ત્રણ ગઝલ ~ ભાવિન ગોપાણી
1. ઘટના ઉપરથી ધૂળ ખંખેરો
(“પરબ” જાન્યુઆરી ૨૦૨૫)
ભલે કાયા અને કપડાં ઉપરથી ધૂળ ખંખેરો
કળા જો હોય, પડછાયા ઉપરથી ધૂળ ખંખેરો
અધૂરા રહી ગયેલા કોઈના સપનાની મળશે છાપ,
મળ્યો રસ્તેથી એ સિક્કા ઉપરથી ધૂળ ખંખેરો
ફરીથી ચિત્ત ને ચ્હેરા ઉપર આવી જશે રોનક
પ્રણયના એક બે કિસ્સા ઉપરથી ધૂળ ખંખેરો
અમે બારી વગરના ઘરમાં પણ વર્ષો જીવી જઈશું
ફકત આકાશના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો
હજી ઊભા થઈ મહેમાન પહોંચ્યા ક્યાં છે ઘરની બ્હાર!
તરત ના આ રીતે સોફા ઉપરથી ધૂળ ખંખેરો !
થશે ચલચિત્ર ચાલુ ને અમે બેસી રહીશું બ્હાર,
અમારું કામ છે પડદા ઉપરથી ધૂળ ખંખેરો
વિતાવ્યું રણ છતાં રણ સાથે લઈને ક્યાં સુધી ફરશો?
હવે પાંપણ અને ચશ્મા ઉપરથી ધૂળ ખંખેરો
મળી છે કોઈના રૂમાલમાં ખુશબૂ નવી આજે
ફરીથી આપણે શંકા ઉપરથી ધૂળ ખંખેરો
બને એવું કે એ જોઈ શકે ઘરની ખરી હાલત
ચલો ભગવાનના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો
કળા કરવી તો ન્હોતી પણ કળા કરવી પડી અંતે
કહ્યું છે કોઈએ પીંછા ઉપરથી ધૂળ ખંખેરો
જરૂરી છે જ નહિ કે એમના પગલાં ઉપર ચાલો
બને તો એમના પગલાં ઉપરથી ધૂળ ખંખેરો
કશું ન્હોતું અને અંતે કશું રહેશે નહીં બાકી
જીવન છે ધૂળનાં ઢેફાં ઉપરથી ધૂળ ખંખેરો
પધારો જળ રૂપે ઈશ્વર, પધારો અન્ન રૂપે દેવ,
વલખતાં જીવના જડબાં ઉપરથી ધૂળ ખંખેરો
ગયું છો ધૂળમાં જીવન, મરણ તો સ્વચ્છ જોઈએ,
દુપટ્ટો ઝાટકો, પંખા ઉપરથી ધૂળ ખંખેરો
2. ખાસું બદલી નાંખ્યું
પાછી કોઈ ઘટના ઘટતાં પાછું બદલી નાખ્યું
ચ્હેરા પરના ઉન્માદે સરનામું બદલી નાખ્યું
તેં તારો રસ્તો બદલીને ખાસું બદલી નાખ્યું
મારા જેવા વૃક્ષોનું ચોમાસું બદલી નાખ્યું
કોનું પુસ્તક વાંચે છે એ મારા ચ્હેરાની જેમ?
બે-ત્રણ લીટી વાંચી ત્યાં તો પાનું બદલી નાખ્યું!
આના કરતા આપી ત્યારે ચોખ્ખી ના કહેવી’તી
ઘરની ચાવી આપીને તેં તાળું બદલી નાખ્યું !
કેવા કેવા ભેદ કર્યા છે એક જ મંડપ નીચે
પંગત બદલી નાખી સાથે ભાણું બદલી નાખ્યું
સવાર થોડી સૌમ્ય બને એ માટે સૌ યત્ન હતા
બીજું કંઈ તો ના બદલાયું, છાપું બદલી નાખ્યું
ઘરની બે ભીંતો વચ્ચેનું અંતર સ્પષ્ટ થયું છે
કોણે બારી ખોલીને અજવાળું બદલી નાખ્યું ?
3. ચમકતો સિક્કો હતો નકામો
અમુક કમરથી વળ્યા નહીં
ને અમુકનો ખોબો હતો નકામો
પ્રચાર એવો કર્યો બધાએ
છલકતો કૂવો હતો નકામો
અમે પ્રદર્શિત થતાં રહ્યાં પણ
નથી કોઈની નજરમાં આવ્યા
તમારી ઝળહળ હતી જ એવી,
તમારે પડદો હતો નકામો
બધા જ લોકો છે વ્યસ્ત અહીંયા
જુદો જ ચ્હેરો બતાવવામાં
છે અર્થ આનો બધાને માટે
મળેલ ચ્હેરો હતો નકામો
સ્વચ્છંદ થઈને, અતૃપ્ત થઈને
રખડવાં પાછળ છે સ્પષ્ટ કારણ,
બધી જ બાંહો મળી’તી પોકળ,
દરેક ફંદો હતો નકામો
પછી ધરા પર જીવન ફૂટ્યું ને
અચાનક એનું બજાર આવ્યું
એ ઓળખાયો સૂરજ તરીકે
જે એક તણખો હતો નકામો
કદી જે પાછળથી ફૂટતો’તો,
મને એ ઉપયોગી નીવડ્યો છે
પતાવી દીધું છે યુદ્ધ મારું,
ભલે તમંચો હતો નકામો
સળગતા રસ્તા, ભટકતી ભીંતો,
રઝળતી લાશો, સબડતી ચીસો,
જો એક પણ શીશ ન્હોતું ઉન્નત,
ફરકતો ઝંડો હતો નકામો
~ ભાવિન ગોપાણી, અમદાવાદ
પહેલી અને બીજી ગઝલ વધુ ગમી.
Khub j saras. Umda.