ફોટો (લઘુકથા) ~ ગિરિમા ઘારેખાન
સરલાબેનને બીજી વાર હાર્ટએટેક આવ્યો પછી એમણે પથારી છોડી જ નહીં. રમેશભાઈએ બધા ઉપાયો કરી જોયા, પણ સરલાબેનના એક પછી એક અવયવોએ સાથ આપવાનું બંધ કરવા માંડ્યું હતું.
છેવટે એક દિવસ વર્ષોથી એમની સારવાર કરતા ડોકટરે જણાવી દીધું, ‘રમેશભાઈ, તમારા દીકરા–દીકરીને બોલાવી લો. હવે સરલાબેન પાસે બહુ સમય નથી.’
પરિસ્થિતિ સમજી ગયેલા રમેશભાઈએ તરત જ મન કઠણ કરીને એમના સુકેતુ અને મંજરીને ફોન કરી દીધાં, ‘બેટા, તમારી મમ્મી બહુ બીમાર છે. એ મને કંઈ કહેતી નથી પણ એની નજર સતત હવામાં એક જગ્યાએ તાકતી રહે છે.
હું પૂછું તો કંઇક શોધતી હોય એમ આજુબાજુ જોયા કરે છે. તમને જોવા તરસતી હોય એવું લાગે છે. બહુ હેરાન થાય છે. તમે બંને આવી જાઓ તો એ શાંતિથી વિદાય થઇ શકે.’
સુકેતુ અમેરિકાથી અને મંજરી સિંગાપોરથી જે પહેલી ફ્લાઈટ મળી એમાં આવી ગયાં અને માની આસપાસ ગોઠવાઈ ગયાં.
બંને સંતાનોને પોતાની પાસે જોઇને સરલાબેન ખુશ થયાં. પણ એ બંને બાજુમાં જ એમનો હાથ પકડીને બેઠાં હોય તો પણ એમનું પેલું હવામાં તાકવાનું અને બેબાકળી નજર આમતેમ ફેરવવાનું બંધ ન થયું.
ત્રણ ચાર દિવસ પસાર થઇ ગયા. શરીર માત્ર ધીમા ધીમા શ્વાસ લેતું હતું પણ મુક્તિ થતી ન હતી. પતિ અને સંતાનો એમની આ સ્થિતિ જોઈ શકતા ન હતા. પણ એમનો જીવ શેમાં અટકી ગયો છે એ પણ સમજાતું ન હતું.

છેવટે એક દિવસ મંજરીએ પૂછી લીધું, ‘મમ્મી, તું કોને શોધે છે? તારે કોઈને મળવું છે?’
સરલાબેને પાંપણો ઝૂકાવી.

‘કોને?’
મંજરીએ માના ફફડતા હોઠ પાસે પોતાનો કાન મૂક્યો અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ. એ સરલાબેનનો હાથ દબાવીને ઊભી થઈ, મમ્મીનું કબાટ તો એણે ઘણી વાર ગોઠવ્યું હતું. એ કબાટમાંથી એમની સાડીઓની નીચે રાખેલો નાના ભાઈ રાજીવનો ફોટો લઇ આવી અને માના હાથમાં મૂકી દીધો.
સરલાબેનના ચહેરા ઉપર એક સંતોષનું સ્મિત આવ્યું અને એમણે છેલ્લો શ્વાસ લીધો.
રાજીવ બાવીસ વર્ષ પહેલાં માત્ર ત્રણ વર્ષનો થઈને ગુજરી ગયો હતો.
***