ચ્હેરો સહેજ મારી તરફ લાવ, તો કહું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
દરેક જણને કંઈક કહેવું હોય છે, પણ યોગ્ય માધ્યમ નથી મળતું. સોશ્યિલ મીડિયાને કારણે સૂંડલેમોઢે કહેવાતી વાતો મુખર પ્રકારની હોય છે.

અંતરની વાત કરવા માટેની અંગત ઉષ્મા એમાં દૃષ્ટિગોચર થતી નથી. જિંદગીમાં કમ સે કમ એક જણ તો એવું જોઈએ જેની સાથે `નીલે ગગન કે તલે’ કોઈ પણ વાત કરી શકાય. હરીન્દ્ર દવે એને નિરૂપે છે…
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું

અતીતને મળવાની મજા હોય છે. એ સુખદ હોય તો વિટામિનનું કામ કરી શકે. સ્કૂલમાં સાથે ભણતો મિત્ર કે સખી ચારેક દાયકા પછી અચાનક મળી જાય તો વીતલો સમય સાદ્યંત થઈ આવે.

શું કહું ને શું કહું એવી મૂંઝવણ થાય. કોઈ પણ એજન્ડા વગરનું આવું મળવું ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવે છે. આંખોમાં ઉમટી આવેલી ભીનાશ એની સચ્ચાઈનો પુરાવો છે. ગની દહીંવાળા સ્મિત અને રૂદનની કશ્મકશ આલેખે છે…
આપણી પાસે હતું જે ધન
તે આંખોમાં હતું
એ પ્રસંગોપાત વપરાયું,
બહુ સારું થયું
શું કહું દુનિયામાં મારે
શી રીતે હસવું પડ્યું?
એ રૂદન તમને ન સંભળાયું,
બહુ સારું થયું
કેટલાક સંજોગોમાં સ્મિત પરાણે લાવવું પડે છે. અંદરનો ઉમળકો ન હોય તો એ વર્તાઈ આવવાનો. લગ્નના રિસેપ્શન વખતે વર-કન્યાની હાલત કફોડી થાય છે. કપડા સૂકવવાની ક્લિપથી ગાલ પકડી રાખ્યા હોય એવું સસ્મિત તસવીરો પડાવતી વખતે લાગે.

સ્ટુડિયોમાં પાસપોર્ટ ફોટો પડાવવા જઈએ ત્યારે ફોટોગ્રાફર હસતું મોઢું રાખવાનું કહે તોય આપણને ભારે પડી જાય છે. કોઈ નાના બાળકને જોઈએ કે રમાડીએ ત્યારે આ સ્મિત આપોઆપ ચહેરા ઉપર ઝળકી ઊઠે છે.
સંજુ વાળા સંવાદમાં વ્યત્યયનો ભાવ આલેખે છે…
ભાવ સમજું ને હાવભાવ કહું
કે, ઉમળકાનો ઘન ચઢાવ કહું?
વાતમાં બીજી વાત ગૂંથીને
ચાલું રાખું કે `રૂક્જાવ‘ કહું?
કુશળ વક્તા એક વાતમાં બીજી વાત સાંકળીને એટલી સરસ રીતે કહે કે કાનમાં કલરવ ઘોળાઈ જાય. હરિભાઈ કોઠારી અને સુરેશ દલાલ પોતાના વક્તવ્યમાં વિવિધ વિષયોની ગૂંથણી કરી પાછા સમ પર આવી જતા એટલે એમને સાંભળવાની પણ મજા પણ આવતી અને આંતરિક રીતે પણ સમૃદ્ધ થતાં.
નિરંજન ભગત જેવા વક્તાઓ પાસે તો એવા એવા ટોપિક રહેતા કે સાંભળવા માટે પણ જાતને અપગ્રેડ કરવી પડે.
વિશદ જ્ઞાન ધરાવતા વક્તાઓ ઘણી વાર બારીક વાત કહેવા તો ઇચ્છે, પણ લોકોને નહીં સમજાય એવા ડરને કારણે વાતને છોડી દેતા હોય છે. સારા વક્તાની જેમ સારા શ્રોતા પણ દુર્લભ છે. અમૃત ઘાયલ લખે છે…
કહું તો ક્યાં કહું? કોને કહું?
જઈ વાત અંતરની
જગતમાં ધૂમ આજે
બુદ્ધિની ચોમેર છે સાકી

બુદ્ધિની સામે લાગણી પગ ટેકવી દે છે. લાગણી પાસે ગણતરી નથી હોતી, જ્યારે બુદ્ધિ સમીકરણોમાં માહેર હોય છે. એક જ વ્યક્તિની અંદર બંને સ્થાયી હોય છતાં ઘર્ષણ ચાલ્યા કરે છે. આદિલ મન્સૂરી આજીજીના સ્વરે કહે છે…
કહું છું ક્યાં કે આઘેરા
કોઈ રસ્તા સુધી આવો
ઊઘાડો બારણું ને આંગણે
તડકા સુધી આવો
હું છેલ્લી વાર ખોબામાં
ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો,
હવે તરસ્યા સુધી આવો
તરસ વિવિધ પ્રકારની હોય. પાણીની તરસ કુદરતી છે. પ્રતિષ્ઠાની તરસ માણસને કંઈક નક્કર કરવા પ્રેરે છે. પ્રતીક્ષાની તરસ જીરવવી બહુ અઘરી હોય છે. કોઈની રાહ જોઈ-જોઈને જિંદગીની રાહ ઘડવાનું કામ ખરેખર અઘરું છે. કવિ મુકેશ જોષી એક એવો અફસોસ વ્યક્ત કરે છે જેમાં ગોલ્ડન ચાન્સ ખોયાનો વિષાદ અનુભવાશે…
કેટલાં વર્ષોથી જેની રાહ જોઈ
ને પછી પાડોશીઓએ જે કહ્યું
બારણાં વાસેલ જોઈ એક જણ
પાછું ગયું છે યાર, હું કોને કહું?
લાસ્ટ લાઈન
છોડી શરમ નજીક જરી આવ, તો કહું
ચ્હેરો સહેજ મારી તરફ લાવ, તો કહું
મારા હૃદયની વેદના હું, શી રીતે કહું?
એકાદ આકરો જો મળે ઘાવ, તો કહું
હું ક્યાં રહું છું-ની મને સ્હેજે નથી ખબર
થીજી ગયેલ યાદ ખળભળાવ, તો કહું
કહેવું ઘણું છતાંય કશું ના કહી શકું
હિંમત જરીક આજ તું બંધાવ, તો કહું
કોમળ ફૂલો, સુગંધની વાતો વધુ ન કર
એકાદ ફૂલપાંખડીય લાવ, તો કહું
~ મણિલાલ `જગતમિત્ર’
ખૂબ સરસ લેખ.
ઉમદા સંકલન.
બહુ સરસ લેખ
કહું , ના કહું ની અવઢવ દરેક શેરમાં સુપેરે ઉપસી છે…