પંખો (એકોક્તિ) ~ કેતન ભટ્ટ ‘કેતુ’ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૩૩
(સમગ્ર સેટ પર અંધકાર છે. ધીરે ધીરે પ્રકાશ માત્ર પંખા પર પડે છે અને ત્યાંથી પરિવર્તિત થઈ અને નીચે ઊભેલ વ્યક્તિ પર પડે છે)
મને ઓળખ્યો?
ના ઓળખાણ પડી?
હું પંખો છું. સીલીંગ ફેન. આપને અવિરત પવન નાખવાનું કામ કરતો પંખો. અમારા પૂર્વજોયે પંખા જ હતા પણ તે કોઈના હાથમાં રહી અને પવન આપતા.
આમ તો અમારું કામ એક જ જગ્યાએ પરિભ્રમણ કરવાનું, એમ કહો ને કે સતત ગતિ કરતા રહેવાનું પણ કરુણતા એ છે કે ઘણાની જિંદગીની ગતિ રોકવામાં હું નિમિત્ત બનો છું.
હા, જે લોકો જિંદગીથી કંટાળી જાય છે તે મારા ગળે વળગી પડે છે. અરે! એમ કહો કે લટકી પડે છે, અને ત્યારે એટલું બધું વસમું લાગે છે કે માણસ જિંદગી કેમ ટૂંકાવતો હશે? અને એના માટે પણ મારી જ પસંદગી કરવાની!!??
અરે ,એકવાર એક પ્લાસ્ટિકની થેલીથી એક કિલોની ચીજનો ભાર સહન ન થયો અને ફાટી ગઈ એ જોઈ એની સાથે રહેલી મોટી થેલીએ કહ્યું “અલી, એક કિલોનો ભાર ખમાતો નથી તો જા મૂઈ! આવતા જન્મારે પંખો થાજે એટલે ખબર પડે કે લાશના ભાર શે’ ઝીલાય છે.”
મેં કેટલીય એવી વ્યક્તિઓની વેદના વાંચી છે. હા, જ્યારે એ મારા ગળે લટકવા આવે ત્યારે દોરડું શોધતા હોય ત્યારે હું મૂંગો મૂંગો એને જાઉં છું.
કોઈ ભણવામાં નાપાસ થયું હોય છે. તો, કોઈને દીકરી વળાવવા માટે કરિયાવરની તકલીફ હોય છે તો ક્યાંક માવતર સંતાનથી દુઃખી હોય છે. તો કોઈ પોતાના સંતાનોના અરમાન પુરા કરવા વ્યાજના ચક્કરમાં ફસાયેલ હોય છે.
ત્યારે મને વિચાર આવે છે કે તમે લોકો મરી ગયેલી વ્યક્તિની લાશનું પોસ્ટમોર્ટમ કરો છો એના કરતાં એ વ્યક્તિ જીવતી હોય ત્યારે તેના મનનું પ્રિમોર્ટમ કરો તો એક જિંદગી લાશ બનતા અટકી જાય છે.
અરે, ક્યારેક તો મારી ગતિ મંદ પડી જાય ત્યારે મારા માથામાં કેપેસીટર ખોસી દેવામાં આવે છે અને ફરી પાછી મારી ગતિ વધી જાય છે. એ રીતે શું આવા દુખિયારા જીવને સાંત્વનાના કેપેસીટર થોપી ન શકાય?
હું ભલે નિર્જીવ રહ્યો પણ મારી અંદરની સંવેદના સજીવ છે હો! મને કોક પંપાળે સ્પર્શ કરે તો બહુ ગમે પણ હવે આ ગળે લાશનો ભાર ખમાતો નથી. માટે હું આપને મારા ત્રણેય હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આજુબાજુ કોઈ દુખિયારો જીવ દેખાય તો થોડીક ક્ષણ એમની સાથે વિતાવજો એને સાંત્વના આપજો, મદદ કરજો.
યાદ રાખજો મિત્રો! જ્યારે જીવનમાં એક નબળી ક્ષણ આવે ત્યારે જો તમે તેની વ્હારે ધાઓ તો એ અણી ચૂક્યો સો વર્ષ જીવે એમ એ તો બચી જાય પણ એની પાછળ એના સ્વજનો દુઃખી થતા અટકે. કેટલાય બાળકો માવતર વગરના થતા અટકે. કેટલીયે સ્ત્રીની સેંથાનું સિંદૂર લૂછાતા અટકે અને… અને પરમાત્મા તમને એનું ખૂબ જ સારું પરિણામ આપશે.
આ લોકો તમારા સમાજમાંથી જ આવે છે એટલે વિનંતી કરવાનું મને મન થાય છે કે તમારું સંતાન નાપાસ થાય કે ઓછા માર્ક લાવે તો એને કહેજો પરીક્ષાના પરિણામો તો બદલતા રહે છે અને કોઈ પરિણામ કદી આખરી હોતું નથી. એને ટકા મેળવવાની ઘેટાદોડથી બચાવજો.
તમારા દીકરા દીકરીના સગપણ વખતે જો સામેવાળા કરિયાવરને મહત્વ આપતા હોય તો અટકી જજો. એ ગમે તેટલા સારા દેખાતા હશે પણ રૂડા તો નહીં જ હોય. જેમ અમારામાં સારા કલરના તો કેટલાય પંખા હશે પણ જે વધુ સારો પવન આપે એ જ ઉત્તમ; એમ જે તમારી સાથે વધુ લાગણી રાખે એ ઉત્તમ.
તમે ક્યારેય તમારા માવતરને દુઃખી ન કરતા. માવતર તો સ્વીચ જેવું કામ કરે છે જેમ સ્વીચથી અમે ગતિ કરીએ છીએ. જો અમારી સ્વીચ જ બગડી જાય તો અમારી હેસિયત શું કે અમે પવન આપી શકીએ? એ જ રીતે જીવનની ગતિ કરતા રહેવાની પ્રેરણા તમારા મા બાપ આપે છે.
અને એક અંતિમ વિનંતી… વ્યાજના ચકકરમાં તો ક્યારેય ન ફસાતા સંતાનોના અરમાન પૂરા કરવા ઉછીના પૈસે સપના પૂરા ન થાય.
તમારે તમારા સંતાનને સમજાવવાનું કે જેમ અમારી પંખાઓની સાઈઝ નાની હોય તે ઓછા ક્ષેત્રફળમાં પવન આપે અને મોટી સાઈઝવાળો પંખો મોટા ક્ષેત્રફળમાં પવન આપે, તેમ આપણી જેટલી પહોંચ હોય એટલું જ વિચારવાનું એવું તમારે સંતાનોને શીખવવું પડશે.
આવા તો કેટલાય દાખલાઓ છે પણ માનું છું અત્યારે મેં તમારી સાથે જે વાત કરી છે અને મારી વેદના હતી તેને તમે સાંભળી અને જો અમલમાં મૂકશો તો મારા ગળે લટકવા હવે કોઈ નહીં આવે કારણ કે …
કારણ કે..
કારણ કે..
હવે લાશનો ભાર સહન નથી થતો.
(ધીમે ધીમે પ્રકાશનું વર્તુળ પાછું પંખા પર સ્થિર થાય છે અને પશ્ચાદભુમાં મુક્તકનું ગાન થાય છે)
જેણે લખી છે લોહીથી
એ વેદના વાંચો તમે,
દુઃખથી ભરેલા જીવને
ટેકો થોડો આપો તમે,
જો એક નબળી ક્ષણને પણ
લેશો તમે જો સાચવી,
જોજો પછી એના સદા
ઈશ્વર બની જાશો તમે.

~ +91 94282 02102
sathe prem thi latko ane gindgi khatam karo. saras lekh che aj na juvan girl boy mate. dhanya bhatt saheb.