક્યું, “રાજા લુડવીંગ પ્રથમના પ્રિંસેસ થેરેસા જોડે 12 ઓક્ટોબરના રોજ લગ્ન થયા. મ્યુનિક શહેરના લોકોને શહેરની બહાર આવેલા ઘાસિયા મેદાનમાં આ ઘટના ઉજવવા આમંત્રણ અપાયું. થેરેસાના માનમાં આ મેદાનને થેરશેસ નામ અપાયું ને એ નામ કાયમ રહ્યું. જોકે અહીંના સ્થાનિકોએ એને ટૂંકા મેદાનના નામથી જ બોલાવે છે.
આ પ્રસંગે ઘોડાની રેસનું આયોજન પણ કરવામાં આવેલું. જોકે ઘોડાની રેસ અને ને આ ઉત્સવના મૂળ કારણ વિશે હજી સ્પષ્ટતા નથી પરંતુ બીજા વર્ષે પણ આ ઉજવાયો બસ ત્યારથી આ સમયે ઉજવવાની પ્રથા પડી ગઈ.
પરેડનું આયોજન પણ થયેલું અને 1850થી નિયમિત રીતે આ પરેડ યોજાય છે.
ઉત્સવનું આ અગત્યનું અંગ છે. આઠ હજાર લોકો, બહુધા બવેરિયાના, પારંપરિક વેશભૂષા ધારણ કરી આમાં ભાગ લે છે. આ પરેડની આગેવાની મ્યુનિક કિન્ડલ એટલે કે મ્યુનિકનું કોઈ બાળક લે છે, સામાન્ય રીતે તે નવયૌવના હોય છે.
1892માં પહેલીવાર કાચના મગમાં બીયર અપાવવાનો શરુ થયો. નાઝી પક્ષે સતા પર આવતા આનો પોતાના રાજકીય પ્રચાર માટે ઉપયોગ કર્યો. યહૂદીઓને અહીં કામ કરવા પર રોક લગાવી.
1950થી આનું ઉદ્દઘાટન પારંપારિક 12 ગનના ધડાકાથી થાય છે ને મેયર બીયરના પહેલા પીપડાના નળને થોડો ઠપકારે છે, મગ ભરી પહેલો મગ મિનિસ્ટર પ્રેસિડેન્ટ ઓફ ધ સ્ટેટ ઓફ બવેરિયાને આપે છે ને ફેસ્ટિવલ ખુલ્લો મૂકાયાનું એલાન કરે છે.
કોઈએ પ્રશ્ન કર્યો “કોઈએ બહુ બીયર પીધો ને તબિયત બગડી એવા દાખલ પણ બનતા હશે ને! કોઈની કોઈ કારણસર તબિયત બગડી તો તેની શી વ્યવસ્થા?”
“જર્મનીના રેડ ક્રોસની બવેરિયન શાખા ઇમર્જન્સી મેડિકલ કેરની સગવડ અહીં પોતાના લગભગ સોએક જેટલા ડોક્ટર્સ અને મેડિકલ સ્વયંસેવકો દ્વારા પૂરી પાડે છે. એટલું જ નહિ ખોવાયેલા બાળકો માટેનું સેન્ટર પણ છે. ખોવાયેલી વસ્તુઓનું સેન્ટર પણ ખરું ને નારીસુરક્ષા કેન્દ્ર પણ ખરું.”
નિશ્ચિન્તે એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો, “વેઈટરને હમે પૂછા હી નહિ કૌન સા બીયર ચાહિયે? એક હી બીયર મિલતા હૈ ક્યાં યહાં?”
“અહીં જુદી જુદી બીયર બનાવતી બ્રુઅરીના ટેન્ટ છે એટલે સ્પષ્ટ છે કે દરેક બ્રુઅરી એની બ્રુઅરીનો જ બીયર આપે. વળી ખાસ વાત તો એ છે કે તમને અહીં માત્ર મ્યુનિક શહેરની અંદર જ બનેલો એટલે કે બ્રુ થયેલો છ બ્રુઅરીનો જ બીયર મળે એ પણ અહીં બનેલા ચોક્કસ નિયમોને આધીન રહી બનાવેલો હોય. આવા બીયરને ઓક્ટોબરફેસ્ટ બીયર કહેવાય જે રજિસ્ટર્ડ ટ્રેડ માર્ક છે.”
(ક્રમશ:)