પાંચ ગઝલ ~ નીતિન વડગામા ~ ગઝલસંગ્રહઃ એકાકાર (માર્ચ ૨૦૨૪)

૧. એ

હરપળે હાથ સ્હેજ લંબાવી
એ ઉગારે મને સ્વયં આવી

હું કરું પાત્ર એક ખાલી ત્યાં
એ જ આવીને જાય છલકાવી

સાનમાં એ ઘણુંય કહી દેતા
નામ લઈને જરીક બોલાવી

ઊંઘતા જીવને જગાડે એ
દ્વાર હળવે રહીને ખખડાવી

શીખવે એ જ અર્થ જીવનનો
શ્વાસ બે-ચાર સાવ થંભાવી

એ જ અઢળક કરે છે અજવાળું
શબ્દની જ્યોત રોજ પ્રગટાવી

૨. શાયર નથી થવાતું

અંદર નથી અવાતું, ના બ્હાર નીકળાતું
ચાલ્યા કરે ચરણ પણ ક્યાંયે નથી જવાતું

કાળી ડિબાંગ ઊંડી ઇચ્છાની ખીણ કેવી!
એમાં ગયા પછીથી પાછું નથી ફરાતું

આ આપણેય કેવા મોટા થયા અચાનક?
થપ્પો ને સાતતાળી આજે નથી રમાતું

કૈં કેટલા જનમના હું શાપ ભોગવું છું
ગમતુંય ગીત એકે કેમે નથી ગવાતું

ફોગટ કરે મથામણ માણસ અહીં યુગોથી
પાતાળનું હજીયે તળિયું નથી તગાતું

પાંખો વિના વિહરતું એ તત્ત્વ છે અગોચર
પકડી નથી શકાતું, પામ્યું નથી પમાતું

પ્રગટાવવું પડે છે શબ્દોનું પોત ઝીણું
કાગળ અને કલમથી શાયર નથી થવાતું

૩. લઈ જાય છે

પંથ જે તારા સુધી લઈ જાય છે
એ અમીધારા સુધી લઈ જાય છે

એક ઊંડી ને ઉઘાડી આંખ પણ
કૈંક વરતારા સુધી લઈ જાય છે

ભાંગતી રાતે બધીયે ભીંત આ
કેમ ભણકારા સુધી લઈ જાય છે

તેજને પ્રગટાવતો તણખો પ્રથમ
છેક અંધારા સુધી લઈ જાય છે

ઊડતો રહેતો સતત એ આગિયો
સ્હેજ ઝબકારા સુધી લઈ જાય છે

સ્વાંગ ફૂલોનો સજીને આખરે
કોઈ અંગારા સુધી લઈ જાય છે

એટલે માળા જપું છું શબ્દની
એ મને મારા સુધી સુધી લઈ જાય છે

૪. સમજે છે

શ્વાસ જેને શરીર સમજે છે
લોક એને મશીન સમજે છે

આગિયો તેજપુંજ સૂરજને
આજ એનો હરીફ સમજે છે

કોઈ પૂજા કરે છે ધરતીની
કોઈ કેવળ જમીન સમજે છે

જીવવું એટલે જ ઓગળવું
એટલું સત્ય મીણ સમજે છે

ગૂઢ ભાષા નથી ઉકેલાતી
માણસો ગાજવીજ સમજે છે

મૌન રહી એ જુએ છે તાસીરો
આમ, સઘળું ફકીર સમજે છે

૫. એક જણ

એક જણ આવે અને સાતેય રંગો અવતરે
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે

એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે
એક જણ જાતાં જ આખું આગણું હીબકે ચડે

એક જણ આવે અને મનનું સરોવર આછરે
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે

એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે

એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઉછળે

એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે

એક જણ આવે અને આયાત આખી ઊતરે
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!

(સ્મરણઃ થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)

~ નીતિન વડગામા
~ ગઝલસંગ્રહઃ એકાકાર
~ પ્રથમ આવૃત્તિઃ માર્ચ 2024
~ પ્રકાશકઃ ઝેન ઓપસ (અમદવાદ)
~ સંપર્કઃ 079-2656 1112, 4008 1112
~ Online Purchase:
https://www.zenopus.in/

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. ખુબ સરસ બધી જ ગઝલ .
    ખુબ ખુબ અભિનંદન નીતિનભાઈ.
    પ્રજ્ઞા વશી.

  2. બહુ સરસ…બધી ગઝલ. “ભાંગતી રાતે બધીયે ભીંત આ
    કેમ ભણકારા સુધી લઈ જાય છે”
    સરયૂ પરીખ

  3. વાહ નીતિનભાઈ ખૂબ ખૂબ સુંદર ગઝલો, અભિનંદન સાહેબ. હિતેન ભાઈનો આ ઉપક્રમ સરાહનીય છે. એક સાથે સર્જકની એકાધિક રચનાઓ માણવા મળે છે.