પ્રકરણ: ૪ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

લાવણ્યને આજકાલ વિલક્ષણ અનુભૂતિ થયા કરે છે: દિવસો જાણે કે પાછા પગલે ચાલે છે, ભૂતકાળ આગળ વધે છે.

આમ કેમ બનતું હશે? એવું તો નથી જ કે પોતે આંખો બંધ કરીને બેસી રહેતી હોય…

હમણાં તો બરાબર પ્રવૃત્તિશીલ રહેવાય છે. બે રૂમ અને રસોડાવાળું જે નવું મકાન ભાડે રાખ્યું છે એના માલિક લલ્લુભાઈ વડીલ જેવા છે પણ લાવણ્યને ખૂબ માન આપે છે. એમને ખાતરી છે કે એમની મોટી દીકરી લલિતાને ઠેકાણે પાડવામાં લાવણ્ય મદદરૂપ નીવડશે. બીજાંની જેમ એ પણ લાવણ્યને દીદી કહે છે.

લાવણ્ય ક્યારેક લલ્લુભાઈનું રેખાચિત્ર લખે તો નવાઈ નહીં. આમ તો એમને રમકડાંની દુકાન છે પણ દુનિયાની દરેક સારી વસ્તુ વિશે એમને કુતૂહલ છે અને એમનું ચાલે તો આખી દુનિયાને રમકડાંના ઘાટમાં ઉતારી દે. સારું કમાયા છે.
થોડાંક વરસ પહેલાં એમને સવાલ થયો: પૈસા શેમાં રોકવા? વ્યાજખાધ તો ન જ પડવી જોઈએ. એમણે સાંભળ્યું હતું કે અમદાવાદમાં લોકો મકાનમાં પૈસા રોકે છે. એમને થયું: ઈડર પણ વહેલુંમોડું શહેર તો બનશે જ ને? મકાનમાં રોકેલા પૈસા ઊગી નીકળશે. ઘડપણમાં કામ ન થાય ને રપત પડે તો મકાન દીકરાની ગરજ સારે.

મકાન બાંધતાં બાંધી દીધું. નીચે ચાર રૂમ, ઉપર અઢી અને બાકી અગાશી. લલિતાએ અગાશીમાં ગરબાની પ્રેકટીસ રાખી હતી. ધાબું ધમધમી ઊઠ્યું હતું. સગવડ વધારીને આ તો ઊલટાની આપત્તિ નોતરી હતી.

લલિતાની ‘દીદી’ જેવું કોઈક રહેવા આવે તો એ અઢી રૂમ બાંધ્યા લેખે લાગે. પણ સામે ચાલીને કંઈ ભાડુઆતને બોલાવવા જવાય ખરું? લલિતાને વાત કરી રાખી છે. બને તો લાવણ્યને જ અહીં રહેવા ખેંચી લાવ.

ત્યાં લાવણ્ય થોડીક ફૂલદાનીઓ લેવા દુકાને આવી હતી. ત્યારે લલ્લુભાઈ પાસે એક શ્રોતા હતા. એ વીતકકથા સંભળાવતા હતા:

‘ભાડુઆત તો ઘડીના છઠ્ઠા ભાગમાં મળે. ગામમાં કૉલેજ છે તો પ્રોફેસરો નહીં હોય? બેન્કો છે તો ઑફિસરો નહીં હોય? પણ છોડીઓની મા કહે છે કે ભાડું લેવા જતાં આબરૂ ગુમાવવા જેવું તો નહીં થાય ને? આજકાલ તો બે અજાણ્યાં માણસ બસસ્ટેન્ડ પર હસીને વાત કરે તોય લોક શુંનું શું ધારી લે! અને આપણે છોડીઓને ઉમંગથી ભણાવી છે તો કંઈ ઘરમાં ઢોરની જેમ પૂરી રાખવા માટે તો નહીં જ ને? હળેમળે ને વાત તો કરે. કોઈ આધેડ ઉમ્મરનું કુટુંબ મળી આવે કે પછી આ અમારી લલિતાની દીદી રહેવા આવે તો પછી કશો અજંપો ન રહે. ભાડું પણ બહુ ન માગીએ.’

લાવણ્યે એક ડઝન ફૂલદાનીઓ પસંદ કરી હતી. પર્સ ખોલી.

‘દીદી, તમે તો ગયા અઠવાડિયે પણ સારી એવી ખરીદી કરી ગયાં હતાં.’

‘એ દિવસ તો મેં ભોમિયા તરીકે જ કામ કર્યું હતું. મારી સાથે જે મહેમાનો હતા એ પત્રકારો હતા. રાજ્ય સરકારે એમનો પ્રવાસ યોજેલો. માહિતી ખાતાના પ્રતિનિધિ સરકારી ખર્ચે અહીં બનેલી વસ્તુઓ પત્રકારોને ભેટ આપવા માગતા હતા. હું બધાને દુકાને લઈ આવેલી.’

‘તમારી મહેરબાની છે બહેન!’

‘જુઓ લલ્લુકાકા, તમે આવું બોલશો તો હું અહીં આવીશ જ નહીં. જોઈતી કરતી વસ્તુ માણસ મોકલીને મંગાવી લઈશ. હું લલિતાથી માંડ બેત્રણ વરસ મોટી હોઈશ. મને દીકરી માનીને વાત કરવી. મને દીદી શેના કહો છો?’ – આ યુવતીને વાત્સલ્યની ખોટ છે એનો ખ્યાલ પેલા અજાણ્યા ઘરાકને આવી ગયેલો.

લલ્લુભાઈને લાવણ્યના ભણતર માટે જ નહીં એની શિક્ષણનિરીક્ષકની નોકરી માટે પણ અહોભાવ હતો. વળી, એ લાવણ્યને ડહાપણનો ભંડાર માનીને દુનિયાદારીની વાતો કરવા પણ પ્રેરાતા. આશ્વાસન મેળવતા, ને માનાર્થે દીદી કહેતા.

પોતાને દીકરો નથી તો શું થયું? એમના પડોશીને બબ્બે દીકરા હોવા છતાં ઘરડે ઘડપણ ઘસરડા કરવા વારો ન આવ્યો? બે જણાં બાપડાં જુદાં રહે છે. જ્યારે અમારી લલિતા ને મિતા જુઓ: તમે જ કહો: ગુણિયલ છે કે નહીં? ખોટું કહું છું દીદી? આજના જમાનામાં દીકરા-દીકરી વચ્ચે ફેર શો?

– આ બધું લલ્લુભાઈ એમની જાતને ઠસાવવા મથતા હતા. લાવણ્યથી એ અછતું નહોતું રહેતું.

એ દિવસોમાં લાવણ્ય એક રૂમ અને રસોડામાં રહેતી હતી. એ મકાન મુસ્લિમ વિસ્તારમાં છે એ અંગે એનામાં સભાનતા પણ ન હતી. ફાવતું હતું. આજુબાજુનાં રહેવાસીઓ જાણે કે એનાં ઓશિંગણ હોય એમ વર્તતાં હતાં.

લાવણ્યે એમના પર કશો ઉપકાર કર્યો ન હતો, ફક્ત વિશ્વાસ મૂક્યો હતો. પોતે બીજા મહોલ્લામાં રહે કે અહીં એથી શો ફેર પડે છે? બોલચાલના થોડાક લહેકા જુદા હતા, થોડાક રિવાજો જુદા હતા. બાકી અસલ ગુજરાતીપણું વરતાતું હતું.

ગુજરાતમાં બીજે કોમી તોફાનો થયાં ત્યારે પણ અહીં કશો અજંપો ન હતો. કોઈ કારણે એ મકાન બદલવાનો સવાલ ઊભો નહોતો થતો. પણ વિરાજબેન ત્રણેક દિવસ માટે એની સાથે રહેવા આવ્યાં અને લાવણ્ય એમને રમકડાંની દુકાને લઈ આવી. લલ્લુભાઈને તક મળી. આગ્રહ કરીને એ બંને બહેનોને ચાનાસ્તા માટે ઘેર લઈ ગયા. આખું મકાન બતાવ્યું. ઉપરના અઢી રૂમ અને ખુલ્લી અગાશી વિરાજબેનના મનમાં વસી ગઈ.

લાવણ્યને સલાહ આપી: કમાય છે તો ખર્ચ કર. તારી પાસે એક રૂમ વધારે હોય તો અમારા જેવાંને બે દિવસ વધુ રોકાવાનું મન થાય. ચંદ્રકાન્ત આ વખતે મારી સાથે આવવા લલચાયા હતા. હમણાં ટ્રાન્સપોર્ટનું મંદું ચાલે છે. નવરાશ હતી. અમે વાહન લઈને આવ્યાં હોત તો શ્યામસુંદર પણ સાથે આવ્યો હોત. પણ બધાંએ એક રૂમમાં સૂવું પડશે એ ખ્યાલથી જ તારા બનેવીએ છેલ્લી ઘડીએ વિચાર માંડી વાળ્યો.

લાવણ્યને નવાઈ લાગી. ચંદ્રકાન્તભાઈ અગવડનો તો વિચાર કરે એવા નથી. અને એક રૂમમાં સૂવા અંગે બીજી સભાનતા તો એમને હોય જ શેની? ખાસ કરીને મોટી બહેન સાથે હોય પછી? એ સિવાય પણ મારે માટે જેવો શ્યામસુન્દર એવી એમને માટે હું…

એની પાસે જવાબ હતો છતાં એ મૂંગી રહી. શું વિરાજબેનને મારી કરકસર પસંદ નથી?

લલ્લુભાઈએ તક મળતાં વિરાજબેન સાથે વાત કરી. બૅન્કનો કોઈક સાહેબ આ જગાનું કટેલું ભાડું આપે એની વિગતો જણાવીને પોતે પચાસ ટકા કંસેશન આપતા હોય એમ લલ્લુભાઈએ અઠીસો રૂપિયા ભાડું ઠરાવ્યું.

લાવણ્યે શરત કરી: ‘મને રમકડાં બનાવવાની કળા શીખવવી પડશે. એ બદલ કશી ફી નહીં આપું.’

લલ્લુભાઈ આવાં કદરદાનીભર્યાં વેણ સાંભળીને બહુ રાજી થયા. લલિતા-મિતાને રમકડાં બનાવતાં આવડે છે, પણ ખુલ્લી જગાએ બેસીને કામ કરતાં એમને જાણે કે નાનમ જેવું લાગે છે. કેમ, ભણ્યાં એટલે કામ ન થાય? દીદીનો દાખલો લ્યો! – એ મનોમન ઘણું બોલી ગયા અને સામાન બદલવામાં મદદરૂપ થવા માગતા હોય એમ આગળ થયા.

મકાન બદલાયું.

લલિતા-મિતા લાવણ્ય સાથે હળી ગઈ છે. મોટી ગયા વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. બી.એડ.ની પરીક્ષા આપી છે. નાની એસ.વાય. બી.એ.માં એ.ટી.કે.ટી. સાથે પાસ થઈ ગઈ છે. ઘરમાં બધાં એને વધુ હોશિયાર માને છે. કામગરી છે. લલિતા નવલકથાઓ વાંચવાની અને વાતો કરવાની શોખીન છે.

એમણે બંનેએ એક એક કલાત્મક ફૂલદાની બનાવીને લાવણ્યને ભેટ આપી છે. લાવણ્ય એ અમદાવાદ લઈ આવી. વનલતાને ત્યાં એક ફૂલદાની હતી અને બીજી સોંપવાની હતી. પ્રેમલ વલસાડ બાજુ જાય ત્યારે દીપક માટે લેતો જાય. લાવણ્ય વનલતાને એ કામગીરી સમજાવી રહી હતી ત્યાં વિશ્વનાથનું અણધાર્યું આગમન થયું.

‘ચમત્કાર!’ – એ લાવણ્યને જોઈને આભો બની ગયો. – ‘આ શક્ય બન્યું કેવી રીતે? પ્રેમલે આપેલા સમય પ્રમાણે હું આવ્યો અને તમારાં દર્શન થયાં!’

‘મારી બાજુમાં બેઠેલી વ્યક્તિનાં દર્શન નથી થતાં?’ – લાવણ્યનો સંકેત વનલતા તરફ હતો. વિશ્વનાથ મૂંઝાઈ ગયો. શો જવાબ આપવો? પ્રેમલ માટે એણે જ્યારે પણ ફોન કર્યા છે ત્યારે ઉપાડ્યા છે તો વનલતાએ જ. પરિચય ન હોય એવું તો નથી જ. પણ અત્યારે એની હાજરીની નોંધ પણ લીધા વિના પોતે લાવણ્યને જોતાં જ છકી ગયો એ સારું કહેવાય?

પ્રેમલની ચિત્રકળા વિશે વિસ્તૃત લેખ લખવામાં એને સહુથી વધુ મદદ તો વનલતાની જ મળી છે ને! આ વખતે પ્રેમલ નવાં ચિત્રોના ફોટોગ્રાફ આપવાનો હતો. એણે આપેલા સમયે જ પોતે આવ્યો છે. પણ સમય પાળે તો પ્રેમલ શેનો!

વિશ્વનાથની નજર ટિપોઈ પર ગોઠવેલી બે ફૂલદાની તરફ ગઈ. હાથમાં લઈને જોવા લાગ્યો. જોતો જાય ને વખાણતો જાય. લાવણ્યને થયું કે માહિતી ખાતાએ યોજેલા પ્રવાસમાં વિશ્વનાથ પણ હોત તો એણે લલ્લુકાકાની દુકાનને ઉપરતળે કરી નાખી હોત. આ માણસમાં આટલું બધું કુતૂહલ કેમ હશે?

વિગત જાણીને વિશ્વનાથે પોતાના માટે આવી ફૂલદાની મંગાવવાનું નક્કી કર્યું. વનલતાએ લાવણ્ય સામે જોયું. જણાવ્યું: ‘મારા માટે લાવી છે એ વિશ્વનાથને આપી દે.’ પછી કાનમાં કહ્યું: ‘તારો ફોટો માગવાની હિંમત તો એનાથી થાય એમ નથી, ફૂલદાની આપી દે. એમાં તાજાં ફૂલ ગોઠવશે ને તને યાદ કરશે.’

એવા કોઈ કારણે નહીં પણ વિશ્વનાથને આ કલાકૃતિમાં રસ પડ્યો હતો એ જોઈને લાવણ્યે દીપકને મોકલવા ધારેલી ફૂલદાની વિશ્વનાથને આપવા હાથ લંબાવ્યો. વિશ્વનાથ ફરી મૂંઝાયો: ફૂલદાની સામે જોવું કે એ પકડીને લંબાયેલા હાથ સામે?

‘લો. હું લાવી તો હતી દીપક માટે પણ —’

‘દીપક કોણ?’

વનલતા હસી પડી: ‘કોઈપણ પ્રશ્ન પૂછવાનો આજના પત્રકારને હક છે. તમે કુનેહથી જવાબ આપીને જાતનું રક્ષણ કરી શકો તો તમારું ભાગ્ય. ખોટું કહું છું?’

‘શું મારાથી અવિવેક થયો?’ – વિશ્વનાથ કળશની જેમ ફૂલદાની પકડીને બેસી રહ્યો. જાણે કે ગ્રહશાંતિના વિધિમાં જોડાયેલો ન હોય!

‘તમારા હાથે આ ભેટ મળી એથી હું ધન્ય થઈ ગયો. પણ સાચું કહું છું તમે અહીં હશો એ હું જાણતો ન હતો. કશી ગેરસમજ ન થાય એ માટે મેં આટલી લાંબી મુદતમાં તમને પત્ર પણ નથી લખ્યો.’

આ માણસ શેને લાંબી મુદત કહે છે? એ મને બસસ્ટેન્ડ મૂકી ગયો એને થોડાક માસ થયા હશે. અને ગેરસમજ શેની? પૂછું?

લાવણ્યના હોઠ ફરકે એ પહેલાં વિશ્વનાથ બોલ્યો: ‘મારે પ્રેમલનું તાકીદનું કામ હતું. મને ઘેર બોલાવીને એ આવ્યો જ નહીં. શું કરું? જાઉં? અહીં વધુ બેસી રહીશ તો તમને બંનેને થશે કે આ માણસ અહીંથી ઊઠતો જ નથી. જોંકની જેમ —’

‘જોંક નહીં, જળો! તમે ખુશીથી બેસો વિશ્વનાથ. વનલતાના ઘરમાં મહેમાનો માટે એવો ભાવ સેવાતો નથી કે એમને જળો કે બગાઈ કહેવામાં આવે. અને તમે કેમ એમ માની લીધું કે તમારી હાજરી સામે અમને અણગમો હશે?’ – લાવણ્ય કહી રહી હતી.

વચ્ચે વનલતા બોલી – ‘પછી ભલે ને અમે તમારી રાહ જોતાં ન હોઈએ.’

‘તમે રાહ જુઓ એવું તો મારામાં કશું જ નથી. મને અહીંથી ચાલ્યા જવાનું કહેતાં નથી એ જ તમારી ઉદારતા છે.’

– રસ્તા પર સ્કૂટરનો અવાજ સંભળાયો. એણે ઊઠીને જોયું. પ્રેમલ નથી. હવે અહીંથી જવા માગતો હોય એમ વિશ્વનાથ ઊભો ઊભો જ બોલ્યો: ‘આમાં રોજ સવારે ફૂલ મૂકીશ ત્યારે એની સુગંધ દ્વિગુણિત થઈ જશે. આભાર. શું નવાં કાવ્યો લખાયાં છે?’

‘લખાયાં તો છે પણ સાથે લાવી નથી. ક્યાં ખબર હતી કે આજે મારી કવિતાના પ્રમુખ શ્રોતાને મળવાનું બનશે?’

‘ફરી મળવાનું થાય ત્યારે તમારા મુખે નવાં કાવ્યો સાંભળવાનું મળે તો કેવું સારું! વનલતા, તમે લાવણ્યનાં મિત્ર છો. તમને પણ કવિતામાં રસ હશે જ.’

‘હોય કે ન હોય, અત્યાર સુધી તો હું જ એની એક માત્ર શ્રોતા હતી. ના, સૉરી, દીપક હતો. તમે દીપકનું સ્થાન લઈ શકો.’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..