જ્યારે તું નથી: સ્મૃતિશેષ સુરેશ દલાલ ~ “આવતા અંક માટે તારી કવિતા હજી મળી નથી!” ~ પન્ના નાયક

આજે સુરેશ નથી. એને ગયે (10.8.2012) અગિયાર વરસ થયાં. મારે માટે – અમારા બધા મિત્રો, સ્વજનો માટે એનું અસ્તિત્વ એવું તો જબ્બર હતું કે ક્યારેય એ ન હોય એવી કલ્પના જ નહોતી થઈ  શકતી.

એના જવાથી અમારા બધાના જીવનમાં એક મોટી ખોટ પડી. કોઈ માણસ હાથ, પગ ગુમાવી બેસે, પછી ભલે એ જીવે, પણ એ જીવતર જેમ અર્ધું લાગે એમ. અમે સુરેશના મિત્રો એના વગર જીવીએ છીએ ખરા, પણ એવું જ, સાવ ખાલીખમ!

અમે બન્ને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાથે, જોકે એ એક વરસ સિનિયર. કવિ, વિવેચક મનસુખલાલ ઝવેરીના અમે શિષ્યો.

મનસુખલાલ ઝવેરી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Mansukhlal Zaveri, Gujarati Sahitya Parishad
મનસુખલાલ ઝવેરી

એકબીજાને ઓળખતા જરૂર, પણ મૈત્રીસંબંધ ત્યારે નહીં કેળવાયેલો. ગુજરાતીના વિષયમાં એમ. એ. કર્યું છતાં કવિતામાં મેં હજી છબછબિયાં નહોતાં કર્યાં. એ થયું અમેરિકામાં અને તે પણ સુરેશના પ્રોત્સાહનથી જ.

એ અમેરિકામાં જયારે પહેલી વાર આવ્યો ત્યારે અમારે ત્યાં ઊતર્યો. પછી તો એનું અમેરિકા આવવાનું લગભગ દર વરસે થતું, એ જયારે આવતો ત્યારે અમારું ઘર એનું ઘર બની જતું.

બે ત્રણ અઠવાડિયાં એનો ઉતારો જરૂર હોય. એ આવે ત્યારે હું રજા લઈ લઉં અને અમે અલકમલકની દિવસરાત વાતો કરીએ, કહોને કે ગપ્પાં મારીએ અને કાવ્યચર્ચા કરીએ.

એ એક પછી એક ચાના કપ ગટગટાવે જાય, અનેક કવિઓની પંક્તિઓ બોલતો જાય અને એક પછી એક સિગરેટ જલાવતો જાય. મને સિગરેટની મોટી સૂગ. હું એની એશ-ટ્રે ખાલી કર્યા કરું અને એને એ ભર્યા કરે!

એ દિવસોમાં હું પણ દર વર્ષે દેશમાં જતી અને મુંબઈમાં મારું જવાનું મુખ્ય પ્રયોજન બા-બાપાજીને મળવાનું. એમને મળી લીધા પછી હું સુરેશની સાથે જ મારો મોટા ભાગનો સમય ગાળું – કાં તો એસએનડીટીની એની ઓફિસમાં, એના કફ પરેડના ફ્લેટમાં અથવા તાજ હોટેલની સી લાઉન્જમાં.

જેવા મળીએ કે અમારા કાવ્યચર્ચા, ગપસપ, ચાપાણી અને ડ્રીન્કસ શરૂ થઇ જાય. મુંબઈનો એ મારો મહિનો ક્યાં જાય તે ખબર જ ન પડે. આજે બા-બાપાજી  નથી, સુરેશ પણ નથી, એટલે જાણે કે મુંબઈ જવાનું મારું કોઈ પ્રયોજન જ નથી રહ્યું.

સુરેશ એની નાદુરસ્તીના પ્રમાણમાં ઘણું જીવ્યો. પાછલાં વર્ષોમાં એ એના વિલ પાવરથી જ જીવ્યો. એની તબિયત કોઈ દિવસ સારી હોય એવું મને યાદ જ નથી. ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, આંખ, કમ્મર, પગ, બ્લડપ્રેશર – આમ કંઈક ને કંઈક એને થયું જ હોય.

એનું શરીર જાણે કે અનેક રોગોનું ધામ હતું. આવું બધું હોવા છતાં અને અમારા બધાની સતત વિનવણી અને ડોક્ટરની ધમકી છતાં, એનું ડ્રીન્કસ લેવાનું ચાલુ રહેતું. સિગરેટ ફૂંકવાનું પણ ચાલુ જ રહેતું, જાણે ચીમની જોઈ લો.

એનું ખાવાપીવાનું પણ સાવ ખોટું અને એટલું જ અનિયમિત અને એને કસરત કેવી ને વાત કેવી! વજન વધતું જાય, અમે બધા કચકચ કર્યા કરીએ અને છતાં એના પેટનું પાણી ન હલે. એ તો એની મેળે જીવ્યા કરે.

એનું જીવવાનું પણ કેવું! જલસો જ જોઈ લો! એને માટે જીવન જાણે કે કોઈ મોટો ઉત્સવ હતો. બસ, મજા કરો. એને સોગિયું મોઢું લઈને ફરતા અને દિવસ રાત કચકચ કરતા લોકો નહોતા ગમતા.

આનંદથી છલકાતા એના જીવનનું રહસ્ય શું હતું? દુનિયામાં બહુ જ ઓછા માણસો જોવા મળે કે જેમને ખબર હોય કે એમને જીવનમાં શું કરવાનું છે, એમના જીવનનું ધ્યેય શું છે? સુરેશ કોલેજમાં હતો ત્યારથી જ એને ખબર હતી કે જિંદગીમાં એને શું કરવાનું છે.

મોટા ભાગના લોકોને ઠેકાણે પડતા અડધી જિંદગી નીકળી જાય. અનેક નોકરી બદલાય, કંઈક કરિયરમાં ગુંચવાય અને છતાં પત્તો ન લાગે. એ સુરેશ નહીં. જાણે કે એણે કવિતા માટે જ જન્મ લીધો હોય એમ એણે આખી જિંદગી કવિતાનું કામ કર્યું.

એ સામાન્ય કુટુંબમાં અને સાધારણ સ્થિતિમાં ઉછરેલો. અનેક શેઠિયાઓ અને પૈસાદારો સાથે એની ગાઢ મૈત્રી છતાં એને પૈસાની બહુ પડી ન હતી.

એની અટક ભલે દલાલ હતી, પણ એણે દલાલી તો કવિતાની જ કરી! વાણિયાનો દીકરો છતાં કવિતા એ ખોટનો ધંધો છે એવું એને ક્યારેય લાગ્યું નથી.

ગુજરાતી કવિતાનું ઘેલું એને બહુ વહેલું લાગ્યું. કોલેજકાળથી જ એણે ગુજરાતી કવિતાના સંપાદનનું કામ શરૂ કરી દીધેલું, “આ વરસની કવિતા” એવા નાના સંગ્રહો દર વરસે પુસ્તિકા રૂપે બહાર પાડતો. કાન્ત, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન – વગેરે કવિઓની કવિતા એ જાણે કે ઘોળીને પી ગયો હતો.

રાજેન્દ્ર શાહના પ્રમુખ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ની કઈ કવિતા કયા પાને અને ડાબી કે જમણી બાજુ છે તે એ સહેજે કહી શકતો!

એમ કહેવાતું કે ન કરે નારાયણ અને કોઈ મહાપ્રલયમાં ગુજરાતી કવિતાના બધા જ સંગ્રહો ધોવાઈ જાય, પણ જ્યાં સુધી સુરેશ જીવતો છે, ત્યાં સુધી વાંધો નહીં, એકલા સુરેશથી જ એ બધી કવિતા જીવી જશે. એવી હતી એની અદ્ભુત યાદશક્તિ અને કવિતાપ્રીતિ.

જન્મભૂમિ જૂથના સંચાલક શાંતિલાલ શાહ જયારે કવિતાનું સામયિક કાઢવાનું વિચારતા હતા ત્યારે એમણે ઉમાશંકર જોશીને પૂછેલું કે કવિતાનું મેગેઝીન ચલાવવાનું અઘરું કામ કોને સોંપવું? ઉમાશંકરે તરત સુરેશનું નામ આપ્યું.

શાંતિલાલ શાહ

ઉમાશંકર જેવા વ્યવહારુ અને વિચક્ષણ કવિમાં માણસને પારખવાની ઊંડી સૂઝ હતી. સુરેશનો અઢળક કવિતાપ્રેમ એ પારખી શક્યા હતાં. એમને ખબર હતી કે જે ખંત અને ઉત્સાહથી સુરેશ એ કામ કરશે તેવું બીજુ કોઈ ભાગ્યે જ કરી શકશે અને એ વાત સાચી પણ પડી.

સુરેશે “કવિતા” સામયિક એકધારું બેંતાલીસ વરસ, એ જીવ્યો ત્યાં સુધી ચલાવ્યું.

જગતભરમાં ભાગ્યે જ કોઈ કવિએ કવિતાના દ્વિમાસિક ચલાવવાનું ભગીરથ કામ આટલા લાંબા સમય સુધી એકહથ્થુ કર્યું હોય, અને તે પણ આટલા ઉત્સાહથી.

“કવિતા” દ્વિમાસિક દ્વારા એણે  ગુજરાતને કેટલા બધા કવિઓ આપ્યા! હું મારી જ વાત કરું તો સુરેશ વગર મારું કવિતા જગતમાં પ્રવેશવાનું શક્ય જ નહોતું.

સુરેશ ગયા પછી જો કોઈ મોટી ખોટ મને સાલતી હોય તો એની સાથે અલકમલકની વાતો કરવાની – કોઈ પણ સંકોચ વગર ગપ્પાં મારવાની, ગપસપ કરવાની અને કાવ્યચર્ચા કરવાની.

લયસ્તરો » સુ.દ. પર્વ

મારો હાઈકુસંગ્રહ એને અર્પણ કરતા મેં લખ્યું હતું: “જેની સાથે જીવન મલકે કાવ્યશાસ્ત્રે વિનોદે!”

એનામાં મનુષ્યસહજ પૂર્વગ્રહો, દુરાગ્રહો, પક્ષાપક્ષી અને ગમા અણગમા જરૂર હતા, પણ  એની વાતો કે વ્યવહારમાં મેં ભાગ્યે જ ડંખ જોયો છે.

ઘણાય ગુજરાતી કવિઓની એને સૂગ હતી, છતાં એ જ કવિઓની કવિતા પણ એણે ખુલ્લા મને વખાણી છે, ભણાવી છે. એટલું જ નહીં પણ એ કવિઓને જયારે કોઈ કટોકટી આવી પડી છે ત્યારે એણે સામે ચાલીને મદદ કરી છે.

માત્ર મિત્રો માટે જ નહી પણ સાહિત્યકારો, ખાસ કરીને કવિઓ માટે એ બધું જ કરી છૂટે, એવી હતી એની સાહિત્યપ્રીતિ, કવિતાપ્રીતિ!

એ મારો પરમ મિત્ર હતો. એની મૈત્રી નિર્વ્યાજ હતી. ગુજરાતી સમાજમાં, સાહિત્યમાં એક સ્ત્રીકવિ હોવું એ જોખમ છે. અનેક પુરુષો તમારી સાથે સંબંધ બાંધવા આતુર હોય.

અમને  સ્ત્રીઓને એક કોઠાસૂઝ હોય છે. જયારે કોઈ પણ પુરુષ, ખાસ કરીને સાહિત્યકાર અમારી નજીક સરે, ત્યારે અમે પળમાં જ પારખી જઈએ કે એનું મન કેટલું મેલું છે!

મારી અને સુરેશની અડધી સદીની મૈત્રીના અનુભવે હું આટલું જરૂર કહી શકું કે મારા પ્રત્યે એની દ્રષ્ટિ ક્યારેય મેલી નહોતી. સાહિત્યમાં જ નહી, પણ જીવનની અનેક બાબતોમાં એણે સદાયે મારું હિત જ જોયું છે.

એ સાચા અર્થમાં મારો હિતેચ્છુ હતો. દેશમાં બેઠો બેઠો સદાય મારી ચિંતા કરતો: હું અહીં અમેરિકામાં એકલી કેમ રહેતી હોઈશ? કેમ જીવતી હોઈશ? આ વાત ઘણી વાર એણે અમારા મુંબઈના મિત્રોને, અરે, જાહેર સભાઓમાં કરી છે.

મારી કવિતાપ્રવૃત્તિ માટે સતત પૂછ્યા કરે. કહે: આવતા અંક માટે તારી કવિતા હજી મળી નથી. ‘કવિતા’ના દરેક અંકમાં મારી કવિતા હોવી જ જોઈએ એવું એ ઈચ્છતો. અને જીવ્યો ત્યાં સુધી મોટે ભાગે દરેક અંકમાં મારી કવિતા આવતી. (આ વાતની નોંધ નરેન્દ્રભાઈ મોદીએ પણ કવિતા 251ના અવસર પ્રસંગે હસતાં હસતાં લીધી છે).

કવિતા 251 – વિમોચન કાર્યક્રમમાં હિન્દી કવિ હસ્તીમલ ‘હસ્તી’, નવીનભાઈ દવે, કુંદન વ્યાસ, મોરારી બાપુ, નરેન્દ્રભાઈ મોદી, સુરેશ દલાલ, મરાઠી કવિ મંગેશ પાડગાંવકર (ભાઈદાસ સભાગૃહ, ૧ જુલાઈ ૨૦૦૯)

એ મને ઘણીવાર કહેતો: કવિતા ક્યારેય અટકાવતી નહીં. પણ એના ગયા પછી કવિતા લખવાનું મન જ નથી થતું. કેમ જાણે મારી કવિતા એના ધક્કાની રાહ જોતી ઊભી હોય! હવે દેશમાંથી કોઈ ટેલિફોન કરીને પૂછતું નથી: આવતા અંક માટે તારી કવિતા હજી મળી નથી!

એ દેશમાં અને હું અમેરિકામાં, છતાં અમે લગભગ રોજ વાતો કરતા. એ ગયો એને આગલે જ દિવસે અમે લાંબી વાત કરેલી. એક વાત સુરેશ ફરી ફરી કહે:

પન્ના, એવું કલ્પી જ ન શકાય કે મીરાંબાઈ હૉસ્પિટલમાં હોય, નાકમાં નળી હોય, ઑક્સિજનનું મશીન ચાલુ હોય!  ના, ના, એ તો ગાતી ગાતી જ જાય.

વળી ઉમેરે, આપણું પણ એવું જ થવાનું! અને થયું પણ એવું જ! અગિયાર વર્ષ પહેલાં જન્માષ્ટમીના સંધ્યાકાળે એ એવી જ રીતે, એની જ રીતે, કહો કે, મીરાંની રીતે જ કૃષ્ણને મળવા ગયો.

એક પુસ્તક એને અર્પણ કરતા મેં લખ્યું છે: “તું મિત્ર મમતાભર્યો, જીવનમાં કવિતાભર્યો!” જીવનમાં આવી નિર્વ્યાજ અને મમતાભરી મૈત્રી મને સુરેશ પાસેથી મળી, એ મારા જીવનનું મોટું સદ્ભાગ્ય હતું. હેતુ વિના હેત કરનાર એ પરમ મિત્રને અને આજે અમારી આગવી મૈત્રી યાદ કરતા મારી આંખ સહેજે ભીની થાય છે.

(નોંધ: કોલેજકાળથી જ અમારી વચ્ચે સુરેશભાઈ અને પન્નાબેન કહેવાનો વ્યવહાર નહોતો. હું એને સુરેશ કહેતી અને એ મને પન્ના. અમે એકબીજાને તુંકારે બોલાવતા.

મારો કાવ્યસંગ્રહ  ‘પ્રવેશ’ પ્રગટ થયો પછી એણે મારો ઇન્ટરવ્યૂ કરવાનો હતો અને પ્રોડ્યૂસરે એને પન્નાબેન કહેવાનું કહ્યું ત્યારે એણે ચોખ્ખી ના પાડી કે એ એવી રીતે ટેવાયેલો નથી અને એમ કરવા જતાં થોથવાઈ જશે. અને એણે એની રીતે જ ઇન્ટરવ્યૂ કર્યો.)

~ પન્ના નાયક

***
સુરેશ દલાલ:  
શરાબ, સિગરેટ, કેફ વધુ કાવ્યનો માણતા,
સદાય જલસો કરો, બધું પ્રમાણતા જાણતા!

~ નટવર ગાંધી
(સુરેશ દલાલના સોનેટ-મિત્ર)

Leave a Reply to Jayshree MerchantCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. પન્નાબેન, આ અર્ટિકલ તમે મોકલ્યો ત્યારે વાંચતાં ગળે ડૂમો ભરાયો હતો અને આજે આ ફોટા સાથે ફરી વાંચતાં રીતસરનાં આંસુ વહ્યાં! તમારા થકી સુરેશભાઈને મળવાનું અને ઓળખવાનું થયું. આ બદલ તમારો આભાર માનવા જેવો ઔપચારિક સંબંધ આપણો હોત તો જરૂર માનત; હું તો બસ, આપને એ માટે દિલથી પ્રણામ કરું છે. સુરેશભાઈ જ્યારે પણ તમારે ત્યાં આવતા ત્યારે ,એકાદવાર પણ કલાકેક મને મળે, એનો સમય તમે અને સુરેશભાઈ જરૂર ફાળવતાં, એ હું આજે પણ ભૂલી નથી. નવા અનેક કવિઓમાં એક હું પણ એમના લીધે “કવિતા”માં મોકો પામી હતી. મારી કવિતાનો અસ્વીકાર કરતી વખતે પણ શું સુધારવાનું છે, એની એકાદ લાઈન તો જરૂર લખતા. તમારે ઘેર જ એક વાત, (કદાચ ૧૯૮૩માં) મારી કવિતાની કમી બતાવતા કહી હતી, જેને મેં આજે પણ ગાંઠે બાંધીને રાખી છે. તેમણે કહ્યું હતું કે, “ખૂબ વાંચજે, મંથન કરજે, શીખજે અને પછી જે અંદરથી આવે એ જ લખજે. કવિતાને પાછી પાછી વાંચીને વિચારજે કે કામ સારું થયું છે કે નહીં. કવિતા પ્રગટ થાય એ મહત્વનું નથી પણ સારી લખાય એ જરૂરી છે. ટાગોર કહેતા હતા એમ, કવિતા લખાયા પછી બાળકને જનમ આપ્યા પછીની અનુભૂતિ થાય તે જ સાચી અને સારી કવિતા.” ઈમેજમાં મારા કાવ્યસંગ્રહો થયા એ સમયે સુરેશભાઈની કમી ખૂબ સાલી હતી. આદરણીય સ્વ. સુરેશભાઈની કમી તમને તથા મારા જેવા અનેકોને તો ખરી જ, પણ સમસ્ત કાવ્યવિશ્વને પડી છે. એ માટે એક જ પંક્તિમાં કહું તો; “એમની કમી પૂરવા માટે આભ પણ નાનું પડ્યું!” સુરેશભાઈને શતશત પ્રણામ.