“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૪ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
અમી જીવનમાં આધ્યાત્મિકતા આપણને સાચી દિશા બતાવે છે, એ તારી વાત સો ટકા સાચી છે. આ જીવન એટલે ફક્ત તીર્થયાત્રા જ નહીં પરંતુ ભીતરની આંતરિક યાત્રા પણ છે. આપણા હું પણાને ઓળંગવાની યાત્રા છે. જન્મ અને મૃત્યુ વચ્ચેની નાનકડી આ મુસાફરીમાં વિચાર નામનું અમૃત જીવથી શિવ સુધીની આપણી આ યાત્રા સુખદ બનાવે છે.
પત્રમાં તું લખે છે કે મન વિશે કશી જાણકારી હોય તો જણાવજે. આ બાબતે દરેક વ્યક્તિના પોતાના વિચારો અલગ અલગ હોય શકે. તેં મને પૂછ્યું છે તો હું એવું કહીશ કે આ મન એટલે સતત વહેતા વિચારોનો પ્રવાહ. આપણા હૃદયમાંથી સદા પ્રેમ અને પ્રેરણાના, સેવા અને સ્મરણના સ્પંદનો ઉઠતાં રહે તો જીવન ગંગામાં તરબતર થઈ નીખરી ઉઠાય. મધુર વાણી, નિઃસ્વાર્થ અને પ્રેમાળ સ્વભાવ, વિચાર અને વ્યવહારમાં સામ્યતા જ આપણા સૌના સુંદર મનની ઓળખ છે.
તને સાચું કહું તો મન એ અખંડ ઉર્જાનો સ્રોત છે એવું જિંદગીમાં ક્યાંય શીખવાડવામાં આવતું જ નથી. શાળા, કોલેજ કે પછી એવી કોઈ યુનિવર્સિટી નથી જ્યાં મનની શક્તિ વિશે જ્ઞાન આપવામાં આવતું હોય.
આંખો બંધ કરી મનમાં ચાલતા વિચારોનું આપણે નિરીક્ષણ કરીએ તો અંતર મનનો પ્રકાશ પુંજ દ્રષ્ટિગોચર થતાં આંતરિક સુંદરતાના દર્શન થાય ખરા. એ ભાવવિશ્વમાં ઓમકારના ધ્વનિ તરંગોથી મન આનંદિત થઈ ઝૂમી ઊઠતાં આપણને આંતરિક શક્તિનો પરિચય જરૂર થાય છે.
આમ જોઈએ તો મનને વિચારો અને ભાવનાઓનું ઉદગમ સ્થાન પણ કહી શકાય. ફળદ્રુપ જમીન જેવા મનની અંદર આપણે જે વાવીએ તે જ ઉગે છે. તેમાં સકારાત્મક વિચારોનું બીજ વાવીએ તો સફળતાનું વૃક્ષ ચોક્કસ ઉગે સાથે સમૃદ્ધિના ફળ પણ ચાખવા મળે. જો નકારાત્મક બીજ વાવીએ તો નિરાશાનું ફળ પ્રાપ્ત થાય. સખી અહીં પસંદગી આપણા સૌ પાસે છે જ.. શું વાવવું અને શું નહીં. આ વિચારોના વાદળ મનરૂપી આકાશમાં અવિરત દોડતા જ રહે છે નહીં?
આ આપણા વિચારો જ છે જેના દ્વારા મન અને હૃદય કાં તો લયબધ્ધ બનીને નર્તન કરી ઊઠે છે અથવા મોટાભાગે તો હાથે કરીને ઊભા કરેલા દુઃખોની ગર્તામાં ધકેલાઈ જાય છે. તું જોશે તો અત્યારના સમયમાં લોકોને મનના જ વિકટ રોગ પજવી રહ્યાં છે. મન સૌથી વધુ અશાંત અને બેચેન રહે છે. આમ જોવા જઈએ તો મન એવું રહસ્યમય છે જે જલદીથી સમજી શકાતું નથી અને એની સાથે લડી શકાતું પણ નથી. હા, એને પ્રેમથી જીતી જરૂર શકાય, પરંતુ તેં કહ્યું તેમ એના માટે મનના મિત્ર બનવું પડે. એક મિત્ર તરીકે એ આપણી દરેક વાત માનવા તૈયાર થતું હોય છે.
આ મનની ગ્રંથિઓ, આગ્રહો કે પૂર્વાગ્રહોથી જો આપણે આપણી જાતને વેગળી રાખી શકીએ તો સત્યમ, શિવમ અને સુન્દરમ સુધી પહોંચી શકાય. આ વિચારના બળ થકી જ તો સંસાર, સમાજ અને સમગ્ર જીવનને આપણે સુખી બનાવી શકીએ એમ છીએ. એક સક્ષમ રાષ્ટ્રના વિકાસ માટે પણ તેના નાગરિકોના વિચારોની ગુણવત્તા ખૂબ અગત્યની હોય છે. તારું શું કહેવું છે?
“જીવન આખું આમ તો જડતર જડ્યું છે,
વિચારોનું જ માણસને નડતર નડ્યું છે.”
આપણે સારા વાંચનથી, સારા સંગથી, સારા વિચારથી અને સારા કાર્યથી મનને કેળવતા રહેવું પડે છે. પુસ્તકોના વાંચન થકી પણ વિચારોમાં પરિવર્તન લાવી શકીએ. એક સારા પુસ્તકનો સંગ ખરેખર સત્સંગ જેવો છે. સખી, આજના આપણા યુવાધનને ખાસ એવું કહેવાનું મન થાય કે આપણા સાહિત્યના રસને મન ભરીને પીવાથી વિચારોની સુંદરતા તો વધશે જ સાથે અંતર મનની આભા પણ દિવ્ય પ્રકાશના રંગોથી દીપી ઊઠશે.
જિંદગીના પાને પાને કંડારેલી દરેક અનુભૂતિ જીવનમાં અનેક રંગો ઉમેરે છે. જીવનનું નંદનવન મનની પૂરબહાર ખીલેલી મેસમ સિવાય બીજું છે જે શું? પણ પૂર્ણતાથી પાંગરેલી વસંત પછી પાનખરનું આગમન પણ નિશ્વિત છે. વસંત અને પાનખર એ મોસમનો એક અહેસાસ છે. અહીં મેં લખેલી એક કવિતાની પંક્તિઓ ટાંકુ છું જે તને જરૂર ગમશે..
“મોસમ તો સઘળી આવે ને જાય તો પાનખર આવે તો ડરવાનું નહીં,
પાનખર છે, આવી મૂરઝાવશે તો પણ આપણે એમાં મૂંઝાવાનું નહીં.
માટીમાં ખીલવું ને માટીમાં ખરવું ફૂલડાંને અંતે તો માટીમાં ભળવું,
ખરીને ખીલવું નિયમ એ જગનો, ખીલી ગયા પછી ફરી ઝળહળવું,
મોસમ તો સઘળી આવે ને જાય તો પાનખર આવે તો ડરવાનું નહીં,.”
આપણને વૃક્ષની જેમ પાંદડે પાંદડે પીળા પડી ખરવાની વેદના હોય છે પરંતુ એ સમયે એક નવા દ્રષ્ટિકોણથી સુંદર વિચારોની કુંપળ ખીલવી અંતર મનથી મઘમઘતા રહીએ તો પાનખરમાં પણ વસંતના વૈભવની મોસમના અહેસાસની આપણને અનુભૂતિ ચોક્કસ થશે.
અમી, આ અહેસાસની અનુભૂતિ ઘણી વખત આપણને થતી પણ હોય છે. આપણે બંને આ જીવનની પાનખરે જ તો મળ્યા છીએ. એમાં પણ તારા અને મારા વિચાર મળતાં હોવાથી દૂર રહેતાં હોવા છતાંય આપણે જાણે એકબીજાની સાથે જ હોઈએ તેવું મનથી હંમેશા અનુભવીએ છીએ.
“તોરા મન દર્પણ કહેલાયે..” ખરેખર મન દર્પણ સમાન છે. આપણે અરીસા સામે જોઈએ ત્યારે ખુદની અંદર ઝાંકવાથી ભીતરની સુંદરતાને આપણે ચોક્કસ અનુભવી શકીએ છીએ. બાહ્ય સુંદરતા આપણને ગમે છે એ વાતની તો ના જ નહીં. શરીર આકર્ષક હોવું અને સુંદરતા જાળવી રાખવા પ્રત્યે સભાન હોવું એ ચોક્કસ પ્રશંસનીય છે. એમાં કશું ખોટું પણ નથી, પરંતુ એ સાથે મનની સુંદરતા પણ અગત્યની છે ને? આજે જ્યાં જોઈએ ત્યાં ચહેરાની સુંદરતાને જ મહત્ત્વ અપાય છે. સખી, મને એ જ સમજાતું નથી કે મનની સુંદરતાની આટલી અવગણના કેમ..! જેટલું મન અને વિચાર સુંદર એટલું જ તો વ્યક્તિત્વ ઝળહળે છે.
જેમ જીવનની પ્રત્યેક પળ અમૂલ્ય છે તેમ પ્રત્યેક વિચાર પણ અમૂલ્ય છે. હા, પણ કહેવાય છે ને કે આચરણ વગરનો વિચાર સુગંધ વિનાના ફુલ જેવો છે. ફૂલોથી જેમ શણગાર દીપી ઊઠે તેમ જ મનમાં રોપેલા સારા વિચારોના આચરણથી આપણું જીવન શોભી ઊઠે છે. વિચારો ઉચ્ચ હોય ત્યારે એને આચારમાં ઉતારવાની કળા પણ હાંસિલ કરવી પડે છે. આજે તો મને લાગે છે કે તને ઘણી બધી જ્ઞાનસભર વાતો કરી નાખી…! તેથી ચાલ હવે અહીં જ વિરમું. તારા પત્રની રાહમાં..
લિ.
તારી સખી દિનાની સ્નેહભીની યાદ