ઘર (લલિત નિબંધ) ~ દિગીશ મહેતા

‘ઘર’નાં વહાલપની પહેલી છાલક અમે દાદાજીની આંખ નીચે ઝીલી, આછી રમૂજભરી ભૂરી એ આંખો પાછળથી, સો વર્ષને આરે, ઝાંખી, લીલી ઝાંય પકડતી જતી હતી. ‘સબાર સંગે’ રહેવાના પહેલા પાઠ એ આંખ નીચે મળ્યા, દાદાજી પાસે.

એમની અને ઇંગ્લેન્ડના રાજા આર્થરની વચ્ચે ઘણું સામ્ય. દાદાજી પણ અચોક્કસ સમયે થઈ ગયેલા એ રાજાની જેમ એક ‘રાઉન્ડ-ટેબલ’ પર બેસતા, અને એની આસપાસ પોતાના પુત્રપૌત્રાદિક નાનામોટા ‘નાઇટ્સ’ ભેગા કરી મજાનું એવું સામ્રાજ્ય ચલાવતા. માઇલો સુધી જાણે છવાયેલાં અમારા સંયુક્ત ઘરના એક વિશાળ ઉપલા ઓરડામાં દાદાજીનો દરબાર. બળબળતા બપોરે પણ આ ઓરડામાં સમી સાંજ જેવી સ્વસ્થતા પથરાઈ રહેતી – એવું સામ્ય, શીળું એમનું વ્યક્તિત્વ. બહાર વીસમી સદીના કપરા વાયરા વીંઝાતા હોય તોપણ તે અહીં ઘડીભર તો સ્તબ્ધ થઈ જતા… એમનો એ ખંડ તો જાણે હારતી જતી ઓગણીસમી સદીનો છેલ્લો મોરચો. 

દાદાજીનું વ્યક્તિત્વ એ ખંડના ખૂણેખૂણામાં ખૂંપી ગયેલું. અને એને – વ્યક્તિત્વને નહિ, ખંડને – ખૂણા પણ અગણિત. એમાં વેરાઈ પડેલી પેલી વિચિત્રતાઓ, જેને અમે જાહેરમાં ફર્નિચર તરીકે ઓળખાવતા. મૂળથી જ અતળ એવો લાગતો એ ઓરડો આથી વધુ અતળ લાગતો. કેન્દ્રમાં ગોઠવેલાં દાદાજીનાં ટેબલ પાસે રહી નજર કરીએ તો દૂર, સીમાડાઓ પર, લગભગ ક્ષિતિજ પર કહીએ તો ચાલે… ત્યાં વળી અનેક બારણાંઓ જેવા અસ્પષ્ટ આકારો ઊપસી આવતા દેખાય. એ રહસ્યભર્યાં બારણાં ક્યાં, કેમ ક્યારે ઊઘડતાં હશે? તે વિશે અમે એટલા બધા વિચારો કરતા ! એ ઓરડાની છત તો એટલી ઊંચી, અને એટલાં કાળાંધોળાંથી ઊભરાતી કે અજાયબી પમાડવામાં અમાસનાં આકાશને પણ આંટી દે – ભવ્ય (Sublime) કહેવી પડે!

આવો આ ઓરડો તો ઇજિપ્તના પિરામિડ જેવા અમારા ઘરની ટોચ માત્ર. ત્યાંથી જેમ નીચે ઊતરતા જાઓ તેમ વધુ ને વધુ ભેદભરી ચીજો જોવા મળતી જાય. કાકાઓ અને કાકીઓ, મામાઓ અને માશીબાઓ, નણંદો અને ભોજાઈઓ, ભાણેજો અને ભત્રીજીઓ – સૂક્ષ્મ તેમજ સ્થૂલ. કૌટુંબિક ‘કટોકટી’ વખતે આમાંથી ચૂંટી કાઢેલા ચુનંદાઓને ઉપર બોલાવાય.

દાદાજીની આ રાઉન્ડ-ટેબલ-કૉન્ફરન્સ તો અમે હજુ ય યાદ કરીએ છીએ. યોજાવાની હોય તેની એકાદ રાત અગાઉથી જ આખા ય ઘરની હવા બદલાઈ જાય. વડીલોની ચાલ અને તેમના ચહેરા એક નવી ગંભીરતા પકડે. અમે રમતાં-રખડતાં જઈ પહોંચીએ કે તરત તેમની વાતોના વિષય વીજળીઝડપે બદલાઈ જાય., દબાયેલા સૂરો ઊઘડી જાય અને અલબત્ત સાથે સાથે જ અમને ત્યાંથી ખસેડવાના ખેલદિલ પ્રયત્નો શરૂ થઈ જાય. થોડીવાર રહી ઝબકીને જાગીએ તો અમે ત્યાં ન હોઈએ કે પછી વિશ્રમ્ભ વાતો કરતા એ વડીલો ત્યાંથી ખસી ગયા હોય… બધું એવું તો મીઠું લાગે! 

અત્યારે પણ શું! કોઈ નવાં ઘરમાં વસવા આવ્યા હોઈએ, તેની સાથે હાલ મિલાવી માંડ બેઠા હોઈએ, ત્યાં તો એ ખોવાયેલા મઘમઘાટનો એકાદ Curl, તેનું એકાદ ગૂંચળું, ક્યાંકથી અચાનક આવી ચઢી એવું વિંટળાઈ વળી, એવા તો બેચેન બનાવી મૂકે… એમ થાય કે ચાલો આ ચકચકાટ, ચોખ્ખો એવો આખો ય વર્તમાન વસવાટ પાછળ મૂકી દઈને ચાલી નીકળીએ, જતા રહીએ, પેલા દાદાજીવાળા ઘરમાં, એમના એ શાંતિભર્યા ખંડમાં.

ડી.એચ.લૉરેન્સને હાથમાં, આંગળીઓ વચ્ચે રહી ગયેલી સિગારેટની આછી ધૂમ્રસેર આમ જ અકળાઈ ગઈ ને? એ Curl જોઈ એને કાંઈ યાદ આવ્યું – પોતાના કોટના કાંઠલા પર રહી ગયેલી એક-બે ધોળી રેખાઓ… મા માંદી હતી અને એને દાદર પરથી નીચે ઉતારતો હતો, ત્યારે માએ ત્યાં – તેને ખભે માથું ટેકવ્યું હશે… ત્યારના ત્યાં રહી ગયેલા એક-બે ધોળા Curls, જે એક પછી એક ઊડી ચાલ્યા… કોઈ પણ ‘નવાં’ ઘરની મુખરેખા – દીવાલમાંની ચિરાડ કે છત પરની કોઈ ભાત, એ પર નજર માંડતાં આવું જ થાય છે. જૂનું ‘ઘર’ યાદ આવે છે.

દરેક મકાનને પોતે કોઈકનું આવું ‘ઘર’ હોવાની ખુમારી – ભલેને ખાનગીમાં પણ હોય છે જ. અત્યારની ગૅરેજ પરની મારી રૂમને ઘણા મિત્રો હસી કાઢે છે. કોઈ કહેશે કે એ તો બંગલાના ડાબા કાન જેવી છે, તો કોઈ કહે કીટલીના કાન જેવી. એમ તો – ફાટેલી ફેલ્ટ જેવી, જૂની ઢબના સિગરામ જેવી, શિકારીના માંચડા જેવી, પિરમની દીવાદાંડી જેવી, બૅસ્ટીલના બૂરજ જેવી… એના માટે ઘણું કહેવાય છે. 

ખૂબીની વાત એ છે કે એના માથે આમ માછલાં ધોવાય છે છતાં પણ મારી એ રૂમ જરા પણ મચક આપતી નથી – નથી એ કરમાતી કે નથી શરમાતી. સાંજે રખડી-રઝળીને પાછો આવું ત્યારે એ તો એની એ જ! મારે મન સરોવરમાં ઊગેલાં કમળ જેવી, વીંટીમાં જડેલા નંગ જેવી, અમૃતભર્યા કટોરા જેવી, અત્તરદાની જેવી… અરે! ન્યુ-યૉર્કમાંની સ્વાતંત્ર્યની પ્રતિમા જેવી.

આપણું ઘર જો સાચુકલું જ ‘ઘર’ હોય તો તેની આ કસોટી : એ આપણને છેહ દેતું કે નિરાશ કરતું નથી; જ્યારે જરૂર પડે ત્યારે હસતું ને હસતું, અણનમનું અણનમ; મારી આ ગૅરેજ પરની રૂમની જેમ આપણને જમીનથી તેના ગમા-અણગમાથી અને તેના વારાફેરાથી બે ઇંચ ઊંચા રાખતું. માટે તો ગૅરેજ પર રહેતા લોકોમાં જુદું જ ગુમાન જોવા મળે છે. કોઈક આંતરિક સત્ત્વને લીધે એ લોકો પેલા યુધિષ્ઠિરની જેમ સામાન્ય સ્તરથી જરા, કેટલાક તો એકાદ માથોડું જેટલા ઊંચા જ રહે છે. એ લોકો જીવનને અમુક ઊંચાઈએથી જ જુએ છે. એમનું દૃષ્ટિબિંદુ જ જુદું હોય છે… ત્યારે હેરાક્લિટ્સ ગૅરેજ પર તો નહિ રહેતો હોય ? એ સિવાય એને સૂઝે જ ક્યાંથી કે આખું ય અસ્તિત્વ એ એક પ્રવાહમાત્ર છે. બધી ફિલસૂફી આખરે તો આવી ‘અંગત કૈફિયત’ જ છે ને ?

ઘેરથી નીકળતી વખત તો કોઈ ભાન નથી હોતું. ત્યારે તો ઘણું ઘણું ખૂંદી વળવાનું, કાંઈક કાંઈક જોઈ નાખવાની ધૂન હોય છે. એમાં ને એમાં આગળ નીકળી જઈએ છીએ, ભૂલા પડીએ છીએ, ખોવાઈ જઈએ છીએ. 

પછી… કાંઈ જડે નહીં, કોઈ જાણીતું લાગે નહીં, બધો પ્રદેશ ભૂખરો, ભારે, જરા ભર્યો ભર્યો લાગે. કારમો થાક ચઢે, આંખ ઝંખવાઈ જાય, અંધારાં ઊતરતાં આવે, એમ થાય કે… હવે ? શું ? અહીં જ પડ્યા રહીએ.

પણ ત્યારે… આ જે પેલું ઘણું ઘણું જોવાનું જીતવાનું હતું તેનો ભારો તો બરોબર બંધાઈ ગયો છે. તેનું શું કરવું ? એ બધું બતાવવું કોને, ધરવું કોને ? જેને માટે આ બધું ભેગું કર્યું, તે તો દૂર રહી ગયાં. તેમનાથી વિખૂટા પડ્યે કેમ ચાલે?…

પછી શરૂ થઈ એ વળતી મુસાફરી. ભાથું ખૂટી ગયું હોય, ભાર વધી ગયો હોય, રાત સરતી આવે, રસ્તો વિકટ થતો જાય. 

અથડાતા, અટવાતા, થાકથી કમકમતા, અનેક અજાણી કેડીઓ કચડતા… આવા પાછા ફરતા મુસાફરો-સૅન્ડબર્ગ કહે છે તેમ માથે પાવડાભર તારા લઈને એ વણઝાર વણથંભી ચાલતી જ રહે છે. 

આમાંના થોડાક પહોંચે છે. શેક્સપિઅર પહોંચ્યો. છેવટે સમજી ગયો કે આંજી નાખતાં આ મહેલ-મહેલાતો, આ આખો ય પ્રપંચ, અરે the great globe itself – આ પૃથ્વીનો પિંડો પોતે… આમ સાચો છે અને છતાંય સપનાં જેવો. કાંઈક પહોંચ્યો લૅન્ડોર. એણે ઝઘડો મૂકી દીધો. જીવનનો શીળો અગ્નિ ઠરતો જતો જોઈ તેણે કહ્યું કે મેં ય માણવાનું માણી લીધું, કલા અને કુદરત જોઈ લીધાં, જાણી લીધાં. હવે… It sinks, and I am ready to depart… પણ આમ પહોંચનારા થોડાક જ હોય છે. મોટાભાગના મરજીવાઓ તો અદૃષ્ટ, અણપ્રીછ્યા જ આથમી જાય છે. શેલી જેવા કોઈકની તો એક-બે કવિતાઓ જ મળી આવે છે – મીઠીની ચૂંદડી જેવી… એમ તો જૂનું વચન છે કે કોઈનો ય ફેરો સાવ ઠાલો નથી જતો. વહેલા-મોડા બધાં ય પહોંચવાના તો ખરા જ.

ગૅરેજ પરની રૂમ જેવી ઊંચી સપાટીએ તો હું હમણાં પહોંચ્યો. તે પહેલાં હું નીચે રહેતો, મિત્રો કહે છે જમીનદોસ્ત હતો. કબૂલ !… મારા એ ઘરને તો બસ નીચે ધરતી ને ઉપર ધાબું. ત્યાંની મારી રૂમની બે પાસે-પાસેની બાજુઓ ખુલ્લી હતી.  ઠંડીમાં કે વરસાદમાં એ બારીઓ બંધ કરી દેવી પડે ત્યારે એવી તો અકળામણ થાય, બહારના એક ઉઝરડાથી આળા બની જઈ, આંખ મીંચી દઈ, અંદરની આંટીઘૂંટીમાં ઊતરી પડીએ ને થાય તેવી. 

બારીઓ તો ખુલ્લી જ સારી. જહાં અંદર જહાં દેખાયા જ કરે. આંખો પોતે જ બે બારીઓ… એ ઝરૂખે બેસી, આર્નોલ્ડના કવિની જેમ, હજારો વર્ષોની ગુસપુસ કાનમાં ગુંજતી લઈ માણસ બહાર જોયા જ કરે, બહારના રંગરાગ નિહાળ્યા જ કરે… એથી આગળ વળી આવી રૂમની બારીઓ. એની બહાર દેખાતું એક-એક દૃશ્ય જાણે કે એક Magic casement – જાદુઈ ઝરૂખો.

આ મારી સામે રોજ હવામાં હીંચતું આસોપાલવ… લીલું, કાળું, ઘેરું, હલકા એવા સુસવાટામાં એના પાંદડાં સહેજ સોડ બદલી એકસરખાં ઊડતાં હોય ત્યારે… તરત જ નાહીને પંખા પાસે વાળ સુકવવા ઊભું હોય તેવું વહાલું લાગે. પોતાની બારીમાંથી રોજ દેખાતાં વૃક્ષને ફ્રૉસ્ટે આમ જ સંબોધ્યું. એ વૃક્ષ પણ હવાઓથી, અથડાતા વાયરાઓથી, હાલી ઊઠે છે, લગભગ ફેંકાઈ જાય છે – અને પોતે પણ. ફેર એટલો કે વૃક્ષ બહારની હવાઓથી, કવિ અંદરની.

ત્રાંસમાં ગોઠવેલા અરીસાઓની જેમ ઘરની બે બારીઓ પણ આમ શતગુણ પડઘા જગાવી જાય.

….અને આપણે ઈશ્વરમાં વસીએ છીએ, તો ઈશ્વર આપણામાં; માછલી દરિયામાં, તો દરિયો માછલીમાં; આપણે ઘરમાં તો ઘર આપણામાં. હમણાં જ પ્રતીતિ થઈ. લાંબા વખતની માયા થયા પછી મારા ગામનું એક ઘર ખાલી કર્યું ત્યારે ખૂબ થયું કે એ ઘર મેં છોડી દીધું ? એટલું જ નહિ, એ ઘરે મને છોડી દીધો ?

હવે કળ વળે છે ત્યારે લાગે છે કે આ આપણા વિયોગ ઉપરછલ્લા જ હોય છે. હજુ પણ મારી જાતના સહેજ નીચલા મજલામાં ઊતરું છું કે એ ચિરપરિચિત સીમાડાઓ – એ દાદર, એ લગો, એ હીંચકાના હૂંફાળા કિચૂડાટ – એ બધું શરૂ થઈ જાય છે.

વ્યક્તિત્વના પાયારૂપ આવું ‘ઘર’ એ આપણું આખરી શરણ. આપણા ખૂણા-ખચકા, આપણી આળાઈ, આપણી આડોડાઈ – એ બધાંયનો બોજો ત્યાં ઉતારી શકીએ, એ બધું ય ત્યાં સમાવી શકીએ.

સમજ, સહાનુભૂતિ, શ્રદ્ધા, લાડ – અણુએ અણુમાં આવી સિમેન્ટ સીંચી સજેલું જેનું આ ભોંયરું સુરક્ષિત તે જ સાચો અમીર. ઉપર ચાલતી બોમ્બવર્ષા એ જ માણસ ઝીલી શકે, ત્યારે જ માણસ ઝીલી શકે. બાકી બહારના રંગબેરંગી બંગલા તો ઘણાને હોય છે.

જેણે આ અંતરતમ ઘર ખોયું તેણે બધું જ ખોયું. ફ્રૉસ્ટે ખોયું. મૅકબેથે ખોયું… માટે તો બાયરને ઑગસ્ટા પાસે આટલું જ માગ્યું – બે જ વરદાન : રઝળવા માટે અફાટ પૃથ્વી, અને રહેવા માટે ‘‘તારી સાથે એક ઘર.’’

માણસ-માત્ર આ જ માગે છે…. સાંજ પડ્યે પાછા ફરવા માટે એક ઘર.

(પુસ્તક: દૂરના એ સૂર) 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. બાળ માટે દાદાનું ઘર જરૂરી હતું અને હવે…”લાગે છે કે આ આપણા વિયોગ ઉપરછલ્લા જ હોય છે. હજુ પણ મારી જાતના સહેજ નીચલા મજલામાં ઊતરું છું કે એ ચિરપરિચિત સીમાડાઓ – એ દાદર, એ લગો, એ હીંચકાના હૂંફાળા કિચૂડાટ – એ બધું શરૂ થઈ જાય છે.”