ઓકટોબરફેસ્ટમાં આગમન ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:35 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમે મ્યુનિક શહેરમાં પહોંચ્યા ને ઝટપટ તૈયાર થઈને સવાર સવારમાં અહી ચાલી રહેલા ઓકટોબરફેસ્ટમાં બીયર પીવા જવા નીકળ્યા.
વાચકને થશે કે આ ઓક્ટોબરફેસ્ટ એ કઈ બલાનું નામ છે? એને ને બીયરને શું લાગેવળગે? બરોબર છે. જે બીયર નહિ પીતા હોય તેમણે તો આ ઓકટોબરફેસ્ટ વિશે સાંભળ્યું જ ન હોય પણ સંભવ છે ઘણા બીયર રસિયાઓ પણ આ વિશે બેખબર હશે. તેથી ચાલો, સહુ પહેલા એને વિશે જાણકારી આપી દઉં.
ઓકટોબરફેસ્ટ એ મ્યુનિકમાં ભરાતો દુનિયાનો મોટામાં મોટો બીયર ફેસ્ટિવલ અને મેળો છે. સોળથી અઢાર દિવસ ચાલનારો આ લોકમેળો આમ તો સપ્ટેમ્બરની મધ્ય કે મોડેથી ચાલુ થઈને ઓક્ટોબરના પ્રથમ રવિવાર સુધી ચાલે છે. છતાંય એને ઓક્ટોબરફેસ્ટ કહેવાય છે.
આ મેળો સન 1810માં શરુ થયેલો આ મેળો બવેરિયન સંસ્કૃતિની આગવી ઓળખ સમાન બની ગયો છે ને એને માણવા દર વર્ષે સાઠ લાખ કરતા વધુ લોકો અહીં ઊમટી પડે છે. આની લોકપ્રિયતાની એટલી બધી વ્યાપક અસર થઇ છે કે દુનિયાના અન્ય શહેરોમાં પણ આ બીયર મેળો યોજાય છે પણ અસલ એ અસલ એમાં મીનમેખ નહિ. .
અમે આ ઓક્ટોબર ફેસ્ટ માણવા આતુર હતા. જર્મન ટુરનું આયોજન જ આ ફેસ્ટિવલ ને ધ્યાનમાં રાખી કરેલું. જર્મની આવતા પહેલા જ અમે એવી હોટેલ વિશે શોધ આદરી જે બીયર ટેન્ટમાં તમને આરક્ષિત જગા પણ ફાળવે.
કમનસીબે એવી સારી ડીલ આપતી હોટેલ્સનું આરક્ષણ પહેલાથી જ થઇ ગયું હતું. જાણીને નવાઈ લાગશે કે અહીં આવવા માટે એટલો બધો ધસારો હોય છે કે એક વર્ષ અગાઉથી લોકો બુકીંગ કરવું શરુ કરી દે છે. સમગ્ર જર્મની જ નહિ પરંતુ જગ આખામાંથી લોકો આ માણવા અહી આવતા હોય છે.
અમારું જર્મની આવવાનું નક્કી હતું પણ પ્રવાસની વિગતો ને માર્ગ નક્કી નહોતો થયો ને જયારે નક્કી થાય ત્યારે કિફાયતી હોટેલ્સ બધી બુક થઇ ગઈ હતી. આથી અમારે એર બી એન્ડ બી માટે જવું પડ્યું એ પણ આ ફેસ્ટિવલ ને લીધે મોંઘી થઇ ગઈ હતી.
અમે તૈયાર થઇ ગયા. અમે જ્યાં ઊતર્યા હતા ત્યાંથી જગા નજીક હતી ચાલીને માત્ર અડધો કલાક લાગે. કાર તો લઇ જઈ શકાય એવું હતું જ નહિ એટલે ચાલ્યા વગર છૂટકો ના હતો.
અમે અમારા લીડરની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એની પાસે ફોનનું જીપીએસ હતું. થોડા વખત પછી એને અનુસરવાની કોઈ જરૂર ન રહી કારણકે લોકોના ટોળાના ટોળા એ તરફ જ જઈ રહ્યા હતા એટલે મહાજન ગતા તે પંથા અનુસાર એ લોકોને અનુસરવાનું હતું.
અમારું ધ્યાન એમના પોષાક ઉપર ગયું. કોઈ ખાસ ડ્રેસ પહેરેલો. પછી અમને ખબર પડી કે પુરુષો અને સ્ત્રીઓ બવેરિયન પોષાકમાં હતા.
ઓક્ટોબરફેસ્ટના અધિકૃત પોષાક ને ‘ટ્રાક્ટ‘ કહેવાય છે. આલ્પ્સના ખેડૂતોનો આ મૂળ પોષાક. સ્ત્રીઓ પારંપરિક પોષાક પહેરે જે ‘દ્રંદલ‘ ને નામે ઓળખાય છે. પુરુષોના પોષાકને ‘લેદહોઝેન‘ કહેવાય. જે ઘૂંટણ સુધીના ચામડાના શોર્ટ્સ હોય. સફેદ અથવા ચોકડીવાળા શર્ટ હોય, સુસ્પેન્ડર હોય ને માથે અલ્પાઇન હેટ પહેરેલી હોય ને ઘૂંટણ સુધીના સફેદ મોજા ને કાળા રંગના બુટ હોય.
પેલું જે શોર્ટ હોય તે સામાન્ય રીતે ગાયના ચામડાનું બનેલું હોય, હરણના ચામડાનું બનેલું થોડું મોંઘુ હોય પણ વધારે ટકાઉ ને સુંવાળું હોય જોકે એલ્ક નામના પ્રાણીના ચામડાનું બનેલું શોર્ટ ખુબ કિંમતી ને પ્રતિષ્ઠિત કહેવાય.
હવે સ્ત્રીઓના પોષાકની એક વિશિષ્ટતા છે, એપ્રોન પર જે ગાંઠ બાંધે એ જો ડાબી તરફની હોય તો એ સાથીદાર વિનાની છે. જમણી બાજુ એ બાંધે તો એને એનો પ્રિયતમ છે અથવા પરિણિત છે ને મધ્યમાં હોય તો તે કુમારિકા છે પણ જો પાછળ હોય તો તે વિધવા અથવા વેઇટ્રેસ છે. છે ને અવનવું!
અમે રસ્તામાં આવેલી અમુક દુકાનો જોઈ જેમાં આવા પરિધાન વિન્ડો ડિસ્પ્લેમાં મુકાયા હતા. અમારી આગળ બેત્રણ પુરુષો આવા પોષાકમાં ચાલતા હતા. અચાનક મને નિશ્ચિન્ત વિસ્પરિંગ ટોનમાં કહે, “ઉત્કર્ષ, ધીસ મેન આર હેવીંગ અ ઝીપ એટ ધેર બેક ઓફ ધ શોર્ટ્સ.”
આ સાંભળી હું પણ ચમકી ગયો ને જોઉ તો નિશ્ચિન્તની વાત સાચી હતી પણ પછી વિચારતા થયું, આમાં ક્યાંક ગરબડ છે, આવું હોઈ તો ના શકે. પછી બત્તી થઇ કે એ ઝીપ જેવી દેખાતી વસ્તુ ઝીપ નહોતી પરંતુ બે ભાગને સાંધતી વચ્ચેની નાની પટ્ટી હતી.
અડધા કલાક પછી અમે ઓકોટોબરફેસ્ટના મેદાને પહોંચી ગયા. દરવાજા પર પોલીસ તૈનાત હતી અમારી હેવરસેક જોઈ કહે આ તમે સામે મૂકી આવો. રસ્તાની સામેની તરફ એક મંડપ જેવું હતું ત્યાં અમે અમારી હેવરસેક મૂકી ટોકન લઈને પાછા મુખ્ય દરવાજે આવ્યા.
નિશ્ચિન્તે એની વોટર બોટલ લઇ લીધી જે આગળ જતા થોડું નાટક સર્જવાની હતી. અમને નવાઈ લાગી ત્યાં કોઈ મેટલ ડિટેક્ટર ના હતા અને અમને તપાસ્યા પણ નહિ. મને થયું કે એટલો બધો ધસારો નથી જેટલું સાંભળ્યું છે પછી ખબર પડવાની હતી કે દરેકે દરેક વિશાળ બીયર ટેન્ટ ચિક્કાર ભરેલા હતા અને અમને સવાર સવારમાં પણ બેઠક મેળવવામાં મુશ્કેલી થવાની હતી.
બીયર ટેન્ટમાં દાખલ થતા પહેલા અમે મેળામાં ચક્કર મારવાનું નક્કી કર્યું. આસપાસનું જોઈને અમને સાચે જ નવાઈ લાગી કે આ ખરેખરનો મેળો હતો. બીજો આંચકો અમને બાળકોને જોઈને લાગ્યો કે આ બાળકો અહીં બીયર ફેસ્ટિવલમાં શું કરે છે એ લોકોને અહીં દાખલ કેવી રીતે કરાય? પણ આ મૂલતઃ લોક મેળો છે. રાજકોટમાં સાતમ આઠમ વખતે જે ભવ્ય મેળો યોજાય છે એવો. બીયરની એક ચુસ્કી માર્યા વગર પણ તમે મેળાની મઝા માણી શકો.
કેટકેટલી નાની મોટી રાઇડ્સ હતી. મેરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ્સને બીજી ડર લાગે એવી ને થ્રિલિંગ રાઇડ્સ. બધી ભરેલી હતી.
ખબર પડી કે અહીં બાળકો માટે મનોરંજનની એક વિશિષ્ટ ચીજ છે જે બીજા કોઈ મેળામાં નથી અને એ છે ‘ફલી સર્કસ‘ એટલે કે માખીઓનું સર્કસ.
આંચકો લાગ્યો ને કે આવું તે કોઈ સર્કસ હોતું હશે? પણ છે, એમને ટ્રેન કરવામાં આવે છે. છે ને અજાયબ મનોરંજન! આના વિશે વધુ જાણવું હોય તો નેટ પર જઈને માહિતી મેળવી લો. મોટેરાઓ માટે પણ એક મઝાની રમત છે. નામ છે એનું ‘શયતાનનું પૈડું‘,
આમાં તવાના આકારનું ધરી પર લાગેલું લાકડાનું લિસ્સું પૈડું હોય એના પર ભાગ લેનારા બેસે પછી એ પૈડું ફરે ને ધીમે ધીમે ઝડપ વધારે એટલે લોકો બહાર સરકી જાય જે રહી ગયા હોય તેને દોરડા દ્વારા ફસાવી બહાર કાઢવાના પ્રયત્નો થાય. જુએ કે છેલ્લે સુધી કોણ ટકે છે.
ખાવાના વિવિધ સ્ટોલ્સ હતા. અચાનક અમે વોડકા ને ટકિલાના નાના સ્ટોલ્સ જોયા. અહીં તમે ટકીલા કે વોડકા શોટ્સ લઇ શકો. અમે એ તરફ જવા લલચાયા નહિ. અમારો ધ્યેય તો અહીંનો ખાસ બીયર પીવાનો હતો.
અર્ધો કલાક આમતેમ બધું જોઈ અમે એક વિશાળ બીયર ટેન્ટ તરફ રોમાંચિત થઈને વળ્યાં પણ હાય રે કિસ્મત! અમને દરવાજા પર જ દરવાને રોકી દીધા ને કહ્યુ “સોરી, અંદર બધું ભરેલું છે, જગા ખાલી નથી.”
આ સાંભળીને અમારા ચહેરા પરથી નૂર ઊડી ગયુ. સવાર સવારમાં સાડા અગિયાર વાગે જગા નથી? અમારા ઉતરેલા ડાચાં જોઈને પેલાને અમારી દયા આવી હશે એટલે કહે, “તમે તમારું નસીબ બહારના બાંકડામાં અજમાવી શકો”.
આ સાંભળી અમારા ચહેરા પર થોડી ચમક આવી. અમે ધ્યાનથી જોયું કે મુખ્ય ટેન્ટની બહાર પણ લાકડાની વાડની અંદર ખુલ્લી જગામાં લાકડાના મોટા લાંબા ટેબલ્સ હતા ને મોટી મોટી લાકડાની બેંચીસ હતી જેમાં લોકો બેઠેલા હતા. ત્યાં પણ કોઈ જગા ખાલી દેખાઈ નહિ.
કેપ્ટન કહે “એમ નિરાશ ન થાવ. હવે અહીં જ જગા ખોળવી પડશે એટલે આપણે બધા ચારે દિશામાં નજર રાખો. હવે ખબર પડીને હું દિવસે આવવાનું કેમ કહેતો હતો. સાંજે આવ્યા હોત તો બીયરના માત્ર દર્શન થાત, કદાચ, ને અંદરનો માહોલ તો જોવા મળત નહિ એ વધારાનું.
ઓક્ટોબરફેસ્ટમાં આવ્યા ને એના અનુભવ વગર પાછા જવું પડત અથવા આને માટે બીજે દિવસે ખાસ પાછું આવવું પડત ને આપણા પ્લાનિંગની ઐસી કી તૈસી થઇ જાત.” બોસ વોઝ રાઈટ.
અમે એકચિત્તે જોવા માંડ્યું કે ક્યાંય ચાર જણ બેસી શકે એવી જગા ખાલી દેખાય છે. ખાસી વારે અમને એક જગા દેખાઈ ને અમે ત્યાં ધસીને બેસી ગયા. બેઠાને જે ખુશી થઇ તે વર્ણવી શકાય એમ નથી. જાણે લોટરી લાગી.
પછી બીજી લોટરી લાગે તેની રાહ જોવા લાગ્યા કે હમણાં જાહેરાતોમાં ને અસંખ્ય ફોટામાં ને યુ ટ્યુબના વીડિયોમાં જોયેલી ફૂટડી નવયૌવના માદક સ્મિત રેલાવતી અમારી પાસે આવી બીયરનો ઓર્ડર લેશે.
અમારી આશા ફળી કે નહિ તે આવતા વખતે જાણીશું.
(ક્રમશ:)