“ભગવાન રહે છે, ત્યાં ચાલ….!” ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ ~ શાન્તનું કુમાર આચાર્ય, અનુવાદઃ ~ ડૉ.  રેણુકા શ્રીરામ સોની

“અહીં આપણે ત્યાં વિમાન તૂટી પડે તો કેવું સારું.”

આકાશ તરફ તાકી, ગામના જુવાનિયાઓ લગભગ રોજ આવું બોલે. વહેલી સવારે એક જેટ વિમાન ગામ ઉપરથી આકાશમાં ખૂબ ઊંચે, વાદળની વચ્ચે, ભૂરા આકાશને બે ભાગમાં વહેંચી છે, પાછળ ધુમાડાની લાંબી લીટી ઊડી જતું હોય છે. આ રોજની વાત છે.

“સાલાઓ… કેવા જલસા કરે છે! વિમાનમાં બેસી ઝુમ કરતાં આપણા માથા ઉપર રોજ ઉડાઉડ કરે છે… ઓહ! એમનો રુઆબ કેવો હશે?”

“રુઆબ? બધાં સાલા બદમાશ! લુંટારા! સાલાઓ… રૂપિયા લૂંટીને ભેગા કરે છે! આપણે તો અહીં સાઈકલના ફાંફાં,- ખાવા મૂઠ્ઠી ભાત નથી મળતા (ઉડિયા લોકોનો મૂખ્ય ખોરાક ભાત છે.) – પહેરવા એક લૂગડું નથી મળતું, અને આ સાલાઓ રોજ આપણા માથા પર ઉડાઉડ કરે છે. એ પણ વળી જેટ વિમાનમાં!

અલ્યા, આ રોજ ક્યાં આવ-જા કરતું હશે? અને બાપરે! એની ગતિ તો જુઓ! કાનમાં એનો અવાજ પડે ને નજર નાખીએ એ પહેલા તો છૂ…! જાણે ફટાકડાનું રોકેટ જોઈ લો! એની જેમ દોડે છે. ઓહ! આપણે ત્યાં પડે તો કેવું, જોઈએ તો ખરા, એમાં કોણ કોણ બેઠા છે? કોણ છે આ બધાં મહાત્માઓ!”

“હટ્! આ બધાં વિમાન કંઈ એમ જલદી પડે નહીં! અને જો પડે તો બધું ચૂરચૂર થઈ જાય, વિમાનમાંથી આગની જ્વાળાઓ ફાટી નીકળે. ચારે બાજુ કાટમાળ વિખરાય. આજુબાજુ ઘરબાર, ગામ બધું બળી જાય.

અને તમે શું માનો છો, કંઈ ધીમા ફોર્સેથી ઓછું પડે? તમે છાપામાં નથી વાંચતા? વિમાન દુર્ઘટના થાય ત્યારે કેવું બધું થતું હોય છે. લોકો તો મરે છે- એમના શરીરના અંગોના નામોનિશાન પણ નથી મળતા. એમની જોડે જોડે આપણે બધાં પણ…”

“અરે ગાંડા, આપણે ક્યાં એવું કહીએ છે કે, આવ, અમારાં માથે પડ ! પડે તો ભલે ને પડે આ મંદિર નીચે આવેલી ખીણમાં કે નદીની રેતમાં કે રામલીલા થાય છે, એ મેદાનમાં, નવી કોલેજના છોકરાઓ જયાં ફૂટબોલ રમે છે… એવી બધી જગ્યાએ પડવું જોઈએ, કંઈ આપણા માથે નહીં!”

“કોલેજના છોકરાં! અરે એમની વાત જવા દો! તે દિવસે જોયું નહીં કેવું તોફાન કર્યું હતું! ચાર ચાર બસ બાળી નાખી’તી! ચારેચાર બસો લાખના ઘરની જેમ ભડભડ બળતી હતી. લોકો કૂદીકૂદીને ચીસો પાડતા દોડતા હતા. બાપ રે! એ કેવું ભયાનક દૃશ્ય હતું!

અચ્છા, સહજ આગ લગાડતા જો બસ ઘાસના પૂળાની જેમ બળતી હોય, તો વિમાન બધાં કેવાં સળગતાં હશે નહીં! કહે છે, એમાં કંઈ કોઈ જુદું ઇંધણ હોય છે – એક માઈલ દૂરથી આગ પકડી લે.”

“જા, જા, હવે! એક માઈલ દૂરથી કંઈ આગ પકડાતી હશે?”

“ત્યારે શું! જોતો નથી શહેરમાં… પેટ્રોલ પંપ પાસે સિગરેટ સળગાવાની કેમ મનાઈ હોય છે.”

“હવે જવા દો, એ બધી વાતો . આપણે એમાં શું મળવાનું! આપણે તો બસ આપણા વિસ્તારમાં મોટી દુર્ઘટના, મોટી, ખુબ મોટી- એક મોટું વિમાન અહીં પડે- એક જેટ વિમાન, જેમાં મોટા મોટા નેતાઓ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ, ઘણાં દેશી વિદેશી લોકો બેઠા હોય! ખૂબ મજા પડી  જાય. કંઈ નવું જોવા મળે. ચારે બાજુ હો-હલ્લો થઈ જાય.“

“ખાલી એટલું નહીં, ખૂબ માલમતા મળી જાય.,,, મજા પડી જાય..!”

“અરે, મારે એક ટેપરેકોર્ડેર જોઈતું હતું.”

“જાણે અમારે તો કંઈ જોઈતું નહીં હોય – પાંચ વરસથી કારકુનગીરી કરું છું, હજી સુધી એક રેડિયો નસીબ નથી થયો, દર શનિવારે ઘરવાળી ઝગડો કરે છે….!”

“હેં, હેં, હેં…!”

“શું હેં, હેં, કરે છે? સાચું કહીએ એટલે ગુસ્સો આવે છે! જો ,ને – ગયા અઠવાડિયે દાળના ભાવ કેટલાં હતા અને આ અઠવાડિયે કેટલાં થયા! તેલના કેટલાં હતા અને કેટલાં થયા! ખાંડ, ઘઉં કેરોસીન બધું… મળે છે તમને! સિમેન્ટની ગુણના રૂપિયા સો થયા. એમ હેં, હેં.. હેં.. કરે છે મુરખો સાલો…”

“મૂરખો નહીં, મહામૂરખો! સાવ સાચી વાત, દેશમાં જે રીતે ઘોડાની ગતિએ રોજ રોજ ભાવ વધે છે, બદમાશોનો  દેશ નહીં તો બીજું શું?

પહેલાં બદમાશો ઘોડા ઉપર બેસતા હતા, હવે જેટ વિમાનમાં બેસે છે! જોતા નથી, આપણા માથા પર કેવી રીતે ઉડાઉડ કરતા હોય છે! પણ રોજ રોજ સવારે ક્યાં ઉપડતા હશે? રાતે પાછા આવી જાય છે! રોજ એમની પાછળ કેટલો ખર્ચ થતો હશે?”

“કોણ જાણે? આપણે તો આપણી સાત પેઢી કે સો પેઢીથી અહીં રહીએ છીએ- કોને ખબર? આપણે ભલા અને ભલા આપણા આ કેવડાના વન, તાડના વન, આ નદી, આ ખીણો, આ ઝૂંપડાં આ  જર્જરિત મંદિર..!”

“મંદિરને જર્જરિત કહો છો? આ જર્જરિત મંદિરમાં પ્રત્યક્ષ ભગવાન છે એ કેમ ભૂલો છો? તમે બધાં તો જાણો છો કેવા પ્રત્યક્ષ છે આપણા ભગવાન…! સો સો માઈલ નહીં પણ હજારો માઈલ દૂરથી સંતો અહીં દર્શન કરવા આવે છે.

ગયા વર્ષે હિમાલયમાંથી જે મહાત્મા આવ્યા હતા, એમણે શું કહ્યું હતું, એ ભૂલી ગયા? એમણે નહોતું કહ્યું- સાક્ષાત ભગવાન બીજે ક્યાંય નથી, એકલા આપણા આ વિસ્તારમાં જ છે! કહ્યું હતું કે નહીં ?

કેમ કહ્યું હતું, ખબર છે? આ જર્જરિત મંદિરમાં જે ભગવાનની મૂર્તિ છે, એમના માટે જ કહ્યું હતું! કહ્યું નહોતું, આ ભગવાન માટે જ આ વિસ્તારમાં ધર્મ ટકી રહ્યો છે? કહ્યું નહોતું- આપણા આ વિસ્તારના લોકો માણસ નહીં, પણ દેવતા છે? તો પછી આપણે પોતાની નિંદા કેમ કરીએ છીએ? આપણા કેવડાના વન, તાડ વન, આપણી નદી, ખીણ, આપણું ખંડિત મંદિર આપણા માટે આંખ માથા પર.”

“જા ને હવે, આવ્યો મોટો! મોટો કે ખોટો! જમાનો ક્યાંય આગળ વધી ગયો છે, અને અહીં પોતાનું ચલાવે છે. આવ્યો મોટો ધરમવાળો, ભગવાન, ખંડિત મૂર્તિ, જર્જરિત મંદિર- બધી ફાલતુ વાતો.

આપણા માણસો વળી દેવતા! દેવતા કે ફેવતા! બધાં સાલા ચોર! ડાકુના સરદાર બધાં! કેવા દેવતા છે, જોયું નહીં? ગયા અઠવાડિયે આપણા આ દેવતાઓએ શું કર્યું હતું ખબર છે ને?

આ વિસ્તારમાં સ્ત્રી પર બળાત્કાર કદી સાંભળ્યો હતો? તમે બધાંએ તો જોયું ને – થોડા લફંગાઓએ કેવો કાંડ કર્યો આપણા વિસ્તારમાં? એક સ્ત્રી પર વળી આઠ દસ જણ… છી, છી, છી. આ બધાં નરાધમો ક્યાંથી પાક્યા?– આ વિસ્તારમાંથી સ્તો – તમારા મહાત્માએ કહ્યું હતું ને અહીં ધર્મ છે, તો એ આંખો ફાડીને ખંડિત મંદિરની દીવાલની તિરાડમાંથી તાકી રહ્યો છે કે શું?”

“હા, હા, ધર્મ જોઈ રહ્યો છે, દુનિયા જોઈ રહી છે. નહિતર આ નરાધમોએ જે કર્યું એ દુષ્કર્મ કોણ જોયું છે? નહિતર કોણ કહી શકે, કોણ ત્રાજવે તોલે, આ કર્મ, કર્મ નથી, પણ અધર્મ છે મહાપાપ છે. આ દેવતાઓ સ્તો, નહિતર બીજું કોણ?”

“દેવતા ફેવતા કોઈ નથી, બધાં ચોર અને ઠગ…”

“જો ચોર ને ઠગ હોય તો થઈ જાય પરીક્ષા. “

“ પરીક્ષા? કેવી પરીક્ષા?

“ કેવી પરીક્ષા? કેમ? આ વિમાન દુર્ઘટના. આજ તો ગઈ,  હવે કાલે સવારે, બધાં આવો! ગામવાળા બહાર નીકળો! સ્ત્રી, પુરુષ, બાળ બચ્ચાં, બધાં જો ઘરમાંથી બહાર આવી, ભેગા થઈ આકાશ સામે જુવે- ભેગા થઈને પોકારે, અમે જો સાચાં હોઈએ, ભગવાનમાં માનનારા હોઈએ તો, ઉપર આકાશમાં ઉડનારા, દેવ, દાનવ કિન્નર તમે જે કોઈ છો… નીચે ઉતરી આવો, તમારા રથના પૈડા થંભી જાઓ, થંભી જાઓ. આવો નીચે પડો… નીચે આવો.

જોઈએ તો ખરા તમે બધાં કોણ છો? રોજ અમારા માથા પર દરરોજ ઊડો છો. અમને તમારાં મોં દેખાડો, દર્શન આપો. હું શરત મારીને કહું છું – તે વિમાનને ચોક્કસ નીચે ઉતરવું પડશે!”

“હટ, મૂરખનો સરદાર, ગપ્પોડી ક્યાંનો! વિમાન, એ વળી જેટ, નીચે તૂટી પડશે?- એ પણ આ મૂરખની વાતોમાં આવીને ? ધત્.”
***
કાલ સવારથી આજ સવાર સુધી હજુ તો ચોવીસ કલાક થયા નથી, જાણે ભગવાનનો પ્રભાવ દેખાયો! લગભગ બપોરના એક અદભુત અવાજથી ‘ઉકુન્દ્રા’ નામનું નાનુંસરખું નદી કિનારે આવેલું ગામ ધ્રુજી ઉઠયું.

ઓહ! કેવો ભયાનક અવાજ. જાણે અવકાશમાંથી હજારો ઘડાઘડાટી ગામ પર ફાટીને, અવાજ આવ્યો. અવાજની સાથે જ ભૂરું આકાશ ચિરાઈને એક વિમાન નીચે ધસી આવ્યું, વિમાન તો નહીં, જાણે એક મોટો કિલ્લો, ઊડતો કિલ્લો જોઈ લો!

એ વિમાન ગામના આકાશ ઉપર ઘોંઘાટ કરતું ચક્કર કાપવા લાગ્યું. એટલું નીચે હતું કે જો થોડું વધારે નીચે આવ્યું હોત તો ‘મિશ્ર’ની વાડીની ઊંચી નાળિયેરી કે ‘પટ્ટનાયક’ના  બે માળના મકાન જોડે અથડાત.

પણ ના,- વિમાન નીચે પડતું ન હતું, કે ગામ છોડી નદીની પેલે પાર કે બીજે ક્યાંય પણ આકાશમાં ઊડી જતું ન હતું.

“હે ભગવાન, હે નીલામાધવ ભગવાન, રક્ષા કરો…રક્ષા કરો… .!”

ત્યાં સુધી ‘ઉકુન્દ્રા’ ગામના બચ્ચાં, બુઢ્ઢાં, સ્ત્રીઓ સહિત બધાં પોતપોતાના ઘરો કે ઝૂંપડાંમાંથી નીકળી ગામના ઇષ્ટદેવના મંદિરના પટાંગણમાં અને આજુબાજુ ભેગાં થઈ ગયા હતા. અને ગામની પરિક્રમા કરતાં, ખૂબ મોટા અવાજે ચક્કર ચક્કર ફરતાં, ભયંકર ઊડતા કિલ્લાને જોતા એકીસાથે બૂમો પાડતા હતા,

“એ અથડાયું! અથડાયું! એ અથડાયું ‘મિશ્ર’ની લાંબી નાળિયેરી જોડે અથડાયું. અરે! અરે! નીચે પડ્યું! હાં, હાં, ‘પટ્ટનાયકના’ ઊંચા મકાન જોડે અથડાયું કે શું! હે ભગવાન! હે નીલમાધવ! અથડાયું, અથડાયું.”

પણ, ના, આ તો – વિમાન – જેટ વિમાન- સાવ જુદું, સફેદ, વિદેશી છાપવાળું, બારીમાંથી ધોળિયાઓ જેવા દેખાતા યાત્રીઓથી ભરેલું વિમાન, ગામની આજુબાજુ ચક્કર પર ચક્કર લગાવતું હતું. મંદિરમાં ટોળે વળેલા ગામ લોકો બધાં બીકના માર્યા ધ્રુજતા હતાં.

“જોયું, જોયું ને ! આજે સવારે હું નહોતો કહેતો! હે નીલામાધવ ભગવાન, ધરમ છે, ધરમ છે એટલે જ અમે અહીં, આ વિસ્તારમાં,…  આ ગામમાં… આ મંદિરમાં ઊભા છીએ. હું જે કહેતો હતો… સાચું પડ્યું… સાવ સાચું પડ્યું…”

“પણ તમે તો આવું કહ્યું ન હતું… તમે તો કહ્યું હતું જો ગામ લોકો ભેગા થઈને એકીસાથે બોલે… પણ આ તો અચાનક થયું. ક્યાંથી આ દાનવ ટપકી પડ્યો. આ તો, દરરોજ આ રસ્તે જતું-આવતું વિમાન નથી લાગતું.”

“દરરોજ આવતું હોય કે ન આવતું હોય, આવ્યું ખરું ને? તમે કહેતા હતા ને, એક દુર્ઘટના થાય. અહી આકાશમાંથી એક વિમાન તૂટી પડે… કહેતા હતા કે નહીં?”

“પણ મેં તો કહ્યું હતું ગામ પર નહીં, ભલે પડતું ખેતર, ખીણ, નદીની રેત કે રામલીલાના મેદાનમાં કે તેની બાજુમાં આવેલાં કોલેજના છોકરાંના રમતના સાંકડા મેદાનમાં.”

“એ કોલેજે તો બધો દાટ વાળ્યો છે. કોણે કહ્યું હતું અહીં ગામડામાં બદમાશોનો અખાડો ખોલવાનું? શું જરૂર હતી? હવે મજા કરો.

જે રીતનો અધર્મ ફેલાયો છે આ દુનિયામાં, આ વિસ્તારમાં, એનું જ આ પરિણામ છે. મારો બધાં. જોજો, આ વિમાન થોડીવારમાં તમારા માથે પડશે. બધાં મરશો. ચોક્કસ પડશે, અને બધાં મરશો. આ પડ્યું, ‘મિશ્ર’ પોળની નાળિયેરી ઉપર…”

પણ ના, વિદેશી જેટ વિમાનનો પાયલોટ ખૂબ હોશિયાર લાગે છે. નાળિયેરી કે ‘પટ્ટનાયક’ના બે માળના મકાનથી ખાલી બે ઈંચ ઊંચે ઊડે છે, પણ ક્યાંય અથડાતું નથી.

ઝૂમ કરતું નીચે આવે છે અને ઝૂમ કરતું ઉપર ઊડી જાય છે. ગામ છોડી ક્યાંય જતું પણ નથી અને અથડાઈને તૂટી પડતું પણ નથી. ખાલી ઘું..  ઘું..  કરતું ચક્કર મારે છે, જાણે કોઈએ જાદુટોણો કરી બાંધી રાખ્યું છે. ફસાવી દીધું છે, પહાડ જેવા વિરાટ પક્ષીને! ઓ બાપ રે! કેવો ભયંકર અવાજ, કેવો ચિત્કાર! પણ મુક્ત નથી થઈ શકતું.

“અધર્મ ફેલાઈ ગયો છે, એ વાત તો ચોક્કસ છે- પણ કોણ અધર્મ આચરે છે? આપણે કંઈં નથી કરતાં. આપણાં ‘ઉકુદ્રા’ ગામવાળા ક્યાં અધર્મ જાણે છે ભલા! ગામમાં એકબે જણ છોડીને- પેલા “મિશ્ર’ અને ‘પટ્ટનાયક’ના ઘર વાળા બે જણા જ એવા છે- બાકી બીજા અધર્મ કરે એવા અહીં કોણ છે કહો તો?”

દિવસ આખો બીજાના ખેતરમાં મજૂરી કરી સાંજે કોળિયો ભાત પેટમાં નાખવા એ શું અધર્મ છે? હાલ તો લોકોને મુઠ્ઠી ભાત પણ નથી મળતા. આમાં અધર્મ ક્યાંથી આવ્યો?  તો પછી, આપણાં માથે આ વિપદા ક્યાંથી આવી પડી?”

“અરે! અધર્મ કંઈ બધાં નથી કરતાં – એકાદ બે જણ કરતાં હોય છે. પણ બધાંએ ભોગવવું પડે. આને જ ધર્મતત્વ કહેવાય. આ ગામમાં એક બે જણ પાપ કરે તો આખા ગામે  ભોગવવું પડે. “એ જુઓ, જુઓ- પાયલોટે દારુ પીધો છે કે શું? અરે! અરે! એ પડ્યું,, પડ્યું.”

પણ ના, જેટ વિમાન એક ગોથું ખાઈ નીચેની તરફ સરક્યું અને ફરી ઉપર ચઢી ગયું. કદાચ જે સ્થળે એને ઉતરવું હશે ત્યાં ઉતરાય એવું નહીં હોય, ફરી ઉપર જતું રહ્યું.

“એ ગયું. પણ કયાં ગયું? અરે પાછું વળ્યું. બાપ રે! કેટલો મોટો અવાજ!”

“ચોક્કસ અને કોઈએ જાદુટોણો કરીને બાંધી રાખ્યું છે! નહિતર સમડીની જેમ આ રીતે ચક્કર મારે?”

“ચોક્કસ નીલમાધવ ભગવાને બાંધ્યું હશે. હિમાલય વાળા મહાત્માએ નહોતું કહ્યું- ચમત્કારી ભગવાન છે. આખી દુનિયામાં એમના જેવા કોઈ નથી.”

“ગમે તે હોય – જો આ વિમાન અહીં પડે તો આપણે ચોક્કસ મરવાના. નીલમાધવ શું આ ઈચ્છે  છે?”

“એ શું ઈચ્છે છે એની તમને ક્યાં ખબર છે ? કદાચ એવું પણ ઈચ્છતા હોય કે અહીં એક વિમાન પડે- એમાંથી ધન રત્નો હીરા માણેકનો વરસાદ થાય – ‘ઉકુન્દ્રા’ ગામની ગરીબ પ્રજાને એ ધન મળે – એમની ગરીબી દૂર થાય, ભૂખ મટે.”

અચાનક એક ભયંકર અવાજથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો. અને ચારે દિશામાં શાંતિ છવાઈ ગઈ.

“અરે! પડ્યું, પડ્યું! કોલેજના મેદાનમાં પડ્યું…પડ્યું…”

બીજી ક્ષણે, ‘ઉકુન્દ્રા’ નામધારી, નદીકિનારે વસેલા ગામડા ગામના સ્ત્રી-પુરુષ, બાળક-બુઢાં… ગામના ઈષ્ટદેવ નીલમાધવનું પ્રાંગણ છોડી કોલેજના મેદાન તરફ દોડયા. ત્યાં વિમાન તૂટી પડ્યું હતું, ભડભડ બળતું હતું.

બધાં ઘટનાસ્થળે પહોંચે તે પહેલા કોઈ એ ચીસ પાડી-

“અરે! આ તો ‘ટ્રાન્જીસ્ટર’ લાગે છે!” માણસ ત્યાં ઊભો રહી ગયો, અને ખેતરમાં પડેલી એ વસ્તુ પર ઝાપટ મારી. બીજા લોકો પણ ત્યાં દોડી આવ્યા અને ઝપાઝપી કરવા લાગ્યા.

થોડીવાર પછી બીજો અવાજ સંભળાયો, “અરે ભિખારીઓ, ત્યાં શું ઝપાઝપી કરો છો. અહીં મેદાનમાં જુઓ… બાપ રે! અહીં તો બધી અમેરિકન વસ્તુઓ છે, શુદ્ધ અમેરિકન. વાહ નવો રેડિયો, ટેપરેકોર્ડર, કેમેરો, વેન્ટીબેગ સાડીઓ, ઘડિયાળ, ઓ બાપ રે! પેલું તો સોનું લાગે છે.“

લોકો બધાં ઝપાઝપી કરવાનું છોડી, હવે રામલીલા મેદાન તરફ દોડ્યા. તે દિવસે આખી બપોર ‘ઉકુન્દ્રા’ અને એની આજુબાજુના ગ્રામવાસીઓ વસ્તુ ભેગી કરવા મેદાનમાં દોડાદોડી કરતાં રહ્યા.

તે દિવસે બપોરે થોડી દૂર મેદાનને અડીને આવેલા કોલેજના મેદાનમાં ચાંચ ઉપરની તરફ અને પૂંછડી નીચેની તરફ, કરી એક મોટું જેટ વિમાન તૂટી પડ્યું હતું. થોડા કલાકોમાં બળીને રાખ થયું હતું.

વિમાનમાં સવાર બધાં યાત્રીઓ બધાં બળીને મૃત્યુ પામ્યા હતા. બળતા વિમાનની ચારે બાજુ ઠેરઠેર માનવ અંગો વિખરાયેલા પડ્યા હતા. એમાંના એકના હાથમાં એક ચળકતી વસ્તુ લેવા, બધાંની નજર ચૂકવી એક ગ્રામવાસી દોડ્યો. નજીક પહોંચતાની સાથે તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ’

“ઓ મા! બ… બ… બંદૂક!”

એ દરમ્યાન મેદાનમાંથી કમર, પાલવ, થેલા, ટોપલામાં, વેરાયેલી વિદેશી વસ્તુઓ વીણી ને લોકો મેદાનમાંથી બહાર આવી ગયા હતાં. ઘટના સ્થળે ભયંકર અકસ્માતના કરુણ દૃશ્યો જોઈ બધાં સ્તબ્ધ ઊભા હતાં. ત્યારે સંભળાયું…

હાઈજેકીં … આ ચોક્કસ હાઈજેકીં. આ જુઓ બંદૂક… ચોક્કસ આ માણસનું કારસ્તાન લાગે છે…આ એ જ હાઈજેકર… આ …આ  જ…”

કોઈને કંઈ સમજાયું નહીં.

કોઈની સમજવાની હાલત પણ હતી નહીં.

બીજે દિવસે બધું સમજાઈ ગયું.

પોલીસ આવી.

ગામના ખૂણે ખાંચરેથી લોકો વીણી લાવ્યા હતા એ બધી બધી વસ્તુ કબજે કરી. એમણે લોકોને હકીકત કહી.

“જે માણસના હાથમાં બંદૂક હતી એ જ અપરાધી છે. વિમાનમાં ત્રણસો લોકો હતા.  આ પાગલે પાયલોટના ગળે બંદૂક રાખી વારંવાર બૂમો પાડી, “ચાલ, જ્યાં ભગવાન છે ત્યાં લઈ જા.”

પાયલોટને કંઈ સુઝ્યું નહીં, એણે ઇન્ડિયા તરફ લીધું. ઇન્ડિયા એટલે આપણો દેશ, અહીં ભગવાન ક્યાં છે, બિચારા પાયલટને ખબર ના પડી.

અચાનક હાયજેકરે કહ્યું, “અહીં! અહીં ઉતર!“

પાયલટે ઘણાં પ્રયત્નો કર્યા. તમારા ગામના ભગવાન નીલામાધાવ ચોક્કસ પ્રત્યક્ષ છે! તમારા ગામ ઉપર રેડિયો ટેપ રેકર્ડર સોના -ચાંદીનો વરસાદ કર્યો, પણ વિધર્મીઓને જીવતા આ તીરથને સ્પર્શવા દીધા નહીં.

હવે બીજું શું સંતાડ્યું છે બધાં કાઢો બધાં. કાઢો છો કે નહીં, કે દેખાડું પરચો…?

બંદૂકધારી પોલિસે મંદિરની સાથે સાથે આખા ગામનો કબજો લઈ લીધો.

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.