છ ગઝલ ~ નિકુંજ ભટ્ટ (ભરૂચ) ~ (વતન: સોનગઢ ગામ, સિહોર, ભાવનગર)
૧. આપણે

મૂકી સંભારણાં પર પડળ આપણે!
સાચવીશું વિતાવેલી પળ આપણે.
યાદ આવી, ને અટકાવ્યું જળ આપણે;
આપણી નમણી પાંપણનું બળ આપણે.
વાવીશું જાતને, પામીશું જાતને;
ખેંચીશું જાત જોડીને હળ આપણે.
અફવા અકબંધ એવી ને એવી રહે;
ક્યાંય પડવા નથી દેતાં સળ આપણે.
એ જ નક્કી કરે ક્યારે ક્યાં ચાલવું;
એની શતરંજનાં પાયદળ આપણે.
વેળા વિસ્તારી, તો એક વડલો બન્યો!
જેની વડવાઈ ઉપરના વળ આપણે.
આયખું તો સતત વહેતું પાણી જ છે;
શ્વાસ ખેંચી રહેલા વમળ આપણે.
રાત દિ’ શોધું છું ઢળતી એ સાંજને;
જેને જોઈ થયા’તા સજળ આપણે.
આપણાથી જગત સરખું બનતું નથી,
બાગમાંથી નથી ખાવું ફળ આપણે.
૨. પછી પણ

અબોલા ઘણીવાર તૂટ્યાં પછી પણ;
બધા દ્વાર છે બંધ ખૂલ્યાં પછી પણ.
બધાથી અલગ ખુદને આકાર આપી!
ભૂલી જાઉં છું ઘાટ, ઘૂંટ્યાં પછી પણ.
અમે એટલે ચૂપ થઈને ઊભા’તા;
નથી બોલતું કોઈ પૂછ્યા પછી પણ.
નહીંતર હું એ જોઈ હરખાઈ જાતે;
મને સપનું ના આવ્યું ઊંઘ્યાં પછી પણ.
કદી મંજિલોનો મલાજો ન રાખ્યો;
અટકતાં નથી પગલાં પુગ્યાં પછી પણ!
હજી ભાગ્યમાં ખાલી મટકી વધી છે!
હજી જીવ માથે છે ફૂટ્યાં પછી પણ!
ફરીથી પછી એને મસળીને સુંઘ્યા!
ધરવ ના થયો જેને ચૂંટ્યાં પછી પણ.
લલાટે લખાવીને લાવ્યાં લૂંટાવું;
લૂંટારા લૂંટાયાં છે લૂંટ્યાં પછી પણ!
ન છીનવી શક્યું કોઈ એની ચમકને;
પ્રભાવક હતા રંગ ઊડ્યાં પછી પણ.
બધા કરશે તારી ગણતરી વ્યસનમાં!
તું આવીને વળગે છે છૂટ્યાં પછી પણ.
ઘણા દ્રશ્ય ઝાંખા ને ઝાંખા રહ્યા છે;
ઘણી વાર આંખોને લૂછ્યાં પછી પણ.
૩. રસ્તા ઉદાસ છે

દૃષ્ટિનાં સૌ પડાવથી રસ્તા ઉદાસ છે;
ક્ષિતિજનાં ઝુકાવથી રસ્તા ઉદાસ છે!
ઊભા રહે, મળે, ફરી પાછા જુદા પડે;
ક્ષણ પૂરતાં લગાવથી રસ્તા ઉદાસ છે.
વેઠેલા ભારની બધા માંગે છે સાબિતી;
આધારના અભાવથી રસ્તા ઉદાસ છે.
થોભી જશે તે પામશે મંજિલ સુધીની રાહ;
તાપસના આ સુઝાવથી રસ્તા ઉદાસ છે.
સામી તરફ છે મર્મ ને મર્મજ્ઞ આ તરફ;
બંનેના મનમુટાવથી રસ્તા ઉદાસ છે.
કાંઠાથી કાંઠા સુધીના, રસ્તાને કાપવા;
રસ્તો બનેલી નાવથી રસ્તા ઉદાસ છે.
ઉતારે બેસી જોઉં છું સઘળા વળાંકને;
આંખોની આવજાવથી રસ્તા ઉદાસ છે.
૪. વિકલ્પ શોધ્યો છે
સતત પુકારતી ક્ષણનો વિકલ્પ શોધ્યો છે;
તને વરેલાં સ્મરણનો વિકલ્પ શોધ્યો છે.
ઊછળતા સોન-વરણનો વિકલ્પ શોધ્યો છે;
હયાતી નામે હરણનો વિકલ્પ શોધ્યો છે.
પડે ન ક્યાંય કશા પર ઉદાસ પડછાયો;
ખસેડી ખુદને ગ્રહણનો વિકલ્પ શોધ્યો છે.
બધે અભાવ મૂકી નીકળી ગયા છીએ;
બધે અટકતા ચરણનો વિકલ્પ શોધ્યો છે.
તું આવજે બધી ઘટનાની સામે પાર કદી;
પછી, પરંતુ ને પણનો વિકલ્પ શોધ્યો છે.
દરેક દૃશ્યમાં મારી સમાંતરે આવી;
ઊભા રહી જતાં જણનો વિકલ્પ શોધ્યો છે.
અમારે માટે કવિતા એ બીજું કાંઈ નથી;
વિલાપના વિવરણનો વિકલ્પ શોધ્યો છે.
૫. છૂટાં પડતાં‘તાં
અડકી અડકીને આંગળ છૂટાં પડતાં’તાં;
વરસી વરસીને વાદળ છૂટાં પડતાં’તાં.
પોતાને દૂર કરીને પોતે વિસ્તરતાં’તાં;
વડની ઉપરનાં સૌ વળ છૂટાં પડતાં’તાં.
બધી જ બાજુ ખેંચી રહી’તી બધા ખૂણાને;
દિવાલ પરનાં દરેક સળ છૂટાં પડતાં’તાં.
કોને તાતી જરૂર વરતાણી’તી એની?
કોની આંખોમાંથી જળ છૂટાં પડતાં’તાં?
કોઈ અવાજે દરેક દળને ભેગાં કરેલાં;
કોઈ અવાજે દરેક દળ છૂટાં પડતાં’તાં.
અર્થ વિનાના લાગ્યાં’તાં અર્થોના ટોળા;
જ્યારે શાહી, ને કાગળ છૂટાં પડતાં’તાં.
હું એની દૃષ્ટિ સામે દૃષ્ટિ કરતો’તો;
પાંપણનાં પલકારે પળ છૂટાં પડતાં’તાં!
૬. અમારાં ચીર ખેંચાયાં
![]()
બધી ડૂબી મરી ઈચ્છા, અમારાં ચીર ખેંચાયાં!
હવે શું કરવી આવરદા, અમારાં ચીર ખેંચાયાં!
દિવસ ઊગે બધા કાળા, અમારાં ચીર ખેંચાયાં!
ન આવે રાતનાં આરાં, અમારાં ચીર ખેંચાયાં!
બધે અથડાઈને પાછી ફરી પડઘાય છે ચીસો,
દિવાલો માંડી મૂંઝાવાં, અમારાં ચીર ખેંચાયાં!
સવાલો હું જ પૂછું છું, જવાબો હું જ આપું છું!
વધ્યાં છે મનના મૂંઝારાં, અમારાં ચીર ખેંચાયાં!
અહીંના લોક સૌ મૂંગા રહી જોયા કરે સઘળું;
વધી છે આપની રટણાં, અમારાં ચીર ખેંચાયાં!
હવે તારી ધરાનો રંગ તો ઝાંખો જ રહેવાનો,
ન કર કોશિશ તું રંગારા, અમારા ચીર ખેંચાયાં!
હજી પણ હાથ એના રાશની માફક વલોવે છે!
ભરાયાં ઝેરનાં પ્યાલા, અમારાં ચીર ખેંચાયાં!
પૃથાનાં પાંચ કાંધા પણ ન વેંઢારી શકે એવાં-
પડ્યા છે પંડ પર પાસા, અમારાં ચીર ખેંચાયાં!
તું જો વ્હારે નહીં આવે તો સૌ જોનાર કહેશે કે-
અમે સ્મર્યા ન ગોવિંદા, અમારાં ચીર ખેંચાયાં!
~ નિકુંજ ભટ્ટ
bhatt.nikunj2411@gmail.com
બધા ગઝલ સરસ થઈ છે,નિકુંજભાઈ.
ગઝલપૂર્વક અભિનંદન મિત્ર કવિશ્રી 💐
Very beautiful
વાહ
ખૂબ સરસ ગઝલો
શુભેચ્છાઓ કવિ
ઉત્તમ ગઝલો
ખૂબ જ સરસ ગઝલો