પ્રેમ બંને તરફનો ચકાસી જુઓ ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
અખબારોમાં વાંચો કે ટીવી પર જુઓ તો વૈશ્વિક સંજોગોમાં ઍવરેસ્ટ ઉતારચડાવ જોવા મળે છે. ઈઝરાયલ-હમાસમાં યુદ્ધવિરામ માટે મધ્યસ્થ દેશો આખરી ચરણની નજીક પહોંચી ગયા છે.

જોકે હમાસની અકડાઈ અને ઈઝરાયલની સખ્તાઈને કારણે ગાઝાના નાગરિકો ભૂખમરો ભોગવવા મજબૂર છે. બચેલાકૂચેલા મકાનો પણ બૉમ્બમારામાં ઓમ સ્વાહા થઈ રહ્યા છે.

અધિકૃત રીતે ઘોષિત ન હોવા છતાં નરસંહાર થઈ રહ્યો છે એમાં બેમત નથી. તે છતાં ઈઝરાયલને કોઈ અફસોસ નથી. ગાઝાના નાગરિકોની હત્યાનું પાપ વ્હોરીને પણ હમાસને નેસ્તનાબૂદ કરવા એ કટિબદ્ધ છે. રતિલાલ સોલંકી કહે છે એ અફસોસ અદૃશ્ય થઈ ગયો છે…
કાચ કેરી કેદમાં પૂર્યો છતાં
રેતની માફક સમય સરતો રહ્યો
વસવસો જુઓ શ્રવણના મોતનો
રોજ દશરથ તે પછી મરતો રહ્યો
આપણાથી કોઈનું દિલ દુભાઈ જાય તોય રાતે ઊંઘ ન આવે પણ રાજકીય કે આંતરદેશીય સ્તરે એવું શક્ય નથી. દરેક દેશ માટે પોતાની સુરક્ષા અગ્રસર હોય છે. યુદ્ધની વ્યાપક અને વિપરીત અસર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરોડો લોકો પર પડે છે. વિસ્થાપિતોએ અનાજના એક-એક દાણા માટે મોહતાજ બનવું પડે.

નારીની સલામતી અને સન્માન તો સાવ ચીંથરેહાલ થઈ જાય.
લાચાર બાળકોની કરપીણ સ્થિતિ પરમ શક્તિ સામે પ્રશ્નો ઊભા કરે. મુકુલ ચોક્સી સંબંધની વિષમતા વર્ણવે છે…
એકબીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ
જે તૂટે તે લાકડા જેવુંય તરતા રહી શકે
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ
છેલ્લા થોડા મહિનામાં ભારતીય નૌકાદળની આઈએનએસ શ્રેણીમાં આંદ્રોથ, ઉદયગિરી, હિમગિરી અને સુરત જહાજોનો ઉમેરો થયો છે.
દેશની સુરક્ષા અંગે જરાસરખી ગફલત પણ પોષાય એમ નથી. શિયાળો બેસે એ પહેલા રશિયાએ યુક્રેનમાં ઘાતક હુમલાઓ વધાર્યા છે. કોઈ પણ દેશના મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રકચરને વ્યાપક નુકસાન થાય તો એ એક દસકો પાછળ ધકેલાઈ જાય.

ગાઝામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉચાળા ભરતા જ રહે છે. કૈલાસ પંડિત કહે છે એવી કોઈ ખુમારી રાખી શકાય એમ નથી…
ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુઓ
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ
ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે
ખાલી હતા આ હાથ, પણ જીવ્યા અમીર જેમ
ગ્રંથો ભરાય એટલું વાંચવાનો કોઈ પાસે સમય નથી. આખી વેબસિરિઝ જોનારા કરોડો લોકો મળી આવશે પણ આખું પુસ્તક વાંચનારા કેટલા એવું સર્વેક્ષણ થાય તો જવાબ કરુણ હશે.

મોબાઈલમાં આપણે જે લૂસલૂસ વાંચીએ છીએ એ આપણી અંદર ઉતરતું નથી. આ વાંચન ટચ ઍન્ડ ગો પ્રકારનું હોય છે. મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટમાં પુસ્તક-બજારનો જે વૈભવી સમય હતો એ હવે વિષાદગ્રસ્ત બની ગયો છે. પુસ્તકો જન્મે છે, વાચકો જન્મતા નથી. હર્ષ બ્રહ્મભટ્ટ સર્જકીય વેદના આલેખે છે…
જે ક્ષણે સૌ શબ્દ થીજી જાય છે
એ ઘડીમાં મૌન બસ શબ્દાય છે
આંખમાં આવ્યા નથી એ આંસુઓ
લો, જુઓ દરિયા સુધી રેલાય છે
આંખમાં દુઃખના આંસુઓ ધસી આવે એવી ઘટનાઓ વચ્ચે આંખમાં હર્ષના આંસુ આવે એવી વાતની પણ નોંધ લેવી જોઈએ. વડાપ્રધાન મોદીના હસ્તે નવી મુંબઈ ઍરપોર્ટનું ઉદ્ઘાટન થયું અને સાથે મુંબઈ ઍક્વા મેટ્રો લાઈનનો આચાર્ય અત્રે ચોકથી કફ પરેડનો રૂટ પણ ખુલ્લો મુકવામાં આવ્યો.

જ્યાં હાથગાડીઓ, પાટીવાળાઓ, ટેમ્પોની અકળામણભરી હલચલ હોય છે એ ભરચક કાલબાદેવીમાં મેટ્રો સ્ટેશન બન્યું એ વાતે વગર સાકરની ટનબંધ મીઠાઈ સૌને મુબારક.

મુંબઈમાં મેટ્રો ટ્રેનનું જાળું બે-પાંચ વર્ષમાં પૂરું થશે ત્યારે અશોક જાની `આનંદ’નો આ શેર વિશેષ આનંદ આપશે…
પછી પ્રેમ કરવાની એક જ એ ભૂલને
હંમેશા કરી છે, યથાવત કરી છે
મહેફિલમાં કાયમ લુંટાવીને `આનંદ’
જુઓ જિંદગીમાં જમાવટ કરી છે
લાસ્ટ લાઈન
પ્રેમ બંને તરફનો ચકાસી જુઓ
બે દિવસ દિલના દરવાજા વાસી જુઓ
હાથ જોડીને સુખ સામે ઊભું હશે
બે ઘડી કલ્પનામાં વિલાસી જુઓ
આમ પણ સ્મિતનું મૂલ્ય આંકી શકો
એની આંખોમાં તરતી ઉદાસી જુઓ
તેજ પાગલ હવાની હથેળી ઉપર
કોણે મૂક્યો’તો દીવો તપાસી જુઓ
આ સમયની રમત કે સિતમ, જે ગણો
શાહજાદી બની ગઈ છે દાસી જુઓ
નાવ ચલવે છે, ઘર ના ચલાવી શકે
રોજ દેવામાં ડૂબે ખલાસી જુઓ
હું ખલીલ એનો વિશ્વાસ પણ શું કરું?
વાત પણ ક્યાં કરે છે ખુલાસી જુઓ
~ ખલીલ ધનતેજવી
મારા શેરને સમાવવા બદલ હિતેન આનંદપરા સાહેબનો ખૂબ ખૂબ આભાર.
સાંપ્રત પરિસ્થિતિનું શેર અને ગઝલના આધારે સુંદર ચિત્રણ. અભિનંદન સૌને અને વિશેષ હિતેનભાઈને.