“અજીબ દાસ્તાં હૈ યે…!” (સત્ય ઘટના પર અધારિત વાર્તા) – જયશ્રી વિનુ મરચંટ.
અમે ભારતથી ઈમીગ્રેટ થયાં ત્યારે સૌ પ્રથમ ફિલાડેલ્ફિયા આવ્યાં હતાં. ૨૨ – ૨૩ વર્ષોનાં લાંબા વસવાટ પછી સંજોગોને કારણે અમે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા રહેવા આવી ગયાં હતાં. તોયે, ફિલાડેલ્ફિયા અમારા સૌ માટે કાયમ આજ સુધી ‘હોમ અવે ફ્રોમ હોમ’ રહ્યું છે.
વર્ષો સુધી વચ્ચે ફિલાડેલ્ફિયા જવાનું બન્યું નહોતું. એપ્રિલ ૨૦૧૦ની સાલમાં, મારે એક કોન્ફરન્સ માટે, ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રનસ હોસ્પિટલમાં આવવાનું થયું હતું. લંચબ્રેકમાં હું હોસ્પિટલની બહાર નીકળીને, સિવિક સેન્ટર ડ્રાઈવના પ્રવેશદ્વાર પાસેની બેન્ચ પર બેઠી બેઠી ફિલાના ૨૩ વરસોના વસવાટની સોંઘી સુગંધ, મારા શ્વાસોમાં હું ફરી અનુભવી રહી હતી. અડધા કલાકમાં જ કોન્ફરન્સ રુમમાં પાછા જવાનું હતું. હું આજુબાજુના દ્રશ્યોને હ્રદયમાં ઉતારતાં આ શહેરમાં ગુજારેલાં દિવસો પાછાં જીવી જવાની કોશિશ કરતી હતી. મને થયું, કદાચ આ જ તો હોમસીકનેસ નથીને? ફિલાડેલ્ફિયા પણઆટલાં વર્ષોમાં કેટલું બધું બદલાઈ ગયું હતું! હજુ હું આવા વિચારો કરતી હતી, ત્યાં જ મારા સેલફોનની રીંગ વાગી.
વર્ષો પછી આજે ત્રીસેક જૂના મિત્રો સાથે સાંજના ડિનર માટે મળવાનું નક્કી તો હતું, પણ ક્યાં મળવાનું છે એ જણાવવા મારા જૂના મિત્રનો ફોન હતો. ડિનર માટે, ફિલાના નવો અવતાર પામેલા વોટરફ્રન્ટ પર, નવી ઈન્ડિયન રેસ્ટોરાન્ટ “વતન” માં સાત વાગે મળવાનું નક્કી કર્યું.
મેં એમને કહ્યું, “અરે, ફિલાનો સેન્ટર સીટીનો એરિયા પણ કેટલો બધો બદલાઈ ગયો છે! અને નવો વોટરફ્રન્ટ પણ બની ગયોને કંઈ?”મારા મિત્રએ મોકો જોઈને થોડીક મજાક કરી લીધી, “દેખ યાર, હમારા ફિલા ડેવેલોપ હોનેમેં એક હી મુસીબત થી, જો હમને કેલિફોર્નિયા પર ડાલ દી! દેખ, અબ યહાં ક્યા-ક્યા હો રહા હૈ!”
મેં પણ હસીને કહ્યું, “ચલિયે, આજ આપ સબ હમવતનો કે સાથ, આપકા યહ નયા “વતન” ભી દેખ લેતે હૈં!” અને હસીને ફોન મૂકી દીધો. જૂના મિત્રોને મળવાના કેફની વાત જ કંઈ ઓર હતી!
ત્યાં તો કોઈકે મારા ખભા પર “ટેપ” કરી કહ્યું, “એક્સક્યુઝ મી!” મેં ફરીને જોયું, ને હું એકદમ ચમકી ગઈ! “અરે ગૌતમી? તું?” સફાળી ઊભી થઈને, મેં એને એક ટાઈટ હગ આપી. એના ખભા પર મારા બેઉ હાથ મૂકી, મેં કહ્યું, “ગૌતમી, યાર, આઈ એમ સો હેપ્પી ટુ સી યુ, રીયલી!”
ગૌતમી હસી, “હું પણ ખૂબ ખુશ થઈ, જયુબેન. પણ તમે અહીં ક્યાંથી?”
“હું અહીં એક કોન્ફરન્સમાં આવી છું. મારે હમણાં તો જવું પડશે પણ મારે તને મળવું છે. તારો નંબર આપ. કોન્ફરન્સ પૂરી થતાં જ તને ફોન કરું છું.”
ગૌતમીએ નંબર આપીને કહ્યું, “હું છેલ્લા થોડા વરસોથી ફિલામાં રહું છું. જયુબેન મને જરુરથી ફોન કરજો”.
એના હાથ પર, મમતાથી મારો હાથ મૂકી, મેં કહ્યું, “કરીશ.” અને આગળ કહ્યું, “મને સાચે, મોહનના અકાળ અવસાનનું ખૂબ દુઃખ છે. આઈ વોન્ટ યુ ટુ નો ધેટ આઈ એમ વીથ યુ!”
ગૌતમી ગળગળે અવાજે બોલી, “તમારું આટલું કહેવું જ મારા માટે ઘણું છે! મારી દીકરીને અહીં એડમીટ કરી છે, આથી હું સાત વાગ્યા સુધી અહીં છું.”
હું ચમકી. “ઈઝ શી ઓકે? આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ.”
ગૌતમી મારો હાથ એનાં હાથમાં લઈને બોલી, “વધુ આપણએ મળીએ ત્યારે વાત કરીશું. હું તમારી રાહ જોઈશ.”
હું ભારે પગલે, મારી કોન્ફરન્સ માટે ઓડીટેરિયમ તરફ જવા નીકળી.
મારું પેપર રજુ કરવાનું કામ સાડા ચાર વાગે પતી ગયું. હજુ કોન્ફરન્સમાં સહુ એકબીજાને મળી રહ્યા હતાં. વિવિધ શહેરોમાંથી આવેલા મારા જૂના પ્રોફેશનલ મિત્રો સાથે “નેટ વર્કીંગ” કરવાનું મન હોવા છતાં, મારું હમણાં ગૌતમીને મળવું જરુરી હતું. મારી પાસે આજના આ બે-અઢી કલાક જ હતાં કારણ મારી ફ્લાઈટ આવતી કાલે સવારે ૯ વાગ્યાની હતી. હું મારું લેપટોપ અને પેપર્સ બેગમાં નાખી, સહુને “બાય” કહીને નીકળી ગઈ.
બહાર જઈને મેં ગૌતમીને ફોન કર્યો. એણે એની દીકરીનો રૂમ નંબર આપ્યો. હું રૂમમાં દાખલ થઈને, જોયું કે દીકરી વેન્ટિલેટર પર છે. મારું હ્રદય એક ક્ષણ માટે ધડકન ચૂકી ગયું. ગૌતમી મને ભેટીને ડૂસકાં ભરીને રડતી રહી. હું બસ, એને માથે હાથ ફેરવતી રહી! પતિના જવાનું દુખ અને પછી દીકરીની આવી કન્ડીશન…! આશ્વાસન આપો તોયે કેવી રીતે, અને ક્યા શબ્દોમાં?
કેટકેટલું મને યાદ આવી રહ્યું હતું! મોહન અને હું મિશીગનમાં સાથે જ ફાર્મસીનો અભ્યાસ કરતાં હતાં. ગૌતમીની મોટીબેન, સરલા અને હું એક જ કોલેજમાં મુંબઈમાં ભણ્યા હતાં. સરલા મારા કરતાં બે વરસ સિનીયર હતી. એ બધું ઓચિંતું જ મારા મનમાં તરતું હતું.
ગૌતમી શાંત થઈ. પછી મેં પૂછ્યું, “શું થયું છે દીકરીને?” એના અવાજમાં ડૂમો છલકાયો, “સલોનીને બ્રેઈન ટ્યુમર છે.”
એની આંખો છલકાતી હતી. મને સાચે જ સમજાતું નહોતું કે શું કહું, કઈંક તો રેન્ડમ વાતો મેં ચાલુ રાખી. “ગૌતમી, મોહન અને તું લગ્ન કરીને ન્યૂ યોર્ક આવ્યાં ત્યારે, મોહને નાનકડું રિસેપ્શન રાખ્યું હતું. અમે એ પાર્ટીમાં આવ્યાં હતા, ૧૯૮૨માં. લગભગ બાર-તેર વરસ પછી, તું તારા દિકરા અનય વખતે પ્રેગનન્ટ હતી ત્યારે મોહને ટેમ્પામાં પોતાની ફાર્મસી લીધી ને તમે ફ્લોરીડા મુવ થઈ ગયાં હતાં. છેલ્લે, આપણી વાત ત્યારે થઈ હતી. પછી તો, કોઈ કોન્ટેક્ટ જ ન રહ્યો.”
ગૌતમી ચૂપચાપ સાંભળતી રહી હતી.
મેં આગળ કહ્યું, “મારી દીકરીના લગ્નમાં આમંત્રણ આપવા ફોન કર્યો તારા ઘરે તો એ નંબર ડીસકનેક્ટેડ હતો. મારી પાસે મોહનની ફાર્મસીનો નંબર હતો. મેં મોહનને ફોન કર્યો તો એણે કહ્યું, “જયુ, હું ફાર્મસી વેચીને અહીંથી મિસીસીપી મુવ થવાનો છું. બહુ ધમાલમાં છું. તને પાછો ફોન કરું છું.” ને બસ, પછી, કોઈ કોન્ટેક્ટ નહોતો થયો.”
ગૌતમીના મોઢા પર એક અકળ શૂન્યતા હતી.
મેં જ બોલવાનું ચાલુ રાખ્યું. “ગયા વરસે, મોહનના આકસ્મિક મૃત્યુના સમાચાર, મિશીગનમાં મોહનનો રૂમમેટ હતો, એ જિતેન મુખી પાસેથી મળ્યા હતાં. જિતેને ઈન્ટરનેટ પર આ સમાચાર વાંચ્યાં હતાં કે મોહન તનેજા ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યો ને એની દીકરી અક્સ્માતમાં બચી ગઈ હતી.”
આ બધું સાંભળી રહેલી ગૌતમી કોઈ તો અવઢવમાં હતી અને ક્યાંક દૂર ખોવાયેલી હતી.
હું ઊભી થઈ અને બારી પાસે ગઈ. પડદો ખસેડ્યો. છઠ્ઠા માળ પરના પેશન્ટના રૂમમાંથી, યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયાના શહેરી કેમ્પસની ઝલક મળી જતી હતી.
મેં ગૌતમીને કહ્યું, “ગૌતમી, અમે મિશીગનના મિત્રો જ્યારે પણ ફોન પર વાતો કરતાં ત્યારે અચૂક એકમેકને પૂછતાં કે, તનેજા ક્યાં ગુમ થઈ ગયો છે! અમે જ્યારે મિશીગનમાં ભણતાં હતાં, ત્યારે, દેશી સ્ટુડન્ટો મોહનના ગાંભીર્ય અને પરિપક્વતાને કારણે, પારિવારિક, સામાજિક કે એકેડમિયાને લગતા પ્રશ્નો લઈ એની પાસે જતાં. હું મોહનને હંમેશાં કહેતી, “મોહન, મને તારો ભય લાગે છે. તારી હાજરીમાં ડાહ્યા-ડમરા રહેવું પડે છે! તું તો જાણે છે કે ડાહ્યા રહેવું એ આપણી લાઈન નથી!”
મોહન મને હસીને કહેતો, “તું ઈશ્વરનું બનાવેલું ડિફેક્ટીવ પીસ છે. ભગવાનથીયે ક્યારેક તો ભૂલ થઈ જાયને! પણ તું જેવી છે એવી જ, ગુફી હંમેશાં રહેજે.” મોહન પહેલેથી જ બધી વાતમાં ખૂબ જ વિચાર કરીને નિર્ણયો લેતો. આથી જ તો પરણવામાં પણ આટલું મોડું કર્યું અને એને તારા જેવી સરસ છોકરી મળી!” ગૌતમી હજી ચૂપ હતી. મને થયું કે હું ઘણું બધું બોલી ગઈ.
હવે ગૌતમીના આંખોથી શ્રાવણ-ભાદરવો વહેતાં હતાં. મેં અચકાતાં પૂછ્યું, ‘ગૌતમી, આઈ એમ હીયર ઓન્લી ફોર યુ. સે વોટએવર યુ વોન્ટ ટુ સે. તારું મન હલકું કરી દે. આટલી નાની વયમાં પતિને ખોવો અને દીકરીની આ બીમારી…! હું સમજી શકું છું કે તારા પર શું વીત્યું હશે!”
ગૌતમીની ભીની આંખોની ઉદાસી, શુષ્ક પથ્થરનેયે પીગાળી દે એટલી પ્રબળ હતી!
ગૌતમી સલોનીના બેડ પર બેઠી અને બોલી, “જયુબેન, મોહન તમને બહુ ફોન્ડલી યાદ કરતાં!”
હું ગૌતમીની પાસે ગઈ અને એનો હાથ મારા હાથમાં સહેલાવતાં એને પૂછ્યું, “અનય ક્યાં છે? અને તારી મોટી બહેન, મારી કોલેજમેટ સરલા?”
ગૌતમી હવે સ્વસ્થ થઈ અને કહે, “મારો દીકરો અનય, અત્યંત તેજસ્વી છે અને પંદર વરસની વયે, એણે હાઈસ્કૂલ પાસ કરી, ને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સીટીની ફુલ સ્કોલરશીપ મળતાં ત્યાં, ભણી રહ્યો છે.”
હું આગળ કઈં બોલું તે પહેલાં, એ બોલી, “મેં અને મોહને ૧૯૯૮માં ઓફિશીયલી ડિવોર્સ લીધાં હતાં. ૧૯૮૮માં પપ્પાના ગુજરી જવા પછી, મમ્મીની તબિયત નરમગરમ રહેતી હતી આથી મોટીબેન મને ડીલીવરીમાં મદદ કરવા આવી હતી. મોટીબેને લગ્ન નહોતાં કર્યાં કારણ પોતાને મનગમતો મુરતિયો મળતો નહોતો. મમ્મી-પપ્પા સમજાવીને થાકી ગયાં હતાં પણ નો યુઝ.”
પછી એ સહેજ શ્વાસ લેવા થોભીને એ બોલી, “મોટીબેન આવી એ અરસ્સામાં મોહનને ફાર્મસી પર સ્ટાફની તંગી હોવાથી મોટીબેન ત્યાં પણ મદદ કરાવવા જતી. આમાં ને આમાં, મોટીબેન અને મોહનને પ્રેમ થઈ ગયો.”
હવે ચોંકવાનો વારો મારો હતો, “તું શું બોલે છે? સરલા અને મોહન…? પણ… ઓ ગોડ…!”
ગૌતમી આગળ કહે, “મોહનને એના ઘરમાં તો કહેવાવાળું કોઈ મોટું તો હતું નહીં. નાની બેઉ બહેનોનું ભણતરથી માંડી લગ્ન સુધીનું બધું મોહને કર્યું હતું. મોટીબેન અને મોહને મને જ્યારે એમના સંબંધની વાત કરી ત્યારે હું તો ફસડાઈ જ પડી હતી. માનવામાં નહોતું આવતું કે મારાથી અગિયાર વરસ મોટી, ને મારા પતિથી ચાર વરસ મોટી, મારી મા સમાન બેન, મારા પતિને પ્રેમ કરે છે…! મને લાગ્યું કે હું બધિર છું, અંધ છું અથવા મોટી બેવકૂફ છું! આટલું બધું થતું રહ્યું અને મને ભનક પણ ન આવી..!”
આ બાજુ મને લાગ્યું કે હું કોઈ ફિલ્મની કહાની સાંભળી રહી છું.
ગૌતમીએ વાત આગળ ચલાવી, “તે દિવસે, મોટીબેને કહ્યું હતું, “જો અમી….પણ – તમને તો ખબર છે કે અમીના નામે મને મા, મોટીબેન અને મોહન જ બોલાવતાં – તો, મોટીબેન મને કહે, ‘અમી, મારો ઈરાદો તારું ઘર તોડવાનો હરગીઝ ન હતો. હુંયે શું કરું, મોહન સાથે ઘર અને દુકાન – બેઉ જગા પર આટલો સમય સાથે ગાળતાં ક્યારે પ્રેમ થઈ ગયો એની સમજ જ ન પડી! બહારથી આ વાત તને ખબર પડે, ખાસ તો તારા ગાયનેકોલોજીસ્ટ પાસેથી તને ખબર પડે, એ પહેલાં હું અને મોહન જ કહી દઈએ કે હું પ્રેગનન્ટ છું, અમી.”
“ઓ માય ગોડ..! આર યુ કિડિંગ મી? આ તું શું કહી રહી છે!” મને તો શોક પર શોક લાગી રહ્યાં હતાં! બિચારી ગૌતમી…! એના પર તો શું યે વીત્યું હશે!
“શું કહું તમને? ત્યારે મોટીબેન પણ રડતી હતી પણ મને એ આંસુમાં સચ્ચાઈ ન લાગી! હું સાવ ભાંગી પડી હતી, મેં ગુસ્સાથી કાંપતાં કહ્યું, “તો, જો તમે પ્રેગ્નન્ટ ના થયા હોત તો જેમ ચાલતું હતું તેમ તમે ચલાવ્યા કરત, ખરુંને?” તો એણે બેશરમીથી શું કહ્યું, ખબર છે? જયુબેન એની તમે કલ્પના પણ નહીં કરી શકો અને મારાથી તો એ શબ્દો કહેવાશે પણ નહીં!”
મેં પ્રશ્નાર્થ નજરે ચૂપચાપ જોયા કર્યું,
“જયુબેન, પછી મેં જ્યારે એને પૂછ્યું કે ઈન્ડિયામાં મમ્મીને કહ્યું છે કે અહીં શું કર્યું છે તમે બેઉએ? તો મોટીબેને રડવાનું બંધ કરીને બેશરમીની બધી હદો પાર કરીને કહ્યું, “મમ્મી ઈન્ડિયા બેસીને શું કહેશે? મને, ૪૫ વરસથીયે મોટી ઉમરે, મા બનવાનો લ્હાવો મળે છે તે માટે તું મારા માટે ખુશ કેમ નથી? હું ક્યાં કહું છું કે મોહન તને છોડીને ફક્ત મારો બનીને રહે? આપણે બેઉ અહીં સાથે રહી શકીએ છીએ!” આ સાંભળતાં જ, અનયને ડાબા હાથમાં લઈને, મારા આ જમણા હાથે, મેં એક લાફો મોટીબેનને મારી દીધો! મોટીબેન ધ્રૂજતાં બોલી, “અમી..તું….” મેં ત્યારે જ એમને કહ્યું, “મને “અમી” નામ તેં આપ્યું હતું ને? આજ પછી આ નામે મને સપનામાં પણ ન યાદ કરતી, નહીં તો આ હાથ પાછો ઊપડી જશે..!”
આટલું બોલીને ગૌતમી ડૂસકાં ભરતી હતી.
મને તો સમજ જ નહોતી પડતી કે હું શું કહું પણ તે છતાં મારા મોંમાંથી નીકળી ગયું, “મોહન ત્યાં હતો? એણે કંઈ કહ્યું નહીં?”
“મોહન મને રોકવા આવ્યા અને કહે, “જો અમી, આ કેવી રીતે થયું, આ કોનો વાંક છે, એ બધાનું એનાલીસીસ કરવાનો અર્થ શું છે? હું, અનય અને તારા તરફની જવાબદારી પૂરી રીતે નિભાવીશ……!” હું સાવ જ પથ્થર બની ગઈ હતી.” ગૌતમીનાં ડુસકાં હજુ ચાલુ હતાં.
હું કશું જ બોલી નહીં અને એની પીઠ પર હાથ ફેરવતી રહી.
ગૌતમી આગળ કહે; “ આ સાંભળીને, મેં એ બેઉને કહ્યું, “વધુ આગળ કઈં પણ કહેવા સાંભળવા માટે હવે કઈં જ બાકી રહ્યું નથી. મને ડિવોર્સ જોઈએ છે. જ્યારે પણ ડિવોર્સ પેપર્સ તૈયાર થઈ જાય ત્યારે કહેશો ત્યાં સહી કરી આપીશ. અને હા, કાલ ને કાલ અહીંથી તમે બેઉ જતાં રહેજો અને મોટીબેન, તું તો કદી મારી સામે આવતી જ નહીં, તારી પોતાની સેફ્ટી ઈચ્છતી હો તો!” અને અનયને લઈને મારા રૂમમાં જતી રહી. એમની સાથેની એ મારી છેલ્લી વાતચીત હતી.”
ગૌતમીનો હ્રદયબંધ તૂટી ગયો હતો. એનાં આંસુ વહેતાં રહ્યાં
“તો, મોહનનો એક્સીડન્ટ થયો ત્યારે એ તારી સાથે નહોતો? સરલા ક્યાં છે? શું એ પણ એક્સીડન્ટમાં….”
“ના. મોટી ઉમરે, મોટીબેન મા તો બની પણ, પ્રેગનન્સીના ગાળામાંની ઉદાસી અને બેબીના જન્મ પછી, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો તે શિકાર થઈ ગઈ હતી. જે બહારથી સાંભળ્યું છે, તે પ્રમાણે, મારી સાથે જે એણે કર્યું એ ગુનાની અનુભૂતિ એને અંદરથી ખાઈ રહી હતી. દવાઓ લઈને એની રોજની જિંદગી તો ચાલી રહી હતી પણ ડિપ્રેશનમાંથી સંપૂર્ણપણે મોટીબેન બહાર ક્યારેય નહોતી નીકળી શકી. માના મૃત્યુ સમયે, ઘરની વ્યવસ્થા કરવા એ એકલી જ મુંબઈ ગઈ હતી ત્યારે ત્યાં, ડિપ્રેશનમાં ઊંઘની ગોળીઓ લઈ આપઘાત કર્યો!”
“ઓ ભગવાન! તો એની દીકરી? એની સાથે ઈન્ડિયા ગઈ હતી? ક્યાં છે એની દીકરી? શું એ પણ…?”
ગૌતમી હવે ઊભી થઈ અને પેશન્ટના બેડ પર બેઠી. પછી કોમામાં રહેલી દીકરીનો હાથ હાથમાં લઈને કહે, “સલોની મોટીબેન અને મોહનની દીકરી છે!”
હવે હું ચોંકી જ ગઈ. “વોટ….!”
ગૌતમીએ આગળ વાત કરી. “મોટીબેન સલોનીને મોહન પાસે મૂકીને ઈન્ડિયા ગઈ હતી. મોટીબેનના ગયા પછી, મોહને કોશિશ કરી કે અમે પાછાં એક થઈએ પણ કોણ જાણે કેમ, મારું મન બધાં જ સંબંધોમાંથી ભરોસો ગુમાવી બેઠું હતું, જયુબેન, મોહન સારા માણસ હતાં પણ સમયે અમારી સાથે ધોખો કર્યો! મોહનના ગયા પછી, અનયની રજા લઈ, હું સલોનીને લઈ આવી. એ છોકરી બિચારીએ, આ બધી જ પરિસ્થિતિમાં સહુથી વધુ સહ્યું છે!”
બે-એક ઘડી શ્વાસ લેવા ગૌતમી ઊભી રહી. પછી કહે, “મોટીબેન, અમેરિકા આવી ત્યારે મને ઉત્સાહ હતો કે સમજાવીને મોટીબેનને અહીં રાખી લઈશું અને મમ્મીને અહીં બોલાવી લઈશું. મોહનની બહેનો પણ અહીં છે. આમ ફેમિલી ભેગું રહેશે તો અનયને કેટલો બધો પ્રેમ અને સલામતી – લવ એન્ડ સેક્યુરિટી – કુટુંબમાંથી જ મળશે! સહુ એકમેકની આજુબાજુમાં રહીશું, ને, પરદેશમાં એકમેકને માટે સ્પોર્ટ સીસ્ટમ બની, સાથે પ્રગતિ કરીશું…! મને સમજણ નથી પડતી, ક્યાં, શું, કોની ચૂક થઈ ગઈ?”
ગૌતમીના હ્રદયનો બંધ હવે તૂટી ગયો હતો. એ ઊભી થઈ અને બારી બહાર જોઈને કહે, “ક્યારેક મને વિચાર આવે છે કે શું કર્યું હોત તો પરિણામો જુદા આવી શક્યાં હોત? તમે જ્યારે મને કહ્યું બપોરે, કે, હું તારી સાથે છું અને બસ, એ શબ્દોએ મારા મનના બંધ દરવાજા ખોલી નાંખ્યાં! આ ઊભરો આજે મારા મનમાંથી નિર્બંધ થઈ વહી ગયો…!”
ગૌતમીના ડૂસકાં શમતાં નહોતાં. મારી આંખો પણ વહી રહી હતી. રૂમમાં નરી સ્તબ્ધતા હતી. આ નિઃશબ્દતામાં અનેક શબ્દો પોતાના અર્થના હલેસાં લઈને તરી રહ્યાં હતાં. એને ઉકેલવાનું મારું ગજું નહોતું. અડધા કલાક સુધી અમે બેઉ, એકમેકના હાથ પકડીને બેસી રહ્યા! સલોનીના વેન્ટિલેટરના શ્વાસ ને અમારા બેઉના શ્વાસોચ્છશ્વાસ, હોસ્પિટલના રૂમમાં જીવંતતાની પ્રતીતિ પૂરતાં હતાં, બસ!
સાડા છ થયાં હતાં. મેં ગૌતમીને કહ્યું, “આપણે ટચમાં રહીશું, ગૌતમી.” એ ઊભી થઈ.
આ વખતે મને હગ આપીને, આંસુ લૂછતાં ગૌતમી બોલી, ”જયુબેન, પ્લીઝ, કોલ મી અમી…!”
હું એનો હાથ દબાવી, એના ગાલ પર એક કીસ કરી, ડોકું ધૂણાવીને, સલોનીને ફ્લાઈંગ કીસ આપી, પેશન્ટરૂમની બહાર નીકળી ગઈ.
*******
મારી આંખો પર હજુ આંસુની ઝાંખપ હતી અને એની આડે બદલાયેલા ફિલાની સૂરત જોઈ શકવાનું ક્યાં શક્ય પણ હતું? અમારું રીઝર્વેશન પેટીઓ પર હતું. સામે વોટરફ્રન્ટ પર લોકો ટહેલતાં હતાં. હું ‘વતન’ના પરિસરમાં પહોંચી ગઈ હતી.
“વતન”ના પેટીઓ પર, ૧૦૮ ઈંચના પ્રોજેક્શન ટીવી પર, “ગાઈડ” મુવીનું ગીત ચાલી રહ્યું હતું, ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ!”
બસ!
આ પહેલા પ્રતિભાવ આપેલો જે દેખાયો નહિ એટલે ફરી લખું છું હ્ર્દયસ્પર્શી. સત્ય ઘટના જિંદગી ઇસીકા નામ હૈ કોના પર ભરોસો કરો ?
HEART CRYING STORY. HEARTLY CONGRATULATION.
🙏🙏🙏
આ વાર્તા બનેલી ઘટના પર આધારિત છે એ વાંચતી વખતે લાગે છે કે ક્યારેક વાસ્તવ કલ્પના કરતાં પણ વધુ વિચિત્ર પરિણામો લાવે છે .તેને નિયતિ કહેશું કે માનવ મનની આશ્ચર્યજનક રમત?
.
સાવ સાચી વાત, હરીશભાઈ.
આ કોમેન્ટ મને “ગુર્જરી ડાયજેસ્ટ”ના સ્થાપક અને સંપાદક આદરણીય શ્રી કિશોરભાઈ દેસાઈએ મને ફોન પર મેસેજમાં લખીને મોકલી છે. કોઈ કારણોસર, એમની કોમેન્ટ અહીં રજીસ્ટર થતી નથી, જેની મુશ્કેલી અમે દૂર કરવા કોશિશ કરીશું. પણ ત્યાં સુધીમાં એમનો પ્રતિભાવ, અક્ષરસઃ એમના જ શબ્દોમાં મૂકું છું.
“જયશ્રી બહેન
વાંચતી વખતે આમ તો તમારી કોઈ વાર્તાનો પ્લોટ હોય એવું લાગે. પરંતુ જે રીતે તમે વાતોનું નિરુપણ કર્યું છે તેને કારણે જીવનમાં બનતી આવી સત્ય ઘટનાઓ કેવી કરુણ હોય છે તે જાણીને થીજી જવાય છે.
ગૌતમી/મોહન વિશે લેખ વાંચી આ પ્રતિભાવ લખ્યો પણ કોઈ કારણ સર આવ્યો નહિં એટલે આ રીતે મોકલું છું.”
– કિશોરભાઈ દેસાઈ.
વાંચતી વખતે આમ તો તમારી કોઈ વાર્તાનો પ્લોટ હોય એવું લાગે. પરંતુ જે રીતે તમે વાતોનું નિરુપણ કર્યું છે તેને કારણે જીવનમાં બનતી આવી સત્ય ઘટનાઓ કેવી કરુણ હોય છે તે જાણીને થીજી જવાઈ છે.
તમારાં ને અમી સાથે એટલું એકાકાર થઈ જવાયું કે મારાં આંસુ પણ ત્યાં સાક્ષી બની વહી રહ્યાં! બીજું તો શું કહું!
Iam speech less with tears.
હ્રદયપૂર્વક આભાર.
હૃદયસ્પર્શી ઇસીકા નામ જિંદગી હૈ
જયશ્રીબેન, મન અને મગજ સુન્ન થઈ જાય એવી ઘટનાનું તમે અદ્ભુત ચિત્રણ કર્યું છે. તમે ન લખ્યું હોય તો સાચું પણ ન માની શકાય. Really, speech less.
હ્રદયપૂર્વક આભાર.
કેટલું હૃદયદ્રાવક !!
ખળભળી ઉઠાયું..
લતા હિરાણી