ટીપ્સી છોકરી (વાર્તા) ~ માના વ્યાસ


ડ્રિન્ક્સનો બીજા રાઉન્ડ લગભગ પૂરો થયો અને તાન્યાની બોસની મિમિક્રી પણ. બધાં એક સાથે હસી પડ્યા અને મસ્તીથી એકસાથે ચિયર્સ કર્યું. વોડકા, વાઈન અને વ્હીસ્કી ગ્લાસમાંથી સ્હેજ છલકાઈને છંટાઈ ગયા.

ડ્રિન્ક પછી સ્હેજ ટીપ્સી થઈ જતી આર્યા હસતી હસતી સ્હેજ મારી તરફ ઝૂકી. એનાં સુંદર રેશમી વાળના સ્પર્શનો નશો મને ચડવા લાગ્યો. અમારા આખા સેશનની આ સૌથી ખૂબસૂરત પળ હું ઘડીભર માણતો રહ્યો. એનું છલકાતું હાસ્ય, કથ્થાઈ  રંગનો ગજબ શેડ ધરાવતી બરાબર કમળની પાંદડીની સાઈઝવાળી આંખો… ઉફ! કદાચ આ જ મારા અહીં હોવાનું કારણ હતું.

તાજ હોટલના રુફટોપ પરથી દેખાતા ઝગમગતા મુંબઈનો નજારો અને બાજુમાં બેઠેલી ટીપ્સી આર્યા… હે ભગવાન, આ સમય થંભી ન શકે?

સોફ્ટવેર સોલ્યુશનની અમારી ટીમ અઠવાડિયાના થકવી અને દિમાગને નીચોવી નાખતા કામ પછી શુક્રવારની સાંજે કોઈ મોંઘીદાટ જગ્યાએ જઈ રિલેક્સ થવાનું રાખતી. ડ્રિન્ક, ડાન્સ અને લાઉડ મ્યુઝિક કોમ્પ્યુટરની બહારની દુનિયાને માણવાના સાધન હતાં.

“બીલ પ્લીઝ… 4000 per head… and 1800 for કથિત.” અમારી અકાઉન્ટન્ટ તાન્યાએ હિસાબ કર્યો.

“આ કથિત પાસે એક્સ્ટ્રા પૈસા લેવા જોઈએ. એણે પીધું નહીં પણ વ્યુ એન્જોય કર્યો છે.”

“એક દિવસ હું તને બળજબરીથી પીવડાવીશ સાલા…” રિતેશ કાયમ મારી સામે ભડકતો.

“નો નો.. કથિત ઇસ અવર ગુડ બોય. કથિત તારે કોઈનું સાંભળવાનું નહીં. તને પોતાને જ્યારે મન થાય અને તને એમાં મજા આવે અને તું પોતાની જાતને સંભાળી શકે તો જ પીવાનું, નહીં તો નહીં.” આર્યાએ જાણે ફતવો બહાર પાડ્યો.

આર્યાની હર વાત સર આંખો પર. ખૂબ મઝા આવી. મેં સાંતાક્રુઝ સુધી જવા ઉબર બુક કરી અને કોઈને રાઈડ જોઈતી હોય તો પૂછ્યું… આર્યા અને રીતેશે હા પાડી. ગાડી આવતા જ રિતેશ પાછળની સીટ પર  બેસી ગયો. આર્યા પણ પાછળ જ બેઠી. હું ડ્રાઈવર સાથે આગળ બેસી ગયો.

થોડીવાર પછી આર્યા બોલી, “રિતેશ પ્લીઝ સીટ કમ્ફર્ટેબલી. ઘણી જગ્યા છે.” રિતેશે સીટ પાછળથી હાથ ઉઠાવી લીધો. મેં પાછળ વળી રિતેશનું ઉતરેલું મોં જોવાનું ટાળ્યું. બે મિનિટ પછી એ ઉતરી ગયો. વરલી આવતા આર્યાએ ડ્રાઈવરને સભાનતાપૂર્વક સૂચના આપી બિલ્ડીંગ નીચે ગાડી લેવડાવી.

“ગુડ બોય. થેન્ક્સ. અને વેઈટ નહી કરતો, હું ઘરે બરાબર પહોંચી જઈશ. ઓકે? ગો.”

છતાં હું ઊભો રહ્યો. દસ મિનિટ પછી ૧૫મા માળની લાઈટ થઈ. મારા ફોનમાં મેસેજ આવ્યો અને મારા ચહેરા પર સ્મિત… “ગો ટુ હેલ.”
***

લાલા... ઓ લાલા…”
મમ્મી… પ્લીઝ તુ મને લાલો ના કે.”
“હા ભાઈ કથિતકુમાર કહીશ બસ! પણ આ રવિવારે તારે સ્મિતાબેનની… પેલા હવેલીમાં રોજ મળે છેને… જે મોટી ગાડીમાં દર્શન કરવા આવે છે, એમની દીકરીને જોવા, ઓહ… ના ના ભઈ મળવા જવાનું છે.”
“ના મમ્મી હું નહીં જાઉં. લાસ્ટ ટાઈમ તેં શોધેલી એ છોકરીએ તો રીતસરનો મારો ઇન્ટરવ્યુ જ લઈ લીધો હતો. દસમામાં કેટલા ટકા આવેલા એવું પહેલી મુલાકાતમાં કોણ પૂછે?”

“ના ના દીકરા આ એવી નથી. હવે હું અને સ્મિતાબેન તો રોજ મળીએ એટલે… કેટલા સુખી લોકો છે, પણ જરાય અભિમાન નહીં. રવિવારે સવારે અમને ગાડીમાં વાશી હવેલીએ દર્શન કરવા લઈ જવાના છે બોલ! દીકરીયે સંસ્કારી છે. ક્યારેય ટૂંકા કપડાં પહેરી પાર્ટીમાં જાય કે ડ્રિન્ક લે એવું કંઈ જ નહીં.”

“એટલે  મમ્મી ડ્રિન્ક લે એ અસંસ્કારી?”
“કેમ, તે દારુ પીને ટલ્લી થવું સારી વાત કહેવાય? એ પણ છોકરી થઈને?” 
“મમ્મી હવે એને સોશિયલ ડ્રિન્કિગ કહેવાય… અને આ છોકરા છોકરીનો ભેદભાવ શા માટે?” 
“હેં.. લે..આ તું પીતો તો નથી ને… જોજે મારા લાલાની સામે નહીં આવતો.. આવા સંસ્કાર.. “

હવે મમ્મીની રેકોર્ડ ચાલુ થઈ ગઈ. પપ્પા છાપું મૂકી મારી પાસે આવ્યા. એ પાછા શેરલોક હોમ્સના ચાહક.
“બેટા, મને વાંધો નથી તને ડ્રિન્ક લેતી છોકરી ગમતી હોય તો.. આઈ એમ ઓકે.”
“અરે પપ્પા, એવું કંઈ નથી.”

હું પપ્પાને સારી રીતે ઓળખું છું. વાત કઢાવવાની આ એમની સ્ટાઈલ હતી. પણ એમને કેમ કહેવું કે આ બધું હજી એકતરફી જ છે. તોય આ ઘરમાં આર્યા મારી પત્ની થઈને ફરતી હોય એવી કલ્પનામાં હું સરી પડ્યો. રવિવારની સાંજે મારે છોકરી જોવા જવું જ પડ્યું. બિચારી સારી હતી. બધી રીતે ઠીકઠાક હતી. તોય મારાથી છેલ્લે પૂછાઈ ગયું, “તમને ડ્રિન્ક લેવુ ગમે?”
***
“You all be ready for team meeting.” બોસ પોતાના કેબિનમાં જતાં કહી ગયા. તાન્યાએ ઘંટી વગાડવાની એકશન કરી એનો મતલબ કે આ ખતરાની ઘંટી છે. ગ્રીન બેલ્ટ અસોસિયેટસના સોફ્ટવેર માટે ફરિયાદ આવી છે.

“આર્યા you are a team leader, please explain.”

બધાં  કોન્ફરન્સ હોલમાં હજી માંડ બેઠા કે બોસે તલવાર મ્યાનમાંથી કાઢી. બોસે પ્રોજેક્ટર પર ઈમેઇલ મૂક્યો. બધાં ધ્યાનથી વાંચવા માંડ્યા. મારી આગળ રિતેશ બેઠો હતો. બધાં ટેન્શનમાં હતાં જ્યારે એની આંગળીઓ એના ઘૂંટણ પર તબલાં વગાડી રહી હતી. રીતેશ એકદમ રિલેક્સ હતો.

આ જોઈ અચાનક મારા દિમાગમાં ઝબકારો થયો. ગ્રીન બેલ્ટનો એકાઉન્ટ રિતેશ લાવ્યો હતો. અને એ દિવસે ટેક્સીમાં આર્યાએ… ઓહ! રિતેશ આર્યાને હેરાન કરી રહ્યો હતો. હવે રિતેશ પોતે જ મદદનો હાથ લંબાવશે. પેલો ક્લાયન્ટ ફરિયાદ પાછી લેશે… ઉફ, ડ્રામાબાજ.

આર્યા તૈયાર નહોતી પણ સંયત હતી. પોતાના લેપટોપ પર એણે ગ્રીન બેલ્ટની ફાઇલ ખોલી. આર્યાએ અત્યાર સુધીની બધી માહિતી આપી, પણ બોસ કંઈ સંતુષ્ટ થતા લાગ્યા નહીં.

મને યાદ આવ્યું કે મારી પાસે એક ટેબલ બનાવેલું હતું જેમાં કંપનીએ અમારા કયા સૂચનો અમલમાં નહોતા મૂક્યા તેની યાદી હતી. આ સૂચનો કંપનીને મોકલ્યા હતા. ટૂંકમાં, આ મારી આગવી રીત હતી કંપનીનો અભિગમ સમજવાની. સ્કૂલમાં તફાવત લખો પરથી મને આવું સૂઝેલું.

મેં આર્યાને એ ટેબલ ફોરવર્ડ કર્યું. બે મિનિટ પછી આર્યા બધાંને સમજાવી શકી કે ગ્રીન બેલ્ટની ક્યાં ભૂલ થતી હતી. અડધા કલાક પછી બોસનું “વેલ ડન આર્યા” મને સંભળાયું. આર્યા એના સ્વભાવ મુજબ એ દિવસે કંઈ ન બોલી. થેન્ક્સ પણ ન કર્યું.
***
થોડા દિવસ પછી આર્યાના ઘરે પૂજામાં જવાનું આમંત્રણ મળ્યું. ગઈ કાલે સાંજે મમ્મીએ ફરીથી પેલી છોકરી માટે “હા કે ના”નો જવાબ માગ્યો. એના આંસુએ સામ દામ દંડ ભેદ જેવું કામ પાર પાડ્યું. છેવટે એ રિસાઈને અબોલા લઈ રુમમાં જતી રહી.

મને પણ લાગ્યું કે આર્યા ઈસ ટુ ગુડ ફોર મી. આ તો ચકોર અને ચાંદ જેવી પ્રેમકથા છે. બી પ્રેક્ટિકલ કથિતકુમાર. હું સાવ વાહિયાત કારણો મારા દિલને આપી રહ્યો હતો. મેં મમ્મીને વોટસએપ પર છોકરી માટે “ok” ટાઇપ કરી send કર્યું ને બીજી મિનિટે આર્યા નિમંત્રણ લઈને આવી.

ના કહેવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. તાન્યાના કહેવા મુજબ આર્યા કોઈને ઘરે બોલાવતી નહીં. એક તરફ આર્યાના ઘરે જવાની તાલાવેલી હતી અને બીજી તરફ એક વ્યવહારુ નિર્ણયરુપે મમ્મીને મોકલાઈ ગયેલો મેસેજ… આ બંને વચ્ચે અનિર્ણીત મન ઝોલા ખાતું રહ્યું.

આર્યાનું ઘર ખૂબ સુંદર હતું. આર્યાને જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. પરંપરાગત વસ્ત્રો આર્યાને શોભતા હતાં. સુંદર વ્હાઈટ, રેડ અને ગોલ્ડ કોમ્બિનેશનના ચૂડીદાર અને ઘટ્ટ વાળને હાફ પોનીમાં બાંધેલા ને કપાળે સાવ નાની બિંદી. બસ સિમ્પલી બ્યુટીફૂલ.

“પાપુ આ કથિત છે… કથિત ગાંધી.” આર્યા પિતાને પાપુ બોલાવતી. હાઉ સ્વીટ!

“હેલો બેટા. નાઈસ ટુ મીટ યુ.”

આર્યા બીજા બધાની ઓળખાણ કરાવવામાં પડી. સરસ માહોલ, ઘર ને ઘરમાંથી દેખાતો દરિયો, મઝાના લોકો… બસ, મારે જીવનમાં આથી વિશેષ કંઈ અપેક્ષા નહોતી.

હું બાલકનીમાં ઊભો ઊભો મારા જીવનના ગમા-અણગમાના તફાવતનું ટેબલ વિચારી રહ્યો હતો. દરિયો અદ્ભુત લાગી રહ્યો હતો. કાશ! આ ક્ષણે મારી સાથે…

મેં નજર ફેરવી બાજુમાં જોયું તો આર્યાના પપ્પા ઊભા હતા.

“આર્યાને પણ દરિયો ખૂબ ગમે છે. ખાસ આ ફ્લેટ લેવાનું કારણ પણ એ જ હતું કે મારી દીકરીને એના રુમમાંથી કાયમ આ  અફાટ જળરાશિ દેખાય. અને અને… એ ખૂબ ખુશ રહે.. કથિત.. શું તું પણ એને મારા જેટલી ખુશી આપી શકશે?”

હું હતપ્રભ થઈ ગયો. કોઈએ પેંડાઓ મારા મોંમા ઠાંસી દીધા હોય એમ હું બાઘાની જેમ થોથવાઈ ગયો. પપ્પાની પાછળ ઊભેલી આર્યાએ મોહક સ્મિત કરીને એક ભમ્મર ઉલાળી. હે ભગવાન મને આ આનંદ, ખુશી અને હર્ષાવેશ સહન કરવાની શક્તિ આપ.

અચાનક “એક્ઝ્ક્યુઝ મી” કહીને હું ત્યાંથી સરક્યો. “આર્યા એક મિનિટ હં. જસ્ટ કમિંગ.”

બંનેને અસમંજસમાં મૂકીને ઘરની બહાર લોબીમાં આવી મેં મમ્મીને ફોન કર્યો. હંમેશની જેમ મમ્મીએ ન ઉપાડ્યો. અરે યાર, મમ્મી ફોન ક્યાં મૂકી દેતી હોય છે. ફરીથી લગાડ્યો. છેલ્લી રીંગમાં મારો જીવ કંઠે આવી ગયો.

“હલોઓઓ.. મમ્મી મમ્મી સાંભળ સાંભળ.. પેલો મેસેજ ફોરવર્ડ નહીં કરતી.. પ્લીઝ.. હં”
“શું? ક્યો મેસેજ? શું બોલે છે લાલા? હા ભઈ હા, કથિત.”

“મમ્મી મેં તને પેલી તારી ફ્રેન્ડ સ્મિતાબેનની છોકરી માટે..”

“હેં! તે મારે એ ફોરવર્ડ કરવાનો હતો? મેં તો નથી કર્યો.”

~ માના વ્યાસ

Leave a Reply to SushmakshethCancel reply

2 Comments

  1. માના વ્યાસની સ રસ વાર્તા ટીપ્સી છોકરી
    ધન્યવાદ