‘પાયે પેશાવર’ ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – ૧૧ ) ~ પૂર્વી મોદી મલકાણ

કાબુલી દરવાજા પેશાવર ૧૯૧૦ (બ્રિટિશ લાઈબ્રેરી ચિત્ર) 

              

હરપ્પાથી આવ્યાં બાદ અમે અચાનક એક સવારે પેશાવર માટે મન બનાવી નાખ્યું અને તે વાત અમારા મિત્રો પાસે મૂકી. પેશાવરનું નામ સાંભળતા જ તેઓ શોક્ડ થઈ મને કહે; પૂર્વીજી પેશાવર? પેશાવર જાના હૈ ક્યૂં? વહાં મૌત કે માહૌલ મેં ક્યૂં જાના હૈ કહેતાં તેમના મુખ પર ડરનો સાયો ફરી વળ્યો જે જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું.

કારણ પૂછતાં ખબર પડી કે પેશાવરના પઠાણી લોકો ઇસ્લામાબાદવાળા શહેરી લોકોને પસંદ નથી કરતાં. તેમને માટે બીજી વાત એ કે તેઓ જેમને પ્રેમ કરે છે તેમને માટે જાન કુરબાં કરી દે અને દુશ્મની હોય તો રસ્તામાં ઊભા ઊભા જ ચીરી કાઢે.

ત્રીજી વાત એ છે કે પેશાવરના લોકોમાં અફઘાની લોહી પણ મિક્સ થયેલું છે અને તેઓનો ભરોસો ન હોય, ને ચોથી વાત એ કે આસપાસ ફરતાં લોકોમાં તાલિબાનીઓ કોણ છે અને સામાન્ય પશ્તુ નાગરિક કોણ છે તેની ખબર નથી….તેથી સેફ્ટીયે નથી.

અંતે મારો અત્યાધિક ઉત્સાહ જોઈ તેઓ અંતે તૈયાર થઈ ગયાં. પણ મી. મલકાણને છેલ્લી મિનિટે કામ આવી જતાં તેમનું આવવાનું કેન્સલ થયું અને અમારો સંઘ બન્યો ૬ જણાંનો, જેમાં જોડાયાં મી.એન્ડ મિસીસ અફાન જેઓ મૂળે પેશાવરના જ હોય ત્યાંના જાણીતાં હતાં, મી.એન્ડ મિસીસ કારીબ, અમારો ડ્રાઈવર અને હું.

આમ અમારો સંઘ તો તૈયાર થયો પણ હવે વાંધો હતો પહેરવેશનો – મારા ડ્રેસનો. હરપ્પા સુધી તો વાંધો ન આવ્યો, પણ હવે પશ્તુન્ખ્વા પ્રાંત હતો. પશ્તુન્ખ્વા પ્રાંત એટલે જ્યાં જવા માટે પાકિસ્તાનના જ લોકો ડરે છે તેવી ભૂમિમાં મારે એક ભારતીય – અમેરિકન કે પરદેશી ટુરિસ્ટ બની ફરવાનું હતું. આથી પેશાવર પહોંચતાં પહેલાં મારે ખરીદી કરવાની હતી શાલની.

આમ તો શાલનું મૂલ્ય ભલે ઠંડી ઊડાડવાં માટે હોય પણ અત્યારે મારે માટે શાલનું મૂલ્ય અલગ થઈ ગયું હતું. કારણ કે આ લોકો ઇસ્લામાબાદની મોર્ડન પ્રજા કરતાં વધુ જૂનવાણી ગણાય છે તેથી મારે મારી ઓળખ છુપાવવાની હતી આ પશ્તુ-અફઘાન લોકોથી, તાલિબાનીઓથી, ઇસ્લામની વિરુદ્ધ પાશ્ચાત્ય અસરવાળી સ્ત્રીની. ન જાણે કોણ ક્યારે હુમલો કરી દે..

તેથી અમે પેશાવરને રસ્તે પડીએ તે પહેલાં શાલની ખરીદી કરી. પણ શાલ, સાથીઓ, સફર, શાંતિ અને સમય આ પાંચેય વાત અત્યારે તો કેવળ શારીરિક રૂપે હતી, પણ માનસિક રૂપે તો એક અજાણ્યો ડરેય હતો કારણ કે તાલિબાનીઓની કેટલીયે જાણેલી-વાંચેલી વાતો મારા મન-મગજ ઉપર કબ્જો જમાવી રહી હતી.

ગાંધાર સંસ્કૃતિ સાથે જોડતાં આ શહેરનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિનું નામ લેતાં જ આપણને મામા શકુનિ અને માતા ગાંધારીની યાદ આવી જાય છે. પણ મારે માટે એક સમયમાં ગાંધાર સંસ્કૃતિનું મુખ્ય નગર ગણાતાં આજનાં પેશાવરની ટૂરનું કારણ બન્યાં “બ્રિટિશ ઈતિહાસકાર માઈકલ વૂડ” બનેલાં જેમને ક્યારેક મારે મળવાનું થયેલું.

ગાંધાર મહાજન:- 

ગાંધાર સંસ્કૃતિ સાથે જોડતાં આ શહેરનો ઇતિહાસ પણ બહુ રોચક છે. જોકે ગાંધાર સંસ્કૃતિનું નામ લેતાં જ આપણને સૌથી પહેલાં તે સમયના બે અમર પાત્રોની યાદ આવી છે તે છે મામા શકુનિની અને માતા ગાંધારીની.

પ્રાચીન ભારતના ૧૬ મહાજન પદમાં એક ગાંધાર દેશ હતો. ગાંધારનો અર્થ થાય છે “સુગંધ”. આ દેશની વાર્તા રાજા યયાતિથી શરૂ થાય છે. રાજા યયાતિને પુરુ, યદુ, તુર્વસુ, અનુ અને દ્રુહુ નામના પાંચ પુત્રો હતાં. આ પાંચ પુત્રોમાંથી દ્રુહુને આ ગાંધાર દેશની ભૂમિ મળી હોવાથી ગાંધાર દેશના દરેક નરેશને દ્રુહુના વંશજ માનવામાં આવ્યાં છે.

આ દેશના એક રાજાનું નામ હતું “સુબલ”. આ સુબલ રાજાને વિવિધ રાણીઓથી ૧૦૦ દીકરા અને સુબલા અને સુગંધા નામની ૨ દીકરીઓ હતી, જેમાંથી “સુબલા” જે હસ્તિનાપુરની મહારાણી બની પણ રાજકુમારી ગાંધાર દેશમાંથી આવતી હોઈ તે “ગાંધારી” તરીકે પ્રખ્યાત બની.

રાજકુમારી સુબલાના હસ્તિનાપુર આવ્યા બાદ રાજકીય દાવપેચમાં સો રાજકુમારોને અને રાજા સુબલને હસ્તિનાપુરે કેદમાં નાખ્યાં. આ કેદની અવસ્થામાં આ સોએ દીકરાઓ અને રાજા સુબલને લગભગ નહિવત જેવુ ભોજન અપાતું.

મહારાજ સુબલનાં આ સોએ દીકરાઓમાં શકુનિ વધારે ચતુર અને શઠ પ્રવૃતિનો હોઈ સર્વે ભાઈઓ અને તેનાં પિતાએ પોતાનાં ભાગનું ભોજન શકુનિને ખવડાવી જીવંત રાખ્યો જેથી કરીને ભવિષ્યમાં તે હસ્તિનાપુર ઉપર પોતાનો બદલો લઈ શકે. આમ પોતાના વંશનો બદલો લેવા માટે શકુનિ મહાભારતના યુધ્ધનું નિમિત્ત બન્યો.

જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગાંધાર દેશમાં અભિસાર, તક્ષશિલા, અભિશ્રુતિ વગેરે જેવી નાની નાની રિયાસતો હતી. મૌર્ય સામ્રાજ્યમાં ગાંધાર દેશ પૂર્ણ રીતે સમાયેલ હતો. આ દેશનું કેન્દ્ર શહેર “પુરુષપુર” હતું જેનું અસ્તિત્ત્વ ૬૦૦ BC થી ૧૧ મી સદી સુધી રહ્યું.

પેશાવરનો ઇતિહાસ:-  

આજના પાકિસ્તાનનું સૌથી જૂનું શહેર ગણવું હોય તો તે કેવળ પેશાવર છે.

પેશાવર….જ્યારથી આ શહેરનું અસ્તિત્ત્વ આવ્યું ત્યારથી આ શહેર ક્યારેય વિરાન નથી બન્યું. પણ તેની સંસ્કૃતિઓ અને નામ વારંવાર બદલાતા રહ્યાં છે, પણ સાથે કહેવત પણ આવી કે; જેમણે પેશાવર મેળવી લીધું તેમને જન્નત મળી ગયું.

આ જ જન્નતની લાલચે કેવળ મધ્ય એશિયાના શાસકો જ નહીં પણ ગ્રીક, ચીન, અફઘાન અને મોંગોલના શાસકોએ પણ આવીને આ શહેર ઉપર કબ્જો જમાવવા પ્રયત્ન કરેલા અને તેમાં તેઓ સૌ અમુક હદે સફળ પણ થયેલાં.

આ શાસકોએ આ નગર ઉપર કબ્જો કર્યો તેનું એક કારણ એ કહી શકાય કે આ નગર એક સમયે હિંદુસ્તાનમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ ગણાતો હતો. તેથી આ વિદેશી આક્ર્મણોને રોકવા તે સમયે ત્યાં રહેલાં શાહ, સુલતાન, પાદશાહ, સૂબા અને રાજાઓએ અઢળક પ્રયત્ન કર્યા, પણ તેમ છતાં મોંગોલ્સની મિશ્ર જાતિને બાદ કરતાં પશ્ચિમ તરફથી આવેલાં હુમલાની એટલી અસર ન રહી જેટલી પૂર્વ તરફથી આવેલાં હુમલાની. પૂર્વ તરફથી આવેલાં મૌર્ય, બૌદ્ધ, અંગ્રેજ, શીખ વગેરે ધર્મ -જાતિની અસર સૌથી વધુ રહી.  

અગર નગર ઇતિહાસની વાત કરીએ તો આ નગર પણ આપણને હરપ્પાની જેમ રઘુકાળથી લઈ ૫૦૦૦ વર્ષ પાછળ લઈ જાય છે.

એક માન્યતાનુસાર અયોધ્યાનંદન ભરતજીનાં બીજા પુત્ર “પુષ્ય”એ પુષ્યપુર નગરી વસાવેલ, જે અપભ્રંશ થઈ પેશાવરમાં ફેરવાયું. ગ્રીક હિસ્ટોરીયન હોરોડોટ્સના મુજબ ૫૦૦ BCમાં આ શહેરનું નામ “કાસપાપોરસ” હતું. જ્યારે આ સ્થળે શિકાગો ઇન્સ્ટીટ્યુટના આર્કિયોલોજિસ્ટો કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમને પથ્થરમાં કોરાયેલ એક લિપિ મળી આવી જેમાં આ સ્થળનું નામ “પાસકાપોરો” લખાયેલું હતું.

આજની કથા ઇ.સ. બીજી સદી પૂર્વે લઈ જાય છે જ્યાં કહે છે કે; સમ્રાટ કનિષ્કે પુરુષપુર નગર વિકસાવ્યું. ત્યારપછી સમયાંતરે વારંવાર આ શહેરનું નામ કિસાનપુર, પારાસપુર, પરસાપુર, શાહપુર, બાકરામ એમ બદલાતું રહ્યું અને અંતે પેશાવરમાં તબદીલ થયું.

આ નગરે મધ્ય એશિયામાંથી આવતી ગાંધાર કલાને ખૂબ પ્રાધાન્ય આપ્યું. જેથી કરીને ગાંધાર મૂર્તિકલા અને શિલ્પકલામાં આ શહેરે આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત કર્યું. જોકે આ કલા માટે બીજી માન્યતા એ પણ છે કે ગાંધાર કલા એ યુનાની કલા અને ભારતીય કલાના મિશ્રણથી બની છે.

ઇ.સ ૧૦૦૧માં મહેમૂદ ગઝની જ્યારે આ સ્થળ પર આવ્યો ત્યારે પેશાવરના મેદાની વિસ્તારોમાં ચોકી કરતાં ભારતીય રાજા જયપાલ અને રાજા નાવેપાલ સાથે યુદ્ધ  થયેલું.

આ યુદ્ધમાં નાવેપાલનું મૃત્યુ થયાં છી રાજા જયપાલ હારી ગયો. હાર્યા બાદ મહેમૂદ ગઝનીના હાથમાં જીવતાં પકડાઈ નામોશી ધારણ કરવા કરતાં મરીને વીરતા ધારણ કરી સ્વર્ગમાં જવું વધારે સારું એમ માનીને રાજા જયપાલ ખુદની ચિતા સળગાવી તેમાં બળી મર્યો. આ યુદ્ધ પછી પશ્ચિમ પ્રાંતમાંથી ગઝની સાથે લડનારું કોઈ રહ્યું નહીં અને તે ભારતીય ઉપખંડ સુધી સરળતાથી પહોંચી ગયો.

પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ
purvimalkan@yahoo.com

Leave a Reply to Shefali ThanawalaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ખૂબ સરસ આલેખન અને પાકિસ્તાન જેવા દેશ વિશેનો આંખે દેખ્યો અહેવાલ વાંચવાનો લહાવો આપવા બદ્દલ ખૂબ આભાર!

  2. પૂર્વીબેન, તમારું લખાણ બહુ રસપૂર્વક વંચાય છે.
    સરયૂ પરીખ