પન્ના નાયક જન્મદિન નિમિત્તે વિશેષ લેખ ~ “મને મંજૂર નથી” ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય
(ગયા વર્ષે પન્ના નાયકના જન્મદિને મધુ રાયે દિવ્ય ભાસ્કર માટે લખેલો લેખ સાભાર)
ભાઈઓ તથા બહેનો: આપણે ૨૮મી ડિસેમ્બરે જેમનો એકાણુંમો જન્મદિવસ ઉજવીએ છીએ તે સોનેરી સાડીમાં નટવર ગાંધીની સોડમાં નેવું વરસનાં ગુજરાતી મહિલાના લિબાસમાં બેઠેલાં આ રહસ્યમય વ્યક્તિ હૂ ઇઝ શી?

ખરેખર તો નક્સલનાં જંગલોમાં કાળો કેર મચાવનાર ક્રાન્તિકારી કનુ સાન્યાલ છે, યા તો સુખડનાં જંગલોમાં વેશપલટો કરી નાસતા રહેતા ક્રાન્તિકારી વિલ્લુપિલ્લૈ પ્રભાકરન છે, અથવા બીજા ગ્રહમાંથી પૃથ્વી ઉપર આવેલાં શ્શ્શ્શ્શ્શશ કોઈ ક્રાન્તિકારી દેવદૂત છે! સાબિતી?
પૃથ્વી ઉપરના સાચેસાચાં મા–ણ–સો–ને બેંતાલિસ વર્ષે ચશ્માં આવે છે ને સમજો કે બોંતેર વર્ષે ચોકઠું. પન્નાબેનનાં નેવું વર્ષે પણ બધાં જ અંગ સાજાંસમાં છે ને એરોપ્લેનના એન્જનની જેમ ધમધમાટ ફંક્શનલ છે!

વધુ સાબિતી? આ બહેનનું અસલી નામ “મોદી” હતું, એટલામાં તમે સમજી જાઓ. મોદી હતું. ને સાબિતી નંબર બે, આમ નારી ઉત્થાનની ભીષણ કવિતાઓ લખનારે અહિંસક દેખાવા ગાંધીનો આશ્રય અપનાવ્યો છે. તો ગુજરાતનાં ગામડાંઓમાં કોઈ બી કન્યા છાત્રાલય કે અનાથાશ્રમ બાજુથી પસાર થાઓ તો તેની માટીની ભીંત ઉપર પન્ના નાયકની કવિતા, “કોઈની બુદ્ધિના પાંજરામાં કેદ રહેવાનું મને મંજૂર નથી!” ચીતરેલી જોશો.
કેમ કોઈ ભીંત ઉપર શાંતાકારમ્ ભુજંગયશમ્ શ્લોક નથી? કે ઉમાશંકરનું કાવ્ય ભોમિયા વિના મારે ભમવાતા ડૂંગરા નથી? કે તે ભીંતો ઉપર પાનાંનાં પાનાં ભરાય એટલી કોરી જગ્યા હોવા છતાં કોઈ વાર્તાકારની વાર્તા નથી? તે બધી આ મોદી/ગાંધીની હિકમત, ગુ–પ્ત પ્ર–ચા–ર!
પન્નાબહેન ગુજરાતી છે, સાહિત્યનાં કવયિત્રી છે, અમેરિકામાં કાયમી નિવાસ છે એમનો. અને રવિશંકર ધ ગ્રેટ બેન્ગોલી હતા, મ્યૂઝિશિયન હતા.
જગતભરમાં એમનો ડંકો વાગતો. ને ભારતમાં એમનો કાયમી નિવાસ હતો, તે રવિશંકર જ્યારે અમેરિકા આવતા, ત્યારે પોતાના પ્રોગ્રામો બ્રોગ્રામો સંકેલી છેલ્લે એક આંટો ક્યાં મારતા, ખબર છે?
ટેન, લાઇકેન લેઇન, ફિલાડેલ્ફિયા! ફિલાડેફિયા? વ્હાય? હાઉ? વ્હાય બિકોઝ ટેન લાઇકેન લેનમાં તેમનાં મિત્ર પન્ના નાયક રહે છે. રવિશંકરને અને પન્ના મોદીનાયકગાંધીને સારાસારી હતી.

પ્લસ, ઇ.સ. ૨૦૦૦માં જન્મેલ કોઈ ગુજરાતી કિશોરીને તમે પૂછો કે “રવિશંકરનું નામ તમે સાંભળ્યું છે?” તો તે બાઘાની જેમ તમને જોઈ રહેશે. ભમ્મર સંકોચીને પૂછશે, “રાવિ હૂ?” અને તમે તેને પૂછો કે “બે અઢિયાં કેટલાં થાય” તો કહેશે “વોટ ઇઝ અઢી?”
તેને ગુજરાતી વાંચતા નથી આવડતું. પરંતુ તેને પૂછો કે તેં પન્ના નાયકનું નામ સાંભળ્યું છે? તો સ્વયંચાલિત પરીની જેમ તે બોલવા માંડશે, “કોઈની બુદ્ધિના પાંજરામાં… માય ફેવરિટ પોએમ!”
ફાઇન! તમે અમેરિકન ફિલ્મ એક્ટર કાલ પેનનું નામ તો સાંભળ્યું જ હશે, તે ન્યુ જર્સીના મોન્ટક્લેર ગામનો આપણા સુરેશભઈ મોદી ને અસ્મિતાબેનનો બાબો વડોદરાનો ગુજરાતી છે ને તે બાબાનું અસલી નામ છે કલ્પેન, અને જે પ્રોફેશનલી કાલ પેન નામે ઓળખાય છે, ને અલબત્ત પન્નાબહેન સાથે તે ફેમિલીને ઘરોબો છે.

તમને ફિલ્મોનો ઇશ્ક હોય ને થાય કે કાલ પેનની ભલામણથી તમને એકાદ રોલ–બોલ મળી જાય કોઈ ફિલમમાં તો કેવી મજા! ને તમે પન્નાઆન્ટીને ડરતાં ડરતાં કહો કે જરાક ઓળખાણ કરાવો. પણ પન્નાઆન્ટી એમનાં દાંત ફેલાવી હસ્યા કરે છે, ન કહે હા કે ન કહે ના. જાણે મોઘમ સૂચવતાં હોય કે લ્યા ગગના, તૂ કાંઈ રવિશંકર ન્હોય!
અને અમદાવાથી અમે હસ્તે પોતે ગગનવાલા એક વાર્તામાસિક ચલાવીએ છીએ, અને વારેતહેવારે અમુક ટોકન વિષયને લઈને તે તે વિષયના અમુક જાણકાર કે જાણભેદુ પાસે તેના વિશેષાંકો બહાર પાડીએ છીએ.

અમે હજાર મનુહાર કીધેલા છે પન્નાઆન્ટીને કે એકાદ અંકનું સાંપદન કરી આપો, પણ પન્નાઆન્ટી એમનાં દાંત ફેલાવી હસ્યા કરે છે, ન કહે હા કે ન કહે ના. જાણે મોઘમ સૂચવતાં હોય કે લ્યા ગગના, તૂ કાંઈ રવિશંકર ન્હોય કે કાન પેન હૌ ન્હોય!
અને પન્નાબહેનને શી ખબર ક્યાં ક્યાંથી ઇજન આવે છે, એરોપ્લેનના ફર્સ્ટક્લાસમાં બેસીને કવિતાપાઠ કરવાનાં, ભાષણો આપવાનાં, ભાયડાઓ કેવા જુલમી હોય છે ને બાયું કેવી ગાયું જેવી રાંક હોય છે તે બાબત બે બોલ કહેવાનાં.

હમણાં જ પન્નાબહેનના કાવ્યસંગ્રહની ઇંગ્લિશ આવૃત્તિ બહાર પડી! ઉપરાંત એમની ફ્લેમબોયન્ટ વાર્તાઓની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. તેના લોકાર્પણમાં અમે બી ગયેલા. હોલ ઠસ્સોઠસ્સ હતો ગુજરાતી કલકલ કિશોરીઓથી ને કવયિત્રીઓથી ને ક્રિટિકોથી.

અમે પૂછ્યું, આર યુ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ, આર યુ ઈટી? પન્નાઆન્ટી એમનાં દાંત ફેલાવી હસ્યા કરે છે, ન કહે હા કે ન કહે ના.
આમ, આ વ્યક્તિ પૃથ્વી સિવાયના ગ્રહ ઉપરથી કુદરતનો કોઈ પયગામ લઈને આ ધરતી પર હજી આવા નેવું–નેવું વરસના એકથી વધુ હપ્તાઓમાં નારીના અભ્યુદયનાં ક્રાન્તિકારી કાવ્યો લખતાં રહેશે, ગુજરાતી, હિન્દી, બંગાળી, ઇંગ્લિશ ને યુક્રેનિયનમાં. માટે સમસ્ત પુરુષજાત, સા–વ–ધા–ન! જય કોઈની બુદ્ધિનું પાંજરું.

~ મધુ રાય
Madhu.thaker@gmail.com