આમંત્રિત (નવલકથા) ~ પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ: 36-37 (સંપૂર્ણ)
પ્રકરણ: 36
કેટલી ઝડપથી જતા હતા દિવસો. ઑક્ટોબર પૂરો થઈ જવા આવ્યો. હવે ઋતુ બદલાઈ જવાની. હવે ફરીથી શિયાળાના ગુણ જોતાં થવું પડશે. જૅકિને લાગતું હતું, કે એને પોતાને તો કાંઈ કરવાનું જ ન હતું. બધું સચિને જ કરવાનું હતું – સિટી હૉલમાં દિવસ અને સમય નોંધાવવાનો, ઈન્ડિયાની ટ્રીપ માટેની ગોઠવણ કરવાની, એનાં પૅરન્ટ્સ સાથે વાત કરતાં રહેવાનું.
એવો રૂટ નક્કી થયેલો કે જેમાં સચિન અને જૅકિ ન્યૂયોર્કથી પૅરિસ જવાનાં, ત્યાંથી ચેન્નાઈ જતી ફ્લાઈટમાં પૅરન્ટ્સ જોડાવાનાં. બધાં સીધાં પોંડિચેરી તરફ જવાના મતનાં હતાં. દરિયા–કિનારાની નજીકની એક સરસ હોટેલમાં સચિને બે બેડરૂમનો અપાર્ટમેન્ટ બૂક કરાવ્યો હતો. આશ્રમ પણ ત્યાંથી પંદરેક મિનિટ દૂર જ હશે.
થોડા દિવસ ત્યાં ગાળ્યા પછી જૅકિનાં પૅરન્ટ્સ પાછાં પૅરિસ જવાનાં હતાં. સચિને જૅકિની સાથે ઉદેપુર અને આગ્રા જવાનો પ્લાન કર્યો હતો. પાછું નવું વર્ષ શરૂ થવાની રાત પહેલાં તો એમણે ન્યૂયોર્ક પહોંચી જ જવાનું હતું. ખલિલે વચન લીધું હતું. સચિનને લાગતું હતું કે ટ્રીપ બહુ ટૂંકી થવાની. જૅકિ કહેતી હતી, કે કામ પરથી બે અઠવાડિયાંથી વધારે લાંબું જવું ભાગ્યે જ બનતું હોય છે.
નવેમ્બરમાં, ‘થૅન્ક્સ ગિવિંગ’ના બહુ જ અગત્યના કહેવાય તેવા પ્રથાગત પ્રસંગે તો બધાં પોતપોતાનાં કુટુંબ સાથે દિવસ ગાળે, તેથી સચિન અને જૅકિએ એના આગલા રવિવારે એક લંચ રાખ્યું. પાપા, અંજલિ, માર્શલ, ખલિલ, રેહાના, દોલા, ઑલિવર, સચિન અને જૅકિ. બસ, બધાં ઘરનાં જ.
એમને બીજાં ઘણાંયે યાદ આવેલાં, જેમકે રૉલ્ફ, કૅમિલ, ક્લિફર્ડ, લિરૉય અંકલ વગેરે. પણ ના, આ વખતે આટલાં જ. જોકે પાપાની ઈચ્છા હતી એટલે દિવાન અંકલને કહેવું પડ્યું. વળી, માલતીબહેનને જમવાનું બનાવવા માટે બોલાવેલાં, ને તેથી એમના હસબંડને પણ આમંત્રણ આપી દીધેલું.
સચિને જૅકિને કહ્યું, “તોયે ઘણાં જણ થઈ ગયાં, નહીં?”
“ તે ભલે ને. આટલાં સ્વજન હોય તે આપણું સદ્ભાગ્ય છે ને?”, જૅકિએ કહ્યું.
બધાંને બહુ મઝા પડી, અને બહુ ઉષ્મા લાગી. બહાર વૃક્ષોનાં પાંદડાં તો ક્યારનાં ખરી ગયેલાં, પણ હડસન નદી બહુ જ સુંદર દેખાતી હતી. નવેમ્બરનું આકાશ ઘણું સ્વચ્છ હોય, તેથી પાણી પણ ભૂરું બન્યું હોય, અને શિયાળાની શરૂઆતનો તડકો એવો તો તેજસ્વી હોય, કે આખા વહેણ પર ચળકાટ પથરાયેલો લાગે. બધાંને બાલ્કનીમાં જ બેસવાનું, ઊભાં રહેવાનું મન થતું હતુ.
એક સમયે ચર્ચા આજકાલના સમચારમાં સંભળાતા રહેતા, શહેરના સામાજિક પ્રશ્નો પર વળી. ઘર વગરનાં, ગરીબ, આશિક્ષિત, ગુનાહિત વગેરે અભાવગ્રસ્ત પ્રજાજનોની સમસ્યાઓ પર મંતવ્ય આપાયાં. ને ચર્ચા કરતાં કરતાં, હાજર હતાં તે બધાં યુવાવયી સદસ્યોએ સહજ નિર્ણય કર્યો, કે દર વર્ષે નિયમિત રીતે અમુક પૈસા વિશ્વસનીય સંસ્થાઓમાં દાનમાં આપવા.
સચિને તો એ શરૂ કરી જ દીધું હતું. કેતકીએ આપેલા પૈસામાંથી એ રકમ વધારવાનો પણ હતો. જોકે એ વિષે એણે કાંઈ કહ્યું નહીં. પણ એણે ગ્રાન્ડ કૅથિડ્રાલ, હાર્લેમ હૉસ્પિટલ, બાઉરી અસોસિયેશન વગેરે જગ્યાઓનો ઉલ્લેખ કર્યો, કે જ્યાં ઘણું અગત્યનું કામ થતું હતું.
દિવાન અંકલ નવાઈ પામ્યા હતા, કે આ જુવાનિયાં આવા ઉદાર અને આદર્શવાદી નિર્ણયો પણ લેતાં હોય છે. એ સુજીતને કહેવા માંડ્યા, “તમારા ઘરનાં આ બધાં નાનેરાં ઉંમરથી ઘણું વધારે ડહાપણ ધરાવે છે. વાહ. આ બધાંનાં વર્તન અને વિચાર જોઈને હું ગદ્ગદ્ થયો છું, હોં, ભાઈ. હું મારા મુકુલને પણ કહીશ, કે સચિનની સાથે આ બાબતે વાત કરે.”
ડિસેમ્બરની સાતમીએ સવારે ઋતુને શોભે એવી રુચિર ઠંડી હતી. જૅકિના ગાલ પર લાલી હતી. કદાચ ઠંડીને લીધે, કદાચ આ લગ્ન– પ્રસંગના આવેશને કારણે. સચિનની આંખો એના મુખ પરથી ખસવા નહોતી માગતી.
કૅમિલ એમની સાથે ટૅક્સીમાં આવી હતી. ખલિલ એને ઘેરથી સિટી હૉલ પર આવી ગયો હતો. જૅકિએ આછા પીસ્તાઈ રંગનાં સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યાં હતાં. ગળામાં કેતકીએ આપેલી ચેન એણે આદરથી પહેરી હતી. એણે સચિનને કહેલું, કે “રજિસ્ટર કર્યા પછી પાપાને ત્યાં જઈશું ત્યારે યાદ રાખીને કાઢી નાખીશ. કદાચ છેને એ ઓળખી જાય આ ચેનને.”
સચિન પોતાને ને ખલિલને માટે તાજાં લાલ કાર્નેશન, અને જૅકિ ને કૅમિલને માટે સફેદ કાર્નેશન લેતો આવેલો. સાથે બે સેફ્ટિપીન પણ યાદ રાખીને લાવેલો, નહીં તો ડ્રેસ પર ભરાવે કઈ રીતે? બંને યુવતીઓએ વિસ્મિત આનંદથી સચિનનો આભાર માન્યો. જૅકિએ એનો હાથ દબાવ્યો. એને મન તો થતું હતું સચિનને જોરથી ભેટવાનું.
એમને લાંબી રાહ જોવી ના પડી. લગ્નના રજિસ્ટ્રેશન માટે એમનો નંબર થોડી જ વારમાં આવી ગયો. આ વિધિમાં તો બહુ વાર થતી જ નથી. કલાકેકમાં ઑફિશિયલ થઈ ગયું, કે સચિન અને જૅકિ હવે પરીણિત દંપતી છે. ખલિલની ખુશી તો જાણે સમાતી ન હતી. કૅમિલ જરા નવાઈ પામી ગયેલી. “આખી જિંદગી સાથે ગાળવાની છે, ને એને માટેની પરવાનગી મળતાં બસ, આટલી જ વાર?”, એણે કહ્યું.
જૅકિ હસી, “સામાન્ય રીતે, ચર્ચમાં વિધિ લાંબો ચાલ્યા જ કરે તો જ લગ્ન થયું લાગે, નહીં? આપણે એ રીતે જ ટેવાયેલાં છીએ, પણ અમને આ સહી–સિક્કામાં બહુ સગવડ દેખાય છે. લગ્નમાં થવાનો હોય તે ખર્ચ આપણે સમાજમાં વહેંચી દઈ શકીએ છીએ.” સચિન સમજી શકતો હતો, કે તરત ને તરત છૂટાં પડતાં ખલિલ દુઃખી થશે. તેથી એ બધાંને નજીકના કાફેમાં લઈ ગયો. કૉફીના કપ હાથમાં લઈ લઈને સચિન અને જૅકિને અભિનંદન અપાયાં.
એ ને જૅકિ લંચ માટે તો પાપાને ત્યાં જવાનાં હતાં, પણ સાંજે એમણે ખલિલ અને રેહાનાને આમંત્રણ આપ્યું. અને પછીની સાંજે કૅમિલ અને રૉલ્ફને મળવાનું નક્કી કર્યું.
આ પછી તો ચારેક દિવસ જ રહેતા હતા. પછીની સાંજે તો એમની ફ્લાઈટ હતી. સચિન કહે, “બહુ ઝડપથી જાય છે દિવસો, જૅકિ. ને તારી સાથે એકલાં ને નિરાંતે મને ક્યારે સમય મળશે? કદાચ ઉદેપુરના લેક પૅલૅસમાં હોઈશું ત્યારે જ.” જૅકિને એ જ સમયની રાહ હતી.
ચેન્નાઈના ઍરપોર્ટથી જ ટૅક્સી કરીને ચારેય જણ પોંડિચેરી તરફ નીકળી ગયાં. જૅકિનાં પૅરન્ટ્સ પૅરિસના ઍરપોર્ટ પર સચિન અને જૅકિને મળ્યાં ત્યારથી જ ખૂબ ઉત્તેજિત હતાં.
એક તો, આ દરમ્યાન એમની દીકરીએ આવા સરસ યુવાનની સાથે લગ્ન કર્યાં હતાં, અને બીજું, ફરીથી એ લોકો પોંડિચેરી જઈ રહ્યાં હતાં. એમનાં તો ઘણાં વર્ષ ત્યાં વીતેલાં. શ્રી ઑરૉબિન્દો આશ્રમમાં દરરોજ જવાનો નિયમ હતો. આટલાં વર્ષે હવે દીકરી–જમાઈની સાથે પ્રણામ કરી શકશે, ધ્યાન–ખંડમાં બેસી શકશે.
હોટેલ સારી હતી. ત્યાંથી દરિયા–કિનારે ચાલીને જઈ શકાતું. આશ્રમ સુધી પણ એ ચારેય ચાલીને જવાનું પસંદ કરતાં. સચિનને પોંડિચેરીના ઘટાદાર ઝાડ અને લાક્ષણિક ઘરવાળા રસ્તાઓ પર ચાલવું બહુ ગમવા લાગેલું. “વાતાવરણ ફ્રેન્ચ લાગે છે?”, જૅકિએ પૂછેલું. “એકદમ જુદું તો લાગે જ છે”, સચિને કહેલું.
પછી તો સિન્યૉરા માટે સમાધિને ફૂલોથી શણગારવાની સંમતિ પણ મળી ગઈ. એક સાંજને માટે, ભીની આંખે, એમણે રંગરંગીન ફૂલોને સમાધિ પર ગોઠવ્યાં. વચમાં ગુલાબી પોયણાંથી હૃદય–આકાર બનાવ્યો, ને એમાં ખોલેલાં બે સફેદ કમળ મૂક્યાં. કોઈ દેખીતું ઇંગિત આપ્યા વગર એમણે જૅકિ અને સચિનના સહજીવનને માટે પ્રાર્થના કરી હતી. ત્યાં ઊભાં રહીને બધાંએ પ્રણામ કર્યાં, ને ધ્યાન–ખંડમાં પરમ શાંતિ અનુભવી.
પછી તો જૅકિની સ્કૂલ જોઈ, લાયબ્રેરી જોઈ. ક્રિસમસની રજાઓમાં અંદરથી તો બધું બંધ હતું. વર્ષો પહેલાં જ્યાં રહેતાં હતાં તે રસ્તા પર ગયાં, ને એ ઘર સચિનને બતાવ્યું. “હવે તો સમારકામ થયું છે, ને ઘણું મોડર્ન બન્યું છે”, ડૅડ બોલ્યા.
જૅકિ બહુ ખુશ થઈને બોલી, “મેં કલ્પ્યું પણ ન હતું કે હું ફરી અહીં આવીશ, આ ઘરને ફરી જોવા પામીશ, ને તે પણ મમ્મા ને ડૅડની સાથે.”
“આપણે ત્રણેએ આભાર તો સચિનનો જ માનવાનો છે. એ જ અહીં લઈ આવ્યો છે આપણને”, મમ્માએ બહુ ભાવપૂર્વક કહ્યું.
પોંડિચેરીમાંના દિવસો આ રીતે ગયા. બધાં દરરોજ આશ્રમમાં અને ધ્યાન–ખંડમાં સાથે જતાં. એ સિવાય, મમ્મા અને ડૅડ બેએક જગ્યાએ જઈને કોઈ ઓળખીતું હોય તો મળી આવ્યાં; સચિન જૅકિને લઈને દરિયા–કિનારે ચાલવા જતો રહ્યો. “કેવી જુદી જ દુનિયા છે અહીંની, નહીં?”, સચિને કહ્યું. “કેવી શાંત છે. અહીં દિવસો કેવા સરસ ધીમી ગતિથી જતા લાગે છે, નહીં?”
“થોડા દિવસમાં જ ક્રિસમસ આવશે, પણ આપણે મમ્મા ને ડૅડની સાથે નહીં હોઈએ, તો અહીં જ મોટા ચર્ચમાં એક વાર સાથે જઈ આવીએ, તો કેવું?”, સચિને સૂચન કર્યું. જૅકિ તો સચિનની ઉદાર વિચારસરણી જાણતી જ હતી, પણ પૅરન્ટ્સ ખૂબ ખુશ થયાં આ સૂચનથી.
ફ્રાન્સ પછી જૅકિ સાથે ચર્ચમાં જવાનું એમને અહીં ફરી મળી રહ્યું હતું.
આશ્રમની બાજુમાં એક નાની દુકાનમાં પોંડિચેરીમાં વિશિષ્ટ એવા ‘માર્બલ પેઈંટિંગ’ની વસ્તુઓની દુકાન હતી. જાડા કાગળની જાતજાતની ચીજો – કાર્ડ, પૅડ, બૉક્સ, હોલ્ડર વગેરે. ઉપરાંત, સિલ્ક પર આ વિશિષ્ટ કળાથી રંગ કરીને આકર્ષક ચીજો બનાવેલી હતી – રુમાલ, સ્કાર્ફ, પર્સ, સાડી. જૅકિને ઘણી મિત્રો યાદ આવતી હતી. એણે છ લઉં?, આઠ લઉં? કરતાં કરતાં દસેક જેટલી ક્લચ–પર્સ પસંદ કરી. ‘પોંડિચેરીની આ કળા બીજે ક્યાંય ના મળે. ગિફ્ટ તરીકે આ સ્પેશિયલ થશે’, એણે વિચાર્યું.
મમ્મા અને ડૅડ ચેન્નાઈમાં બે દિવસ રહેવાનાં હતાં. ઍનિ બિસન્ટ અને શ્રી ક્રિષ્ણમૂર્તિનાં થોડાં લખાણ એમણે વાંચેલાં, અને એમને અડ્યારમાંની થિયોસોફિકલ સોસાયટીમાં ફરીથી જવું હતું. જૅકિ અને સચિને ઉદેપુર જવા માટે ફ્લાઇટ લીધી.
સચિને ધાર્યું હતું તેમ, લેક પૅલૅસમાં પહોંચ્યા પછી જ એને જૅકિની સાથે નિરાંતે એકલાં રહેવા મળ્યું. એકાદ વાર પિછૌલા સરોવરમાં નૌકાની સહેલ લીધી, પણ બાકીનો સમય એમણે અઢારમી સદીમાં સફેદ આરસમાંથી બનાવેલા મહેલની અસાધારણ શોભાની વચમાં રહીને જ ગાળ્યો.
આખો દિવસ સરોવર પરથી પવન આવતો રહેતો, ને રાજસ્થાનમાં તો ડિસેમ્બરની સરસ ઠંડક પણ હતી. સંગીતના સૂર દરેક સાંજે આખા મહેલમાં પ્રસરતા. એક દિવસ એક ગાયન બહુ જ ગમ્યું. પૂછ્યું તો ખબર પડી, કે એ ગિરિજાદેવીની ઠુમરીની સી.ડી. હતી. “ઓહ, પાપા સાંભળતા રહે છે તે. એટલે જ ઓળખાઈ. એમને કહીશું તો એ ખુશ થશે”, સચિને કહ્યું.
એક યુરોપી પ્રવાસી–જૂથને માટે એક સાંજે નાનો રાજસ્થાની મેળો ગોઠવાયો હતો. સચિને લાખની સુંદર બંગડીઓ ખરીદીને જૅકિના હાથમાં પહેરાવી. જૅકિ ચુંદડીવાળાની પાસેથી એક ચુંદડી પસંદ કરતી હતી, ત્યાં આવીને લોક–નૃત્ય કરતી છોકરીએ નૃત્યમાં જોડાવા એને બોલાવી. જૅકિએ તો હંમેશ મુજબ લાંબું સ્કર્ટ પહેર્યું હતું, ને હાથમાં આ ફૂલગુલાબી ચુંદડી. એણે એકાદ મિનિટ નૃત્યની રીત જોઈ, ને પછી રાજસ્થાની લોક–સંગીતની સાથે, બરાબર તાલબદ્ધ રીતે, એ નૃત્ય કરવા લાગી.
સચિન જલદીથી વિડિયો લેવા માંડ્યો. રંગીન બંગડી પહેરેલા એના હાથ, ફૂલગુલાબી ચુંદડી, ને જૅકિનું હસતું, ચમકતું મુખ. એને માટેનો પ્રેમ સચિનની આંખો ભીની કરવા લાગ્યો.
નૃત્ય પૂરું થતાં બધાંએ જૅકિ માટે તાલીઓ પાડી. મૅનૅજરે એમને ડિનર માટે ખાસ આમંત્રિત કર્યાં. જોકે જૅકિને તો સચિનની સાથે એકલાં જ રહેવું હતું.
“આ જગ્યા તો દુનિયાની બહારની હોય તેવી જ લાગે છે. ખૂણે ખૂણો અત્યંત સુંદર હોય તેવું બીજે ક્યાં જોવા મળે?”, અહીં લાવવા માટે સચિનનો આભાર માનતાં જૅકિએ કહ્યું, “હવે બીજે ક્યાંય નથી જવું, સચિન. આનાથી વધારે સુખ ક્યાં મળવાનું?”
“બસ, હવે એક જ જગ્યાએ તારી સાથે જવું છે મારે. અહીં આપણા પ્રેમનું નિજી સ્વરૂપ આપણે ઘડી શકીએ, પણ હવે જ્યાં જઈશું તે ઉત્કટ પ્રેમનું વૈશ્વિક પ્રતીક ગણાય છે.
આ જળ–મહેલને છોડવાનું જૅકિને કે સચિનને મન ન હતું, પણ સમય ક્યાં બહુ હતો? હવે આગ્રા માટે છેલ્લા ચાર દિવસ રહ્યા હતા. ઉદેપુરથી મોટર–માર્ગે અથવા ટ્રેનમાં જવું ગમ્યું હોત, પણ દસ–બાર કલાક થઈ જાય. ઈન્ડિયામાં ભ્રમણ કરવું કેટલું અઘરું હતું, તે એમણે સાંભળેલું. પાપાએ પણ તકલીફોનો થોડો નિર્દેશ તો કરેલો જ ને. તેથી આગ્રા જવા સચિને ફ્લાઇટ નક્કી કરેલી.
તાજમહેલની ખૂબ પાસે હોય તે હોટેલ, અને એના જે રૂમમાંથી તાજ દેખાતો હોય તે સ્પેશિયલ રૂમ સચિને બૂક કરાવેલો. હોટેલમાં પ્રવેશતાં જ બંને ખુશ થઈ ગયેલાં. રૂમનું બારણું ખોલીને અંદર જતાં જ સચિને જૅકિનો હાથ પકડ્યો, અને આંખો બંધ કરવા કહ્યું. પછી એને બારી પાસે લઈ ગયો, પડદો ખસેડ્યો, અને આંખો ખોલવા દીધી. સામે હતો સફેદ સંગેમરમરનો બનેલો નખશિખ–સુંદર આકાર. “આહ”, જૅકિ બોલી ઊઠી, “આ તો એક સ્વપ્ન જેવું લાગે છે.”
“આ એ સ્વપ્ન છે કે જે સિદ્ધ થયું હોય. આપણે માટે તો થયું જ છે.”
“હા, સચિન, આ એક વધારે જગ્યાએ તું મને લાવ્યો તે બહુ જ સારું થયું. આ સ્થાપત્ય જિંદગીમાં એક વાર તો જોવું જ જોઈએ.”
ખરેખર જ બે દિવસ હોટેલમાં જ ગાળ્યા. એનો પણ સરસ બાગ હતો, ફુવારા, ફૂલો, અને ભીડ નહીં. સંપૂર્ણપણે અંગત સમય.
“પાસેથી એક વાર નથી જોવો તાજને, જૅકિ?”, સચિને પૂછ્યું.
“એક વાર એ પણ કરવું જ જોઈએ, નહીં? ચાલ, લંચ પછી આજે જઈ આવીએ. પણ હું છેક અંદર નહીં જાઉં. શહેનશાહ અને બેગમ જ્યાં દફન થયાં છે ત્યાં મારે નથી જવું. ભલે હજારો લોકો જતા હોય, હું એક જણ એમને પ્રાઇવસી અને ડિગ્નિટી આપવા માગું છું. અને મારે કોઈ જાતની ઉદાસી કે કરુણતા આ થોડો વખત નથી અનુભવવી.”
સચિન પણ જાણતો હતો, કે આ સ્વપ્ન જેવો સમય વીતી જશે પછી ન્યૂયોર્કમાંની વાસ્તવિક જિંદગી જ સાથે રહેવાની છે.
તાજમહેલના ઉપલા પ્લૅટફોર્મ પર ચાલતાં એણે કહ્યું, “જો, જૅકિ, યમુના નદી પર ઉત્કટ પ્રેમનું આ વૈશ્વિક પ્રતીક છે ને. તો હડસન નદી પર આપણા ઊંડા પ્રેમનું નિજી સ્થાન છે. ખરું કે નહીં, જૅકિ?”
“ નિજી, અને જીવંત, સચિન.”
પ્રકરણ: 37
મહાનગર ન્યૂયોર્કમાં ડિસેમ્બર મહિનાનો અંત એટલે જાણે ઋતુ અને પ્રજાજનો વચ્ચે એક ગજગ્રાહ! ઋતુ ઈચ્છે કે હવા ઠંડી હોય, ને વાતાવરણ ગુમસુમ જેવું હોય. પ્રજાજનો આ મહિનાને શિયાળાની શરૂઆત નહીં, પણ ઉત્સવનો સમય ગણે. પહેલા જ અઠવાડિયામાં રૉકફેલર સેન્ટરમાંનું વિરાટકાયી ‘ક્રિસમસ–ટ્રી’ રંગીન દીવાઓથી સુશોભિત થઈ જાય, ને બીજા અઠવાડિયાથી શહેરમાં ઑફિસોની મોટી મોટી લૉબીમાં અસંખ્ય ‘ટ્રી’ મૂકાઈ જાય, અને રસ્તે રસ્તે બત્તીઓની ઝૂલ બંધાઈ જાય.
ગયા વર્ષે પાપાને રોકફેલર સેન્ટર અને લિંકન સેન્ટરનાં ‘ટ્રી’ જોવા લઈ ગયો હતો, તે સચિનને યાદ હતું. આ વખતે અંજલિ અને માર્શલ કદાચ એમને લઈ ગયાં હોય. કદાચ પાપાને ફરીથી જવાનો શોખ ના પણ થાય. કેમ રહી હશે એમની તબિયત?, સચિન વિચારતો હતો.
દિલ્હીથી નીકળેલું વિમાન ન્યૂયોર્કના આંતરરાષ્ટ્રીય મથક પર ઊતરતું જતું હતું. વિમાનમથક પર પણ ક્રિસમસને લગતી શોભા હતી. એકાદ લાઉન્જમાં ‘ટ્રી’ પણ મૂક્યું હશે, પણ એમનાં જોવામાં આવ્યું નહીં. ‘બસ, હવે જાણે જલદી ઘેર પહોંચી જઈએ’, જૅકિને ક્યારનું થતું હતું.
શિયાળો થતાં વૃક્ષોનાં પાંદડાં ખરી ગયાં હતાં. સૂકી ડાળીઓમાં થઈને તો હવે હડસન નદી ઘણી વધારે દેખાતી હતી. આ દૃશ્ય જૅકિને બહુ પ્રિય હતું. સામે વિસ્તરેલી નદી, ઉપર વિશાળ આકાશ. એને બહુ જ પોતાનું લાગતું આ દૃશ્ય. ‘એકદમ નિજી’, એણે વિચાર્યું. ‘ઓહ, નિજી, અને જીવંત’, એને એ શબ્દો યાદ આવી ગયા. સચિન એની સામે જોઈને જાણે એમ જ વિચારી રહ્યો હતો. બંનેનું પોતીકું સ્થાન હતું આ, અને બંનેના પ્રેમથી સિક્ત.
સાંજે પાંચ વાગ્યાથી જ બંને સુજીતને મળવા જતાં રહ્યાં. બહુ વખતે પાપા સાથે બેસીને ચ્હા પીવા સચિન આતુર હતો. જમવાનું પણ ત્યાં જ હતું. શું મંગાવીશૂં?, એમ સચિન વિચારતો હતો, ત્યાં એણે માલતીબહેનને જોયાં. મુકુલ ને રીટા બહાર જમવાનાં હતાં, તેથી એકલા દિવાન અંકલને માટે જમવાનું કરે, એના કરતાં એમને જ અહીં જમવા બોલાવી લીધેલા, ને એ રીતે આજે રાતે ગરમ રસોઈ ખાવા મળવાની હતી.
સચિનને પાપા જરા સૂકાયેલા લાગ્યા. “તબિયત સારી રહી હતીને, પાપા?”, એણે પૂછ્યું. માલતીબહેન કશું કહેવા ગયાં, એને લાગ્યું, પણ પાપાની સામે જોઈને અટકી ગયાં હતાં. થોડી વારે અંજલિ આવી, ને એણે સચિનને કહ્યું, કે “પાપાને શ્વાસ ચઢી ગયેલો, ગભરામણ થઈ ગયેલી, ને એક વાર હોસ્પિટલમાં લઈ જવા પડેલા.”
સચિન ચિંતા કરવા માંડશે, એમ વિચારીને એણે આવું કાંઈ ફોનમાં કહેલું નહીં. હમણાં તો નવા વર્ષની ઉજવણી નિમિત્તે બધે જાહેર રજાઓ ચાલતી હતી. એ પછી ડૉક્ટર સાથે વાત કરી લેવી પડશે, સચિન મનમાં કહેતો હતો.
ટ્રીપની ઘણી વાતો થઈ. જૅકિ ત્રણ–ચાર પર્સ સાથે લેતી આવેલી. એમાંથી એણે અંજલિને પસંદ કરવાનું કહ્યું. માલતીબહેન અહીં જ હતાં, એટલે એક પર્સ એણે એમને પણ આપી. સચિને આંખથી પૂછ્યું, ‘ચોક્કસ આપવી છે?’ એટલેકે, બીજી બહેનપણીઓ માટે પૂરતી થશેને? પણ જૅકિએ આ કારણે જ વધારે ખરીદી હતી. એમ તો એણે શર્માજીને ત્યાં શીલાને, અને દિવાન અંકલને ત્યાં રીટાને પણ એક એક પર્સ આપવાનું વિચારી રાખેલું. આ બધા સંબંધોનો એને પણ આનંદ હતો.
ડિસેમ્બરની છેલ્લી રાત તો ખલિલની સાથે જ ગાળવાની હતી. એ વચન તો આપેલું જ હતું. આમ તો, ઘણા લોકો બહુ મોટી પાર્ટી કરે. ડ્રિન્ક્સ, મ્યૂઝિક, તીણી સિસોટી, ઘોંઘાટ – ઘણું ગાંડપણ થાય. એવું આ લોકોને પસંદ ન હતું. ખલિલ, રેહાના, સચિન, જૅકિ, માર્શલ, અંજલિ, ઑલિવર, દોલા – એટલાં જ ભેગાં થયેલાં.
જૅકિ રેહાના અને દોલા માટે પોંડિચેરીવાળી કળાત્મક પર્સ લેતી આવેલી. આખી સાંજ સરસ જાઝ મ્યૂઝિક ચાલુ રહ્યું. સાથે થોડો ડાન્સ પણ થતો રહ્યો. ઘણો વિનોદ પણ ચાલ્યો. ખલિલે એની ટેવ પ્રમાણે જૅકિને કહ્યું, “તો તારા નવાનક્કોર પતિએ તને તાજમહેલ બંધાવી આપવાનું વચન આપ્યું છે કે નહીં?”
કોણ જાણે કેમ, પણ જૅકિને આ મજાક ગમી નહીં. તાજમહેલમાં એને સુંદર, પણ સ્થગિત એક મૃત સ્થાન જ દેખાયેલું. એનું કશું પણ પોતાના જીવનમાં એને જોઈતું ન હતું. એણે જવાબ આપ્યો, “એવા કોઈ વચનની મારે જરૂર જ નથી. સચિને મને ક્યારનું એક અસાધારણ જીવંત ઘર બનાવી આપ્યું છે.”
સચિને જૅકિને વહાલ કરીને કહ્યું, “અમે મે મહિનાની શરૂઆતમાં લગ્નની પાર્ટી કરવાનું વિચાર્યું છે. વસંત શરૂ થવામાં હોય, હવા સુંદર બની હોય, ફૂલો ખીલવા લાગ્યાં હોય. જોકે બહાર રાખી શકાય તેટલું ગરમ ના થયું હોય. એટલે કોઈ સારો હૉલ મૅનહૅટનમાં શોધવો પડશે. હડસન દેખાય એવો જોઈશે. રાઇટ, જૅકિ?”
અમેરિકામાં જન્મેલાં, ને ઉછરેલાં આ યુવા અમેરિકનોને ગંગા–યમુનાનો કશો સંદર્ભ હતો નહીં, પણ હડસન નદીનો ખરો. એમને માટે આ નદી એટલે ગતિમાન જળ, અને જળ એટલે જીવનનું અગત્યનું તત્વ. આ અર્થમાં એમનો ખ્યાલ વ્યાપક જ હતો. દરરોજ એને જોઈને જૅકિ અને સચિન આનંદ પામતાં રહેલાં, તેથી લગ્નની ઉજવણીના ખૂબ આનંદના પ્રસંગે એમને હડસનની હાજરી બહુ જ નજીકમાં જોઈતી હતી.
સારું થયું કે આ વાત અહીં નીકળી. ખલિલ તો મદદરૂપ થયો જ હોત, પણ આજે ઑલિવર પાસેથી એક અસામાન્ય આઇડિયા મળી ગયો. એણે કહ્યું, “આર્કિટેક્ટ ફ્રૅન્ક ગેહ્રિનું નામ સાંભળ્યું છેને? એમણે ન્યૂયોર્કમાં એક નવી ઈમારત બાંધી છે. છે તો ઑફિસ–બિલ્ડિંગ, પણ એકદમ મૉડર્ન ડિઝાઇન છે. અને માનશો, છેક નદીની ઉપર કહેવાય તેવી છે. અગિયારમો ઍવન્યુ એટલે મૅનહૅટનનો છેડો, પછી વૅસ્ટ સાઇડ હાઈવે, અને એ પછી તો હડસન પોતે.”
સચિને જોઈ જ હતી આ ઈમારત. “હા, જુદું જ સ્થાપત્ય છે. આખી દીવાલો કાચની બારીઓની બનેલી છે. એમાં ઉપર હૉલ તો હશે જ. પણ એ ભાડે મળે ખરો?”, એણે પૂછ્યું.
એમાં એક નાની આર્ટ–ગૅલૅરી પણ હતી, ને ત્યાં ઑલિવરને એક સંપર્ક હતો. “હું પૂછી જોઈશ”, એણે કહ્યું. ખલિલને તો બધે જ ઓળખાણો હતી. એ પણ તપાસ કરવા માંડવાનો હતો.
સચિનને તો આ આઇડિયા બહુ જ ગમી ગયો. એ તો ત્યારથી જ આશા રાખવા લાગી ગયો, કે એમાં જ હૉલ મળી જાય.
રૉલ્ફ અને કૅમિલ પણ તરત જ મળવા ઈચ્છતાં હોય, તે જૅકિ અને સચિન જાણતાં હતાં. નવા વર્ષના બીજે દિવસે એ બંને કૅમિલને ત્યાં ગયાં. ન્યૂયોર્ક પાછાં આવતાં, પૅરિસના ઍરપોર્ટ પરથી એમણે ફ્રેન્ચ વાઇનની બે બૉટલ રૉલ્ફની સાથે માણવા માટે લીધેલી. ફરીથી જોસેફીન બેકરની સી.ડી. ચાલુ થઈ, ફ્રેન્ચ વાઇન ખોલવામાં આવ્યો. “ઘણી વાર ઘરમાં બેસીને વાતો કરવાની વધારે મઝા આવે છે, એવું નથી લાગતું?”, કૅમિલે કહ્યું.
પોંડિચેરીની સરસ પર્સ જોઈને એ ખૂબ ખુશ થઈ ગઈ. “કેટલી કળા છે ઈન્ડિયામાં, નહીં?”, એણે જૅકિનો આભાર માનતાં કહ્યું. એને જૅકિની ટ્રીપની ઘણી વિગતો જાણવી હતી. એ બે વાત કરતાં હતાં ત્યારે રૉલ્ફ અને સચિનની વચ્ચે લગ્નની પાર્ટીની વાત નીકળી હતી. આર્કિટેક્ટ ગેહ્રિના બિલ્ડિંગનો ઉલ્લેખ થતાં રૉલ્ફ બોલ્યો, “અરે, ત્યાં બહુ સરસ હૉલ છે. એક વાર કોન્સ્યુલેટની પાર્ટીમાં હું ત્યાં ગયો છું. ત્યાં મારે ઓળખાણ છે. હું પણ તપાસ કરીશ.”
સચિનને લાગ્યું કે ‘ખરેખર, કોઈ શુકનિયાળ ક્શણે જ આ પાર્ટીની અને ગૅહ્રિવાળા બિલ્ડિંગની વાત શરૂ થઈ છે. અમારી ઈચ્છા પ્રમાણે બધું ચોક્કસ ગોઠવાઈ જશે.’
પછીના બેએક મહિના બધાં માટે બિઝી ગયા. બધાંને કામ વધારે રહ્યું, અને પ્રવૃત્તિઓ પણ. એક વાર ક્લિફર્ડે એમને બાલી ટાપુના સંગીત–નૃત્યના એક કાર્યક્રમ માટે એની બારુખ કૉલેજ પર આવવા આમંત્ર્યાં. ત્યાં એણે એમની ઓળખાણ કરાવી “આ ક્રિસ્ટિન છે”, કરીને.
દેખાવડી છોકરી હતી. એની જેમ જ કરીબિયન ટાપુની, અને કોલેજમાં આર્ટ વિભાગમાં પ્રોફેસર હતી. બંનેને મૈત્રી થવા માંડેલી, ને હવે બંને વધારે નજીક આવેલાં. ક્લિફર્ડ કહે, “સચિન, તને જૅકિની સાથે જોઈને મને થતું હતું, કે ખરેખર, જીવનમાં એક અંગત ઘનિષ્ટ સંબંધ હોય તે કેટલું જરૂરી હોય છે. આ ક્રિસ્ટિનને કારણે મારા જીવનમાં જાણે કશીક અસાધારણતા આવવા લાગી છે!”
પછી લિરૉય અંકલ મળ્યા ત્યારે એમણે સુજીતને ખાસ કહેલું, “ સુજી, માય મૅન, તારા દીકરાએ પહેલાં મારી જિંદગી બદલી નાખી, ને હવે મારા દીકરાને સુખી થવાની પ્રેરણા આપી છે. ક્રિસ્ટિન પણ જૅકિ જેવી જ સરસ અને સીધી છોકરી છે.”
પછીથી જૅકિએ એક પર્સ ક્રિસ્ટિનને પણ ભેટ આપી. ક્લિફર્ડ પણ કેટલો સરસ મિત્ર બની ગયો હતો.
પાર્ટીનાં આમંત્રણ–પત્રની ડિઝાઇન અંજલિ કરવાની હતી. પણ સચિને કહેલું, “સાદું જ રાખવાનું છે બધું. કાર્ડ ઉપર નદીનું વહેણ દેખાવું જોઈએ, અને ડૅફોડિલ્સનાં ફૂલ હોવાં જોઈએ.”
“ભાઈ, તો પછી તું જ બનાવને કાર્ડ”, અંજલિએ કહેલું. ને હજી તો સચિનનું એક સૂચન ઉમેરવાનું હતું – “અંદર લખજે કે કોઈ ભેટ આપવાની નથી. એને બદલે દાન કરવા વિનંતી છે.”
સુજીતે અંજલિને આગ્રહ કરેલો, “ભાઈની પાર્ટી માટે કાર્ડ તો તારે જ બનાવવાનું હોય ને. અને એ દિવસને માટે એક સરસ નવો ડ્રેસ મારા તરફથી ખરીદજે.”
મહિના પહેલાં ગૅહ્રિ–બિલ્ડિન્ગમાંનો હૉલ મળી ગયેલો. આમંત્રિત મિત્રોનું લિસ્ટ સચિને તૈયાર કરી જ રાખેલું. એની અને જૅકિની ઑફિસમાંથી કેટલાંક જણ, અને બધાં જ મિત્રોને યાદ કર્યાં હતાં. લિરૉય અંકલ, દિવાન અંકલ, શર્માજી અને એમનાં ઘરનાંને પણ કહેવાનું હતું. દેવકી આન્ટીને કહેવું કે નહીં, એ વિચાર સચિને કર્યા કરેલો. કદાચ છેને આન્ટીને જોઈને પાપા અપસેટ થઈ જાય તો? પછી દોલાએ કહેલું, “મમ્મી ક્યાંય જતી જ નથી. તમે કહેશો તોયે એ નહીં આવે. કદાચ સોના અહીં હોય, તો તમે એને ગણી શકો આમંત્રિતોમાં.”
વામા આન્ટી અને રૉબર્ટ અંકલને તો કહેવું જ હતું. એની યે સચિને ચિંતા કરેલી, કે એમને જોઈને પાપા અપસેટ નહીં થાય ને? પછી એણે પાપાને પૂછી જ લીધેલું, કે એમને બોલાવીએને?
આ બધા પ્લાનિંગની વચમાં એક જુદા જ સમાચાર આપવાના થયા. સચિન અને જૅકિએ પાપાને ખાસ મળવા જઈને, એમને પગે લાગીને કહ્યું, “પાપા, આશીર્વાદ આપો.” જૅકિને ઠીક રહેતું ન હતું. ડૉક્ટરને બતાવતાં ખબર પડી કે એ પ્રેગ્નન્ટ થઈ હતી. બધાં ખાસ મિત્રો અભિનંદન આપવા માંડેલાં. અત્યંત હર્ષને કારણે સુજીતનું ગળું રુંધાઈ ગયું. એમણે બંનેને ભેટીને આશીર્વાદ આપ્યા, પણ તરત કશું બોલી ના શક્યા.
સચિને કહ્યું, “પાપા, અમે નક્કી કર્યું છે કે દીકરી આવશે તો એનું નામ ‘જોનાકિ’ પાડીશું. યાદ છેને તમે જૅકિ માટે એ સૂચવ્યું હતું? તો આપણે એ નામ જૅકિની દીકરીને માટે રાખી શકીશું.”
ખલિલે એનું ડહાપણ વાપરીને પૂછ્યું હતું, “હા, અને દીકરો આવશે તો? એને માટે નામ વિચાર્યું છે કે નહીં?”
“ચોક્કસ વળી. એનું નામ અમે ‘જુગનુ’ રાખીશું.”
જૅકિનાં પૅરન્ટ્સને ફોન કરીને બંનેએ સાથે જણાવેલું. પણ એ પછી સચિને એમને ઑફિસેથી ફોન કરીને પાર્ટીને માટે, અને જૅકિને અભિનંદન આપવા માટે ન્યૂયોર્ક આવવાનું આમંત્રણ આપ્યું. એ ટિકિટ ખરીદવા તૈયાર હતો, પણ ડૅડે ખાત્રી આપી કે એવી કોઈ જરૂર ન હતી. બે–ત્રણ વાર આમ ખાનગી ફોન કરીને નક્કી થયું, કે જૅકિનાં મમ્મા અને ડૅડ પાર્ટીના બે દિવસ વહેલાં આવી જશે. પણ જૅકિને હમણાં કહેવાનું ન હતું. એને માટે આ સરપ્રાઈઝ રાખવાની હતી.
સચિનને એક જ વિમાસણ હતી. એની જૅકિ એટલી શાર્પ હતી, કે એ પોતાની વધારે પડતી ખુશીનું કારણ પકડી તો નહીં પાડે ને.
પાર્ટીને દિવસે જૅકિએ સાડી પહેરી. મમા એને માટે પોતાની જ એક વખતની નેવિ–બ્લૂ રંગના ફ્રેન્ચ શિફૉનની સાડી અને બ્લાઉઝ લેતાં આવેલાં. સાથે એણે ગળું ભરાઈ જાય તેવો નેવિ–બ્લૂ લાપિસ–લઝુલિ અને મોતીનો કંઠો પહેર્યો. હાથમાં ઉદેપુરવાળી લાખની બંગડીઓ. સચિને ઉદેપુરથી લીધેલી ફૂલગુલાબી ચુંદડી મમ્માની હૅન્ડબૅગમાં મુકાવી દીધી. એને માટે એક પ્લાન હતો એના મનમાં.
આધુનિક અને કળાત્મક ગૅહ્રિ બિલ્ડિન્ગના હૉલમાંથી હડસન નદીનું રૂપ જ એટલું સુંદર દેખાવાનું હતું, કે સચિનને હૉલમાં બીજું કશું ડૅકોરેશન જોઈતું ન હતું. પણ અંજલિ અને માર્શલે વાસંતી પીળાં ડૅફોડિલ ફૂલોના ઘણા ગુચ્છ ગોઠવી દીધેલા.
સચિનને જાઝ ઉપરાંત રેગે મ્યૂઝિકનું મન હતું. એમાં ક્લિફર્ડ મદદરૂપ થયો. એનો કઝિન ગૅરિ કરીબિયન કમ્યુનિટીમાં જાણીતો ડિ.જે. હતો. એને જ બોલાવી લીધેલો. એનું સિલેક્શન ખરેખર બહુ સરસ હતું. બધાંને પસંદ પડ્યું, અને લગભગ બધાં ડાન્સ પણ કરતાં રહ્યાં. સચિન અને જૅકિ પર તો ઘણી તાલીઓ પડી. મમ્મા અને ડૅડને માટે એ મ્યૂઝિક જરા જુદું હતું, પણ એ બંનેએ પણ પછી લય બરાબર પકડી લીધો.
સચિનની ઈચ્છા હતી કે ઈન્ટરનૅશનલ ફૂડની વિશિષ્ટ પસંદગી રાખવામાં આવે. એ મુજબ અમેરિકી ચીઝ સૅન્ડવિચ, ઈન્ડિયન સમોસાં અને ખમણ, ચીની નૂડલ્સ અને સ્પ્રિન્ગરોલ, તિબેટન મોમો, રશિયન બ્લિન્ત્સ, ઇટાલિયન પોલેન્તા, ફ્રેન્ચ રાક્લે, પોલિશ પિરોગી, ગ્રીક ગ્રેપલીવ્સ, ઈંગ્લંડની પાસ્તિ, ઈથિયોપિયન ઍન્જિરા, આર્જેન્ન્ટિનાના ઍમ્પૅનાડા, લૅબૅનોનનું ફલાફલ વગેરેના થાળા લઈને વેઈટર મહેમાનોની વચમાં ફરતા હતા. દરેક થાળામાં વાનગીના નામની ચિઠ્ઠી મૂકેલી હતી. ગળપણ પણ જુદા જુદા દેશોમાંનું જ હતું. બધાંને અનહદ આશ્ચર્ય થતું હતું, કે એક તો આવો આઇડિયા આવવો, અને પછી આ બધું ક્યાં ક્યાંથી મેળવવું. કેટલાંક જણે પૂછ્યું પણ ખરું. અરે, પાપાએ પણ ભારે નવાઈ પ્રગટ કરેલી. “ક્યાંથી પહોંચી વળ્યો તું, બાબા?”, એમણે પૂછેલું.
પાર્ટી દરમ્યાન, બે મિનિટ માટે મ્યુઝીક અટકાવીને, સચિને ખલિલનો ખાસ આભાર માન્યો. “આ વિશિષ્ટ રજુઆત માટે ખલિલે ઘણી મહેનત કરી છે. એના વગર પાર્ટી આ રીતે થઈ જ ના શકી હોત.” બંને મિત્રો ભેટ્યા. ખલિલે સચિનના કાનમાં કહ્યું, “તારા વગર અમારી પાર્ટી ક્યાં થઈ શકી હોત, દોસ્ત?”
બીજાં કેટલાંકનો આભાર માનવાનું સચિન ભૂલ્યો નહીં. અંજલિ અને માર્શલનો આમંત્રણ–પત્રિકા અને ડૅફોડિલ ફૂલો માટે, અને ક્લિફર્ડનો ડિ..જે. ગૅરિ સાથે સંપર્ક કરાવી આપવા માટે આભાર માન્યો. પાપાની, અને મમ્મા ને ડૅડની ઓળખાણ બધાંની સાથે કરાવી. છેક ફ્રાન્સથી ન્યૂયોર્ક સુધી આવવા માટે એણે એમનો આભાર માન્યો. જૅકિની પાસે ઊભાં રહીને એણે “ પ્રિય ન્યૂયોર્ક શહેર અને અમારી આ હડસન નદી”નો હૃદયથી આભાર માન્યો.
પછી એના ઈશારા પરથી ડિ.જે. ગૅરિએ એક ગીત મૂક્યું. એ રાજસ્થાની લોકગીત હતું. સચિને ફૂલગુલાબી ચંુદડી જૅકિને આપી, અને એને નૃત્ય કરવા દોરી. એણે ના–ના કરી, પણ પછી એ ગીતના લય સાથે ફરવા લાગી, અને ઉદેપુરમાં શીખી હતી તેમ હાથનો અભિનય પણ કરવા લાગી. પછી ખલિલે સચિનને પણ જૅકિ તરફ ધકેલ્યો. યુવાન, દેખાવડાં, હસતાં, સ્નેહાળ એ બંનેને સાથે આનંદ કરતાં જોઈને સુજીતને ખૂબ સંતોષ થયો. ‘બધું બરાબર છે. હવે આપણે જઈ શકીએ”, ઊંડો શ્વાસ લઈને એમણે મનોમન પોતાના જીવને કહ્યું.
સમય પ્રમાણે મહેમાનો જવા માંડ્યાં. છેલ્લે ડિ.જે. ગૅરિએ ફરી એ લોકગીત ચાલુ કર્યું. ટીખળ–મજાકના એ શબ્દોના લયમાં હવે બધાં યુગલો જોડાઈ ગયાં. ગીતનો રમતિયાળ સૂર હૉલમાં ગુંજતો રહ્યો –
મારો પલ્લો લટકે રે,
મ્હારો પલ્લો લટકે,
જરા સા – જરા સા
ટેઢો હોજા બાલમા,
મ્હારો પલ્લો લટકે –
~ પ્રીતિ સેનગુપ્તા
(સંપૂર્ણ:)