થેંક ગૉડ (કાવ્ય) ~ મનીષ ભટ્ટ, મુંબઈ
આ વ્યંગાત્મક ગદ્યકાવ્ય આપણા-મનુષ્યોના જમીન માલિકીનો હક જતાવવાના છીછરા સ્વભાવને છતો કરે છે. હસવાની વાત એ છે કે બરાબર વરસ પહેલાં અમે પણ ગુજરાતમાં આ જ સમયે આવી એક જમીન ખરીદી હતી.
થેંક ગૉડ,
આકાશને એકરમાં આંકનારો
આજ સુધી આગળ આયો નથી
ગગનને ગુંઠામાં ગણનારો ગણોતિયો ગોત્યો તોય જડ્યો નથી
વાદળને વીઘામાં વહેંચી શકે એવો સરવૈયો હજી પેદા થયો નથી.
ચા પાણીની આશાએ આભલાના ૭/૧૨નો ઉતારો કાઢનાર તલાટી
હજી જડ્યો નથી
ભોળપણની ઉપજમાં ભાગ પડાવવા વાળો ભાગિયો હજી ભાળ્યો નથી
મોસમની મોજણી કરનારો મામલતદાર હજી મળ્યો નથી
કોઈના માથે એક એકર આકાશ
વધારે આવે કે ઓછું
એના ભાગ કે હિસ્સા માટે કોઈ ભત્રીજો કાકા સામે કોરટે ચડ્યો હોય
એવો કેસ કે કિસ્સો હાંભળ્યો નથી.
હયાતીમાં હવાના હક માટે કે હિસ્સા માટે કોઈ હગાવાલાને
હવાતિયા મારતા દીઠા નથી
વાયરો કે વંટોળિયો વાડે છીંડું પાડીને બાજુવાળાના શેઢેથી મારા શેઢે વાય ને મારા પાકને ભેલાડી જાય
તોય મેં આજ સુધી વાયરા સામે વાંધા અરજી કરી નથી
વાયરાને વાડમાં બાંધી રાખે એવો થોરિયો હજી છીંડે ચડ્યો નથી
ફણગેલા ફાલની ફેલાતી ફોરમને વળી ફેન્સિંગ ક્યાં નડે છે?
કયા વાદળમાં કેટલા ફૂટ ઊંડે પાણી છે એવું નાળિયેર વડે કળનાર ભૂવો
હજી ભટકાયો નથી
વાદળની ગાંસડીને ઓછી જોખે એવો વજનકાંટો હજી શોધાયો નથી
વરહાદ ચ્યોં વેઢા ગણવા બેહે સે કે કોના શેતરમાં ચેટલા કલ્લાક પાણી મેલ્યું’તું?
વરહાદ કોઇનોય વહેરો આંતરો રાખતો હોય એવો વરતારો થયો નથી
ઘેટાં બકરાં ક્યાં જોખવા બેહે સેકે કાલે કોને ખેતરે ચેટલા મણ ખાતર પાડ્યું’તું?
ઝાકળ ચ્યોં હિસાબ રાખે છે હવારને પ્હોર પટેલના પાકનું પાંદડે પાંદડું પલાળવા ચેટલા લિટર દવા છંટઈ’તી?
વાજતી ને ગાજતી વીજળીને થાંભલે લંગરિયું નાખીને મોટર ચલાવવા લાઈટની ચોરી કરતો ખેડૂત
હજી સુધી કોઈ વિદ્યુત બોર્ડવાળાની નજરે ચડ્યો નથી
આભલાને ખેડવા ખેડૂત ખરાઈનો દાખલો રજૂ કરવા પારેવાને
હજુ કોઈ મામલતદારની કચેરીએ નોટીસ બજાવી નથી.
કે પછી પાછલે બાયણે કોઈ પંખીડાએ
ઉપરવાળા સાહેબ પોંહે
પેટીઓ પધરાવીને
કે ઉપરથી ફોન કરાઈને
ખોટા દાખલા પર મંજૂરીના
સહી સિક્કા કરાઈ લીધા હોય
એવું હજી પેપરમાં વાંચ્યું નથી.
પણ બાય ગૉડ,
પારટીસન વખતે કયા બાપુએ
આપડા બાપદાદાની જમીનના
કયા હિસાબે ભાગ પાડ્યા’તા
ને કયા ચાચાએ કયા પડોશીને એમાંથી ક્યારે કેટલા એકર પાછલે બાયણે પધરાવી દીધા’તા
– એનો વરસો જૂનો જમીનનો ઝગડો પતાવી આપે
એવો છપ્પનની છાતીવાળો મુખી
ગામવારાએ હજી ચૂંટ્યો નથી.

Unique and original!
Thank you for kind & encouraging words 🙏🌼🌿