|

“ચાલો, જઈએ ઍન્ટાર્કટિકાની સફરે” ~ (૧) ~ અમે સૂતાં સપનાને જગાડ્યું ~ ગીતા ભટ્ટ  


(લેખક પરિચયઃ
ગીતા ભટ્ટનો જન્મ મુંબઈમાં થયો હતો. અમદાવાદમાં ઉછરેલ ગીતા ભટ્ટે બાવીસ વર્ષની વયે  (1975 )જીવનની કારકિર્દીની શરૂઆત ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કરી .લગ્ન (૧૯૭૭) બાદ જામનગરમાં વસવાટ. બંને બાળકોનાં જન્મ બાદ અમેરિકા ગમન ( ૧૯૮૧) કર્યું. પરદેશમાં કુટુંબ અને કારકિર્દીનું સમતોલન જળવાય તે વિચારે બાળઉછેરના ક્ષેત્રમાં શિક્ષણ લઈ  શિકાગોમાં   પોતાનું ચાઇલ્ડકેર સેન્ટર શરૂ કર્યું  (1989)જે ને  NAEYCE accreditation(  National Association for the Education for the Young Children) દ્વારા  ઉચ્ચ ગુણવત્તા પ્રમાણપત્ર મળ્યું હતું.

બાળસંભાળ , બાળઉછેર અને બાળશિક્ષણ ક્ષેત્રે ત્રણ દાયકા સુધી કામ કર્યા પછી હવે તેઓ કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં પરિવાર સાથે નિવૃત્ત જીવન વીતાવે છે. આ નિવૃત્તિમાં તેઓ તેમનાં પતિ સુભાષ ભટ્ટ સાથે “ઓટલો” નામની સિનિયર્સ માટેની સંસ્થાના માધ્યમથી સામાજિક અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સેવા આપતાં રહે છે. શિકાગોમાં અનેક વર્ષો સુધી એમણે નર્સિંગ હોમ અને ડોમેસ્ટિક વાયોલન્સ પ્રિવેન્સન સંસ્થામાં વોલેન્ટિયર વર્ક કર્યું છે અને શિકાગોના મેયર તરફથી એમને  સમાજસેવકનો એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. સમાજસેવા અને સાહિત્યના પ્રદાન બદલ એમને અનેક સામાજિક સંસ્થાઓ તરફથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

એમનાં નોંધનીય પ્રકાશનોમાં “ અમેરિકાથી અમદાવાદ” કાવ્ય સંગ્રહ ( ગુર્જર પ્રકાશન ) અને “દીકરી થકી ઘર આબાદ”, જેમાં હાલરડાં અને બાળગીતો એ ઉદ્દેશથી લખાયાં છે કે બાળકો ગુજરાતી ભાષાથી પરિચિત થાય અને  દીકરીઓનો આત્મવિશ્વાસ દ્રઢ થાય. તે ઉપરાંત, પિતાશ્રીની યાદમાં સ્મૃતિ ગ્રંથ “વાત્સલ્યની કેડી” અને “વ્હાલપનાં પગલાં”નું એમણે સંપાદન કર્યું છે. એક ઈમિગ્રન્ટ ભારતીય સ્ત્રીના  બે સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષ , પરિવાર, અને બાળઉછેરની શૈક્ષણિક સંસ્થાને ચલાવવા માટેની હાડમારી વિષેનું એમનું પુસ્તક, “વાત્સલ્યની વેલી” એમણે ગયા વર્ષે  પ્રસિદ્ધ કર્યું છે.  એમનાં કાવ્યો, વાર્તાઓ અને ચિંતનલેખો બ્લોગ અને મેગેઝીનમાં પ્રકાશિત થયાં છે.

ઉત્તરમાં છેક નોર્વે ને દક્ષિણમાં છેક એન્ટાર્કટિકા સાથે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એમ લગભગ ૩૫ દેશમાં ભ્રમણ કરેલ ગીતા ભટ્ટની કલમે રસપ્રદ ઇતિહાસ અને ભૌગોલિક સમજણ સાથે લખાયેલ આ એક સફરની વાત  ૧૩ હપ્તતામાં  પ્રગટ કરીશું.)

૧.  અમે સૂતાં સપનાને જગાડ્યું..!

મિત્રો, દક્ષિણધ્રુવને આંબવાનું આકર્ષણ આજના યુગમાં તો  લોહચુમ્બકનાં આકર્ષણથીયે અધિક છે!

તાજેતરમાં જ અમે પણ છેક દક્ષિણધ્રુવને આંબતી, પૃથ્વીના સાતમા ખંડ એન્ટાર્કટિકાના આર્કટિક વિસ્તારની ટુર કરી હતી. લગભગ અઢી દાયકા પહેલાં દક્ષિણ ધ્રુવ તરફ જવાની અમને તીવ્ર ઈચ્છા થઈ હતી. ઘણાં લોકોનું એ જિંદગીભરનું સપનું હોય છે. અમારું પણ એ એક સ્વપ્ન હતું.  તો, એવો પ્રશ્ન પણ થાય કે દુનિયામાં કેટકેટલું જોવાનું છે તો એન્ટાર્કટિકા જ શા માટે?


તો ચાલો, એની પૃષ્ઠભૂમિની પણ વાત કરી લઉં. ૧૯૯૯ના અરસાની આ વાત છે. એક વખત ટીવી પર અમે સાંજના સમાચારમાં  સાંભળ્યું કે અમેરિકાથી દક્ષિણ ધ્રુવ પર ગયેલાં ટુરિસ્ટોમાંથી કોઈ અચાનક માંદુ પડી ગયું હતું. અમેરિકા ધારે તો પણ એ વ્યક્તિને  બચવા માટે કોઈ મદદ કરી શકે એમ નહોતું! બસ, પછી તો એ વ્યક્તિની વાત અને પરિસ્થિતિને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓની રોમાંચક વાતો રોજ સમાચારમાં આવવા માંડી.

એ વ્યક્તિ હતી ડૉ. નેલ્સન નામની એક ડોક્ટર, જે એક વર્ષ માટે દક્ષિણ ધ્રુવ ઉપર સાયન્ટીસ્ટની ટીમ સાથે તબીબી ફરજ બજાવવા ગયેલી. પણ થોડાક જ સમય પછી એને  પોતાના શરીરમાં કેન્સરની ગાંઠ થઈ હોય તેમ લાગ્યું. હવે શું કરવું? ત્યાં, દક્ષિણ ધ્રુવમાં તો વિન્ટરનું સંપૂર્ણ સામ્રાજ્ય હતું. સાત મહિના સુધી હજુ બાકી રહેલા દક્ષિણ ધ્રુવના  શિયાળા વિશે સાંભળતાં જ હાડ બેસી જાય!  માઈનસ ૫૫ ડિગ્રી ફેરનહીટ સુધીના બેઝ ટેમ્પરેચરમાં કોઈ પણ વિમાન ત્યાં ઊતરી શકે એમ નહોતું.

ટીવી પર, સમાચાર સંવાદ-દાતા રોજ  વિગતવાર બધું દર્શાવતાં હતાં. આ બધું જોઈને અમે અમારાં સંતાનો સાથે પણ એ વિષયક અનેક ચર્ચાઓ કરતાં. બાળકો સ્કૂલમાં ભણતાં હતાં અને તેઓ પણ ઉત્સાહથી ચર્ચામાં ભાગ લેતાં  “સાઉથપોલ પર જાન્યુઆરીમાં ઉનાળો ગણાય ને જયારે આપણે ત્યાં ઉનાળો આવે ત્યારે ત્યાં વિન્ટર બેસી જાય. ત્યાં ઘેરું કાળું ડિબાંગ અંધારું ત્યાં છેક નવેમ્બર સુધી રહેવાનું. તો હવે એ જેરી નેલ્સનનું શું થશે?”   ટીવીમાં આ વાતો સાંભળતાં અને એની ચર્ચા કરતાં કરતાં, એ તબીબ લિવિંગ રૂમમાં અમારા કુટુંબની અદૃશ્ય સભ્ય બની ગઈ હતી.

(જેની વાત ટીવી પર સાંભળતાં અમે સ્વપ્ન રોપ્યું હતું, તેના વિશેનું પુસ્તક; “આઇસ બાઉન્ડ”)

જેરી નેલ્સને ત્યારે,  માત્ર રસોડાના રોજિંદા વપરાશનાં સાધનો વડે પોતાની  જાતે જ પોતાની બાયોપ્સી કરેલી! કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની જેમ અમે એ સમાચાર જોતાં હતાં. એનાં પછી તો વધારે રોમાંચક વાતો સાંભળવામાં આવી કે ભીષણ ઠંડીને લીધે સાત મહિના સુધી ત્યાં કોઈ પ્લેન ઊતરી શકે એવું નહોતું, આથી પછી પૅરૅશૂટ દ્વારા એને કીમો માટે આવશ્યક દવાઓ મોકલવામાં આવતી હતી. અને એમ એણે કીમોથેરાપી લઈને, જીવનદોર ટકાવી રાખી હતી. આ બધું જ અમે અમારાં બાળકો સાથે રસથી ટીવી પર જોતાં હતાં. બાળકો તો ત્યારે પોતાની કલ્પનાશક્તિથી ઠેઠ દક્ષિણ ધ્રુવમાં પહોંચી જતાં. શિકાગોની ઠંડીથી તો અમે પરિચિત હતાં જ, પણ દક્ષિણ ધ્રુવની કાતિલ ઠંડી તો કલ્પનાતીત હતી. ત્યાર પછી તો ક્યારે દક્ષિણ ધ્રુવની મુલાકાત લેવાનું એક સ્વપ્નું અજાણ્યે જ એક અદીઠ આકાર લઈને, સુષુપ્ત રીતે મનમાં વસી ગયું, એની ખબર જ નહોતી પડી.

અનાયાસે જ, ૨૦૨૪ના વર્ષની શરૂઆતમાં જ સેલિબ્રિટી ક્રુઝ લાઈનની વેબસાઈટ પરથી એક ઈ-મેઈલ આવી: “એન્ટાર્કટિકાની આ વર્ષની આ છેલ્લી ક્રુઝ છે;  માર્ચ મહિનાથી એ બાજુની દરિયાઈ સફર બંધ થઈ જાય છે. તમને રસ હોય તો આ ઓફરનો તરત જ સ્વીકાર કરો.” અમે અગાઉ પણ સેલિબ્રિટીમાં ક્રુઝ કરી હતી. આથી અમુક બોનસ પોઈન્ટ્સ સાથે અમને ફાયદામંદ ઓફર આપવામાં આવી હતી. ઓફર પણ એવી હતી કે અમે નકારી શકીએ જ નહીં.

(અમારી એક હજાર બસ્સો ફૂટ લાંબી, પંદર માળ ઊંચી સેલિબ્રિટી ઇકલીપ્સ ક્રુઝ શિપ, જે અમને છેક એન્ટાર્કટિકા લઈ ગઈ હતી. )

અમને થયું, જો આ તક જવા દઈશું, તો પછી છેક નવેમ્બરમાં જયારે ત્યાં ઉનાળો આવે ત્યારે એ બાજુનો દરિયાઈ માર્ગ ખુલે ત્યારે જ જઈ શકાશે. પણ કાલ કોણે દીઠી છે? જો હમણાં ન જઈએ અને નવેમ્બર માટે મુલતવીયે રાખીએ અને ત્યારે પણ જો આપણી અનુકૂળતા ના હોય તો? આ વિચાર પછી તો મનમાં ઘૂંટાવા માંડ્યો અને અમે આ સફર પર જવાનું નક્કી કરી લીધું. શમણાંને હકીકતમાં બદલાવાની શક્યતાઓ અચાનક જ ઊભી થઈ ગઈ હતી. આથી ખોળામાં આવી પડેલી આ સોનેરી તક ગુમાવવા અમે તૈયાર નહોતાં.

અને બસ, અમે સૂતાં સપનાને જગાડ્યું અને અવસર થઈ વધાવ્યું કે એક સમયે ટીવીમાં રોજરોજ ન્યુઝમાં દેખાડવામાં આવેલા દક્ષિણ ધ્રુવને જોઈ આવવા અમે આંધળું જ ઝંપલાવ્યું, એ આજ સુધી નક્કી નથી કરી શક્યાં!

અમારી મુસાફરી લોસ એન્જલસથી શરૂ થઈ હતી. અમારે નોર્થ અમેરિકા ખંડના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયાથી દક્ષિણ અમેરિકા ખંડમાં આર્જેન્ટિના દેશના મુખ્ય શહેર બોયનાસ એરિઝ સુધી  પ્લેનમાં પહોંચવાનું હતું.  અમારી ક્રુઝ ત્યાંથી શરુ થઈને, ત્રીજા ખંડ એન્ટાર્કટિકાથી છેક આર્કટિક સર્કલ સુધી પહોંચવાની હતી.


પૃથ્વી ઉપરના સાત ખંડમાંથી આ એક એન્ટાર્કટિકા ખંડ એક જ એવો છે, જ્યાં કોઈ કાયમી વસ્તી કે હસ્તી નથી. ત્યાં કોઈ પણ રાષ્ટ્રની માલિકી નથી. ત્યાં જમીન છે, અને છતાંય નથી! ત્યાં પૃથ્વીનું એક આખું અક્ષાંશનું પૂરું ચક્કર હોવા છતાં, ત્યાં એક જ ટાઈમઝોન છે. આમ તો પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્કર લગાવવા ૨૪ કલાક જોઈએ; પણ અહીં તો પૃથ્વીની જ ધરી છે! ત્યાં શું ચક્કર, શું ફરવું અને શું ઊભા રહેવું! અહીં તો ઉત્તર દક્ષિણનુંયે કન્ફ્યુઝન !

અરે, ત્યાં શું છે અને શું નથી, એ જ તો શોધવા આ બધાં રાષ્ટ્રો પોતાની વિજ્ઞાનીઓની ટીમને મોકલતાં રહે છે. પૃથ્વીનો મિલિયન્સ નહીં, પણ બિલિયન્સ વર્ષનો ઇતિહાસ ત્યાં સંતાયેલો કે દફનાયેલો છે, એ જાણવા, શોધવા અને સમજવા વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે. અમે અમારાં આ ૧૫ દિવસના પ્રવાસ દરમ્યાન આ બધું જાણવા અને સમજવાનો જાગૃત પ્રયત્ન કરતાં રહ્યાં હતાં અને અમને ઘણુંય જાણવા મળ્યું. રોજેરોજની ડોક્યુમેન્ટરી ફિલ્મ અને સંશોધકોની ટીમ, અમને આ બધું સવિસ્તાર સમજાવતી હતી.

અરે હા ,એક વાત તો કહેવાની જ રહી ગઈ!  આ કાંઈ અમારો રેલ્વે કે પ્લેનનો પ્રવાસ નહોતો અને અહીં અમારે બેગ બિસ્તરા લઈને ફરવાનું નહોતું. અહીં તો અમે એક મોટું ગામ સાથે લઈને, પોતાના ઘર જેવી સગવડો સાથે લઈને એય… તે.. નિરાંતે મ્હાલવાંમાં મસ્ત હતાં. જેને સદેહે સ્વર્ગ કહે છે ને એવી ક્રુઝની મુસાફરી અમે મ્હાલતાં હતાં.

તો મિત્રો , અમે તો ઍન્ટાર્કટિકાની ક્રુઝ શિપ કેવી વિશાળ હતી એની ભવ્યતાની વાત આવતા અંકે ..!

(ક્રમશઃ)

(ગીતા અને સુભાષ ભટ્ટ એક પ્લેન રાઈડવેળાએ)

 

 

 

 

( જ્યાં પહોંચવા મન થનગનતું હતું તે  પેરેડાઇઝ આઇલેન્ડ આર્કટિક સર્કલ સ્વર્ગીય નજારો )

Leave a Reply to Geeta BhattCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. એન્ટાર્કટિકા ખંડના પ્રવાસ માટે સહુ પ્રથમ તો સાહસવૃત્તિ જોઈએ અને પછી આર્થિક તાકાત. ગીતાબેન અને સુભાષભાઈની એ સાહસવૃત્તિને જ પ્રથમ સલામ.આગળના હપ્તાની પ્રતીક્ષા.

    1. Thanks Harishbhai. સાહસની વાત કરો છો તો અમે જરા મોટું સાહસ ખેડેલું એની વાત તો આગળ આવશે જ , પણ જિંદગીની સફર પણ એક પછી એક સાહસની હારમાળા જ છે ને ? ચાલો , એ વાતોનો પણ ક્યાંક ઉલ્લેખ આવશે જ . આપના અભિપ્રાય આપીને ઉત્સાહ વધારશો જી.