ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 38) ~ ઉપસંહાર ~ પૂર્વી મોદી મલકાણ

પાક પ્રવાસનાં અંતિમ છોર સુધી આપણે પહોંચી ગયાં છીએ. ત્યારે ઘણીબધી યાદો એક સાથે મનમાં ઉમટી રહી છે.

મારી દૃષ્ટિએ જોતાં પાકનો ઇતિહાસ એ ટુકડામાં વિખરાયેલો છે. એક ટુકડામાં હિન્દુ રાવલ-બ્રાહ્મણ,  પંજાબી, બૌદ્ધ, શીખ, અફઘાન, મુઘલ અને ગ્રીક સંસ્કૃતિનાં ઇતિહાસની ઝલક જોવા મળે છે તો બીજા ટુકડામાં કરોડો વર્ષ પાછળ ખેવરા સોલ્ટ માઇન અને હડપ્પા સંસ્કૃતિનો ઇતિહાસ સમાયેલ છે.

આમ આપણી જેમ પાકની સંસ્કૃતિમાં પણ ઘણી જ વિવિધતા જોવા મળી છે. પણ મારે માટે આ પ્રવાસો ચિરસ્મરણીય રહ્યાં છે અને રહેશે.

આ દેશમાં ભોમિયા બની રખડતી વેળાએ જ મને એવા એવા અનુભવો થયા જેમણે મારે માટે એક નવી દિશાનાં દ્વાર ખોલ્યાં છે. દા.ત. યાદ કરાવું તો પેશાવરના શ્રીમંત શ્રેષ્ઠી શેઠી પરિવારની મુલાકાત વખતે તેમનાં રેશમી બટવામાં સમાયેલ તેમનો પ્રેમ અને આબરૂ (ગંગાથી રાવી ભાગ ૧૭), પેશાવરની નાનભમાંથી મળેલી તંદૂરી રોટી નાનની વાર્તા (ગંગાથી રાવી ભાગ ૧૫), પેશાવરની ટૂરનાં ગાઈડ ઉસ્માનભાઈને ઘેર ઉમરા – હજ કરીને આવેલા તેમનાં સંબંધીઓ પાસેથી આબે ઝમઝમ અને આજવાની ખજૂર મળવી (ગંગાથી રાવી ભાગ ૨૧), લાહોરની હોટેલમાં જે સ્ટાફ મળેલો તે-જેણે ભારતીયો માટે સંદેશો મોકલેલો (ગંગાથી રાવી ભાગ ૧૦) આવા તો કેટકેટલાં પ્રસંગો યાદ કરું?

આ ઉપરાંત આ ત્રણેય પ્રવાસમાં (આજે મિક્સ થયેલ) પણ એક સમયની હિન્દુ, શીખ, ગ્રીક, ઈરાની, અફઘાન, મોંગલ, યુફાજિયા, સ્કીથી, શિનવારી, આફ્રિદી, અંગ્રેજ પ્રજા જે ત્યાં રહેતાં હતાં તેમની નવી પેઢી સાથે મારું મળવાનું થયું તે પણ મારે માટે એક મોટી બાબત હતી. આમાંથી અમુક લોકો એવાયે હતાં જેમનાં પૂર્વજો કોઈક સમયે ભારતમાં રહેતાં હતાં માટે મને મળીને તેમનો ભારત માટેનો અહોભાવ હું તેમનાં ચહેરા પર જોઈ શકી હતી તે બાબત પણ વિશેષ હતી.

ટૂંકમાં કહું તો પાકિસ્તાનનો પ્રવાસ અમારે માટે, મારે માટે અભ્યાસપૂર્ણ રહ્યો. આથી આ અભ્યાસપૂર્ણ રાહમાંથી જતાં જતાં વિચારું છું કે; આપને શું શું કહેવાનું રહી ગયું છે. તો યાદ આવે છે કે; પેશાવર જતી વખતે મરદાન જીલ્લામાં આવેલો તખ્ત બહીનો એ માર્ગ જ્યાં રહેલ ૨૧૦૦ વર્ષ જૂના બૌદ્ધિષ્ઠ ખંડેરોને અમે બહુ નજીકથી જોયેલાં. આ તખ્ત બહીનાં આ બૌદ્ધિષ્ઠ ખંડેરોની ખાસિયત એ હતી કે; આ પહેલું સ્થળ એવું હતું જેની ઈમારતોમાં ગ્રીક્સ આર્ટની ઝલક જોવા મળતી હતી.

આ સ્થળ (તખ્ત-એ-બાહી) બાહી, બહી અને ભઈ એમ ત્રણ લોકલ નામે ઓળખાય છે. જોવાની વાત એ છે કે; બહી, બાહી અને ભઈ આ ત્રણેય શબ્દનો અર્થ જુદો જુદો થાય છે. બહી  એટલે ખત પત્ર જેમાં નોંધ કરવામાં આવે છે. બાહી એટ્લે કે સ્પ્રિંગ વોટર. ભઈ એટલે સોનાનું પાણી. પણ આ ત્રણેયમાંથી સાચો શબ્દ ક્યો તે વિષે પૂછવા જવાનો અમારી પાસે સમય ન હતો તેથી તખ્ત -બહિનાં ખંડેરોને બહારથી બાય-બાય કરી અમે નીકળી ગયેલાં.

બીજી યાદ આવે છે મરદાન જિલ્લાની. મારા મિત્ર એવા ગૂલ રશીદ સલમાનજી પાસેથી જાણેલું કે; કટસરાજની જેમ મરદાન જિલ્લાનો સંબંધ પણ મહાભારત સાથે છે. મહાભારતકાળમાં જ્યાં પાંડવો ગુપ્તવેશે છૂપાયેલાં હતાં તે આ વિરાટનગરી હતી.

આપણાં ઇતિહાસ મુજબ વિરાટનગરી ગુજરાતનાં ધોળકામાં હતી. અગર ગૂલ રશીદજીની વાત માનું તો તે સમયે હસ્તિનાપુર (દિલ્હી)થી લઈ ગાંધાર (કંદહાર) સુધીની આ સમસ્ત જમીન એ હસ્તિનાપુરને આધીન હતી. તેથી કદાચ આ વાતમાં કોઈ સત્ય રહ્યું પણ હોઈ શકે, પણ આજે આ બાબતનું આપણી પાસે કોઈ પ્રમાણ ન હોવાથી આ વાતને સત્ય માનવી કે નહીં તે વાત જે-તે સ્થળનાં લોકો પર આધાર રાખે છે.

આ વિરાટનગર નામ પછી આ નગરનું નામ તાહ્યા અને પછી નૂરબ થયું. મુઘલ બાદશાહ શાહજહાંના સમયમાં આ નામ શહેરનું નામ મરદાન કરાયું જે આજ સુધી ચાલુ છે.

બાદશાહ શાહજહાંએ નૂરબ નગરનું નવું નામ મરદાન કર્યું તે નામ “અલી મરદાન શાહ” ઉપરથી આવ્યું છે. જેઓ એક કૂર્દ સિપાહી હતાં અને ઈરાનની સફાવિદ ડાયનેસ્ટીના શાહ “ડૂડમન રાજાવિદ અબ્બાસ”ની સેવામાં જોડાઇ તેમની કોર્ટમાં (રાજદરબાર) કામ કરતાં હતાં.

રાજકાજ કામોની સાથે અલી મરદાન આર્કિટેક્ટ એન્જિનિયરીંગની કલામાં પણ માહેર હતાં. જ્યારે ઈરાનના શાહે અખંડ ભારત તરફ પગલાં ભર્યા ત્યારે તેઓ તેમની સાથે એક ઓફિસરના રૂત્બાએ ચાલેલા હતાં, પણ એ સમયના સિંધ અને આજના પાક પંજાબ પ્રાંતમાં તેઓએ પગલાં મૂક્યાં ત્યારથી તેમનું ભાગ્ય પલટાઈ ગયું.

ઈરાનથી અફઘાનિસ્તાન અને અંતે પાકમાં આવતી વખતે તેમના આર્કિટેક્ટ એન્જિનિયરીંગના કામમાં ધરખમ ફેરફાર આવ્યો જ. પેશાવરમાં તેઓએ ઈરાની (પર્શિયન) આર્કિટેક્ટ તરીકે સારી નામના મેળવી. આથી તે સમયે પેશાવરમાં રહેલ મુઘલ સુબાએ તેમને બાદશાહ શાહજહાં પાસે મોકલ્યાં.

આ સમય એવો હતો કે જ્યારે મુઘલોએ પણ પર્શિયન (ફારસી) ભાષાને અને કલાને ખૂબ મહત્ત્વ આપેલું. પેશાવરથી આવેલા આ કલાકારને મુઘલ કોર્ટમાં ઘણું કામ અને માન મળ્યું. શહેનશાહ શાહજહાંએ તેમને ભારતમાં મુગલ-પર્શિયન અને યુનાઈ કલાના મિશ્રણ જેવી મુગલ ઇમારતો બનાવવાનો કોંટ્રેક્ટ મળ્યો.

તેમના પર્શિયન કલા ઉપરના જ્ઞાનને જોઈ મુગલ શહેનશાહ શાહજહાંએ તેમને એક લાખ સોનાની -ચાંદીની ટંકાઓ તેમને માટે અને ૨ લાખ રૂપિયા તેમના પરિવાર અને સાથી વર્કર માટે આપ્યાં તથા તેની ટર્બનમાં ક્વિલ પંખીનું પીંછું ખોસી આમીર-અલ-ઉમરાનીનો શિરપાવ આપી પંજાબના (તે સમયે લાહોરના) સૂબા તરીકે તેમની નિમણૂક કરી.

અલી મરદાન શાહનું મૃત્યુ ૧૬૫૭ દિલ્હીમાં થયું ત્યાં સુધી તેઓ પેશાવરથી લઈ દિલ્હી સુધી ઇમારતો બનાવવામાં મગ્ન રહ્યાં. તેમના મૃત્યુ સમયે શાહજહાં બોલી ઉઠ્યો કે; “અલી મરદાનની ખાલી જગ્યા પૂરવામાં હવે ન જાણે કેટલી સદીઓ જતી રહેશે. સમય બદલાશે, ઇમારતો બદલાશે, કલાઓ બદલાશે, માણસો બદલાશે પણ અલી મરદાને જે કાર્ય કર્યું છે તે કાર્ય અને તેવું કાર્ય કોઈ જ માનવ કે યંત્ર પણ નહીં કરી શકે.” (જુઓ તો વાત સાચી જ હતી અને રહેશે. આનો અર્થ એ પણ કરી શકાય કે મુઘલ એરાની ઘણી બધી ઇમારતો અલી મરદાન શાહનાં હાથ નીચે થઈ હશે.)

અલી મરદાનજીની અંતિમ ઈચ્છા મુજબ શાહજહાંએ તેમના પાર્થિવ દેહને લાહોરમાં તેમની માતા પાસે એ ઈમારતમાં સુવડાવ્યાં, જે તેમણે પોતે ૧૬૩૦માં બનાવી હતી.

ત્રીજી વાત કહેવાની એ રહી ગઈ કે; મરદાન જિલ્લાથી પેશાવરને માર્ગે અમે અમુક તૂટેલી રેલવે લાઇન જોયેલી.

પેશાવરમાં ઉસ્માનજી, જેઓ અમારા ગાઈડ બનેલાં તેમની પાસેથી યે અમે જાણેલું કે; કેવળ અમે જોયેલો તે જ વિસ્તાર નહીં, પણ પેશાવર પછી ખૈબર પાસથી છેક લંડી કોતલ સુધી આ પ્રકારની તૂટેલી રેલવે લાઇન જોવા મળે છે.

પાછળથી આનાં કારણમાં મને જાણવા મળેલ કે; ૧૯૦૫માં આ આખા માર્ગમાં મીટર ગેજ રેલ્વે ટ્રેક બનાવવાનું કામ શરૂ કરાયેલું, જે ૧૯૦૭ સુધી કામ થયેલું. ૧૯૦૭ પછી બ્રિટન અને રશિયાની વચ્ચે અસ્થિરતા આવી ગઈ. જેથી કરીને રશિયા બ્રિટનને અટકાવી તેના કાર્યને રૂંધવા લાગ્યું.

૧૯૦૯માં રશિયાથી થાકી જઈ બ્રિટને આ રેલ્વે લાઇન ઉખેડી તેનો ઉપયોગ બીજે કરવા માંડ્યો. અંતે ૧૯૧૨માં રશિયાની દખલગિરી બંધ થઈ તે પછી અંગ્રેજોએ ફરી આ મૂળ લાઇન પર કામ કરવાનું શરૂ કર્યું.

આ સમયે તેમણે પહાડી વિસ્તારમાં કામ કરવાં ઈંગ્લેન્ડથી “વિકટર બેઇલી” નામના એન્જિનિયરને બોલાવ્યો અને તેની દેખરેખ નીચે મરદાનથી લંડી કોતલ સુધીનું કામ ૧૯૪૭ સુધી ચાલ્યું. તે દરમ્યાન બ્રિટિશરોએ ૯૫ બ્રિજ અને ૩૬ ટનલ બનાવેલી. વિભાજન પછી ભારતીયો કે બ્રિટિશરોએ બનાવેલી એકપણ વસ્તુઓ આપણે ત્યાં ન હોવી જોઈએ તેવી વિચારધારા સાથે  પાકિસ્તાનીઓએ  આ રેલવે લાઇનમાં તોડફોડ ચાલુ કરી. ૯૦ના દસકામાં પાકિસ્તાન સરકારે અંગત રસ લઈ આ રેલવે લાઇનને સરખી તો કરાવી પણ તે પહેલાની જેટલી સરખી થઈ ન શકી. અંતે ૨૦૦૬-૦૭માં આ રેલ્વેલાઇનો હંમેશાને માટે બંધ કરી દેવામાં આવી.

હવે આજની દૃષ્ટિએ જોઈએ તો ૧૯૪૭નાં સમયને દાયકાઓ વીતી ગયાં અને આજનાં સમય મુજબ આ બધો ભાગ વિકસિત થઈ જવો જોઈએ, પણ આ બધો જ ભાગ આજેય વિરાનામાં અને અવિકસિત રૂપમાં જોવા મળે છે જે જોઈ પાકિસ્તાનમાં કેટલું ડેવલોપમેન્ટ થયું છે તેનો ખ્યાલ આવી જાય છે.

રેલવે લાઇનનો આ એક વિષય છે તેમ બીજા એક-બે અવલોકનો વિષે ફરી એકવાર જણાવીશ. જેમાંથી પહેલી છે પાકિસ્તાનમાં રહેલ ખંડિત કરાયેલ હિન્દુ – બૌદ્ધ ધર્મની મૂર્તિઓની. પાકિસ્તાનના પશ્ચિમ પ્રાંત અને મધ્ય એશિયામાંથી ગઝની સહિત જે પ્રજાઓ પૂર્વ તરફ આવી તેઓએ જે તોડફોડ કરી તેમાં ઘણી સંસ્કૃતિઓ ખંડિત થઈ ગઈ. ગઝનીની માન્યતા હતી કે; મસ્તક ઉડાડી મૂકો તો તે દેશ, ધર્મ અને સંસ્કૃતિને તોડી નાખી કહેવાય. ગઝનીની આ વાત મને ઘણે અંશે સાચી લાગી. કારણ કે અત્યાર સુધીની મારી બધી જ ટૂરમાં અમે બૌદ્ધ – હિન્દુઓનો જે કશો ઇતિહાસ જોયો તે તમામમાં મૂર્તિઓને મસ્તકથી જ ખંડિત કરવામાં આવેલી.

ગઝનીની આ વાતથી અન્ય બીજી વાત એ ધ્યાનમાં આવી કે ભૂતકાળમાં એવાં બનાવો બન્યાં હતાં જેમાં પાક સૈનિકો આપણાં સૈનિકોના મસ્તક કાપીને લઈ ગયાં હતાં. પાક સૈનિકોની આ ક્રિયા તેઓએ ગઝની પાસેથી લીધેલી હતી. પણ ગઝની હોય કે પાક સૈનિકો તેઓ એ વાત ભૂલી ગયા છે કે યુગો વીતી જાય તોયે ઇતિહાસ, સંસ્કૃતિ કે સભ્યતાનો નાશ થતો નથી તે મુખથી મુખ ફરીને વધુ ને વધુ ઉંમર અને પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે છે.

રહી પાકિસ્તાનમાં રહેલ સંસ્કૃતિની વાત તો પાકિસ્તાન-પંજાબની આ ત્રીજી ટૂર પણ અમને અધૂરી જ લાગી કારણ કે ત્યાં રહેલ સંસ્કૃતિ અને કુદરતનો જે ખજાનો છે તેને હજુ અમે મન ભરીને માણ્યો નથી. પણ તેમ છતાંયે આ દેશ એવોય છે જ્યાં તમે તમારા જાણીતા લોકલ મિત્રો સિવાય અન્ય કોઈ પર ઝડપથી ભરોસો ન મૂકી શકો.

એવું નથી કે ત્યાંના માણસો ખરાબ છે, પણ અતિ ધર્મરૂઢતાને કારણે વિદેશીઓને માટે મુક્ત મને ફરવું એ સંકટની વાત છે. પણ અમારે સારે નસીબે અમને સારા લોકો જ મળ્યાં હતાં જેમની સાથે અમે અમારા પ્રવાસને મન ભરીને માણ્યો હતો. બીજી રીતે જોઈએ તો આ એ દેશ હતો જેને ભારત સાથે બાપે માર્યાની દુશ્મનાવટ છે તો તેમને ત્યાં મહેનમાનગતિ માણતાં જે આનંદ થાય તે આનંદે ય કોઈક જુદી જ યાદ, અનુભવ અને અનુભૂતિ આપી જાય છે.

પાક પ્રવાસ વિષે હું એટલું કહીશ કે, ભારતમાં પાકિસ્તાનીઓ પ્રત્યે જે વિચારશરણી છે તેનાંથી કંઈક અલગ જ વાતાવરણ મને દેખાયું. જેમાં પ્રેમ, આવકાર, ખેલદિલી અને નફરત એમ બધાં જ ભાવ જોવા મળ્યાં.

પાકની ભૂમિ પર ભોમિયો બની રખડપટ્ટી કરતાં કરતાં અનેક જગ્યાએથી અહીંની સંસ્કૃતિ, સભ્યતા, રીતરિવાજ,  ખાણીપીણી, પહેરવેશ, વર્તણૂક, અતીત, ઇતિહાસ, વર્તમાન અને ભૂગોળ નજરમાં આવ્યાં. સાથે સાથે નવા મિત્રો પણ મળ્યાં. ભારતમાંથી પાકિસ્તાન તરફ ઘણાં લોકોએ પ્રવાસ કર્યો હશે ને કરશે, પણ દરેકનું લક્ષ, હેતુ અને વિચાર જુદા જુદા હોય છે. તેથી આશા રાખીએ કે એક દિવસ પાકિસ્તાનનાં દરવાજા ટૂરિસ્ટ માટે ખૂલી જાય અને અત્યાર સુધી અજાણ્યાં રહી ગયેલાં પાકિસ્તાનની ધરતીના કોઈ નવા પાનાં ખોલવાની મને મંજૂરી મળી જાય.

અંતે રહી આપણાં ટાઇટલ ગંગાથી રાવીની વાત તો, ગંગા અને રાવી બંને લોકમાતાઓ છે જેમની ગોદમાં માનવ સંસ્કૃતિઓ ખીલી હતી. તેઓ ભલે અલગ અલગ પ્રાંત, દેશમાંથી વહેતી હોય પણ તેમ છતાંયે તેમની યે ઘણી વાતો છે તો ચાલો નીકળી પડીએ ગંગા ને રાવીને કિનારે લોકગીતો દ્વારા છીપલા વીણવા.

© પૂર્વી મોદી મલકાણ.યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

Leave a Reply to jignaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment