ક્યાંય અને કશામાં મન ન લાગવું ~ કટાર: અલકનંદા (13) ~ અનિલ ચાવડા
જ્યારે તમને કશુંક જોઈતું હોય, ત્યારે તેની પ્રાપ્તિમાં રમમાણ રહો છો. ધારો કે તમે સ્કૂલમાં અભ્યાસ કરો છો અને તમારે સારા માર્ક્સે પાસ થવાનું છે. તમે તમારા ગોલને સિદ્ધ કરવા માટે રાતદાડો મથ્યા કરશો.
અભ્યાસક્રમમાં આવતાં તમામ પુસ્તકો ઝીણવટવપૂર્વક વાંચી નાખશો. તેને લગતા સંદર્ભો પર પણ ચીવટથી નજર નાખી લેશો. શિક્ષકો માર્ગદર્શકો જે કંઈ સૂચનો આપે તેનો બરાબર અમલ કરશો. બધું કરવાની સાથે તમારા લક્ષ્ય પર પણ નજર રાખો છો.
સારી રીતે પરીક્ષા આપીને ઉત્તમ ગુણ સાથે પાસ થવાની ગાંઠ વાળી લીધી છે તમે, એટલે તમને વર્તમાન જીવનમાં મન ન લાગવાનું કોઈ જ કારણ નહીં હોય. જ્યાં સુધી તમે પરીક્ષા ન આપી દો, ત્યાં સુધી તો તમે તમારી મંજિલ સુધી પહોંચવાના રસ્તામાં હશો, રસ્તાના સંઘર્ષમાં એટલા બધા વ્યસ્ત હશો કે કંટાળવાનો પણ તમારી પાસે સમય નહીં હોય.
પછી તમે સારા માર્ક્સે પાસ થઈ જશો. બધા તમારા વખાણ કરશે, તમે એ વખાણથી મનોમન રાજી પણ થશો, તમારી મહેનત રંગ લાવી તેવું આશ્વાસન પણ મેળવશો. પછી સારી કૉલેજમાં એડમીશન મેળવવા પ્રયત્ન કરશો.
વળી બીજો નવો ગોલ નક્કી કરશો, પછી એ ગોલની પાછળ મચ્યા રહેશો. એ પણ સિદ્ધ થઈ જશે, પછી ત્રીજો. સારી નોકરી, સારી છોકરી, સમાજિક પ્રતિષ્ઠા, આર્થિક સદ્ધરતા. આમ ને આમ જિંદગીની અણીએ આવી જશો.
એક દિવસ મૃત્યુ પામશો. જો દરેકનું જીવન આ જ ધરી ઉપર ચાલતું હોત તો ક્યાં કશો વાંધો હતો. પણ પૃથ્વી પરનો દરેક માણસ અલગ છે. કોઈ એક વ્યક્તિનું જીવન બીજી વ્યક્તિ જેવું હોતું નથી. દરેકનો દેખાવ, હાવભાવ, સ્વભાવ, વાણીવર્તન, વિચાર અને વ્યવહારથી અલગ હોય છે. પણ દરેક પોતાના જીવનને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે.
હું સંતની ભાષામાં સુખની શોધ અને પરમ આનંદની શોધ, એવી બધી વાતો નથી કરવા માગતો. પણ બધાને પોતાને રાજી રાખવા હોય છે, એ સીધી વાત છે. જિંદગી એ બસ રાજી રાખવાની અને રહેવાની એક મથામણ સિવાય બીજું કશું નથી.
તમારી પાસે નાની નાની વાતમાં રાજી રહેવાની કળા હશે, તો નિરાશા તમારો વાળ પણ વાંકો નથી કરી શકવાની. પણ એવું દર વખતે નથી થઈ શકતું. તમે કોઈ લક્ષ્ય પૂર્ણ કરવામાં પડ્યા હોવ ત્યારે તમે તેના સંઘર્ષના નશામાં હોવ છો, તો કદાચ તમે થાકી જાવ, હારી જાવ કે એવું કંઈ પણ થઈ શકે, પણ તમારું ક્યાંય મન જ ન લાગે, એવું બનવું મુશ્કેલ છે.
માટે સતત કોઈ ને કોઈ લક્ષ્યમાં રહેવું એ કંટાળો ન આવવાનો સૌથી કારગત ઇલાજ છે. પણ કાયમ એવું નથી થતું. દર વખતે તમે લક્ષ્ય નિર્ધારિત કરીને જ જીવો એવું નથી થઈ શકતું.
મોટા ભાગની જિંદગી લક્ષ્યનિર્ધારણ વિના જ વીતતી હોય છે. વચમાં કોઈ સારી ઘટના ઘટી જાય તો આપણે તેને લક્ષ્યનું નામ આપીએ છીએ અને આગળ જતા એને પામવામાં કેટલી મુશ્કેલી પડી હતી, તેની સંઘર્ષગાથાઓ કહ્યા કરીએ છીએ. પણ લક્ષ્યવિહિન આ સ્થિતિમાં આપણું મન જાણતું હોય છે કે કેટલી ઊંડી નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હતા.
એ સ્થિતિ કોઈને બતાવવામાં ક્યારેક શબ્દો વામણા પડતા હોય છે, ભાષા ટૂંકી પડતી હોય છે. નિરાશાની ખાઈ એવું કહીએ, તો પણ એ ખાઈ શબ્દ સાવ નાનો લાગતો હોય છે, અંદરની વ્યથાને વ્યક્ત કરવા માટે.
ક્યાંય અને કશામાં મન ન લાગવાથી વધારે કરૂણ સ્થિતિ બીજી કઈ હોઈ શકે? તમારી સામે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ રજૂ કરવામાં આવે, તમને સારામાં સારાં કપડાં આપવામાં આવે, ઉત્તમ મિત્રો તમને ડગલે ને પગલે સાથ આપતા હોય. કોઈ વાતની કમી ન હોય, છતાં કોઈ વસ્તુ અંદરથી કોરતી રહે એ શું હોઈ શકે?
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ પણ જ્યારે આનંદ આપતી બંધ થઈ જાય ત્યારે નાની નાની વસ્તુમાંથી આનંદ મેળવવાની વાત તો ક્યાંથી થઈ શકે? એ ઘણા સદભાગી હોય છે, જે એકાદ સેલ્ફી સોશ્યલ મીડિયામાં શેર કરીને દિવસો સુધી આનંદિત રહી શકતા હોય. નાનકડી પેન મળે તોય પરમતત્ત્વને પામી લીધા જેટલી ખુશી થતી હોય એનાથી આનંદિત જગતમાં બીજું કોઈ હોઈ શકે નહીં.
રાજી થવું – ન થવું એ મોટે ભાગે આપણા મન પર નિર્ધારિત હોય છે, એવું બધા કહે છે. પણ મન કોની પર નિર્ધારિત હોય છે? આપણે વિચારીએ તેવું આપણે અનુભવીએ છીએ, પણ કેવું વિચારવું એ આપણા હાથની વાત નથી હોતી. વિચારો, તો દૃશ્યો, ઘટનાઓ, સ્થિતિઓ, સ્મરણો અને ગમે ત્યાંથી ગમે રીતે મનમાં ઊભા થઈ જતા હોય છે.
કોઈ જરાક જરાક વાતે રાજી થઈ જતું હોય તો એની મનોમન મજાક કરવાને બદલે તેની ઈર્ષા કરવી જોઈએ. બધું મળી ગયા પછીના અસંતોષ કરતા જરાક મળ્યા પછીનો રાજીપો વધારે મહત્ત્વનો છે.
નવો ફોન લેવો, તેનો કેમેરા સારો છે તેનાથી રાજી થવું. નવું વાહન વસાવવું, નવા મિત્રો બનવા, નવું કંઈક ક્રિએટીવ કામ કરવું, ફરવા નીકળી જવું, સારું વાંચન કરવું, વાંચનને વહેંચવું, ફિલ્મો જોવા જવું, કારણ વિના મિત્રો સાથે ગપ્પાં મારવાં, આ બધામાં જ્યારે આનંદ મળતો રહે ત્યાં સુધી સમજવું કે તમે હજી જીવો છો.
ગમે તેટલી શ્રેષ્ઠતા તમારી પાસે આવીને પડી હોય અને તમે નિર્લેપ ભાવે રાજીપાનો ‘ર’ પણ ચહેરા પર ન આવવા દો, તો સમજી લેવું કે અંદર કંઈક એટલું બધું ડેમેજ થઈ ગયું છે, કે તે કોઈ ચીજવસ્તુથી કે આશ્વાસનથી રીપેર થઈ શકે તેમ નથી. આવી સ્થિતિમાં માત્ર ને માત્ર જો તમને કોઈ ઉગારી શકે તેમ હોય તે પોતે જ છો.
આવું કેમ થઈ રહ્યું છે તેના કારણમાં જાવ, ઊંડી ડૂબકી મારો, શક્ય છે કોઈ જવાબ મળી જાય.
***