ઓછાં પ્રચલિત ગીતોની ઓચ્છવસમી ગુણવત્તા ~ શ્રીકાંત ગૌતમ

સિનેસંગીત તથા સિનેગીતો હિંદી સિનેમાના સાવ જૂજ અપવાદો બાદ કરતાં અવિભાજ્ય અંગ લેખાતાં રહ્યાં છે. તે ત્યાં સુધી કે અમુક ફિલ્મોની ઓળખ જ એમાં ચિત્રિત થયેલાં ગીતો થકી આગવી બની છે.

આવા અમુક કિસ્સાઓમાં ફિલ્મનું નામ તથા એનાં અન્ય પાસાંઓ વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ જવા સંભવિત છે, પણ આવી ફિલ્મોની અસ્મિતા એના એકાદા ગીતની અનહદ લોકપ્રિયતાને આભારી અકબંધ રહેવા પામી હોય, એ પણ વર્ષોવર્ષ પર્યંત.

આમ સફળ કે નિષ્ફળ ફિલ્મોની આગવી ઓળખ જ્યારે એમાંનાં એક અથવા બે ગીતો થકી સ્થાપિત થઈ હોય, ત્યારે સ્વાભાવિક છે કે ફિલ્મોનાં અન્ય ગીતો આવા લોકપ્રિય નીવડેલાં ગીતોની આભાના આવરણ હેઠળ ઓછપાઈ ગયા હોય.

ઉદાહરણરૂપ આવા ઉપેક્ષિત ગીતોની કુંજ ગલીઓમાં સૂરીલી લટાર લગાવીએ. એ ઉપેક્ષિત ગીતોના માધુર્યપણાને પુન: યાદ કરીએ.

આ પ્રકારના જાણ્યે-અજાણ્યે અવહેલના પામેલાં જે ગીતોનો ઉલ્લેખ અહીંયા થશે, એ સઘળાં ગીતો વચ્ચે યોગાનુયોગે એક સામ્યતા પણ છે. એ સામ્યતા હતી એકાકીપણાનાં દર્દની, જે વ્યથા તથા વેદનાનું ઉદ્‌ભવસ્થાન સંજોગોને આધિન હતું.

અત્યંત લોકપ્રિય નીવડેલાં આ કે તે સિનેગીતની આભા હેઠળ ઢંકાઈ ગયેલું એક ગીત ફિલ્મ ‘‘મહલ (૧૯૪૯)માં હતું. આ ફિલ્મનું અત્યંત મશહૂર થયેલું માધુર્યપૂર્ણ ગીત હતું, ‘‘આયેગા, આયેગા આનેવાલા આયેગા…’

આ ગીતની લોકપ્રિયતા એટલી હદે આભને આંબતી પ્રસ્થાપિત થઈ કે આ ફિલ્મનું એક કર્ણમંજુલ દર્દીલું ગીત જે ગાયિકા રાજકુમારીના દર્દભર્યા કંઠેથી ગવાયું હતું, એની નોંધ ભાગ્યે જ લેવાઈ. એકાકીપણાની મનોવ્યથા વ્યક્ત કરતું ગીત હતું, ‘‘ઘબરાકે જો હમ સર કો ટકરાયે તો અચ્છા હો, ઈસ જીનેમેં સો દુ:ખ હૈ મર જાયે તો અચ્છા હો.’’

‘જાગતે રહો’’ ફિલ્મનાં ગીતોની વાત નીકળે એટલે સ્વાભાવિક છે કે આ ફિલ્મનાં ગીતો, ‘જિંદગી ખ્વાબ હૈ ખ્વાબમેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા….’’ અને ‘‘જાગો મોહન પ્યારે જાગો..’’ સહજપણે સ્મરણમાં આવે, પરંતુ આ ફિલ્મનું એક કર્ણમંજુલ, હૃદયદ્રાવક ગીત જે ગાયિકા આશા ભોંસલેની ગાયકીમાં ગવાયેલું પતિ તિરસ્કૃત એક પરિણીતાની વેદનાને વાચા આપતું જે ગીત હતું એ આ હતું, ‘ઠંડી ઠંડી સાવનકી ફુઆર, પિયા આજ ખિડકી ખુલી મત છોડો, આવે ઝોંકેસે પગલી બયાર, પિયા આજ બાતી જલી મત છોડો, ઠંડી ઠંડી સાવનકી ફુઆર…’

પરિણીતાના સંદર્ભે કન્યાવિદાયની મનોવેદનાને ગાતાં ગીતો યાદ આવવાં સ્વાભાવિક છે. અત્રે ઉલ્લેખ પામેલાં આ ગીતો જે ફિલ્મોનાં છે, એ ગીતો આ કે તે ફિલ્મના અન્ય લોકપ્રિય નીવડેલાં ગીતોના ઓછાયામાં આંશિકપણે લોકપ્રિયતાની દૃષ્ટિએ ઓછા પ્રચલિત થયાં.

આવું એક ગીત ફિલ્મ ‘‘અનોખી રાત’’નું હતું. આ ફિલ્મનું ‘‘ઓહરે તાલ મિલે નદી કે જલમેં નદી મિલે સાગરમેં સાગર મિલે કૌનસે જલમેં કોઈજાને…’’ એકદમ લોકપ્રિય નીવડેલ હતું. આ ગીતને આધિન પિતૃગૃહથી વિદાય લેવાની માનસિકતાસહ એક મુગ્ધા પોતાની મનોવેદના જે ગીત દ્વારા વ્યક્ત કરે છે, તે ગીત હતું, ‘‘મહલોં કા રાજા મિલા કે રાની બેટી રાજ કરેગી, ખુશી ખુશી કર દો બિદા તુમ્હારી બેટી રાજ કરેગી…’’

‘બંદિની’ ફિલ્મમાં આવી એક પરણેતર પોતાના પિયરની યાદમાં આંસુ સારતી એક ગીત દ્વારા પોતાની વિરહવેદના વ્યક્ત કરે છે. આ ફિલ્મનાં અન્ય ગીતો, ‘‘ઓ જાનેવાલે હો શકે તો લૌટ કે આના….’’ અને ‘ઓરે માઝી મેરે સાજન હૈ ઉસપાર…’’ તથા ‘મોરા ગોરા અંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે….ની સરખામણીએ જે ગીત ઓછું પ્રચલિત થયું, એ આશા ભોંસલેની ગાયકી ધરાવતું ગીત હતું, ‘‘અબકે બરસ ભેજ ભૈયા કો બાબુલ, સાવન ને લિજો બુલાયે રે, લૌટેગી જબ મેરે બચપનકી સખિયાં દેજો સંદેશા…’

‘‘બુટ પોલિશ’’ ફિલ્મનાં ગીતો ‘નન્હે મુન્ને તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ…’ અને ‘લપકઝપક તું આ રે બદરવા…’ની સરખામણીએ આ ફિલ્મનું એક યુગલગીત જે ગાયક તલત મહેમુદ અને ગાયિકા આશા ભોંસલેના કંઠેથી ગવાયું હતું તે ભાગ્યે જ સંભળાતું રહ્યું છે. (અહીં એક આડવાત, ગાયક તલત મહેમુદની ગાયકી ધરાવતું આ એકમાત્ર ગીત રાજ કપૂર નિર્મિત અથવા આર.કે. બેનર હેઠળ નિર્માણ પામેલી ફિલ્મમાં હતું.)

પ્રસ્તુત યુગલ ગીત નવોઢા બનવાનાં સપનાં નીરખતી મુગ્ધાના સંદર્ભે હતું જેના અંતર્ગત કન્યાવિદાયનો વિષાદ વણી લેવાયો હતો. આ ગીત હતું, ‘‘ચલી કૌનસે દેશ ગુજરિયા તૂં સજધજકે, જાઉં પિયા કે દેશ ઓ રસિયા મૈં સજધજકે.. છલકે માતપિતાકી અંખિયા રોવે તેરે બચપનકી સખિયાં, ભૈયા કરે પુકાર, ના જા ઘરઆંગન ત્યજ કે, ચલી કૌન સે દેશ…’

‘હીરરાંઝા’ ફિલ્મ જે નિર્માતા-નિર્દેશક ચેતન આનંદ સર્જિત હતી, એ ફિલ્મનાં ગીતોના સંદર્ભે, ‘યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહિ….’ અને ‘મિલો ના તુમ તો હમ ગભરાયે, મિલો તો આંખ ચુરાયે, હમે ક્યા હો ગયા’ સૌ પ્રથમ યાદ આવે, પરંતુ આ ફિલ્મનું એક ગીત જે હીર પોતાના મનના માણિગર રાંઝાની પરણેતર બનવાની જિજીવિષા પરિપૂર્ણ ન થવાની જાણતાં એની વેદના વ્યક્ત કરતી જે ગીત ગાય છે, એ અન્ય ગીતોની સરખામણીએ ક્યારેક જ સાંભળવામાં આવ્યું,

આ ગીત એટલે, ‘દો દિલ તૂટે દો દિલ હારે, દુનિયાવાલોં સદકે તુમ્હારે, મૈં ના રહુંગી લેકિન ગુંજેગી આહેં મેરે ગાંવમેં, અબ ન ખિલેંગી સરસોં, અબ ન લગેંગી મહેંદી પાંવમેં, દો દિલ તૂટે’’

https://www.youtube.com/watch?v=GITFL5k7YTQ&list=RDGITFL5k7YTQ&start_radio=1

કન્યાવિદાયની વિષાદપૂર્ણ ઘટનાને ગાતાં ગીતો તથા પરિણિતાના એકાકીપણાની મનોવ્યથાને વાચા આપતાં ગીતો ઉપરાંત એકાકીપણા તથા વિરલવેદનાનાં જે ગીતો ફિલ્મનાં અન્ય ગીતોની સરખામણીએ લોકચાહનાની દૃષ્ટિએ પાછળ રહ્યાં. અમુક ઉદાહરણો જોઈએ.

ફિલ્મ ‘‘હકીકત’’ના લોકજીભે ચડી ગયેલાં ગીતો એટલે ‘‘હો કે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા, ઝહર ચૂપકેસે દવા જાનકે ખાયા હોગા…’’ અને ‘‘કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયો અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’’. અને ‘જરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ, કહીં યે વો તો નહી, કહીં યે વો તો નહીં..’ આ પણ ગીતોની સરખામણીએ ઓછું પ્રચલિત, પરંતુ અનહદ હૃદયદ્રાવક એવું એકાકીપણાની વિરહવેદના ઠાલવતું, ગાયક મહમદ રફીના કંઠેથી ગવાયેલું ગીત હતું.

‘‘મૈં યો સોચકર ઉસકે દરસે ઉઠાયા, કે વો રોક લેગી મના લેગી મુઝકો હવાઓંમેં લહેરાતા આતા થા દામન કે દામન પકડકર બિઠા લેગી મુઝકો ના દામન પકડા ના મુઝકો બિઠાયા, યહીં તક કે ઉસસે જુદા હો ગયા, મૈં જુદા હો ગયા મૈં….’’

https://youtu.be/Nf9J-bw26DI?si=Nvjss4kE5NX4RPXj&t=26

અભિનેતા દેવ આનંદ અને અભિનેત્રી મધુબાલા અભિનિત ફિલ્મ ‘‘શરાબી’’ના સંગીતકાર મદનમોહન સ્વરચિત ગીતોને જેટલી લોકપ્રિયતા અને સફળતા સાંપડી એટલી જ માત્રાની નિષ્ફળતા ફિલ્મને પોતાને મળી. ‘‘કભીના કભી, કોઈ ના કોઈ તો આયેગા, અપના મુઝે બનાયેગા, દિલમેં મુઝે બસાયેગા…’’ કે પછી ‘‘સાવન કે મહિનેમેં એક આગસી સીનેમેં લગતી હૈ તો પી લેતા હું, દો ચાર ઘડી જી લેતા હું….’’, આ બંને ગીતો લોકચાહના રળવામાં અગ્રક્રમે રહ્યાં અને આની તુલનાએ એક અદ્‌ભુત ગીત પાશ્ર્ચાદભૂમાં રહ્યું.

ગાયક મહમદ રફીના સદાબહાર કંઠમાંથી વહેતું થયેલું આ ગીત જેમાં ઓછામાં ઓછાં વાજિંત્રો આ ગીતની સ્વરરચનામાં ઉપયોગમાં લેવાયાં હતાં, અને આ ગીત હતું ‘‘મુઝે લે ચલ આજ ફિર ઉસ ગલીમેં, જહાં પહલે પહલે યે દિલ લડખડાયા, વો દુનિયા વો મેરી મહોબતકી દુનિયા જહાંસે મૈં બેતાબિયાં લેકે આયા મુઝે લે ચલો….’

શ્રોતાઓ તરફથી લોકચાહનાની દૃષ્ટિએ ઉપેક્ષિત, પરંતુ શ્રોતાઓની લાગણીને તરબોળ કરતાં ઉષ્માભર્યાં ઉપરોક્ત ગીતોની સમગ્રતયા ગુણવત્તા ચિરકાલીન રહી શકે એવી સક્ષમ છે.

~ શ્રીકાંત ગૌતમ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment