ચૂંટેલા શેર ~ લલિત ત્રિવેદી (રાજકોટ) ~ ગઝલસંગ્રહઃ અવળી ગંગા તરી જવી છે
(સાભાર: રાજકોટમાં હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ અને પરિચય ટ્રસ્ટ દ્વારા, ફૂલછાબના સહયોગથી ૩૦ નવેમ્બરે આયોજિત, અનૌપચારિક બેઠકમાં કવિએ ભેટ આપેલ કાવ્યસંગ્રહમાંથી)
તળ છે એમાં જળાધારનું,
જળ છે એમાં જટાધારનું
ચરણામૃતનું ટીપું ફોલી
અવળી ગંગા તરી જવી છે
*
કહી દો કે ભોગવી છે
કહી દો કે ચેતવી છે
દિલચશ્પ એક કહાણી
જાવું છે દશ અજાણી!
*
નક્શામાં રહી રહીને
ખંડેર થૈ ગઈ છે
જગ્યા બની ન સંપત
સોંપું તો કોને સોંપું?
*
ખાંપા ઉકેલવા છે,
ઝાંપા ઉઘાડવા છે
કે માંડવી છે જોગી,
ઝીણી સફર ગુપતની!
*
ફોગટ સંગે ફાવટ ભારી
વિપતેશ્વર! મમ સંકટ ભારી
ત્વચાલયો અરુ તૃષાલયો
દેહાલયમાં ભીંસટ ભારી!
*
કંઈક સદીઓથી
થૈ ના શક્યું સૂર્યથી
એવું અજવાળું
પથરાયું છે સત્યથી
*
તને ગઝલ કઊં કે ગઝલિકા
હે શમણિકા, હે શમણિકા!
સબદઅરથ ઔર સબ જવનિકા
સરકાવી દે, અભિસારિકા!
*
કરું રૂપૈયામાં દીવો,
ને ફીટાવું દળદર
શરીર, તારી રાઈ રાઈ
સબ કરું ચૂકતે!
*
દુકાનદાર સૂણો,
આગવું કમાયો છું
નિરાંત ખર્ચીને હું
જાગવું કમાયો છું
*
ભસમીગર! તારા સથવારા…
શણગારા સંગે અંગારા
પર અપને ધાગોંકે પાંવ
બહુત ગઈ ને થોડી રઈ!
*
ના ઘરમાં કે ન આરે
ન તનમાં કે ન તારે
ખાંપે કે કોઈ શાપે?
ઊભો છે કેમ ઝાંપે?
*
કદમાંથી સાખીની હદમાં
હદમાંથી લઈ આવે સબદમાં
કાળમીંઢમાં કોરી અ-ક્ષર
મેરા સાહિબ,સબ સુનતા હૈ!
*
મુખોમુખ કરવાને દરસન
નયન થૈ ગ્યાં છે તીરથાટન
સબૂરી! થાજે મારી ભેર
જ્યાં લઈ જાય જાવું છે!
*
સળીમાંથી પ્રગટ અંતઃસ્થળીનો
એમાં છે મારગ
લલિતાગારમાં શગની મદદ
પહોંચાડી છે એણે!
*
ગયા તો એવા ગયા
કે ન ત્યાંથી આવ્યા પરત
જગા એ જોવી છે પળવાર
એ દશે લઈ જા!
*
રૂખડ તો ખાખરાની ડાળે
સ્થિર બેઠા છે
મયૂર ઢીંઢોરા પીટે છે
એ જગા છે આ!
*
હશે શું ગાલિબાના નૂર
કોઈ રૂહ હશે?
આ શમ્મા કોની
આ ઝુમ્બિશો મારી રાતોમાં!
*
હું અજપાજાપ સરખી
એક અસ્ખલિતતા છું
નદીઓ સમય કે પવનો
ક્યાંયે ન મારો ડેરો!
*
અજવાળ રામલલ્લા માણસ લગીના પલ્લા! છલકાય સોળવલ્લા સુખદુઃખ વલ્લાવલ્લા!
~ લલિત ત્રિવેદી, રાજકોટ
~ મોઃ 98797 50450
~ ગઝલસંગ્રહઃ અવળી ગંગા
તરી જવી છે
~ પ્રકાશકઃ રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ
~ Link to Buy Book:
https://rangdwar.com/product/avali-has-to-swim-the-ganges/
બાવળને બહુ સુંદર ફૂલો હોય છે.
સરસ શેર તમે લલિતભાઈના ટાંક્યા છે.”અવળી ગંગા તરી જવી છે”.માંથી.એક નવો જ અનુભવ આ ગઝલો વાંચતા થાય છે.અંદરથી કોઈ ભગવત ભાવ આપોઆપ ઉપસી આવે છે.
વાહ.. ખૂબ સરસ શેર.. કવિશ્રીના ગઝલ સંગ્રહને
આવકાર અભિનંદન શુભકામનાઓ