નટવર ગાંધી (જન્મદિનઃ 4 ઑક્ટોબર) ~ ત્રણ સૉનેટ અને મહત્ત્વની જાહેરાત
આયુષ્યના 83માં વર્ષમાં પ્રવેશ કરનાર અમેરિકાનિવાસી પ્રસિદ્ધ કવિ નટવર ગાંધીને (જન્મ: 4 ઑક્ટોબર, 1940) આખું વોશિંગ્ટન ભરીને શુભેચ્છાઓ અર્પણ…
વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ અને કાવ્યસર્જનમાં પણ તેમણે ઉત્તમ ગુણવત્તાયુક્ત પ્રદાન કર્યું છે. એકમાં ઈકોનોમીને મઠારવાની કપરી જવાબદારી નિભાવી, તો બીજામાં શબ્દોનોમીને ચરિતાર્થ કરવાની સૉનેટી સજ્જતા દર્શાવી. આજે તેમના વિવિધ વિષયવસ્તુ નિરૂપતા ત્રણ સૉનેટ માણીએ.
સાથે એક ટૂંકી નોંધ મૂકી આગોતરો આનંદ વ્યક્ત પણ કરીએ છીએ કે…
ટૂંક સમયમાં તેમની આત્મકથા આપણું આંગણું બ્લોગમાં હપ્તાવાર પ્રગટ થવાની છે.
`મળ્યું જીવન જે, ફળ્યું ન ફળ્યું, ત્યાં જ તેમાં જ, હું.’
***
ત્રણ સૉનેટ
1. પાંસઠમાં જન્મદિને

આવ્યાં ઘણાં રમૂજી કાર્ડ ખુશાલી સાથે,
શુભેચ્છકો તરફથી વળી ફોન આવ્યા,
– જાણે મને ખબર હોય ન કાંઈ તેમ –
કહેતાઃ હવે ઉંમર પાંસઠની થઈ છે,
ના દોડીને જવું હવે કદી ઑફિસે ને
બાકી રહ્યા જીવનમાં બસ મોજ મોજ!
ને કંપની તરફથી વળી ચિઠ્ઠી આવી,
નિવૃત્તિનો સમય પાકી ગયો છે.
ને આયને નજર હું કરું ચોરીછૂપી,
તો અંગ અંગ પર પાંસઠ વર્ષ કેરી,
દેખાય છે અસર સ્પષ્ટ, પડે જ કષ્ટ
જ્યારે ચડું ઉપર, દોડી શકું હવે ના,
કૅલેન્ડરે ઉંમર પાંસઠ જોઉં વાર,
સ્વીકારતું નથી નથી મન કેમ મારું?
2. મુંબઈ

અહીં પ્રથમ જોઈ મેં નગર સંસ્કૃતિ, વિકૃતિ,
થિયેટર, નિયૉન, બાગબગીચા, ઝરૂખા ઊંચા,
મિરાત, મિજબાની, મ્યુઝિયમ, ભવ્ય ગૅલેરી, ઝૂ,
હવાઈઘર રમ્ય, સ્ટેડિયમ, રોડ આસ્ફાલ્ટના,
કિતાબઘર ને મિનાર, વળી વિશ્વવિદ્યાલયો,
ઊંચી ડબલ ડેક, ટ્રામ, ટ્રક, ટ્રેન ઈલેક્ટ્રિક
ખીચોખીચ લઈ જતી ઝડપથી જનો ઑફિસે,
કરું નજર અત્ર તત્ર બસ માણસો, માણસો!
ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી, ઊડયો આભ હું,
મહાનગર આ, ભણે જીવનના અહીં પાઠ હું.
3. ઑસ્કર વાઈલ્ડ

તારે હતું બધું જઃ બુદ્ધિ વિલાસ, વાચા,
તેજસ્વી તું ઉદિયમાન પ્રતાપવાન,
વાતે, કથોપકથને નહિ ક્યાંય જોટો
તારો મળે, ચતુર સૂક્તિ, સુભાષિતે તું.
તું આત્મમોહી, વળી સ્વૈરવિહારી લાલો,
તારે હતું રમવું રાની જનોની સાથે,
ને વિપરીત રીતથી જીવવું પ્રમત્ત,
તોયે હતું ભળવું ભદ્ર સમાજ સાથે.
સૌંદર્યમુગ્ધ, કવિ, સાધક શબ્દનો તું,
તું ઝંખતો નિત નવીન પ્રશંસકોને,
તારે હતું જીવવું જીવન ઠાઠમાઠે,
આડમ્બરે જગ સમક્ષ, જનાન્તિકે ના.
તું તો રમ્યો જીવનનાટક અંક બેમાં,
પ્રારંભ ભવ્ય, કરુણાંત કથિત જેમાં
~ નટવર ગાંધી
natgandhi@yahoo.com
પાંસઠમાં જન્મદિને અભિનંદન
યાદ આવે મુકેશની રચના
પાંસઠ થયા હવે જુદી રીતે જીવી લે,
શાંતિથી સાંભળ અને હોઠ સીવી લે.
બહુ કરી લીધી મનમાની વર્ષો પર્યંત,
મરજી વિરુદ્ધ હવે હામી ભરતા શીખી લે.
વાત મનને મારવાની તો નથી અહિંયા,
નોખી દૃષ્ટિએ જગત જોવાનું કબૂલી લે.
સલાહ ઘરખૂણે ગોપાઈ રહેવાની નથી,
આકાશને આંબવાની જીદ હવે મૂકી દે.
રોમાન્સ તો રક્ત સાથે જ વહે છે ધમનીમાં,
પ્રીત પ્રગટ કરવાની ય રીત નવી શીખી લે.
જોહુકમી તો ક્યારે ય કરી જ નથી તો હવે,
જોહુકમી ચલાવવી નથી એ પણ સમજી લે.
ગઝલ-કવિતા તો સદા ય રચાતી જ રહેશે,
ભક્તિપદ ગાવાનું પણ હવે જરા શીખી લે.
દોડભાગ બહુ કરી ભૌતિક ભોગ માટે ‘મૂકેશ’,
મોક્ષ માટે પણ હવે થોડી પૂંજી ભેગી કરી લે
તેમની આત્મકથા આપણું આંગણું બ્લોગમાં હપ્તાવાર પ્રગટ થવાની છે. . મે આપહેલાં “એક અજાણ્યા ગાંધીની આત્મકથા કથા” જેવા શિર્ષક હેઠળ વાચેલ છે.પ્રેરણાત્મક છે. ફરી ઉપલબ્ધ કરાવવા બદલ
આભાર, બેન. પ્રતિક્ષા છે.