ન્યુશ્વાનસ્ટેન કેસલનો ઈતિહાસ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:31 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમે હોહેનશ્વાનગાઉ ગામ જે પર્વતની તળેટીએ આવેલું છે તેની ટિકિટબારીએ પહોંચી ગયા. કાઉન્ટર ખુલતું હતું સાડા સાત વાગે ને અમે પહોંચી ગયા હતા છ વાગે. સદ્ભાગ્યે અમારી આગળ બહુ મોટી લાઈન નહોતી. ઠંડી કહે મારું કામ. જોકે અમે સજ્જ હતા એટલે વાંધો આવે તેમ નહોતો.
આજુબાજુનો પરિવેશ, જુદા જુદા દેશથી આવેલા લોકોને નિહાળતા, વાતો કરતા સમય પસાર કરવા લાગ્યા. હું આજુબાજુ આંટો પણ મારી આવ્યો. કાર પાર્કિંગ માટે પણ તકલીફ ન પડી કારણ કે વિશાળ જગ્યા હતી ને અમે વહેલા પહોંચી ગયા હોવાથી નજીકમાં જ પાર્કિંગ પ્લેસ મળી ગઈ.
આખરે કાઉન્ટર ખુલ્યું ને અમે આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા કે અમારી આગળનાને ટિકિટ મળે છે કે નહિ અને મળે છે તો કયા સ્લોટની.
અહીં છૂટક ને કોમ્બો ટિકિટ મળતી હતી એટલે કે દરેક કેસલની અને મ્યુઝિયમની જુદી જુદી અથવા ત્રણેયની એકસાથે જે સસ્તી પડે તેમ હતી.
અમે વ્યક્તિદીઠ 31 યુરોની કોમ્બો ટિકિટ લીધી. બન્ને કેસલ ઉપરાંત અહીં આવેલું બાવરીયાના રાજાઓની ગાથા કહેતું મ્યુઝિયમ પણ હતું. અમારું નસીબ પાધરું હતું એટલે અમને સવારના દસ વાગ્યાનો સ્લોટ મળી ગયો. સૌથી પહેલી મુલાકાત કરવાના હતા ન્યુશ્વાનસ્ટેન કેસલની.

કેસલ પર ત્રણ રીતે જવાતું હતું. એક ચાલીને. બીજું બસ લઈને ને ત્રીજું ઘોડાગાડીમાં. પહેલો વિકલ્પ તો સર્વાનુમતે ઊડી ગયો. પછી ખબર પડી કે ચાલતાં ત્રીસથી ચાલીસ મિનિટ લાગે છે. આટલું ડુંગર પર ચઢીને જાય કોણ?
ઘોડાગાડીની ટિકિટ હતી એક જણની સાત યુરોસ ને વળતી વખતની અડધી એટલે કે સાડા ત્રણ યુરોસ. અમે ઘોડાગાડીમાં જવાનું નક્કી કર્યું પણ તપાસ કરતા ખબર પડી કે ઘોડાગાડી છેક ઉપર સુધી નથી જતી. જે જગ્યાએ ઉતારે છે ત્યાંથી દસ મિનિટ પાછું ચાલવાનું છે.
છેવટે બસમાં જવાનું નક્કી કર્યું. એ શટલ બસની લાંબી લાઈન હતી ને એની જુદી ટિકિટ લેવાની હતી. રિટર્ન ટિકિટના ત્રણ યુરો હતા – માત્ર ઉપર જવાના અઢી યુરો અને પાછા આવવાના દોઢ યુરો હતા.
પહેલા તો લાંબી લાઈન જોઈને ચિંતામાં પડી ગયા પણ બસ ફટાફટ આવતી હતી એ જોઈને નિરાંત થઇ. પાંચ મિનિટમાં તો અમારો નંબર લાગી ગયો. આ બસ પણ છેક દરવાજા સુધી જતી નહોતી.
જુએન્ડ લૂક આઉટ પોઇન્ટ પર અમને ઉતાર્યા. અહીંથી જમણી બાજુ ચઢી થોડા ઉપર જાવ તો ત્યાંની એક જગ્યા પરથી કેસલના સરસ દર્શન થતા હતા. આ પુલ કવીન મેરીટ્સ બ્રિજ તરીકે ઓળખાય છે. અહીંથી આખા કેસલના અદભુત ફોટા તમે પાડી શકો છો.

માત્ર પંદર મિનિટ ચાલવાનું હતું ને અમે ફસકી ગયા. અમે વિચાર્યું વળતી વખતે જઈ આવીશું કારણ ત્યારે તો જલ્દી કેસલ આગળ પહોંચી જવાની ઉતાવળ હતી. પાછળથી રહી ગયું એટલે જે વસ્તુ જયારે કરવાની હોય તે કરી નાખવાની. એક અલભ્ય તક ગુમાવી.
અમારે ડાબી બાજુએ વળી ઢાળ ઉતરવાનો હતો એ સારું હતું. ઉતરવાની મઝા આવી. અમે મહેલના ભવ્ય મુખ્ય દરવાજે પહોંચી ગયા. દરવાજામાંથી દાખલ થઇ વળી પાછું ઉપર ચઢવાનું હતું ને ચઢીને જોયું તો સામે મોટું ચોગાન /આંગણું. સામે મોટો દાદરો હતો જે મુખ્ય મહેલમાં જતો હતો.
આઘેથી અલપઝલપ દેખાતો કેસલ હવે સાંગોપાંગ દેખાઈ રહ્યો હતો. અમારો વારો આવવાને હજી કલાકની વાર હતી એટલે મેં સાથીદારોના સૂચનથી એમને કેસલની માહિતી આપવાનું શરુ કર્યું.
“દરેક વ્યક્તિમાં એક બાળક છુપાયેલો છે ને એ બાળકને પરીકથામાં આવતો મહેલ અવશ્ય ગમે. બાવરીયાના રાજા લુડવિગ દ્વિતીયે બંધાવેલો આ કેસલ પણ પરીકથા સમો જ છે જેણે વોલ્ટ ડિઝનીને સ્લીપિંગ બ્યૂટી કાસલ સર્જવાની પ્રેરણા આપી.

લુડવીંગ પણ જાણે કોઈ પરિકથાનું પાત્ર હતું જોકે આ કથાનો અંત સુખદને બદલે કરુણ આવે છે. લુડવિગ સ્વભાવે રોમાન્ટિક, એને ફ્રેન્ચ સંસ્કૃતિ પ્રત્યે અનહદ લગાવ, સરોવરમાં તરતા હંસો પાછળ ગાંડો, ઓપેરા એને પુષ્કળ ગમે. એણે આવા ત્રણેક કેસલ બંધાવ્યા જે અનન્ય છે. પુષ્કળ પૈસા ખર્ચાયા આના બાંધકામ પાછળ.

વાચકને મનમાં થતું હશે કે કોના બાપની દિવાળી. પ્રજાના પૈસે પોતાના તરંગો પુરા કરતા હોય છે રાજા – મહારાજાઓ કે બાદશાહો. પણ અહીં એવું નહોતું. પોતાને રાજવી તરીકે મળતા પૈસામાંથી લુદ્વિગે આ કેસલ્સ બંધાવ્યા હતા. આ કેસલની સામેની તરફ આવેલા હોહેનશ્વાનગાઉ કેસલમાં એ ઉછરેલો, બાળપણ વીતાવેલું.”
“ન્યુશ્વાનસ્ટેન કેસલ બહુ જૂનો નથી. 19મી સદીમાં હોહેનશ્વાનગાઉ ગામની સામે આવેલા ડુંગર પર આ કેસલ એણે એકાંતવાસ માણવા અને મશહુર જર્મન સંગીતકાર રિચાર્ડ વાગનારના માનમાં બંધાવેલો.

પોતાના તરંગને પોષવા માટે એણે રાજ્યનો ખજાનો ખાલી નહોતો કર્યો બલ્કે પોતાના ખુદના પૈસાથી ને એ જયારે ખૂટ્યા ત્યારે ઉછીના લઇ એણે આ કેસલ ચણાવેલા.”
“મધ્યકાલીન યુગમાં અહીં શ્વાનસ્ટેન મહેલના ખંડેર હતા. લુડવિગના પિતાજી રાજા મેક્સમિલિઅન દ્વિતીયએ આ ખંડેર ખરીદીને 1837માં હોહેનશ્વાનગાઉ કેસલ બંધાવ્યો જે રાજકુટુંબનું ઉનાળુ રહેઠાણ બન્યું.
લુડવિગ જયારે ગાદીએ આવ્યો ત્યારે તેણે બે ખંડેર કેસલને તોડી ત્યાં જે કેસલ બનાવ્યો તેને નામ આપ્યું ન્યુ હોહેનશ્વાનગાઉ કેસલ; પણ એના મૃત્ય બાદ એનું નામ બદલાઈને થઇ ગયું ન્યુશ્વાનસ્ટેન કેસલ.”
“લુડવિગ બીજાને રાજધાની મ્યુનિખથી દૂર કોઈ એને ખલેલ ન પહોંચાડે એવી જગ્યાએ મહેલ બંધાવવો હતો જ્યાં એ પોતાની મધ્યયુગમાં રહેવાની કલ્પના સાકાર કરી શકે.

રાજા ખુદ દરેકે દરેક વિગત જોઈ મંજૂરી આપતો. દરેક વસ્તુ એની દેખરેખમાંથી પસાર થઇ. એનું એટલું બધું નિયંત્રણ રહેતું કે આ મહેલનો સર્જનહાર કોઈ આર્કિટેક્ટ નહિ પરંતુ લુડવિગ જ લેખાયો. 5 સપ્ટેમ્બર 1869માં એનું ખાતમુહૂર્ત થયું અને સન 1884માં એ સંપૂર્ણ બનીને તૈયાર થઇ ગયો.”
“બે દાયકા કામ ચાલ્યું અને આ પ્રદેશમાં રોજગારી માટે મુખ્ય સ્ત્રોત બની ગયો. રાતદિવસ કામ ચાલતું. આ કારીગરોના વીમા પણ કઢાવેલા અને જે ત્રીસ કારીગરો મરણ પામ્યા તેમના સંતાનોને વાર્ષિક પેંશન પણ રાજા દ્વારા બાંધી આપવામાં આવેલું.
જેના માનમાં એ બંધાયો તે રિચાર્ડ વાગનાર તો 1883માં મૃત્યુ પામ્યો એટલે અહીં કયારેય આવી શક્યો નહિ. લુડવીંગ માત્ર અગિયાર દિવસ અહીં સૂતો.”
“બાંધકામનો ખર્ચો ભૂસકે ને ભૂસકે વધતો જતો હતો. અંદાજિત રકમ કરતા બમણો ખર્ચ થઇ ગયોઃ એના લેણદારો મહેલ જપ્ત કરવાનું કહેતા તો તે આપઘાત કરવાની ધમકી આપતો. છેવટે બાવરીયન પાર્લામેન્ટે એને ગાદી પરથી ઉઠાડી મુકવાનો ઠરાવ પસાર કર્યો. અને એ પ્રમાણે થયું.
જોકે 13મી જૂનના રોજ રાજા લુડવીંગ દ્વિતીય અને જેમની દેખરેખ હેઠળ એમને રાખવામાં આવેલા તે પ્રસિદ્ધ સાઇકિયાટ્રિસ્ટ બર્નહાર્ડ વોન ગુડેન બંને જણ બર્ગ કેસલની બાજુમાં આવેલ લેક સ્ટેર્નબર્ગના છીછરા પાણીમાં ડૂબેલા મળી આવ્યા. કહેવાય છે કે એમના ખૂન કરાયા હતા.”

“રાજા નહોતો ઈચ્છતો કે જાહેર જનતા અહીં મુલાકાતે આવી શકે, પણ એના મરણના થોડાક જ દિવસો પછી પૈસા ખર્ચીને જોવા આવનારાઓ માટે આ કેસલ ખુલ્લો મુકાયો. થોડા વખતમાં તો આનાથી થતી આવક દ્વારા દેવું સરભર થઇ ગયું ને 1914 પહેલાના છેલ્લા વર્ષોમાં આ મહેલ રાજપરિવારનું આવકનું મોટામાં મોટું સ્ત્રોત બની ગયો.
અત્યાર સુધી કુલ 6 કરોડ કરતા વધારે લોકો આની મુલાકાત લઇ ચુક્યા છે. સામાન્ય રીતે રોજના 6 હજાર મુલાકાતીઓ અહીં આવે છે. આપણે એમાંના ચાર છીએ.”
“બીજા વિશ્વ યુદ્ધમાં આને નુકસાન નહોતું થયું?” અમારામાંથી એકે પ્રશ્ન કર્યો. જવાબમાં મેં કહ્યું “ના. બીજા વિશ્વ યુદ્ધમાં આ બે મહેલોને ઊની આંચ પણ નહોતી આવી કારણ કે આ ખૂબ આઘે, વસ્તીથી દૂર એકાંત જગ્યાએ હતા. નાઝી સરકારે યુરોપમાંથી લૂંટેલી વસ્તુઓનો સંગ્રહ કરવા આનો ઉપયોગ કરેલો.
1945માં આ મહેલને એની વસ્તુઓ સાથે ઉડાડી દેવાની એમણે યોજના પણ કરી જોકે એ બર નહિ આવી અમુક કારણોસર. જે સારું જ થયું.”
આ બાજુ મેં કેસલના ઇતિહાસનું સમાપન કર્યું ને પેલી તરફ અમારી કેસલની મુલાકાતનો સમય થઇ ગયો. કેસલ કેવો હતો એ વિષે આપણે જાણીશું આવતા વખતે.
(ક્રમશ:)