શ્રીમદ્ ભાગવત કથા ~ દ્વિતીય સ્કંધ ~ બીજો અધ્યાય ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધબીજો અધ્યાયપુરુષસંસ્થાવર્ણનભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમમુક્તિ અને સદ્યમુક્તિનું વર્ણન – કુલ શ્લોકો ૩૭
નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના પ્રથમ અધ્યાય, ધ્યાનવિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણનમાં આપે વાંચ્યું કે, શુકદેવજી વિગતવાર આ વિરાટપુરુષનું વર્ણન કરતાં કહે છે કે સર્વે અંગ, વર્ણ, જાતિ, પશુ, પ્રાણી, જીવ-જંતુ, ચર-અચર બધું જ આ એક વિરાટપુરુષના અંગો-પ્રત્યાંગો, વેદના-સંવેદનાઓ, આનંદ-અનુભૂતિ, દ્વૈત-અદ્વૈત અને ચેતના છે. સાચા અર્થમાં આ બ્રહ્માંડ તો એક વિરાટનો હિંડોળો છે. શુકદેવજી પરીક્ષિતને વિરાટપુરુષ, શ્રી ભગવાનના સ્થૂળ શરીરનું વર્ણન અને ધ્યાનવિધિ સમજાવતા કહે છે કે આંખો મીંચીને આ વિરાટની કલ્પના કરી જો. એમાં જો લીન થઈ ગયો તો સઘળી ચેતનાની કુંડલિની જાગૃત થશે જ. જો મુમુક્ષુ મન આ વિરાટમાં જ સ્થિર થાય છે તો પ્રભુના સૂક્ષ્મ પરમતત્વને પામવાનો રસ્તો ખૂલી જાય છે. વિરાટથી માંડીને સૃષ્ટિના નાનામાં નાના અણુમાં પણ ઈશ્વર જ વિચરી રહ્યો છે, એવું એકવાર જો સ્થિતપ્રજ્ઞ મનને સમજાઈ જાય છે તો, જીવ સાથે જોડાયેલાં, મોહ, માયા, ક્રોધ, લોભ, મત્સર, વિલાસ વગેરે વૃત્તિઓ આપમેળે જ ખરી પડે છે.. આમ મોહનિદ્રાથી જાગેલો માનવી પછી પરમાત્માનું દર્શન મનમાં સતત કરતો રહે છે. સત્યતત્વ જગતમાં બસ આ જ છે, આટલું જ છે અને એ છે પરમ આત્મા. આ પરમાત્મા તો આનંદનો અફાટ સાગર છે. એનું જ સતત સ્મરણ અને ભજન કરતાં રહેવું જોઈએ. આમ કરવાથી આસક્તિ રહેતી નથી અને અનાસક્તા; કિમ્ ભય્ઃ? હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય બીજો)

સૂતજી કહે છે શુકદેવજી પરીક્ષિતને મનની શંકાઓ દૂર કરવા આગળ કહે છે કે ધ્યાનવિધિથી તો સ્વયં સૃષ્ટિના સર્જનકર્તા બ્રહ્માજી પણ મુક્ત નથી. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાનનું ધ્યાન ધરવાથી જ બ્રહ્માજીને પ્રલયકાળમાં લોપ પામેલી સૃષ્ટિવિષયક સ્મૃતિ મળી હતી. આ ધ્યાનથી બ્રહ્માજીની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્વયાત્મક બની ગઈ ત્યાર પછી જ તેમણે આ જગતને એવું જ રચ્યું કે જેવું પ્રલયકાળ પહેલાં હતું. આ વસ્તુ એ વાતને સુવિદિત કરે છે કે બ્રહ્માજીને પણ સ્મૃતિદોષમાંથી મુક્તિ પામવા ધ્યાન ધરીને અંતરજ્ઞાન પામવું પડ્યું હતું. આ અંતરજ્ઞાન થકી જ ગત, આગત અને અવગત – ત્રણેયને એના મૂળ સ્વરૂપે જાણી શકાય છે.

સાચા અર્થમાં શબ્દો તો શબ્દબ્રહ્મ કહેવાય છે. શબ્દોના દ્વારા જ તમામ પ્રાણી-પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે. આ સહુ નામ દ્વારા જ જીવ, બુદ્ધિના પ્રયોગ થકી અનેક વસ્તુઓનું ચિંતન કરી શકે છે. ભ્રમિત ચિત્ત અર્થસ્વરૂપ પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવાને બદલે માયામયી આ લોકમાં ભ્રમણ ન કરે એટલા માટે જ્ઞાની પુરુષે આવા નામોની માયાજાળ સમા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર રાખવો કે જેટલું પ્રયોજન હોય. એ પ્રયોજન પણ સત્કર્મો કરવા પ્રેરે એવું હોય એ પણ જરૂરી છે. જ્ઞાનીઓ પોતાની બુદ્ધિ સંસારની અસારતામાં લિપ્ત ન થાય, એ માટે ક્ષણેક્ષણ સાવધાન રહે છે કે જેથી પ્રભુના સ્મરણમાં વિક્ષેપ પડે. આનો અર્થ એટલો જ કે સંસારના પ્રાસંગિક કાર્યો અને કર્મો કરતા સમયે, શબ્દોની મોહજાળમાં ફસાઈ ન જવાય એની સાવધાની રાખવી અને અંતરમાં ભગવાનનું કાયમ ધ્યાન કરતા રહેવું જેથી આત્મતત્વમાં તલ્લીન થવાય. ઈશ્વરનું આ સ્મરણ જ સત્કર્મો અને દુષ્કર્મોના તફાવત વિષે મનુષ્યને સતત જ સજાગ અને સતર્ક રાખે છે, એટલું જ નહીં, પણ ભક્તિભાવથી અને સંપૂર્ણ સમર્પણથી કરેલા ભગવાનના સ્મરણ થકી જન્મ-મરણના ચકરાવામાં નાખનારી અજ્ઞાનમૂલક વાસનાનો નાશ થાય છે. ઈશ્વરના પરમ તત્વનું આત્મામાં નિરૂપણ કરીને કર્મ કરવું એ જ સાચું મનુષ્યત્વ છે.

શૌનકાદિ ઋષિઓ સૂતજીને પૂછે છે કેહે સૂતજી અમને એ જણાવો કે પરમ જ્ઞાની શુકદેવજીએ ઈશ્વરને વિવિધ રૂપે સ્મરણ કરવા વિષે રાજા પરીક્ષિતને તથા કથા સાંભળવા ત્યાં પધારેલા અનેક દેવર્ષિઓ અને રાજર્ષિઓને શું જ્ઞાન આપ્યું?      

સૂતજી કહે હે મુનિઓ, આપે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. કોઈ કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હ્રદયાવકાશમાં વિરાજમાન ભગવાનના પ્રાદેશ-માત્ર સ્વરૂપની ધારણા કરે છે. દા.ત. તેઓ ધ્યાન કરે છે કે ભગવાનને ચાર ભૂજાઓ છે જેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. પણ આ ચારેય ભૂજા અને એમાં રહેલા પદાર્થોનો પણ સૂક્ષ્મ અર્થ છે. આ ચાર ભૂજા છે જીવનને ટકાવી રાખવાના ચાર સ્તંભ. શંખ એટલે શુભ વાણી કે જે આત્માને જાગ્રત રાખે. ચક્ર એટલે સુદર્શન ચક્ર કે જેના નામમાં જ એનો અર્થ અભિપ્રેત થાય છે અને એ છે કે દ્રષ્ટિ સદૈવ ધારદાર ને શુભ રાખવી. એનો અર્થ એ કે અશુભતાને ચક્રવતી છેદીને આત્મામાં શુભતાને જ સદૈવ સ્થાપવી. ગદા, હથિયારનું સાંકેતિક રૂપ છે. એનો અર્થ છે કે, દુર્વ્યવહાર અને દુર્ભાવના આત્માના તત્વમાં પ્રસ્થાપિત થાય એ પહેલાં ગદાથી હણી નાંખવી. અને છેલ્લે પદ્મ, એટલે કે કમળની કોમળતા ને આદ્રતા સમા પ્રેમભાવને આત્મામાં સદૈવ જાગૃત રાખવો. (આગલા અધ્યાયમાં ઈશ્વરના વિરાટ રૂપનું વર્ણન વિગતવાર કર્યું છે જેનું પુનરાવર્તન અહીં નથી કરવામાં આવ્યું)

આમ પ્રભુના વિરાટસ્વરૂપમાં સમાવિષ્ટ, અનેક રૂપોના પ્રત્યેક અંગોનું વર્ણન વાંચતા એટલું ફલિત થાય છે કે સમસ્ત પ્રકૃતિને એમણે સ્થૂળરૂપે શરીર પર અને સૂક્ષ્મરૂપે પોતાની અંદર ધારણ કરી છે. સ્થૂળ સ્વરૂપમાં એમના શરીર પર ચર-અચર, જડ-ચેતન, સઘળાનું શારિરીક તત્ત્વ જ ધારણ કરેલું છે જેમાં હીરા, મોતી, સોનું રૂપું થી ઘડાયેલા અલંકારોનો પણ સમાવેશ થાય છે. કોઈપણ સ્વરુપે ઈશ્વરને જુઓ કે સ્મરો, તો એટલું તો અવશ્ય સમજાય છે કે પ્રભુ પોતે તો સતત ઉલ્લાસ છે, પ્રસન્ન ચિત્ત છે. એમની મૂળ પ્રકૃત્તિ જ એટલે આનંદની અવધિ છે. વિશ્વેશ્વર પ્રભુ દ્રશ્ય નથી, પણ દ્રષ્ટા છે. ભગવાનનું કોઈ પણ સ્થૂલ સ્વરૂપે કે સૂક્ષ્મ સ્વરૂપે ચિંતન કરતાં સમજાય છે કે ચિત્તના ચિંતન થકી દ્રશ્યને (એટલે કે નારાયણના વિવિધ સ્વરૂપોને) અને અદ્રશ્યને (એટલે કે સૂક્ષ્મ સ્વરૂપને) પામવાની યાત્રા એ જ જીવન છે.

સાંભળીને ત્યાં ઉપસ્થિત રહેલા એક મહર્ષિએ શુકદેવજીને પ્રશ્ન પૂછ્યો કે મનુષ્યલોકને છોડતાં પહેલાં શું કરવું જોઈએ? શુકદેવજીના મુખ પર અનુપમ શાંતિ હતી. એમણે કહ્યું, કે, મનુષ્યલોક છોડવા પહેલાં દેશકાળની ભ્રાંતિ છોડવી જોઈએ તો જ ચિત્તને સ્થિરતા મળે છે. સ્થિરતા પ્રાપ્ત થતાં, અવિરત ઈશ્વરનું સ્મરણ થઈ શકે. પછી પરમ શાંતિમય અવસ્થામાં લીન થતાં, આ સ્થિરતાનું આરોપણ સ્થિતપ્રજ્ઞતામાં થાય છે. ત્યાં સત્વ, રજ અને તમોગુણ રહેતાં નથી અને એની સાથે જ અહંકાર, મહત્તા અને અસ્તિત્વનો પણ લોપ થાય છે. એના પછી ન તો મનુષ્યદેહને કે મનુષ્યલોકને છોડવાનો રાગ, વૈરાગ કે મોહ કે અવસાદ કશું જ બાકી રહેતું નથી. એના પછી, સમાધિ અને નિર્વાણની ક્રમબદ્ધ પ્રક્રિયાને અનુસરીને યોગીઓ ક્રમમુક્તિ પામે છે. આ ક્રમમુક્તિમાં શરીરના અવયવોના કાર્યોને યોગનિષ્ઠાથી રોકીને ક્રમાનુસાર પ્રાણનો ત્યાગ કરવામાં આવે છે. આ ચોક્કસ ક્રમની વિધિનું અનુસરણ, યોગનિષ્ઠા વિના કરવું સરળ નથી. જ્ઞાનદ્રષ્ટિથી જેના ચિત્તની વાસના નાશ પામી હોય એવા બ્રહ્મનિષ્ઠ યોગી આ ક્રમમુક્તિ દ્વારા સમાધિ પામવા સમર્થ બને છે.

કેટલાક બ્રહ્મનિષ્ઠ યોગીનું શરીર વાયુ સમાન સૂક્ષ્મ હોય છે. ઉપાસના, તપ, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને અંદર સ્વચ્છંદપણે વિચરવાનો અધિકાર છે. અહીંથી તેઓ બ્રહ્મલોકમાં જાય છે જ્યાં નથી શોક, નથી દુઃખ, કે નથી સુખ, નથી જરા કે નથી મૃત્યુ. આમ સત્યલોક એવા બ્રહ્મલોકમાં પહોંચીને તે યોગી નિર્ભય થઈને, સંસારના સર્વ આવરણોને છેદીને, પોતાના સૂક્ષ્મ શરીરને છોડીને પછી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના પંચમહાભૂતોમાં મળી જાય છે. આમ શરીરના આવરણોમાંથી અનાવરણો સુધીની આનંદમયી શાંતિયાત્રા એ જ છે સદ્યમુક્તિ.

શુકદેવજી પછી આગળ કહે છે કે હે પરીક્ષિત અને ઋષિગણો, મેં તમને તમારા પ્રશ્નોના ઉત્તરમાં વેદોક્ત બે પ્રકારના સનાતન માર્ગો મુક્તિના કહી સંભળાવ્યા છે, ક્રમમુક્તિ અને સદ્યમુક્તિ. આ ઉપાયો અગાઉ ભગવાન વાસુદેવે સ્વમુખે બ્રહ્માજીને કહી સંભળાવ્યા હતા. આ બેઉ ઉપાયોને અજમાવવા પહેલાં મનુષ્યને યોગત્વ પામવું પડે છે.

તો એક સવાલ અહીં થાય કે પૃથ્વીલોકમાં સંસારની મોહમાયામાં ફસાયેલા માનવીઓનું શું? તો હે સહુ ઉત્સુક ઋષિગણો અને મહારાજ પરીક્ષિત, સંસારચક્રમાં પડેલા સામાન્ય કે ખાસ, સર્વ મનુષ્યો માટે, જે સાધન વડે તેને ભગવાન શ્રી હરિની અનન્ય અને પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થાય તે સાધન સિવાય અન્ય કોઈ સાધન, મુક્તિ માટે કલ્યાણકારી નથી. સ્વયં બ્રહ્માજીએ પણ સૃષ્ટિના આદિકાળમાં એકાગ્રચિત્તે તમામ વેદોનું ત્રણ વાર અનુશીલન કરીને, પોતાની બુદ્ધિથી એ જ નિશ્વય કર્યો હતો કે જે પણ સાધન થકી, સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય, એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે, એ જ ધર્મ છે. હે પરીક્ષિત, આ કારણોસર જ મનુષ્યોએ બધા સમયમાં અને બધી જ સ્થિતિઓમાં, સંપૂર્ણ શક્તિથી, ચિત્તમાં શ્રી હરિની લીલાઓનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરતાં રહેવું જોઈએ. અધિકતમ કળિયુગમાં આ એક જ અકસીર ઉપાય છે કે જેના દ્વારા મનસા, વાચા, કર્મણા શુદ્ધ થઈને, આ લોક છોડીને દેવલોકમાં ભગવાન શ્રી હરિના ચરણકમળોનું સાંનિધ્ય પ્રાપ્ત કરી શકાય છે.         

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો બીજો અધ્યાય –“પુરુષસંસ્થાવર્ણનસમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચારબીજ

૧. સદ્યમુક્તિ અને ક્રમમુક્તિ દ્વારા અહીં યોગવિદ્યાના શાસ્ત્રનો મહિમા થયો છે. યોગ સાથે શરીરવિજ્ઞાનનો પણ અહીં ઉલ્લેખ મળે છે. ક્રમમુક્તિમાં જે ક્રમમાં શરીરનો ત્યાગ કરવામાં આવે છે બરાબર એ જ ક્રમમાં સામાન્ય માનવીના અંગો પોતાના કાર્યો ત્યજે છે.

Leave a Reply to Jayshree MerchantCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનો દ્વિતીય સ્કંધ – બીજો અધ્યાય – પુરુષસંસ્થાવર્ણન – ભગવાનનાં સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમમુક્તિ અને સદ્યમુક્તિનું સરળ વર્ણન
    ‘મનુષ્યોએ બધા સમયમાં અને બધી જ સ્થિતિઓમાં, સંપૂર્ણ શક્તિથી, ચિત્તમાં શ્રી હરિની લીલાઓનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરતાં રહેવું જોઈએ. અધિકતમ કળિયુગમાં આ એક જ અકસીર ઉપાય છે ‘ આટલુ સમજાય અને અમલમા મુકાય તો ધન્ય ધન્ય

  2. “દુર્વ્યવહાર અને દુર્ભાવના આત્માના તત્વમાં પ્રસ્થાપિત થાય એ પહેલાં ગદાથી હણી નાંખવી. અને છેલ્લે પદ્મ, એટલે કે કમળની કોમળતા ને આદ્રતા સમા પ્રેમભાવને આત્મામાં સદૈવ જાગૃત રાખવો.” આપણા મનની શાંતિ માટે આવી જાગૃતિ બહુ જરૂરી છે. સરસ વાત.
    સરયૂ પરીખ.