પ્રકરણ: ૨૭ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
(શબ્દો: ૬૦૮૨)
પાંચમી સપ્ટેમ્બરે લાવણ્યની જન્મતારીખ છે એ દીપક જાણતો હતો. સાથે ભણતાં ત્યારે એ અચૂક ઊજવતો. વચ્ચે થોડાંક વર્ષ જાણે કે ઉત્સવ વિહોણાં વીતી ગયાં. ખેર, પણ હવે જે ગુમાવ્યું છે એનો વસવસો કરવાને બદલે લાવણ્યનો સદ્ભાવ જીતીને સંતોષ માનવો જોઈએ.
એણે વિચાર્યું: પોતે અમદાવાદ જઈને લાવણ્યની જન્મતારીખ કેમ ન ઊજવે? ‘જૂના સંબંધોનો સમય રસભીનો પણ ગયો!’ — અનેક કાવ્યપંક્તિઓ યાદ આવી. પોતે ધારે તો એક સાહિત્યિક પ્રેમપત્ર લખી શકે. પણ લાવણ્યને એવી રમૂજ ગમે નહીં અને સવિતા જાણીને વહેમાય. તેથી જે કંઈ કરવું તે વિચારીને કરવું, પોતાના સંસારને આંચ ન આવે એ રીતે કરવું.
સિલ્ક મિલની એજન્સીનું કામ ઊભું કરીને એણે લાવણ્યને લખ્યું: હું તારી જન્મતારીખ ઊજવવાની રજા માગું છું. હું તને કશું આપી શક્યો નથી પણ આ રીતે આનંદ લેવામાં માગું છું. હું અને સવિતા ઘરમાં પુરાઈને અકળાઈ ઊઠ્યાં છીએ. લગ્નના ‘હનીમૂન’ પછી સાથે બહાર નીકળેલાં એતો પ્રતિમાનો ઈલાજ કરાવવા પૂરતાં જ. ચિંતા અને ગ્લાનિ સિવાય ત્રીજી લાગણી ક્યાંથી જાગે? હવે એમાંથી છૂટવાના સંજોગ ઊભા થયા છે. મારા સુખ માટે, હું સુખી છું એની ખાતરી કરવા માટે મારે તારી જન્મતારીખ ઊજવવી છે લાવણ્ય!
પાંચમીએ સાંજે હું કેટલાક સ્નેહીઓને ભોજન આપીશ. તારે હાજર રહીને અમારી સહુની શુભેચ્છાઓ સ્વીકારવાની! મંજૂર? કોને કોને નિમંત્રણ પાઠવીશું? જે નામ મને યાદ આવે છે એ સહુ ને તો અહીંથી જ પત્ર લખી દઉં છું. એ બધું તારા પર છોડું તો તું અટકાવી દે એમાં શંકા નથી. અને હું જાહેરાત કરી દઉં પછી તું અનિચ્છાએ પણ ખેંચાય, મારું ખરાબ દેખાવા ન દે, ખોટું કહું છું?
આ સાથે થોડાંક કોરાં નિમંત્રણ મોકલું છું. યોગ્ય લાગે તેને આપજે. સિંઘસાહેબ, પ્રેમલ અને વિશ્વનાથને અહીંથી સપરિવાર પધારવા લખું છું. તું તારા વતી એમને યાદ આપી શકે તો હું આભારી થઈશ.
એક બીજી વાત. તું પાંચમી સપ્ટેમ્બરના ભોજનસમારંભમાં ગેરહાજર રહેવાનો વિચાર ન કરતી, કેમ કે કોઈ પણ સંજોગોમાં હું કાર્યક્રમ મોકૂફ રાખવાનો નથી. ખર્ચની ચિંતા ન કરતી. સિલ્ક મિલમાં આ પ્રકારના સમારંભો માટે આગવું બજેટ છે. વળી, મારી ભાગીદાર સવિતા પણ સાથે આવવાની છે. તારી જન્મતારીખ ઊજવવાની દરખાસ્ત સાંભળીને એ ખૂબ રાજી થઈ છે. એના માનવા પ્રમાણે પ્રતિમાની તબિયત હવે સારી છે. દાદા-દાદી એને સાચવશે.
એ ક્યારનાંય અમને કહ્યા કરે છે: જાઓ ક્યાંક ફરી આવો. તો આવીએ છીએ. એક પંથ દો કાજ! હું વેપારીની ભાષા વાપરવાનું બરાબર શીખી ગયો છું ને! ખરેખર તો હું સાહિત્યના ક્ષેત્ર માટે યોગ્ય હતો જ નહીં. તારા સાહચર્યે કરીને સૌન્દર્યનો અનુરાગી બન્યો હતો. તેં મારા પર અનુગ્રહ કર્યો એ કાં તો તારી ઉદારતા હતી, કાં તો ભૂલ. હું એટલું જ ઇચ્છું છું કે એ ભૂલની સજા તને ન થાય. થાય તો મને થાય.
લાવણ્યને દીપક માત્ર વેપારી કદી લાગ્યો નથી. શુભ અને સુન્દરની કદર કરવાની વૃત્તિ એનામાં હતી અને છે. પણ હવે એ આ રીતે મારી જન્મતારીખ ઊજવવાની ચેષ્ટા કરે એ ગોઠતું નથી. શું એની પાછળ કશી ગણતરી નહીં હોય? મારું અહિત થાય એવું તો એ કદાપિ ન ઇચ્છે. એ આવું સાહસ શા માટે કરતો હશે?
એણે આ કોરાં નિમંત્રણપત્ર પાઠવ્યાં છે એનું શું કરું?
એને લલિતા યાદ આવી. એના પતિએ નવા વાડજ બાજુ દવાની દુકાનમાં ભાગીદારી રાખી છે. બંને જણાં કોઈ કોઈ વાર લાવણ્યને મળવા આવે છે. અને આખા અમદાવાદમાં દીદી સિવાય એમનું કોઈ ન હોય એ રીતે વર્તે છે. શહેરગત પરાયાપણું અહીં ખંખેરીને જાય છે. ફરી કંટાળે છે એની સાથે આવી પહોંચે છે. એમને જોતાં જ પોતે પુસ્તકોના ઘેરામાંથી બહાર નીકળી આવે છે, સાવ સામાજિક બની રહે છે.
એમનું સરનામું ડાયરીમાં લખેલું છે. નિમંત્રણ મોકલી આપું? પણ દીપક મારી જન્મતારીખે પાર્ટી આપે એ વસ્તુ એમને ગળે ઊતરશે? અને આવશે તો બધાંની સાથે એમને ફાવશે?
ઇચ્છા ન થઈ. આ બધી ધમાલમાં પોતે ક્યાં પડે? દીપકના ખ્યાલ મુજબ પોતાની જન્મતારીખ ઊજવવાનું લાવણ્યને વિચિત્ર લાગતું હતું. આ કંઈ ગોકુળાષ્ટમી કે રાધાષ્ટમી ઊજવવા જેવું તો નહોતું જ.. રાધા? પોતાને રાધાનો આદર્શ કેમ સાંભર્યો? રાધા પાસે તો કૃષ્ણનો એક ખ્યાલ હતો, તેથી એ અલૌકિક જીવન માણી શકી. પોતે તો એક સંસારી યુવતી છે. નથી રાધા કે નથી મીરાં. રમેશ પારેખ મીરાંબાઈ વતી ગાય છે:
આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર!
પ્રેમભક્તિમાં આવું લીલયા થઈ શકે અને ભૂલ કહેવાય નહીં. પણ પોતે પ્રેમભક્તિને વરેલી નથી, બુદ્ધિયુગનું ફરજંદ છે. આત્મવિવેકથી ચકાસીને સંસારને સ્વીકારશે, સ્વત્વરક્ષા કરશે. કોઈના ઉપકારની અસરમાં આવી નહીં જાય.
દીપક-સવિતા થ્રી સ્ટાર હોટલમાં ઊતર્યાં હતાં. સવારે લાવણ્યને ત્યાં બંને આવી પહોંચ્યાં. સવિતા હળવી ફૂલ લાગતી હતી, સાથે બાળકી પ્રતિમા નથી એનું આ પરિણામ છે, સવિતાને પણ આ રીતે યુવાનીમાં મહાલવાની સગવડ હોવી જોઈએ, છતાં એ દીકરીને મૂકીને આવી છે. એ જોઈને એનો જીવ કચવાયો. ફૂલોની અર્ધચેતન ઢગલી જેવી એ બાળકી લાવણ્યને યાદ આવી ગઈ. એને વહાલ કરવાનું મન થયું.
સવિતા લાવણ્ય માટે આર્ટ સિલ્કની સાડી ભેટ લાવી હતી. ‘લેટેસ્ટ ફેશન છે’ કહીને દીપકે પણ વખાણી. લાવણ્યે સસ્મિત સ્વીકારી. સવિતાનો આભાર માન્યો. દાદા-દાદી અને નાના-નાનીના ખબરઅંતર પૂછ્યા. સૂરત-વલસાડ વિશે આડીઅવળી વાતો થઈ.
દીપકે મુદ્દાની વાત પૂછી. લાવણ્યે પોતાના તરફથી કોઈને આમંત્રણ આપ્યું નથી એ જાણીને દીપકે અભિનય સાથે નારાજગી દર્શાવી. ‘દસ માણસો માટે તો મેં ટેબલ બુક કરાવ્યું છે, એનું શું? શું સિંઘસાહેબના સાથી અધ્યાપકોમાંથી પણ કોઈને ન કહ્યું?’
‘બોલાવવા જેવા નથી.’
‘કેમ?’
‘એ વાત લાંબી છે. ક્યારેક નિરાંતે.’
— સવિતાને રસ પડ્યો હતો પણ શરૂ થતાં જ અટકી ગઈ.
‘તારી, સૉરી તમારી બહેનપણીઓમાંથી કોઈ?’
‘બહેનપણીઓ તો પરદેશ ઊડી ગઈ! એક લલિતા છે. જરા દૂર રહે છે.’
‘સરનામું આપો તો હું માણસ મોકલીને આમંત્રણ પહોંચાડી દઉં.’
‘મારું નામ વાંચીને એ અચૂક આવશે. પણ એને કે એના પતિને આવી અદ્યતન હોટલની રીતભાત ફાવશે કે કેમ એ હું જાણતી નથી.’
‘રીતભાત સાચવવાની જવાબદારી હોટલવાળાઓની છે. આપણી ફરજ છે બીલ ચૂકવવાની!’ — પતિનું આ વિધાન સવિતાને ગમ્યું. દીપકે લાવણ્ય પાસેથી લલિતાનું સરનામું નોંધી લીધું. કાગળની કાપલી સવિતાને સોંપી. એ પણ જાણે કે સવિતાને ગમ્યું. લાવણ્ય પોતાના આ સહાધ્યાયીને કંઈક વધુ ધ્યાનથી જોવા લાગી. દીપક રીતભાતમાં કંઈક બરછટ અને શરીરે સ્થૂલ થયો છે. સાહેબગીરી અને બેઠાડું જીવનની અસર? આ માણસ ક્યારેક સાહિત્યનો મેધાવી વિદ્યાર્થી ગણાતો હતો એ વસ્તુ એના અત્યારના વર્તન પરથી ફલિત થતી નહોતી.
‘સવિતા, તમને નથી લાગતું કે દીપક જાડો થવા લાગ્યો છે?’
‘એ બાબતે તો એ જાત પર ખુશ છે. એમનાં માતૃશ્રી પણ રાજી છે.’
‘તું રાજી નથી એ મેં આજે જ જાણ્યું!’ — દીપકે ગંભીરતાથી કહ્યું. આજથી હવે વધુ જાડા ન થવા નિર્ણય કરી લીધો હોય એમ એ ટટ્ટાર બેઠો.
‘કોઈ વાર વાડીએ જાય છે?’
‘સમય જ ક્યાં મળે છે?’
‘આળસ, બીજું શું? કલબમાં પત્તાં રમવાનો અને સેક્રેટરી સાથે વિડિયો જોવાનો વખત મળે છે. તો —’ સવિતા બોલવાના ઉત્સાહમાં હતી. પણ પોતે પતિની છાપ બગાડી રહી છે એ અંગે સભાન થતાં અટકી ગઈ. કોઈ કંઈ બોલ્યું નહીં એ જોઈને એ જ વિષય બદલીને કહેવા લાગી:
‘દીપકમાં હવે મોટા માણસનાં લક્ષણો આવતાં જાય છે. મારા પપ્પાએ એને સિલ્ક મિલની વહીવટી જવાબદારી સોંપી એની સાથે જ એ સંભાવિત સદ્ગૃહસ્થ બની ગયો છે. એ હવે વાડીએ શું કામ જાય? વાડીનું ધ્યાન તો એનાં પેરન્ટ રાખશે! મેં તો કહી દીધું: વેચી મારો. તમારી જિંદગીભરની આવક જેટલું તો દીપક આ એક જ વરસમાં કમાયો છે!
નામ સિલ્ક મિલ છે પણ બધા પ્રકારના કૃત્રિમ રેસાઓમાંથી કાપડનું ઉત્પાદન થાય છે. મોટી મોટી કાપડ મિલો મંદીનો ભોગ બની છે ત્યારે પણ આ વામન કદની સિલ્ક મિલ વિરાટ નફો કરે છે.
દીપક-સવિતા સિલ્ક મિલની વાત કરી રહ્યાં હતાં. ત્યારે જેણે આ બધું સંભાળવાનું હતું એ લાવણ્યનું મન દીપકની વાડીના આંબાની મંજરીઓમાં હતું. એ સુગંધ સમયમાં દૂર ને દૂર જઈ રહી હતી. મંજરીની રજ વાતાવરણમાં ઊંચે પ્રસરે અને વચ્ચે એક આખી ઋતુ વીતી ગયા પછી આવેલાં વાદળ એ રજ સાથે સંયોગ પામી તુષારનું રૂપ ધારણ કરે, જલબિન્દુ બનીને વરસે, એ માત્ર કલ્પનાનો વિષય લાગે છે.
સવિતાએ ટેક્સ-પ્લાનિંગની વાત કાઢી હતી.
લાવણ્યના કાને શબ્દો અથડાતા હતા. આ બધામાં રસ લેવા એણે સભાન પ્રયત્ન કર્યો. પણ સમર્થનમાં કશું બોલી ન શકી. આતિથ્યનો ધર્મ બજાવવા ઔપચારિક થવાની એને જરૂર ન લાગી. એણે મૌન પાળ્યું. એનો ખ્યાલ આવતાં દીપકે લાવણ્યને પૂછ્યું:
‘સાડી ગમી કે નહીં?’
‘જરૂર ગમશે, હજી ખોલીને જોઈ નથી.’
સવિતાએ તુરત ઊઠીને સાડી ખોલી બતાવી. પોતાની છાતીએ પાલવ ગોઠવીને ખ્યાલ આપ્યો.
દીપક ફરી એક વાર સવિતાની જગાએ લાવણ્યને કલ્પી રહ્યો. પણ સામેથી આવેલા લાવણ્યના અવાજે એનું ધ્યાન તોડી નાખ્યું.
‘પુસ્તકો ખરીદવા જેવો જ મારો બીજો શોખ સાડીઓ વસાવવાનો છે. મારી પાસેથી દેશભરનું વૈવિધ્ય નીકળશે. એક વાર અમારી સંસ્થા “મૈત્રેયી”માં ચર્ચા માટે હળવા વિષયની શોધ ચાલતી હતી. મેં કહ્યું: “સાડીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા.” હું કોઈ પણ નવા પ્રદેશમાં જાઉં તો ત્યાંની સાડી અચૂક લાવું. અગાઉ જે તે પ્રદેશની બંગડીઓ ખરીદવાનું પણ મન થતું, હવે એ સૂઝતું નથી. પણ સાડી માટે તો હું ભૂખી પણ રહું.’ — લાવણ્ય કહેતી જતી હતી અને સાડીઓ બતાવતી જતી હતી.
સવિતાએ હાથમાં લીધેલી એક સાડી જલદી નીચે મુકાઈ નહીં. એ વખાણતી જ રહી. દીપકે પણ એનું સમર્થન કર્યું. લાવણ્યની પ્રિય સાડીઓમાંની આ એક હતી, પણ એને નિર્ણય કરતાં વાર ન થઈ.
‘મારા તરફથી તમને ભેટ. એમ જ માનો કે મેં તમારા માટે જ ખરીદી હશે.’ — કહેતાં લાવણ્યે કબાટ ધીમે રહીને બંધ કરી દીધું. એ રીતે સૂચી દીધું કે હવે કબાટ ખૂલશે નહીં અને આ બહાર રાખેલી સાડી અંદર મુકાશે નહીં. તમને ગમી ગઈ છે ને? તો તમારી.
‘પણ આ તો બહુ મોંઘી સાડી છે.’ — સવિતાનો સંકોચ એના હાવભાવમાં પણ વરતાઈ આવતો હતો.
‘કંઈ દરેક વસ્તુનાં મોલ થતાં નથી. એ સસ્તી હોય કે મોંઘી, તમને ગમી ગઈ એની સાથે જ મારે મન એની કિંમત વધી ગઈ. તમે રાખો. હું થોડા વખતમાં જ પ્રવાસે નીકળવાની છું. લેતી આવીશ બીજી. આ લઈ લો પ્લીઝ! સંકોચ છોડીને સ્વીકારો અને મારા આનંદમાં વધારો કરો.’
સવિતા વિમાસણમાં મુકાઈ ગઈ. એને સાડી ખૂબ ગમી હતી પણ એણે ધાર્યું નહોતું કે લાવણ્ય આ રીતે હઠ કરીને એને પકડાવી દેશે. એટલો ભાગ ગમતો નહોતો તો બીજી બાજુ સાડી હાથમાંથી મૂકી દેવાતી પણ નહોતી. જ્યારે દીપક સ્પષ્ટ હતો.
લાવણ્યે આ સાડી આપી દીધી, હવે એ પાછી ન લે. આજે જન્મદિવસે એને નારાજ કરવી એ પણ ઠીક ન કહેવાય. વળી, આનું તો ભલું પૂછવું. ખોટું લાગે એની આપણને ખબર ન પડે અને એ રાતના ભોજનસમારંભમાં આવવાને બદલે ક્યાંક બીજે ઊપડી જાય. શું કરવું? આર્થિક બાજુ પર ભાર મૂકીને જો સમજાવી શકાય તો – એક રીસર્ચ સ્કૉલર અને સિલ્ક મિલના ભાગીદારની આર્થિક સ્થિતિમાં જે ફેર છે એ ખ્યાલમાં રાખીને આવી મોંઘી ભેટ —
‘ભેટસોગાદમાં હૃદયનો ભાવ મહત્ત્વનો છે, બજારભાવ નહીં.’ — લાવણ્યના આ શબ્દો આગળ દીપકની બધી દલીલો બુઠ્ઠી થઈ ગઈ.
સવિતાએ આભાર માનીને સાડી સ્વીકારી લીધી. અને પોતે મહેમાન છે એ ભૂલીને ચા-નાસ્તો તૈયાર કરવામાં લાવણ્યને મદદ કરવા લાગી. સ્વચ્છતા અને વ્યવસ્થાને કારણે નાનકડી જગામાં પણ સંકડાશ અનુભવાતી ન હતી.
સાંજની પાર્ટી વિશે વાત થઈ. પાંચેક મિનિટ વહેલી પહોંચી જવા લાવણ્ય કબૂલ થઈ. દીપક ઊઠ્યો ત્યાં સુધીમાં સમજી ચૂક્યો હતો કે લાવણ્યે એની મોંઘી સાડી સવિતાને ભેટ આપીને, પોતે પાર્ટી પાછળ કરવા ધારેલું ખર્ચ અગાઉથી ચૂકવી દીધું છે.
લલિતા સૌથી પહેલી, સજોડે આવી. પછી પ્રેમલ આવ્યો. લલિતાને વાત કરવાનો વિષય મળી ગયો. તમને શારદા યાદ કરે છે. આવતા અઠવાડિયે ત્રણેક દિવસ માટે એના પતિદેવ સાથે અમદાવાદ આવવાની છે, ગુરુ-શુક્ર-શનિ. મોટે ભાગે સરકિટ હાઉસમાં ઊતરશે. એક નવી સંસ્થા ઊભી કરે છે. એના ભંડોળ માટે સ્મરણિકા છપાય છે. શારદાની ભાષા સારી છે. એ સ્મરણિકા પર છેલ્લી નજર કરી જશે. દરમિયાન મલૂકચંદ ગાંધીનગર આવજા કરશે અને પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા સચિવો અને પ્રધાનોને મળશે.
લાવણ્યનું ધ્યાન ગયું. અગાઉનો પૂર્વગ્રહ ભૂલીને લલિતા પ્રેમલ સાથે વાત કરી રહી છે! શહેરમાં આવીને એ ઉદાર થઈ કે આ પ્રેમલના વ્યક્તિત્વની મોહિની છે? એમની વાત અટકી જવા આવી છે એનો ખ્યાલ આવતાં લાવણ્યે લલિતાને પૂછ્યું: ‘તું કલાકાર સાથે પ્રશ્નોત્તરી કરી રહી હતી કે કોઈનો સંદેશો આપી રહી હતી?’
લલિતાએ શારદાનો મહિમા કરવા માંડ્યો. હવે એ એક સન્નારી છે. એણે જેને મળવું હોય એને મળી શકે. કોઈની સાથે આડો સંબંધ રાખવાની એને જરૂર ન રહી. કામ સાથે કામ.
જાહેરજીવનમાં એ નામ કાઢશે. લાવણ્ય વિકાસની આ વાતો સાંભળીને ખુશ થઈ શકતી ન હતી. એને આમાં કશુંક અજુગતું લાગી રહ્યું હતું, જેમાં પોતે નિમિત્ત બની હતી. આજે પોતાની જન્મતારીખે પણ શારદા-પ્રેમલના અવૈધ સંબંધની જાણે કે એક વધુ તક ઊભી કરી હતી! ના, એવું શા માટે માની લેવું? બીજાઓને શંકાથી જોવાનો પોતાને શો અધિકાર છે? કશા પ્રમાણ વિના કોઈને પાપી માની લેવામાં આપણી જ માનસિક વિકૃતિ છતી થતી નથી?
દીપકે એના ધંધા સાથે સંકળાયેલા કેટલાક અણઘડ શ્રીમંતોને બોલાવ્યા હતા. એ જોઈને વળી થયું: આ પાર્ટીમાં ભાગ લઈને પોતે ભૂલ કરી છે.
દીપક આ શેઠિયાઓને બતાવવા માગતો હશે કે જુઓ મારી પાસે આવી રૂપાળી ઢીંગલીઓ છે! તો બીજી બાજુ સિંઘસાહેબ અને પ્રેમલ સમક્ષ એવો દેખાવ કરવા ઇચ્છતો હશે કે હું બેકદર નથી, બેવફા નથી. વધુમાં એ આ રીતે એને આકસ્મિક પ્રાપ્ત થયેલા વૈભવનો દેખાડો કરી શકશે. પોતે આ અસતમાં ક્યાં ભાગીદાર બની? શું રહી જતું હતું કે લલિતાનું નામ-સરનામું આપ્યું?
છએક માસ પહેલાં શારદાની ઈર્ષા કરી કરીને વખત પસાર કરનારી લલિતા આજે એની દૂતીનો પાઠ ભજવી રહી છે! લલિતા પર બલ્કે લલ્લુભાઈ પર જો કોઈનો ઉપકાર હોય તો મલૂકચંદનો છે, શારદાનો નહીં. લલિતા આજે મલૂકચંદના ભોગે શારદાનું કામ કરી રહી છે. શું આ કૃતધ્નતા નથી?
આ વ્યવહારને એના વાસ્તવિક સ્વરૂપે સમજવા જતાં કેવો આઘાત લાગે છે! આમ ને આમ સ્નેહીઓના અવગુણ અવગત કરીને પોતે સ્વસ્થ રહી શકશે ખરી?
લાવણ્યની આ મનોદશા દીપક અને એના આમંત્રિતોથી અજાણ હતી. એ સહુ રહી રહીને લાવણ્યને સમારંભના કેન્દ્રમાં લાવવા સભાન થતાં હતાં, જ્યારે લાવણ્ય હતી જલકમલવત્… એટલું જ નહીં, કોઈક ક્ષણે તો સરોવરને છોડી દૂર જતી કમલની મસૃણ સુગંધ જેવી….
સમારંભ પૂરો થાય એ પહેલાં જ લાવણ્યે સંકલ્પ કર્યો: હું હવે મારે નામે કોઈને આવી છૂટછાટ લેવા નહીં દઉં. આત્મનિર્ભર થઈશ. મારા જન્મદિવસે દીપક પાર્ટી યોજે એમાં ઔચિત્ય નથી એ સમજવા છતાં મેં સાથ આપ્યો. હું મારા માનસિક ઘડતરની વિરુદ્ધ ગઈ. આ વિરોધાભાસમાંથી હવે બહાર આવી જાઉં છું, જન્મદિવસ તો એક જ રીતે ઊજવી શકાય, શિવ સંકલ્પ કરીને સ્વયં….
શ્રીદેવીએ એને કહેલું: જન્મદિવસે પણ તું આટલી અંતર્મુખ કેમ? જમતી વખતે લાવણ્યે પોતાની મન:સ્થિતિ વિશે ખ્યાલ આપેલો. હવે ફરીથી આવી ભૂલ ન કરવાનો સંકલ્પ પણ જણાવેલો. આઈસ્ક્રીમ લેતાં શ્રીદેવીએ કહ્યું:
‘તું બહુ ઝીણું કાંતે છે, લાવણ્ય! અહીં પેલા બેત્રણ વેપારીઓને બાદ કરતાં તારા માટે અજાણ્યું કોણ હતું? તારી લાગણીનો, તારા પ્રત્યેની પોતાની લાગણીનો દીપકે આ રીતે જવાબ આપ્યો છે. એમાં કશી વેપારી વૃત્તિ ન હોય. મને તો એનું ઠરેલપણું દેખાય છે. એક વાર તેં સંમતિ આપી પછી વિમાસણ શેની? મારી વાત કરું તો, જ્યાં સુધી આપદ્ધર્મ ઊભો ન થાય ત્યાં સુધી હું તો મારું મનોવિશ્વ તારા સરને સોંપીને જીવું છું.’
‘પણ હું કોને સોંપું? હું તો એકલી છું.’
શ્રીદેવી હસી પડ્યાં: ‘શું મને એની ખબર નહીં હોય? પણ તું એકલી છે એ પણ વાસ્તવિકતાનો એક જ ભાગ છે. એક જ ભાગ છે અમે બધાં છીએ એ પણ તારે માટે એટલું જ મહત્ત્વનું છે. વળી, દૂર રહ્યે રહ્યે પણ દીપક તને ભૂલ્યો નથી. વિશ્વનાથ ચાતકની જેમ તારી રાહ જુએ છે, પ્રેમલ આષાઢી મેઘની જેમ વરસી પડવા ગોરંભાયા કરે છે. આજે એ લલિતા અને એના પતિ સાથે વાત કરતો હતો ત્યારે પણ એનું ધ્યાન તારા તરફ હતું. અરે પણ હા, વિશ્વનાથ કેમ ન આવ્યો? એને નહોતું કહ્યું?’
લાવણ્યે દીપકને પૂછ્યું. દીપકે કહ્યું કે હું બીજા કોઈને નહીં ને પત્રકારને ભૂલું? વેપારી થઈને?’
‘એને આમંત્રણ મળ્યું હતું પણ —’ કહેતાં પ્રેમલ હોઠના ખૂણે મલકાયો. ‘એણે સ્થળ અંગે મને પૂછ્યું. મને ગમ્મત સૂઝી. એ જરૂર ત્યાં ગયો હશે. આપણે અહીંથી નીકળીએ એ પહેલાં ભાગ્યે જ પહોંચી શકશે.’
લાવણ્ય નીચું જોઈને મનોભાવ વ્યક્ત ન થાય એ રીતે લોન ભણી તાકી રહી. આને ગમ્મત કહેવાય?
‘ભૂલ વિશ્વનાથની જ કહેવાય. એણે જેનાથી બચવું જોઈએ એને જ પૂછ્યું.’ — સિંઘસાહેબના વિનોદે બધાને હસાડ્યાં, લાવણ્ય સિવાય.
અહીં વળી લાવણ્યને એક બીજો પ્રશ્ન થયો. કોઈ યુવતી એ શું બે પુરુષે વહેંચી લેવાની વસ્તુ છે? બેમાંથી એકે પડાવી લેવાની વસ્તુ છે? જ્યાં સુધી સહજ સંબંધ સ્થપાયો ન હોય ત્યાં સુધી બેમાંથી એકેયે શી લેવાદેવા? સ્ત્રી અને પુરુષ એકબીજા વિના અધૂરા છે એ સાચું. પણ કોઈનું અસ્તિત્વ નિયત વ્યક્તિથી સાપેક્ષ નથી. જો એમ હોત તો હું દીપક વિના જીવી શકી ન હોત. અને પેલી જૂની ઉક્તિ ગુંજ્યા કરતી હોત. કમલન કો રવિ એક, રવિ કો કમલ અનેક…
એની નજર સામે દીપક વિશ્વનાથ સાથે સંપર્ક કરવા ફોન જોડી રહ્યો હતો. એનો પ્રયત્ન ચાલુ હતો ત્યાં વિશ્વનાથ આવી પહોંચ્યો.
એ બીજે ગયો જ નહોતો. પ્રેમલે કહેલું નામ એને કલ્પિત લાગ્યું હતું. એણે નિમંત્રણપત્ર શોધી કાઢ્યું હતું. પણ લેખના છેલ્લા ફકરામાં વિગતોની ચકાસણી કરવા બે વાર ઊભા થવું પડ્યું. દિલ્લી ફોન કરવો પડ્યો. કામ પૂરું કરતાં જ મોડું થઈ ગયું. નીકળ્યો ત્યારે ઘડિયાળમાં જોયું હતું, પણ કંઈ વાંધો નહીં. બધાં વિખેરાઈ ગયાં હશે તો પોતે એકલો એકલો લાવણ્યની જન્મતારીખ ઊજવશે, એ સ્થળે બેસીને સમયનું અનુસંધાન કરશે.
બધાંને આ ઉદ્ગારમાં રમૂજ લાગી હતી. લાવણ્યને સચ્ચાઈ લાગી હતી. આ માણસ ભલે મને બરાબર ઓળખતો ન હોય પણ હું છું એ હકીકત ભૂલીને એ જીવવા તૈયાર નથી. અન્યનું હોવું આવું આનંદદાયી હોઈ શકે છે એ પોતે ક્યાં નહોતી જાણતી? એક વાર ખોટી પડી છે તેથી હવે ફરી ખોટી પડવાની બીક રહે છે કે શું? અતુલ દેસાઈ જે આળસ ખંખેરી ગયેલા એ રહી રહીને પાંખ પર કેમ ઠરતી હશે?
‘પેલા ગાંડિયાના આવવાથી તારી એકલતામાં કશો ફેર પડ્યો ખરો?’ — શ્રીદેવીએ લાવણ્યને પૂછ્યું.
‘એકલતા? હા, થોડી વાર પહેલાં મેં એકલતાની વાત કરી હતી. નિસ્સંગ એકલતા —’
‘કેટલાક શબ્દો સાંભળવા ગમે છે. પછી ભલે આપણે એનો અર્થ સમજતાં ન હોઈએ.’ — શ્રીદેવી બોલ્યાં. સિંઘસાહેબ સાંભળી રહ્યા હતા. બોલવા માટેની સામગ્રી એકઠી કરી રહ્યા હતા. શતાવધાનીઓ સો પ્રશ્ન ક્રમમાં સાંભળી લે છે ને પછી અનુક્રમે ઉત્તર આપે છે. સિંઘસાહેબ આવું બધું સાંભળ્યા કરે છે અને પછી થોડાક શબ્દોમાં કશુંક અર્થસમર્પક કહે છે.
દીપકે આગ્રહ કરીને વિશ્વનાથને જમવા બેસાડ્યો હતો. એ ફક્ત આઈસ્ક્રીમથી ચલાવી લેવા માગતો હતો. જુદા બેસીને જમવા કરતાં અહીં બધાંની વચ્ચે વધુ સુખ હતું, સંતોષ હતો.
લાવણ્ય પણ દીપક સાથે વિશ્વનાથને સાથ આપવા એના ટેબલ સુધી ગઈ. પ્રેમલ નીકળી ગયો. લલિતા સવિતા સાથે વાતે વળી હતી. નામ-સરનામું લેતી ગઈ. એમને મૂકવા ગયેલી કાર પાછી આવે ત્યાં સુધીમાં વિશ્વનાથ જમી રહેશે. જે વાનગી ભાવે છે એને એ વખાણે છે અને એને વિશે પૂછે છે. જવાબ લાવણ્ય આપે છે તેથી મોડું થવાનો એને ખ્યાલ જ નથી. પણ કરે શું? દરેક સારી વસ્તુને પણ અંત હોય છે એમ એ ધરાઈ ગયો.
પાર્ટી જલદી પૂરી ન થઈ ગઈ એનો યશ સિંઘસાહેબને આપવો જોઈએ એમ કહીને એણે પાન ખાધું. વિશ્વનાથની વાત સાચી હતી. સિંઘસાહેબ પા કલાક મોડા આવ્યા હતા. એમનો નિયમ છે. શ્રીદેવી પહેલાં પૂરેપૂરાં તૈયાર થઈ જાય અને એમના ટેબલ પાસે આવીને ઊભાં રહે પછી જ એ પુસ્તક કે કલમ હાથમાંથી મૂકે…
કાર આવી. વિશ્વનાથ તો સ્કુટર લાવ્યો હતો. શ્રીદેવી, સિંઘસાહેબ અને લાવણ્ય એમાં બેઠાં. દીપક અને સવિતાએ વિદાય આપી. સુરત-વલસાડ આવવા નિમંત્રણ પાઠવ્યું. કાર ચાલુ થતાં સિંઘસહેબે મુદ્દાની વાત શરૂ કરી: લાવણ્ય હમણાં નિસ્સંગ એકલતાની વાત કરતી હતી. આમ તો નિસ્સંગતા એટલે જ એકલતા પણ આધુનિક કવિઓ ભીડ વચ્ચે પણ એકલતા અનુભવ્યાની ફરિયાદ કરે છે એમાંથી આ બીજા પ્રકારની – નિસ્સંગ એકલતાની લઢણ ઊભી થઈ હશે.
શું માણસ મનથી એકલું હોઈ શકે ખરું? મીર તકી મીરે તો કહ્યું છે: ‘તુમ મેરે પાસ હોતે હો ગયા, જબ કોઈ દૂસરા નહીં હોતા!’
એકલતાની આ સ્થિતિમાં તમે શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્ત રહી શકો તો કંટાળાથી બચી શકો. માણસે સ્વસ્થ રહેવા માટે બે વસ્તુથી ખાસ બચવા જેવું છે: અકર્મણ્યતાથી અને કંટાળાથી.
અજ્ઞેયજીએ સાચું જ કહ્યું છે: હિંસા કરતાં પણ કંટાળો વધુ ખતરનાક છે… ઠંટાળો માત્ર બાહ્ય પરિસ્થિતિને કારણે જાગતો નથી, એના મૂળમાં આસક્તિ હોય છે. લાવણ્ય સ્વભાવે અનાસક્ત હોઈ એની એકલતા જોખમકારક નથી લાગતી– છેલ્લું વાક્ય શ્રીદેવીને સંબોધીને એમણે ફરી લાવણ્ય સામે જોયું: આપણું આંગણું નાનું હોય કે મોટું પણ રાખવું ખુલ્લું. અંતરાત્માનું અભીપ્સિત પ્રતિરૂપ કોણ જાણે ક્યારે અતિથિ બનીને આવી પહોંચે! આંગણે વાડ કર્યા પછી જ પીએચ. ડી. પૂરું થાય એવું નથી.
લાવણ્યને ઉતારીને સિંઘદંપતી આગળ વધ્યાં.
પોતે વિશ્વનાથના સ્કુટર પર પણ આવી શકી હોત… પણ પ્રેમલને કેમ એમ સૂઊયું હશે? દીપક-સવિતા લાગે છે તો સુખી…
ઊંઘતાં પહેલાં સૂતાં સૂતાં વાંચવાની ટેવ છે, પણ આજે વાંચનમાં લાવણ્યનું મન સ્થિર ન થયું. સિંઘસાહેબે મને ‘અનાસક્ત’ કેમ કહી હશે?
શું હું સાચે જ અનાસક્ત છું? શ્રીકૃષ્ણે જે મનોદશા પ્રાપ્ત કરવા અર્જુનને ઉપદેશ કર્યો હતો, અને જેના વિના યુદ્ધભૂમિમાં સ્વસ્થ રહી એ સક્રિય થઈ શકે એમ ન હતો એ અનાસક્તિ શું પોતાને અનાયાસ પ્રાપ્ત થઈ છે? કે પછી મારામાં મૂળભૂત આસક્તિનો જ અભાવ છે? એમ હોય તો હું મનોરુગ્ણ ન કહેવાઉં? ના, હું બીમાર તો નથી જ.
નિદ્રામાં સ્વપ્નપુરુષની હૂંફ ક્યારેક ક્ષણાર્ધ માટે અનુભવી છે અને એથી વધુ ઝંખી છે. હા, મારામાં આસક્તિનો સદંતર અભાવ તો નથી જ. માત્ર હું જાણતી નથી કે આસક્તિ અને અનાસક્તિનાં બે કલ્પિત બિન્દુઓ વચ્ચે ક્યાં છું. હું બીમાર નથી જ. બીમાર તો એ લોકો છે જે દ્વેષ કરે છે, ઈર્ષાથી બળીને ગાંગડું થઈ જાય છે, બદલો લેવા કાવતરાં કરે છે.
હું બીમાર હોત તો મારી અને દીપકની વચ્ચે આવી અનપેક્ષ મૈત્રી ન હોત. સવિતાને પણ આ મૈત્રી અંગે કશો અંદેશો નથી. સારું થયું કે હું મારી પસંદગીની એક સાડી આગ્રહ કરીને આપી શકી. એ લોકોએ મારો જન્મદિવસ ઊજવવા કેટલું બધું ખર્ચ કર્યું!
જો કે દીપકની કલારુચિમાં બજારુ અંશો ઉમેરાવા લાગ્યા છે. પોતે બહુ કમાય છે એ સૂચવ્યા વિના એને ચાલતું નથી. શું આ સંપત્તિનું લક્ષણ છે કે એ હાથ લાગતાં જ માણસનો સ્વભાવ બદલવા લાગે? આ ઝડપે તો દીપક કદાચ દસ વરસમાં કરોડપતિ થશે. શું કરશે વધારાના પૈસાનું? તમારે દર મહિને હજાર રૂપિયા જોઈતા હોય તો તમને બારસો મળે કે બાર હજાર, પણ પેલા જરૂરી હજાર ઉપરાંતની રકમ તો પડી જ રહેવાની ને?
કદાચ લગ્ન પછી પ્રવૃત્તિ વધતાં વૃત્તિ પણ બદલાતી હશે. એને વધુ કમાવાની જરૂર લાગતી હશે. દીપક-સવિતાને એમની દીકરીની ચિંતા રહે એ સ્વાભાવિક છે.
તો વિરાજબેન કેમ આવી કશી ખેંચતાણમાં સપડાતાં નથી? એ અને ચંદ્રકાન્તભાઈ જરૂરિયાત પૂરતું જ કમાય છે. અથવા એમ કહેવું જોઈએ કે જરૂરિયાતો વધવા દેતાં નથી. જેમ જરૂરિયાતો વધારો તેમ વધુ ને વધુ કમાવું પડે. વધુ કમાવાનું બંધન મનનો કબજો લે અને સ્વાધીનતા સીમિત બની જાય. આગળ જતાં એક દિવસ તમે અર્થદાસ બની રહો. મંદિરના પૂજારીને પણ રૂપિયાનો રણકાર આરતીના ઘંટારવ કરતાં વધુ ગમવા લાગે. પત્રપુષ્પ અને ધૂપદીપની સૂષ્ટિ પૂરતો આનંદ આપી ન શકે.
એક વિશાળ મંદિરના સભામંડપમાં ગિરધરગોપાલના ગાનમાં મગ્ન મીરાંને એ આનંદ સિવાય બીજા કશાની અપેક્ષા જ નહોતી. એનું નામ અનાસક્તિ, જ્યાં એકાન્તિક ભક્તિ સિવાય કશું જાગી શકે જ નહીં.
એ રાત્રે લાવણ્યને સ્વપ્નમાં સંગીત સંભળાયું…
દિવાળી-વેકેશનમાં વિરાજબેન સાથે દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું છે. ત્રણ માસની શિષ્યવૃત્તિ એક સાથે મળવાથી સારી એવી બચત થઈ છે. પ્રો. શ્રીવાસ્તવે અંતરાય ઊભો કરેલો એથી શિષ્યવૃત્તિ મળવામાં વિલંબ થયો. એથી કરકસર થઈ!
દીદી લખે છે કે રીઝર્વેશન કરાવી દેજે! જાણે મારી કાર્યક્ષમતા વિશે અહોભાવ ન હોય! એક વાર સ્ટેશને જઈ આવી છે. પૂછપરછ કરીને પાછી આવી છે. ખાતરી નથી કે સમગ્ર પ્રવાસની બધી ગાડીઓનું અહીં બેઠાં રીઝર્વેશન મળી જાય.
વિશ્વનાથને ફોન કરું?
પણ એ સાથે આવવા તૈયાર થશે તો? — આવો તરંગ જાગતાં જ લાવણ્ય હસી પડી. એકલી હસી પડવા બદલ દર્પણમાં શરમાઈ.
વિશ્વનાથ જરૂર મદદરૂપ થઈ શકે. બહુ બહુ તો એટલું કહેશે: તમે પંદર દિવસ અમદાવાદની બહાર રહો એ મને ન ગમે પણ તમને આરક્ષણ મેળવી આપવા નિષ્ઠાથી પ્રયાસ કરીશ. જોકે આમ એક પત્રકારની વગથી ટિકિટ મેળવવી એમાં પણ અસત તો છે જ. વિશ્વનાથ એનો બચાવ કરશે. જુદા જુદા વર્ગો માટે કેટલીક બેઠકો અનામત રખાય છે. એ જોગવાઈનો લાભ આપણને મળતો હોય તો કેમ ન લેવો? આપણે કોઈનો હક ન ડુબાડીએ અને કાનૂનનું ઉલ્લંઘન ન કરીએ એ પૂરતું ન લેખાય?
પોતે કેવા ઉપાય વિચારી શકે છે! શું આને ચાલાકી ન કહેવાય? બીજાઓ પાસે આપણે પૂર્ણ સત્યની અપેક્ષા રાખીએ છીએ અને જાતે છૂટછાટ શોધી કાઢીએ છીએ. અગવડ વેઠવાની આવે ત્યાં સુંવાળાં થઈ જઈએ છીએ. પ્રવાસ કરવો જ હોય તો રીઝર્વેશન મળે કે ન મળે પણ નીકળી પડવું જોઈએ.
વિરાજબેન અગવડ વેઠવા ટેવાયેલાં છે. ચંદ્રકાન્તભાઈ તો સારા એવા ખડતલ છે. થોડા વખત પહેલાં જ એ ટ્રાન્સપોર્ટના ધંધામાંથી છૂટા થઈ ગયા. કમાયા એટલું પૂરતું છે.
થોડુંક માનદ વેતન લઈને ગ્રામવિકાસ ટ્રસ્ટના સંયોજક બન્યા છે. ઊર્જાના નવા સ્ત્રોત શોધવા માટેના પ્રયોગોમાં એમને રસ છે. ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં કરતાં એમણે પેટ્રોલ-ડિઝલના જથ્થાના અંત વિશે જાણી લીધું છે. માણસે જૂની મૂડી પર જીવવાની સાથે નવી મૂડી ઊભી કરવાનું આયોજન કરવું જોઈએ.
ચંદ્રકાન્તભાઈ ત્રણેક વાર દક્ષિણ ભારતનો પ્રવાસ ધંધાર્થે કરી ચૂક્યા છે. એ સાથે નહીં આવે. લાવણ્ય છે પછી? એમની વાત સાચી છે. વિરાજબેન અને શામસુંદર સાથે હોય ત્યારે પોતાની કાર્યશક્તિ અનેકગણી વધી જાય છે. રીઝર્વેશન માટે વિશ્વનાથની મદદ લેવાનો ફરી વિચાર આવ્યો અને એ એને મળવા ગઈ.
સાંજનો સમય હતો. ધાર્યું હતું કે ઘેર આવી ગયો હશે, પણ હજી ઑફિસથી નીકળી શક્યો જ ન હતો. તંત્રીશ્રી એને આવતી કાલના આખા અંકની જવાબદારી સોંપીને બહાર ગયા હતા. થોડી વાર પહેલાં જ એણે એનાં માતુશ્રીને જણાવ્યું હતું. તો તો આઠ પહેલાં ક્યાંથી આવે? એમ કહીને લાવણ્ય ઊભી થઈ ગઈ. વિશ્વનાથનાં માતુશ્રીને લાગ્યું કે શ્રાવણનું સરવડું વરસતાં વરસતાં રહી ગયું. એ લાવણ્યને રોકવા ઇચ્છતાં હતાં પણ દલીલ ના સૂઝી. પોતે આઠ સવા આઠે આવશે એમ કહીને એ જમુનાબેનના ખબર-અંતર પૂછવા ગઈ. થોડા દિવસ પહેલાં એ રસ્તામાં મળેલાં ત્યારે કંઈક સુકાયેલાં લાગ્યાં હતાં. કદાચ પોતાનો ભ્રમ હોય.
બારણું પ્રેમલે ઉઘાડ્યું. સાંજના સાતેક વાગ્યે પ્રેમલ ઘેર? નવાઈ લાગી. સામાન્ય રીતે થતો આનંદ આજે ન થયો, પણ પ્રેમલ ખુશમિજાજ હતો. એણે આવકાર આપીને બેસવા કહ્યું. ‘મમ્મી મંદિરે ગઈ લાગે છે, આવતી હશે.’
‘શું કોઈ નવું ચિત્ર?’
‘હમણાં ક્રિયેટિવને બદલે કૉમર્સિયલ બન્યો છું. સારું કમાઉં છું. કદાચ કમાણી વધશે. શારદા આવી હતી. એ તો મોટી સમાજસેવિકા બની રહી છે. એ સંકલ્પ કરે એની સાથે મલૂકચંદ નવી સંસ્થા સ્થાપી આપે છે. આનર્ત કેળવણી મંડળના નવા મકાનમાં દાંડીકૂચનું વિશાળ ચિત્ર મૂકવાનું નક્કી થયું છે. એ કામ મને સોંપાયું છે. એ લોકો મારી ધારણા કરતાં પણ વધુ ખર્ચ કરવા તૈયાર હતા.
શારદા જાતે કાર ચલાવીને સ્ટુડિયો પર આવી હતી, જરૂરી એકાંત-સેવન પછી મને સાથે લઈ ગઈ હતી. હમણાં જ મૂકી ગઈ. એ મારી મમ્મીને બતાવવા માંગતી હતી: તમને વાંધો હતો ને મારી સામે? ભલે લગ્ન ન થઈ શક્યું, પણ તમારો દીકરો મારા તાબામાં છે. જુઓ. એની નથ મારા હાથમાં છે કે નહીં?’
પ્રેમલ હસ્યો. એને બરાબર હસતાં આવડ્યું નહીં, પણ એણે બોલવાનું ચાલુ રાખ્યું:
‘તમે થોડાંક વહેલાં આવ્યાં હોત તો શારદાજીને મળી શક્યાં હોત.’
‘તમે બંને મળો છો પછી કોઈને મળવાની ઊણપ રહેવી ન જોઈએ.’ — હોઠે આવેલું વાક્ય લાવણ્યે દબાવી દીધું. પ્રેમલની આંખમાં પળવાર માટે વિકાર જાગ્યો; શમી ગયો.
‘મારું ચાલે તો હું તમને બળજબરીથી વશ કરું, પણ એ શક્ય લાગતું નથી.’ — પ્રેમલ બારી બહાર જોઈને બોલ્યો.
‘આભાર. એટલો વિવેક તમે બચાવ્યો છે અથવા વિવેકે તમને બચાવ્યા છે. જોકે શારદા સાથેનું તમારું વર્તન —’
‘એ પોતે જ ખોળામાં આવીને પડે પછી હું શું કરું? લાવણ્ય, તમે મારી સ્થિતિ સમજી નહીં શકો, કેમ કે તમે પુરુષ નથી.’
‘એવા પુરુષ થવાનો મને અભરખો પણ નથી.’ કહેતાં એ ઊભી થઈ. જમુનાબેનને દરવાજે આવી પહોંચેલાં જોઈને વળી અટકી. શાન્ત થવા પ્રયત્ન કર્યો. હવે એણે શારદાને ભૂલીને વનલતાની વાત કરવાની હતી. એથી જરૂર ભાવપલટો થશે. એ જમુનાબેન સાથે અડધો કલાક રોકાઇ.
લલિતા સાથેની વાતચીત પરથી લાવણ્ય સમજી હતી કે મલૂકચંદ શારદાને વફાદાર અને પવિત્ર માને છે. શારદાએ જ મલૂકચંદને સરપંચની ખોરી દાનત વિશે વાત કરી હતી. મલૂકચંદે વહાલસોયી પત્નીને ખાતરી આપી છે કે એ સરપંચને બીજે ક્યાંક ભેળવી દઈને આ તરફ ફરકતોય બંધ કરી દેશે. તોય સખણો નહીં રહે તો એની રાજકીય વગ ખતમ કરી નાખશે… શારદાએ પ્રેમલ સાથેના પોતાના લગાવ અંગે સહેજે ઉલ્લેખ કર્યો નહીં હોય.
મલૂકચંદ માનતા હશે કે પ્રેમલ તો લાવણ્યનો મિત્ર છે. શારદા માટે તો એ માહિતીનો વિષય છે. એક ભૂતપૂર્વ શિક્ષિકા અને સંસ્કારપ્રેમી રાજપુરુષની પત્ની બીજા કલાકારો વિશે સામાન્ય જ્ઞાન ધરાવે તેમ પ્રેમલ વિશે પણ જાણતી હશે. પરિચિત વ્યક્તિને પ્રોત્સાહન આપવાનું સૌને મન થાય. લલિતાએ કહેલું: શારદાનું મોં ભલે કમળ જેવું હોય પણ એના પગ તો કાદવમાં ખૂંપેલા છે.
અગાઉ આવો અભિપ્રાય આપનાર લલિતા જન્મદિવસની પાર્ટી વખતે પ્રેમલ સાથે શારદા અંગે કેવી રીતે વાત કરતી હતી? અભિપ્રાયો, ધોરણો, આગ્રહો એ બધું શબ્દરમત બનીને કેમ રહી જતું હશે?
બરાબર યાદ છે: તે દિવસ લાવણ્યે લલિતાના હોઠ પર હથેલી મૂકી દીધી હતી. યાદ છે એ ભીનો સ્પર્શ અને શુષ્ક ઉદ્ગાર: ‘એમને વ્યભિચારી કહીને ગાળો દેવાની આપણને કેમ જરૂર લાગે છે? કેમ કે આપણે એમાં રાચીએ છીએ. લલિતા, જાતે ખરડાયા વિના બીજાને ઉદારતાથી જોવામાં જ માનવીય વિકાસ રહેલો છે.’ એ દિવસોમાં લલિતા શારદા-મલૂકચંદની વગથી કોઈક માધ્યમિક શાળામાં નોકરી ઇચ્છતી હતી. અને છતાં પ્રગટપણે કહી બેઠી હતી: હવે શારદાની મદદ નહીં માગું.
સમય જતાં વળી પાછો સંબંધ તાજો થયો લાગે છે. હશે.
એ વિશ્વનાથને ત્યાં જવા નીકળી છે જાણીને પ્રેમલ એની જગાએ અવિચળ બેસી રહ્યો. જમુનાબેન થોડે સુધી મૂકવા આવ્યાં. વનલતાની સાહ્યબીની વાતો કરીને હવે જમુનાબેનનું માતૃહૃદય આશ્વાસન શોધી રહ્યું હતું.
વનલતા, પ્રેમલ, શારદા, લલિતા – આ સહુ પરિચિતોના વિચારોમાં ડગ ભરતી લાવણ્ય વિશ્વનાથને ત્યાં આવી પહોંચી ત્યારે એ જમવા બેઠો હતો. ઘંટડીનો અછડતો અવાજ સાંભળતાં ઊભો થઈ ગયો. હાથ ધોવા જતો હતો ત્યાં લાવણ્યે એને રોક્યો:
‘પહેલાં જમી લો, શાંતિથી. તમારે તમારી જમવાની શૈલી પણ બદલવાની જરૂર નથી.’ — એણે દક્ષિણના લોકોને ભાત અને સંભાર ચોળી, મુઠ્ઠીમાં લઈને, રેલા ઊતરે એની પરવા કર્યા વિના મસ્તીથી ખાતા જોયા છે. આગામી પ્રવાસમાં પણ જોશે. પણ વિશ્વનાથ ઘેર કેવી રીતે જમે છે એ જોવાને બદલે આંખ પાછી વાળી લીધી. વિશ્વનાથ માટે પળવારમાં ટેબલ, ખુરશી, વાસણ, રસોઈ – બધું જ બદલાઈ ગયું હતું. અને છતાં જલદી જમી લેવાનું એણે પસંદ કર્યું. એ પછી તુરત એણે લાવણ્ય વિશે શુભલક્ષ્મી સમક્ષ બોલવા માંડ્યું.
‘આ બધું જ તું મને પહેલાં કહી ચૂક્યો છે.’
‘પણ એ કવિતા લખે છે એ મેં કહેલું?’
‘હા. એ કલા-સમીક્ષક છે એ પણ કહેલું. યુથફેસ્ટિવલમાં એમને અભિનય માટે પુરસ્કાર મળેલો —’
‘એ પણ મેં જ કહેલું?’
‘હા, ફક્ત એટલું કહેવાનું બાકી રાખ્યું હતું કે તું એની કલા પાછળ ગાંડો છે. પણ એ તો તારા વગર કહ્યે હું સમજી જાઉં. છેવટે તો તારી મા છું ને!’
‘તોપણ સમજવા જેવું કંઈક તું નથી સમજી. અને એ સારું છે. લાવણ્ય, મારી માનું નામ શુભલક્ષ્મી છે. એ માને છે કે મારી કલારુચિ એમને આભારી છે. એટલું જ નહીં, મારામાં જે કંઈ ગુણ છે એ પણ એમને જ આભારી છે.’
‘એ ખરું પણ નિષ્ઠાથી નોકરી કરવાનો ગુણ તારા પિતાજીનો. જોકે એમને આટલી ઝડપથી પ્રોમોશન નહોતું મળ્યું. જોતજોતામાં તું સબ-એડિટર થઈ ગયો. તારા પિતાજી તને ઓડિટર બનાવવા માગતા હતા. પણ મને સંતોષ છે, તું એડિટર થયો એથી. કદાચ તેથી તો તું જોતજોતામાં ગુજરાતી શીખી ગયો —’
‘સાચું કહું મા? ગુજરાતી શીખવામાં જડપ શા માટે કરી? લાવણ્ય સાથે સારી રીતે વાત કરતાં આવડે માટે.’
‘હું પણ ગુજરાતી બરાબર શીખી ગઈ છું. શાકભાજીવાળા અને કરિયાણાની દુકાનવાળાઓ સાથે મેં ગુજરાતી બોલવાનું શરૂ કરેલું. હવે બધાં સમજે છે, પહેલાં હસતાં.’
‘પણ પિતાજી? નથી કોઈને હસાવી શકતા, નથી સમજાવી શકતા.’
‘પાકે ઘડે કાન ન ચઢે.’ — લાવણ્ય બોલી.
— આ કહેવત વિશ્વનાથને સમજાઈ પણ શુભલક્ષ્મીને કુંભારકામ વિશે પ્રત્યક્ષ જ્ઞાન ન હોવાથી ખ્યાલ આપવો પડ્યો. એ પતિના મસ્તકને ઘડા જેવું કલ્પીને હસી પડ્યાં.
લાવણ્યને ખાતરી થઈ ગઈ: વિશ્વનાથની સરળતા અને ભલમનસાઈ શુભલક્ષ્મીના સ્વભાવનો વારસો છે. દીપકનાં માતૃશ્રી આવાં હોત તો કેવું સારું! અથવા —
તરંગ અટકી ગયો. શુભલક્ષ્મી આગળ બોલતાં હતાં:
‘અમદાવાદીઓ ગણતરીબાજ હોય છે એવું ભલે કહેવાતું. અમારો અનુભવ છે કે અહીંનાં લોકો નગુણાં નથી. પેલી મિસ રાકા રાય, એક દિવસ આભાર માનવા આવી. સાથે એક રૂપાળી છોકરીને લેતી આવી. કહે: અમે બંને સાથે નોકરી કરીએ છીએ અને એડિટરસાહેબની વાતો કરીએ છીએ. હું તો એમનાથી બે વરસ મોટી છું પણ મારી આ બહેનપણી એમને માટે સર્વથા યોગ્ય છે.
જન્મે કન્નડ તો છે જ, ઉછેરથી ભારતીય છે. અંગ્રેજી અને હિન્દી જાણે છે. સંગીત અને નૃત્ય પણ થોડુંક શીખેલી છે. તમારે એની પાસે ઘરકામ કરાવવું નહીં હોય તો સંગીતનો રિયાઝ ચાલુ રાખશે. તમે કહેશો તો એ નોકરી છોડી દેશે. એનાં માતાપિતાએ પોતાનાં નામ જણાવવાની ના પાડી છે પણ આ સંબંધ માટે એમની સંમતિ છે જ.’
‘પછી?’ — લાવણ્યે હરખ દાખવતાં પૂછ્યું.
‘પછી એને જ પૂછો ને! તે દિવસ એણે મારું વહેમ સાચું પાડ્યું.’
‘હું સમજી નહીં.’
‘તમે કશુંક ન સમજો એ હું પહેલી વાર જાણું છું. ઘટના સાચી છે. મિસ રાયે પછી મને ફોન પણ કરેલો. એમની સાથે આવેલી છોકરી ઉત્તમ ગૃહિણી થવાની યોગ્યતા ધરાવતી હતી. એના પિતાશ્રીએ એ જ ગાળામાં અમારા મેનેજિંગ એડિટરને પણ વાત કરેલી. પણ હું તો એક વાક્ય બોલી ગયેલો એને દોહરાવતા રહ્યો. ‘દોહરાના’ ગુજરાતીમાં ચાલે છે? હાં, તો મેં કહેલું કે મને નથી લાગતું કે હમણાં હું લગ્ન કરી શકું.’
‘પેલું ન કહ્યું? જ્યાં સુધી ગુજરાતી કન્યા ન મળે ત્યાં સુધી —’ લાવણ્ય પાલવનો છેડો સરખો કરતાં હસી રહી હતી.
‘વ્યક્તિનું નામ દેવું ન પડે માટે મારો દીકરો પ્રદેશનો પ્રશંસક બન્યો છે. લોકો પ્રેમમાં પડે છે, મારો દીકરો પ્રશંસામાં પડ્યો છે.’ — શુભલક્ષ્મી હવે ફરિયાદી હતાં.
‘વાત કરવાની આપની રીત મને ગમી. આપના દીકરાને જરૂર એની મનની માનેલી કન્યા મળશે. ધાર્યા કરતાં સવાઈ મળશે.’
‘છેલ્લું વાક્ય ન ગમ્યું.’ — વિશ્વનાથે વાત ટૂંકાવી — ‘નવાં કાવ્યો લાવ્યાં છો? તો સાંભળો.’
‘હું કવિતા લખું છું એ હજી તમને યાદ છે?’
‘હજી એટલે? ગઈ કાલની તો વાત છે. જાણે કે બે દિવસ પહેલાં તો મેં તમને આબુની ઊંચાઈએ સાધના-ભવનમાં જોયાં છે! તમારી રચના નજરે ચઢે અને હું વાંચ્યા વિના રહું? મને ગમે છે તમારી કવિતા, કેમ કે એમાં જાત સાથેની વાત હોય છે. કલ્પના ઓછી, સંવેદના વધુ હોય છે. વાક્યરચનામાં નવી નવી લઢણો હોય છે. શું તમને એમ લાગે છે કે હું અતિશયોક્તિ કરું છું?’ — વિશ્વનાથ ઊભો થયો. સામયિકોની થપ્પી હાથમાં લીધી. ‘બોલો આપું દાખલા?’
‘આભાર. આજે હું કાવ્યેતર કામે આવી છું. વિરાજબેન અને એમના દીકરા શામસુન્દર સાથે મારે દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું છે. દીદીએ કહ્યું છે કે શક્ય હોય એટલું રીઝર્વેશન અહીંથી કરાવીને નીકળીએ તો સારું. મને થયું કે આમાં તમે મદદરૂપ થઈ શકો.’
વિશ્વનાથ ખીલી ઊઠ્યો.
શુભલક્ષ્મીને પણ દક્ષિણ ભારતના પ્રવાસની વાતમાં રસ પડ્યો. પળવાર માટે વિશ્વનાથ તરંગે ચઢી ગયો. દક્ષિણનાં તીર્થસ્થળોની યાત્રાનો વિચાર એણે અનેક વાર પડતો મૂકવો પડ્યો છે, કેમ કે એ કર્તવ્યને જ ધર્મ માનતો આવ્યો છે. ઘણે ગયો છે, જ્યાં વહેલા જવું જોઈતું હતું ત્યાં જ નથી ગયો. આ તક છે, સાથે નીકળવાની. સ્વપ્નયાત્રાથી પણ ચઢિયાતું સુખ!
રજાઓ તો જમા છે જ. ન હોય તોય શું? લાવણ્ય સાથેના પ્રવાસ માટે પોતે કપાત પગારે પણ રજા લઈ શકે. એણે શુભલક્ષ્મી સામે જોયું. સહપ્રવાસની શક્યતા માત્રથી એમના મુખ પર ચમક વરતાઈ. કશું જ બોલ્યા વિના એણે નિર્ણય કરી લીધો. લાવણ્ય એન્ડ પાર્ટીના રીઝર્વેશન સાથે પોતાનું પણ નાનું અને સુખી કુટુંબ જોડાઈ જશે. લાવણ્યને ક્યાંય કશી અગવડ ન પડે એની પોતે કાળજી લેશે.
પણ લાવણ્યને એમ તો નહીં લાગે ને કે હું સાથે જોડાઈને માથે પડ્યો?
અને પ્રેમલ? એ તો જાણતાંની સાથે જ મહેણાં મારવા લાગશે.
અને હું પોતે આ રીતે સાહચર્યનો લોભ નથી કરતો?
ના, સાથે તો નથી જવું. ભલે પછી એના પગલે પગલે જાઉં…
આ નિર્ણય કરવાની સાથે એના મુખ પર ભાવપલટો ઊપસી આવ્યો. એથી લાવણ્ય એમ સમજી કે રીઝર્વેશન મેળવી આપવાનું સહેલું નથી એનો વિશ્વનાથને ખ્યાલ આવ્યો હશે.
એ કાગળપેન લઈ આવ્યો. વિરાજબેન અને શામસુંદરની ઉંમર પૂછી. પછી લાવણ્ય વિશે પૂછતાં પહેલાં હસી પડ્યો: ‘તમારી ઉમ્મર વગર પૂછ્યે લખીશ તોપણ ખોટી નહીં પડે.’
શુભલક્ષ્મીને યાદ આવ્યું. લાવણ્યનો ફોટો લઈને પોતે પ્રભાકર સાથે જમુનાબેનને ત્યાં ગયેલાં. ત્યાં સુધી લાવણ્યને પ્રત્યક્ષ જોઈ નહોતી. અને પસંદગીના લગ્ન માટેનો જ એ એકપક્ષીય પ્રયત્ન હતો. આજે ખ્યાલ આવ્યો કે વિશ્વનાથ માટે લાવણ્ય માત્ર પસંદગીનો વિષય નથી, એથી વિશેષ છે… એ પ્રસંગનો ઉલ્લેખ કર્યા વિના એમણે કહ્યું:
‘ગુજરાતી કન્યા કેટલાં વરસની થાય ત્યાં સુધી કુંવારી રહે છે?’
‘યુગે યુગે એની ઉમ્મર વધતી જાય છે. શામળ ભટ્ટના સમયમાં લગ્ન માટે કન્યાની આદર્શ ઉંમર અગિયાર વરસ હતી! ગોવર્ધનરામે કુમુદ-કુસુમને ચૌદપંદર વર્ષની થવા દીધી અને પછી લગ્ન યોગ્ય માની મુનશીની તનમન, સુલોચના અને મંજરી ક્રમશ: વધુ ઉંમરે યૌવનની પૂર્ણતા પામે છે અને કથાનાયકમાં વિજાતીય આકર્ષણ જગવે છે. પછી તો ઉંમર વધતી ચાલી.
કેટલીક મહિલાવાદી લેખિકાઓના હાથે નાયિકાઓની યુવાનવસ્થા પૂર્ણિમાએ પહોંચ્યા પછી કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ ક્ષીણ થવા લાગી, મોટી ઉંમરની કુંવારિકાઓના પ્રશ્નો વિશે લખવાની સામગ્રી હાથવગી બની. કોઈક નવલકથાકારની નજરે ચઢીશ તો હું પણ એમાંની એક બની રહીશ.’ — આ કહેતી વખતે લાવણ્યના મોં પર સહેજ પણ રંજ નથી એ જોઈને વિશ્વનાથ બોલી ઊઠ્યો:
‘તમને જોઈને કોઈ પુરુષ તમારી સાચી ઉમ્મર ક્યારેય નહીં કહી શકે. સદ્ગત પ્રિયકાન્ત મણિયારે ‘સોળ વરસની છોરી’ નામનું ગીત લખ્યું ત્યારે પણ તમે સોળ વરસનાં હતાં અને આજે પણ —’
‘કવિએ એ ગીત લખ્યું પછી જ હું જન્મેલી.’
‘એ ગીતમાં રહેલા ભાવનું દષ્ટાંત પૂરું પાડવા.’
‘વિશ્વ! આ રીતે અતિથિ સાથે વાત થાય દીકરા? એમને ખોટું ન લાગે?’
‘ગાંડાં માણસ પર ખોટું ન લગાડવા જેટલાં ડાહ્યાં તો એ છે જ. અને હું કશા દુરાશયથી નથી બોલતો એ તો તું પણ —’
‘હું ભલે સમજી શકતી હોઉં પણ તારા પપ્પા કહે છે કે વિશ્વ શું બોલે છે અને શું લખે છે એ હું પૂરેપૂરું સમજી શકતો નથી. એ હજી કેમ આવ્યા નહીં? પેન્શન માટે ભળામણ કરતાં આટલી વાર થાય?’
‘એમને એમના જે જે મિત્રોના પ્રશ્નો યાદ આવ્યા હશે એ બધાની ભલામણ કરવા રોકાયા હશે. એ કંઈ ઓછા પરગજુ નથી!’
‘પરગજુ?’ — આ શબ્દ મમ્મીના મોંએ સાંભળીને વિશ્વનાથ નવાઈ પામ્યો.
‘બીજાનું કામ કરીને રાજી રહેનારા, તમારા જેવા!’ — કહેતાં લાવણ્ય ઊઠી. દસ વાગ્યા હતા.
વિશ્વનાથ કહે: સ્કુટર પર મૂકી જાઉં?
‘ના, ચાલીશ.’
‘સાથે ચાલુ એવો પ્રશ્ન કરતાં અવિવેક થશે.’
‘તો પ્રશ્ન કર્યા વિના જ ચાલો. સડક સાંકડી નથી ને દૂર જવાનું નથી.’
વિશ્વનાથે લાવણ્યના નિવાસ સુધી જવાનો અને આવવાનો સમય ગણ્યો. પછી કહ્યું:
‘મમ્મી, ચાર મિનિટમાં પહોંચાશે, ત્રણ મિનિટમાં હું પાછો આવીશ. કુલ સાત મિનિટ. પછી કૉફી પીશ. બાર વાગ્યા સુધી લખીશ.’
જવાની ચાર મિનિટમાંની પહેલી મિનિટ મૌનમાં પસાર થઈ ગઈ.
‘તમને ખાતરી છે કે અમને રીઝર્વેશન મળી જશે?’
‘કેમ ન મળે? અમને પત્રકારોને વી. આઈ. પી. કોટામાંથી વધેલી જગાઓ મળી જાય છે. જરૂરી લાગશે તો હું કોઈક વી. આઈ.પી. નો પત્ર મેળવી લઈશ. કોઈ પ્રધાનને કહું તો એ પત્ર આપવા ઉપરાંત ફોન પણ કરે. એમણે કંઈ ને કંઈ છપાવવવાનું હોય છે જ! તેથી હું કોઈ પ્રધાન સુદી હાથ નહીં લંબાવું, સચિવનો સંપર્ક કરીશ. અહીં દર ત્રણ સચિવે બે તો દક્ષિણના હોય છે. લાવણ્ય દક્ષિણાય કરે એ એમને ગમશે. હું કહીશ કે લાવણ્ય કવિતા લખે છે એ ઉપરાંત કવિતાનો વિષય પણ છે. એના પ્રવાસથી આપણી બાજુના કવિઓની પ્રેરણામાં અભિવૃદ્ધિ થશે.’
‘એ પહેલાં તમારી વાગ્મિતામાં તો અભિવૃદ્ધિ થઈ ગઈ!’ લાવણ્યના વ્યંગ સાથેના હાસ્યથી વિશ્વનાથને બેવડો આનંદ થયો. એ સાથે એક વિચિત્ર ચ્છા થઈ: પોતે અહીં આમ લાવણ્ય સાથે ઊભેલો પ્રેમલને દેખાય, સ્વસ્થતાથી ઊભેલો અને પ્રસન્નતાથી વિદાય આપતો. બસ, આથી વધુ શું જોઈએ? કોઈક મધુર સ્વપ્ન કરતાં પણ મધુરતર ક્ષણ હતી આ —
એ ક્ષણને અક્ષુણ્ણ રાખીને એ પાછો વળી ગયો.
બીજે જ દિવસે એ વી. આઈ. પી. કોટામાંથી જગા મેળવવા જરૂરી પત્ર સાથે સ્ટેશન પહોંચી ગયો. તપાસ કરી તો માત્ર ત્રણ જણને નહીં છ જણને પણ રીઝર્વેશન મળી શકે એમ હતું. શુભલક્ષ્મીએ કહ્યું પણ હતું. પણ, ના. લાવણ્યે ઔપચારિક રીતે પણ કહ્યું નથી કે ચાલો સાથે, રજાઓ લઈ લો….
એણે કહ્યું હોત તોપણ જે અંતર છે એને આ રીતે ઓળંગવાનો પ્રયત્ન બરાબર નથી.
એણે ત્રણેક દિવસનું અંતર રાખીને પોતાના કુટુંબ માટે રીઝર્વેશન કરાવ્યું. જ્યાં લાવણ્ય-શ્યામસુંદર-વિરાજબેન સોમવારે પહોંચશે ત્યાં વિશ્વનાથ-પ્રભાકર- શુભલક્ષ્મી ગુરુવારે!
પોંડીચેરીમાં એવું થયું કે પાછી વળતી ટેક્સીમાં બેઠેલી લાવણ્યને વિશ્વનાથે ઓળખી લીધી. પોતે એને દેખાયો હશે તોપણ ઓળખાયો તો નહીં જ હોય! મારા જેવા દેખાવવાળાઓની અહીં ક્યાં ખોટ છે?
(ક્રમશ:)