બે કાવ્ય ~ ગીત અને ગઝલ ~ ગોપાલી બુચ

૧. ગીત 

આપણે જ ભીડ્યે જો આપણાં કમાડ
તો બોલો ને કેમ કરી ખોલીએ?
આસપાસ ચણીએ જો કાંટાળી વાડ
તો ગમતીલાં ફૂલ ક્યાંથી વ્હોરીએ?

ઝાંઝવે નાહ્યાંની કોરપને ભૂલીને
રણસંગ વીરડીઓ જોડીએ?
પણ આપણે જ ભીડ્યે જો આપણાં કમાડ
તો બોલો ને કેમ કરી ખોલીએ?

એક વેળા વરસાદે ખીલ્યાંનું સુખ
પછી કાયમથી કોરી રહી જાત
ખેતરના શેઢામાં છમ્મલીલા રંગ જેવી
પાડી’તી પગલાની છાપ
હવે પાછોતરી વરસે જો વેળા તો સમ,
અમે તરસને આકંઠ ઘોળીએ

આથમણે ઉતરે છે રોજ અજવાળાં,
તોય જીવનભર રહેતી ના રાત
સંધ્યાની લાલીને આશા છે ફૂટવાની
ઉગમણે નવતર પ્રભાત
અમે ઝાકળનાં સથવારે ગૂંથી છે સાંજ
બોલો, દિવસ કે રાત શું બોલીએ?

૨. ગઝલ

એ રીતે  રણ વચોવચ પણ ઝાંઝવા ફળે છે
મૃગજળની સાવ મધ્યે  બે બુંદ ઝળહળે છે

ઘર આંગણાની જૂઈ મંડપ કરે સુવાસિત
હરખાતી એ પળોમાં હૈયું જરા કળે છે

હો વાત એકની તો હું વારતા ય માંડુ
કંઈ કેટલીય સીતા પળપળ  અહીં  બળે છે

પૂછ્યું છે મેં હૃદયને એ સુખ નથી તો શું છે?
ક્ષમતા મુજબની મારી, પીડા મને મળે છે

છે  જામ હાથમાં પણ તાળું છે હોઠ ઉપર
સરનામું રોજ સુખનું એવી રીતે છળે છે

~ ગોપાલી બુચ, અમદાવાદ
gopalibuch@gmail.com

Leave a Reply to Anil ShethCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment