અજીબ પંક્તિયાં હૈ યે ~ કટાર: બિલોરી (૬) ~ ભાવેશ ભટ્ટ

આમ તો આ લેખમાં કોઈ ફિલ્મી ગીત કે ગઝલના આસ્વાદનો કોઈ ઉપક્રમ નથી. વાત ફક્ત અમુક એવી પંક્તિઓની કરવી છે જે એના ખભે કોઈ ઘરના મોભીની જેમ આખી રચનાની જવાબદારી ઊંચકીને ઊભી હોય છે. જે રચના સાંભળતી કે વાંચતી વખતે એ પંક્તિ તમારી અંદર ક્યાંક એની જગ્યા બનાવીને તમારું ગુજરાન ચલાવે છે.

જેની તુલનામાં એ જ રચનામાં કવિ પોતે એના ગજાની બીજી પંક્તિ નથી લખી શક્યો હોતો. આમ તો આવી પંક્તિઓની સંખ્યા પુષ્કળ હશે, પણ અહીં અત્યારે મારા ધ્યાનમાં આવેલી અને મને જે તે રચનાના પ્રાણ સમી લાગેલી પાંચ પંક્તિઓની વાત કરવી છે.

જેમાં પોએટિક હાઇટ્ની સાથે લોકહૃદયને સ્પર્શનાર અને વસનારની વાત છે. એમાં સૌથી પહેલી છે, ‘આ ફિર સે મુજે છોડ કે જાને કે લિયે આ…’ આમ તો આ પંક્તિથી કોઈ કવિતા પ્રેમી અજાણ હોય એવી શક્યતા નથી. એહમદ ફરાઝની ગઝલ ‘રંજીશ હી સહી’ની આ પંક્તિ છે. મહેંદી હસનના અવાજ અને સંગીતથી આ વિશ્વવ્યાપક બનેલી છે.

ફરાઝે અન્ય કવિતા તો ઠીક પણ આ ગઝલમાં આ પંક્તિ સિવાય બાકીની પંક્તિઓ ના લખી હોત, આ એક જ લખી હોત, તો પણ સાહિત્ય અને ચાહકોના હ્રદય સમૃદ્ધ હોત.

‘આ’થી શરૂ થઈને ‘આ’માં પતી જતી આ પંક્તિ વચ્ચે જે વાત મૂકી છે એ પહેલી વાર સાંભળો તો બે દિવસ તાવ આવી જાય એવી છે.

કોઈ એના ચાહવાવાળાને જે એને છોડીને ચાલ્યો ગયો છે એને એમ કહે કે ‘એક વાર ફરી આવ, ભલે પાછો છોડીને જતો રહેજે, વાંધો નથી,પણ ફરી એક વાર આવ.’

દાયકાથી લખાતી અગણિત ગઝલોમાં પ્રેમિકાની બેવફાઈ અને તેના ઇન્તઝાર ઉપર અસંખ્ય શેરો લખાયા છે. પણ જો તે બધા કોઈ અકસ્માતથી નષ્ટ થઈ જાય અને ફરાઝની એક આ પંક્તિ જ બચી જાય તોય ફૂલ ડેમેજ કન્ટ્રોલ થઈ જાય એવી આ પંક્તિ છે.

હસરત જયપુરીએ પણ આ જ જમીન પર એક ગઝલ લખી છે, પણ એ એટલી પ્રચલિત નથી થઈ શકી. બીજી પંક્તિ ‘અનુપમા’ ફિલ્મની ‘યા દિલ કી સુનો’ની છે. કૈફી આઝમીની આ ગઝલમાં આમ તો દરેક પંક્તિ પોતાની ઊંચાઈ ધરાવે છે, પણ મને એમાં જે વિષય અનુરૂપ લાગી એ આ છે. મેં ગમ કો ખુશી કૈસે કહ દુ, જો કેહતે હૈ ઉનકો કેહને દો.’

એક વાર એક કાવ્યપઠનના પ્રોગ્રામના બીજા દિવસે મેં આયોજકને પૂછ્યું હતું કે ‘કાલે ‘પેલા’ સર્વોચ્ચ અને મૂર્ધન્ય કવિએ જે કવિતાઓ રજુ કરી, જેમાં તમે અને બીજા શ્રોતાઓ જે રીતે ઝૂમતા હતા, સાચું કહેજો કે આ જ કવિતાઓ કોઈ નવોદિત ને અજાણ્યા કવિએ રજૂ કરી હોત તો?’

ત્યારે એમણે મને કહ્યું કે ‘તો એની બહુ ટીકા થાત, એને લોકો વચ્ચે અટકાવી પણ દેત, ફરી એને કોઈ કાર્યક્રમમાં પણ બોલાવત નહીં, પણ આમાં આટલું બધું નહીં વિચારવાનું, આ દુનિયા આમ જ ચાલે છે.’

આવી તો બીજી અનેક જુદી જુદી બાબતની ઘટનાઓમાં આ પંક્તિ તમારી અંદર માથું ઊંચકે એવી છે. એમાં પણ તમે જેને તમારાથી વધારે તટસ્થ, ખોટું નહીં ચલાવનાર માનતા હોવ એ અન્ય સમાધાનો કરી ખોટું બોલે કે વરતે ત્યારે વધારે ધક્કો લાગે છે.

ત્રીજી પંક્તિ છે ‘કિસી કે જુલ્મ કી તસ્વીર હૈ મજદૂર કી બસતી’

‘માનવ’ નામના ગીતકારની આ પંક્તિ ક્યાંક વાંચીને આખું ગીત શોધ્યું પણ ના મળ્યું. આ કવિએ કદાચ ફિલ્મોમાં બે ચારથી વધારે ગીતો પણ નથી લખ્યા. એટલું જાણી શકાયું કે આ કદાચ મહેન્દ્ર કપૂરની પહેલી ફિલ્મ ‘મદમસ્ત’નું છે. એનો વિડીઓ મળ્યો પણ અવાજ સ્પષ્ટ ન હોવાથી આખું ગીત ન માણી શકાયું. પણ વાત છતાંયે આ પંક્તિની જ કરવી હતી.

દુનિયામાં ઝૂંપડીઓનું અસ્તિત્વ સનાતન લાગે છે અને શાશ્વત બની રહે એની તડામાર તૈયારીઓ પણ હંમેશા થતી દેખાતી જ હોય છે. સેંકડો લોકોએ ઝૂંપડપટ્ટી અને તેમાં વસનારા ગરીબો વિશે અને તેમની આ દશાના જવાબદારો વિશે ખૂબ લખ્યું છે અને લખતા રહેશે. પણ આ અડસઠ એક વરસ પહેલાં લખાયેલી પંક્તિમાં પછી લખાયેલું બધું જ સાહિત્ય સમાઈ જાય છે. આખો એક ‘અધર્મ ગ્રંથ’ લખાઈ શકે એવી આ પંક્તિ છે.

ચોથી પંક્તિ ગીતકાર જી.એલ રાવલની ફિલ્મ ‘આબરૂ’ના ‘જીન્હે હમ ભૂલના ચાહે’ ગીતની છે.

‘બુરા હો ઇસ મુહબ્બત કા, વો કયું કર યાદ આતે હૈ’

આમાં પણ જાણે કે પંક્તિની શરૂઆતનો અડધો ટુકડો જ આપણી અંદર ખૂંપી જાય છે. જ્યારે પણ કોઈ પ્રણય સંબંધ તૂટે છે ત્યાર બાદનો સમય જે સ્મરણની કાંટાળી જમીન પર ચાલવાનો આવે છે. તે વખતે જે ‘હાય નીકળે છે એ કોના માથે નાખવી એ યોગ્યતા શોધવામાં ઘણા નિષ્ફળ જાય છે. આમાં એ ‘હાય’ સરસ રીતે યોગ્ય માથે નાખવામાં આવી છે. બીજા કોઈનું શું કામ આ મુહબ્બતનું જ નખ્ખોદ જવું જોઈએ ને! આ પંક્તિ સાંભળી હૃદયને થોડી ટાઢક પણ વળે છે.

પાંચમી પંક્તિ ગીતકાર વર્મા મલિકની ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ના ‘હાય હાય યે મજબૂરી’ ગીતની છે.

એક અતિમધ્યમ વર્ગની પ્રેમિકા વરસાદની મોસમમાં એના પ્રેમીને રોકવા આનાથી વિશેષ કઈ ઉપમા આપી શકે. કોઈ મોરેશિયસ કે સિંગાપુરની ટુર, કે ફાઈવ સ્ટારમાં કેન્ડલ ડીનર કે મોંઘાદાટ શોપિંગ કે બીજા તો કોઈ વૈભવ એમને મળ્યા હોતા નથી.

એક વરસાદમાં સાથે નહાવાનો લ્હાવો પણ એક ના પોષાતા પગાર અને કડાકૂટવાળી નોકરીને લીધે છૂટી જાય એ કેમ પાલવે!

કાવ્યશાસ્ત્રીઓના મોઢે ઘણી વાર સાંભળ્યું છે કે ‘કવિ મુખર ન હોય, વાત જાડી રીતે ન કરે, મોઘમ રહી કહે.’

આ બધા સામે કોઈ વાંધો નથી, પણ જ્યારે આ પંક્તિઓ જેવી કવિતા સાંભળીએ કે વાંચીએ ત્યારે પેલી વ્યાખ્યાઓ વામણી લાગવા લાગે છે. જ્યારે હૃદયનો ભાવ એકદમ સાચો, કાવ્યાત્મક, સશક્ત અને નવો હોય. તો પછી શું મુખર, શું જાડાઈ અને શું મોઘમ?

આવી પંક્તિઓ ઘણી વાર એટલા તૃપ્ત કરી દે છે કે એમ થાય કે આ લખનાર કવિઓને આ પંક્તિ માટે જ ‘પદ્મ શ્રી’ આપી દેવો જોઈએ.

બસ તો આવી કૈંક બીજી પંક્તિઓ પણ હશે જે આ વાંચતા તમને ય સૂઝી રહી હશે. ક્યારેક ફરી આવી બીજી પંક્તિઓ સાથે મળીશું જરૂર.

***

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

 1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) says:

  લાજવાબ. પ્રાચીન કાવ્યોના સંગીતના સુરોનો રસાસ્વાદ માણીને અશ્રુભીનો થઈ ગયો.

 2. वह अफ़साना जिसे अंजाम
  तक लाना न हो मुमकिन
  उसे एक खूबसूरत मोड़
  देकर छोड़ना अच्छा

 3. भला हो भावेशजी का जो हमारे दिल  को झंकजोर  कर रख देते हैं । धन्यवाद जयश्रीबहन को भी👌🏿