પન્નાને: જન્મદિને (સોનેટ) ~ ડિસેમ્બર 28, 2025 ~ નટવર ગાંધી

પન્નાને–જન્મદિને, ડિસેમ્બર 28, 2025
(મંદાક્રાન્તા)

તારે મોઢે પુનરપિ પુન: એકની એક વાત
જાણું, સુણું: “વય વરસ નેવુથી ઝાઝેરી થૈ છે.
ઝાઝું જીવી, ઘણું અનુભવ્યું, સુખ ને દુઃખ ઝાઝું,
તોયે એની નથી નથી કરી મેં ફરિયાદ ઝાઝી.
જુઓ, જુઓ સ્વજન જ ગયાં કૈં દઈ હાથતાળી
બા, બાપાજી, વડીલ જન સૌ, પાંચ ભાઈ, બહેનો
નાના મોટા, ફટ ફટ પડ્યા, હું રહી એક બાકી.
ઠેકાણે છે સુધબુધ બધું ત્યાં સુધીમાં જવું છે,
થાકી છું હું, બસ બહુ થયું. નાથ હે મુક્તિ આપ.
સૂતા ભેગી બસ સરી પડું ચિર નિદ્રા મહીં હું.”

“વ્હેલી મોડી સફર સહુની પુરી થાશે અવશ્ય,
એ હું જાણું, જવું જ જવું છે તો ભલે તું સિધાવે,
જીવી ઝાઝું જીવતર રૂડું, ધન્ય ને સુખદાયી,
તારા વિના જીવન જીરવાશે નહીં એય જાણું.”

~  નટવર ગાંધી 

પન્નાબહેનને દર વર્ષગાંઠે સોનેટ લખીને આપવાની પ્રથા આ વરસે પણ શ્રી નટવરભાઈએ પાળીને એટલું સુંદર સોનેટ ભેટ આપ્યું છે કે વાંચનારની આંખો પણ છલકાઈ જાય!

સોનેટ અઘરો કાવ્ય પ્રકાર છે. કદાચ સહેજ Formal પણ કહી શકાય, કારણ કે સોનેટને માણવા માટે ભણવું પડે, એટલે કે ધ્યાનથી વાંચીને આત્મસાત કરવું પડે. પણ આ સોનેટના દરેક શબ્દમાં આટલાં વર્ષોના સાયુજ્યની સમજણ અને સ્નેહનું અનોખું સંમિશ્રણ મળે છે, જે વાંચનારની આંખોથી સહજપણે હ્રદયમાં ઊતરી જાય છે.

અહીં ક્યાંયે શબ્દો પર અર્થોની બોજો નાખવાનો સ્હેજે પ્રયાસ તો નથી થયો, પણ અર્થ એની મેળે ઘીમાં શેકાતા રવાની સોડમ જેમ સોનેટમાં સમાઈ જાય છે. આ જ કારણથી આ સોનેટ માણતાં માણતાં ભણાય એવું બન્યું છે.

અલંકારના વાઘા પહેરાવ્યા વિના, એકમેકના સંવાદમાં રોજબરોજની વાતોમાં પડઘાતો ઉંમરનો તકાજો અને સમય સાથે સતત સરવાળે વધતો જતો સ્નેહ, આ બેઉનો સમન્વય કરીને કવિને જે કહેવું છે તે લાગણીઓની આંગળી પકડીને સરળતાથી કહી જાય છે. આ કારણે આ સોનેટ હ્રદયંગમ બન્યું છે.

અનંતની સફરે જનાર તો જતા રહે પણ પાછળ જે રહી જાય છે એનું શું? એણે તો સ્મરણોને સહારે, મુઠ્ઠીમાંથી સમયની સિક્તાનું છેલ્લું કણ સરી ન જાય ત્યાં સુધી, આ વસમો વિયોગ વેઠવાનો છે. પણ એનું દુઃખ કરવાને બદલે જે સાથે સુખના આટલા સુંદર વર્ષો જીવી ગયા એનો ઉત્સવ પણ માણવાનો છે.

જે અનંતની સફરે જતાં રહ્યાં છે, એની કમી તો રહી જશે જીવનમાં, પણ જ્યાં સુધી અનંતની પેલે કિનારે મળીએ નહીં ત્યાં સુધી જીરવવી તો પડશે જ, એનો અંતરમાં અહેસાસ પણ છે.

અહીં જીવનની ક્ષણભંગુરતાનો સ્વીકાર છે, અરસપરસની સમજણ છે અને સાથે સ્નેહના તાંતણે ગુંથાયેલું સાયુજ્ય પણ છે.

આ બધું મળ્યું એનો આભાર પણ માનવો છે અને સાથે જ્યારે પણ સાથ છૂટવાનો હોય તો એને માટે સ્વયંને તૈયાર પણ કરવાનું કામ કરવાનું છે. સાથ છૂટવાની ક્ષણ ભલેને, આયખાનાં છેલ્લા પડાવનાં બારણાં પાછળથી છાનું ડોકિયું કરતી ઊભી રહે, એનાથી ડરવું શું?

આજમાં એનો સ્વીકાર કરીને, સાથે હોઈએ ત્યાં સુધી ઉલ્લાસ કરતા રહેવાનું ઈજન પણઅધ્યાહારમાં અપાયું છે અને આ જ છે આ દંપતીના જીવનનું નવનીત!

પન્નાબહેન, તમને જન્મદિનની મબલખ શુભેચ્છાઓ અને શતશત પ્રણામ. ~ જયશ્રી વિનુ મરચંટ

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ખુશી-વિષાદના મિશ્ર ભાવોને અનુરૂપ મંદાક્રાંતા છંદમાં રચેલ આ સોનેટ, સંવાદરૂપે વાસ્તવિકતાની સાથે સાથે સુંદર ઐક્યભાવ પ્રગટ કરે છે. મને ખૂબ ગમી ગયેલ પંક્તિ “સૂતા ભેગી બસ સરી પડું ચીર નિદ્રા મહીં હું.”
    અને અલબત્ત, સોનેટના હાર્દરૂપ છેલ્લી પંક્તિ પણ ખૂબ જ સરસ.
    “જીવી ઝાઝું જીવતર રૂડું, ધન્ય ને સુખદાયી,
    તારા વિના જીવન જીરવાશે નહીં એ ય જાણું.”
    વંદન સહ,
    દેવિકા ધ્રુવ