સવારી પહોંચી ફુસ્સેન નગરીમાં ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:30 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમે લિંડાઉ ટાઉન પસાર કર્યું. ઓસ્ટ્રિયા અને સ્વિસની સરહદે આવેલું આ નગર બીજા વિશ્વ યુદ્ધ પછી ફ્રાન્સની હકુમત હેઠળ આવેલું.
મેં અચાનક પ્રશ્ન પૂછ્યો “આ નગર કઈ વસ્તુ માટે ખાસ જાણીતું છે?”
મારા સાથીદારો પણ મને માથાના મળેલા. તેઓ કહે, “ઉત્કર્ષ તારે જ પ્રશ્ન પૂછવાના ને તારે જ જવાબ આપવાના. અમે ફક્ત વાત માણીશું.”
મારે એમની વાત માનવા સિવાય બીજો રસ્તો ન હતો. મેં વાત માંડી. “લિંડાઉ નગર 1951થી અહીં ભરાતી વૈજ્ઞાનિક કોન્ફરન્સ માટે જાણીતું છે જેમાં નોબેલ વિજેતાઓ હાજરી આપે છે.
બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મની દુનિયાભરના વૈજ્ઞાનિકોથી કપાઈ ગયેલું. અહીંના બે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે આપણે વૈજ્ઞાનિકોને અહીં આમંત્રીએ જેથી એમના જ્ઞાનનો લાભ યુવા સંશોધકોને મળે. એમણે સ્વિડિશ રોયલ ફેમિલીના એક સભ્ય એવા કાઉન્ટ બર્નાડોટનો સંપર્ક કર્યો ને એમના પ્રમુખપદ હેઠળ શરુ થઇ આ વાર્ષિક બેઠક.
આજે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,અને મેડિસિન ક્ષેત્રના નોબેલ પારિતોષિક વિજેતાઓ મોટી સંખ્યામાં આવે છે ને દુનિયાભરના યુવા સંશોધકો, વૈજ્ઞાનિકો જોડે પોતાના અનુભવો અને અભ્યાસ વહેંચે છે.
ચાલીસથી પચાસ વિજેતાઓ અને 500 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ આમાં સામેલ થાય છે. બે વ્યક્તિઓને આવેલા વિચારે આજે કેવું મોટું સ્વરૂપ લીધું છે. એમના થકી આજે લિંડાઉ વિશ્વના નક્શામાં સ્થાન પામ્યું છે.”
“માહિતી માટે ધન્યવાદ…” કેપ્ટને પ્રત્યુત્તરમાં જણાવ્યું. એક વાત ચોક્કસ હતી. મારી વાત સાંભળ્યા પછી તેઓ જરૂર મને બિરદાવતા. અમે અહીં અટક્યા નહિ. સીધા ફુસ્સેન તરફ હંકારી ગયા.
પાછું મેં શરુ કર્યું. “મારા જિજ્ઞાસુ સાથીદારો તમને જણાવતા મને આનંદ થાય છે કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ તે નગર ઓસ્ટ્રિયન સરહદથી માત્ર થોડાક કિલોમીટરને અંતરે આવેલું છે. લેચ નદીને કિનારે વસેલું આ નગર વાયોલિન બનાવતા કારીગરો માટે જાણીતું છે અને જર્મનીના રોમેન્ટિક રોડના દક્ષિણ છેડાનું અંતિમ શહેર છે.
તમે અહીં શિયાળામાં સ્કીઈંગની મઝા માણી શકો ને ઉનાળામાં માઉન્ટ તેગેલબર્ગની ટોચે કેબલ કાર દ્વારા જઈ 360 ડિગ્રીનો નજારો માણી શકો.

અહીંથી થોડાક જ અંતરે ઉબેરમેરેગાઉ નામનું ગામ આવેલું છે જે કાષ્ટની કોતરણી માટે તથા દર દસ વર્ષે યોજાતા પેશન પ્લે માટે જાણીતું છે. અને…”
“કલાકાર તું જેને માટે આ સ્થળ સૌથી જાણીતું છે એના વિષે તો કઈ કહેતો જ નથી.” કેપ્ટન થોડો મારા પર બગડ્યો. “ચાલ ભાઈ તું જ કહી દે એના વિષે,” મેં જવાબમાં કહ્યું.
કેપ્ટને માહિતી આપતા કહ્યું, “અહીં વિશ્વભરમાં ડિઝનીને લીધે જાણીતા થયેલા કેસેલ જોવા આવ્યા છીએ. જે આપણે કાલે જોવા જઈશું.”
ફુસ્સેનમાં અમે ‘એર બી એન્ડ બી’માં રહેવાના હતા. થોડી વાર આમતેમ ભટક્યા પછી અમને અમારું એ સ્થળ મળી ગયું. શોધતા થોડી વાર એટલા માટે થઇ કારણ કે મુખ્ય રસ્તાની ગલીમાં જ્યાં આ જગ્યા આવેલી હતી તેની બહાર આજુબાજુના મકાનોને જોડતી લાંબી દીવાલ હતી ને અંદર જવા માટે કિલ્લાની અંદર જવા જેમ દરવાજો હોય એવો એક દરવાજો હતો.
જમણી બાજુએ અમારું મકાન હતું ને કમ્પાઉન્ડમાં જ ગાડી પાર્ક કરી શકાય તેમ હતું એટલે બહુ સારું પડી ગયું. અમારા રહેઠાણની થોડેક પાછળ જ નદી આવેલી હતી. આ પણ શહેરની મધ્યમાં જ હતું. અમારા રહેવાના સ્થળેથી અહીંનો મુખ્ય રસ્તો ચાલીને જવાય એટલા અંતરે હતો. કેપ્ટને ફરી આ સ્થળ માટે ચંદ્રક મેળવ્યો. થોડીવાર આરામ કરીને અમે ટહેલવા નીકળ્યા.
ગામ સાતસો વર્ષ પ્રાચીન હતું અને પથ્થરિયા રસ્તા એને અનોખી શોભા બક્ષતા હતા. અમે ગલીમાંથી બહાર મુખ્ય રસ્તા પર આવીને ડાબે વળ્યાં સિટી સેન્ટર જવા થોડા આગળ વધ્યા. સામે ત્રિભેટે એક અનુપમ ફુવારો દેખાયો તે જોવા ગયા. કિનારા પર ઇન્ફોર્મેશન સેન્ટર આવેલું છે જે બંધ થઇ ગયુ હતું, પણ એની સામે આવેલો આ ફુવારો બંધ થયો નહોતો.
જર્મનીમાં અમે એક વસ્તુ નોંધી કે દરેક શહેરને એના આગવા ફુવારાઓ હોય છે. અહીં પણ એવું જ હતું. દૂરથી તમને સાત પથ્થરના બનેલા સાત થાંભલા દેખાય પાસે જઈને જોતા ખબર પડે કે એ તો ફુવારા છે.

દરેક થાંભલાની ઉપર એક ફરતો પથ્થર હોય. એટલે એક ધડ અને એક માથું. એમાં કાણા પડેલા હોય. પાણીના દબાણથી દરેક મસ્તક ફરે જુદી જુદી ઝડપે ને પાણી વછૂટે.
દરેક થાંભલા વચ્ચે એટલું અંતર કે તમે એની વચમાંથી પસાર થાવ તોય ભીંજાઓ નહિ. ને જે ધ્વનિ પ્રગટે તેથી એમ લાગે કે લોકો એકમેક સાથે વાતો કરે છે. શહેરને 1995માં સાતસો વર્ષ પૂરા થયા એની યાદમાં આ ફુવારો એક બેન્ક દ્વારા શહેરને ભેટમાં મળ્યો. આમાં જે પથ્થરો વપરાયા છે તે એકદમ પ્રાચીન છે.
એક સરસ શરૂઆત આ શહેરની થઇ ગઈ. આગળ જઈને અમે પાછા ડાબી બાજુ આવેલી ગલીમાં વળ્યાં જે જૂના શહેરનો મુખ્ય રસ્તો હતો.
રસ્તામાં ચાલતા ચાલતા અમે છેક એના એક છેડે પહોંચી ગયા જ્યાં ડાબી બાજુએ હાઈ કેસલ નામની ઇમારત આવેલી. પાંચસોથી વધુ જૂનો આ કેસલ એક કાળે ઓગ્સબર્ગના બિશપનું ઉનાળુ રહેઠાણ હતું. હાલ એ ટેક્સ ઓફિસરનું રહેઠાણ છે. એની અંદર આવેલો ક્લોક ટાવર પણ જોવા જેવો છે.
આ કેસલની સામે આવેલું છે બેનેડીકટેઈન સેન્ટ માન્ગ મોનેસ્ટરી જ્યાં હાલમાં ફુસ્સેન હેરીટેજ મ્યુઝિયમ છે.
અહીં તમે દુનિયાના સર્વોત્તમ વાયોલિન અને લૂટ (એક જાતનું તંતુવાદ્ય)નો એક એવો સંગ્રહ જોઈ શકો છો જે છે બેનમૂન. અહી ઓર્ગનનો સંગ્રહ પણ જોવા મળે છે. આ સિવાય ચિત્રોનો સંગ્રહ પણ અદભુત છે. કમનસીબે અમે પહોંચ્યા ત્યારે મ્યુઝિયમ બંધ થઇ ગયેલું એટલે બહારથી જ જોઈને સંતોષ માન્યો.
અમે જ્યાં ઉતરેલા એ ગલી ને આ ગલી બંને એકમેકની સમાંતર આવેલી હતી. આ ગલીમાં કલાકેક રખડ્યા પછી એક રેસ્ટોરન્ટ શોધી ત્યાં રાતનું ભોજન લઇ ઉતારે પાછા ફર્યા. અલબત્ત અમારી ગલીની સામે જ આવેલા ગ્રોસરી સ્ટોરમાંથી આવતી કાલ માટેની નાસ્તા સામગ્રી ખરીદીને.
આવતી કાલે અમે ડિઝનીએ લોકપ્રિય બનાવેલા પરીકથા સમા કેસલ ન્યુશ્વાનસ્ટેન કેસલ અને હોહેનશ્વાનગાઉ કેસલ જોવા જવાના હતા. પગપાળા જાવ તો સવા કલાક લાગે. બસમાં ત્રીસ મિનિટ અને કારમાં 8થી 10 મિનિટ.
અમારી પાસે કાર હતી એટલે નચિંત હતા પણ અમારી ઊંઘ વેરણ બની જાય એવી વાત બની. કેપ્ટન ઓન લાઇન ટિકિટ બુક કરાવવાનો પ્રયત્ન કરતો હતો ને ખબર પડી કે ઓન લાઇન બુકીંગ બંધ થઇ ગયુ છે એટલે હવે વહેલી સવારે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ મેળવવાની… જો મળે તો.
મુલાકાતીઓનો ધસારો જબરદસ્ત હોય છે એટલે સમયાનુસાર ટિકિટ અપાય ને તમારે ઠરાવેલ સમયમાં એ જોવાનું હોય. અમારા જેવા અનેક હશે તેઓ ત્યાં આવીને લાઈન લગાવવાના એટલે અમારે વહેલી સવારે ત્યાં પહોંચી જવું પડે.
ટિકિટ ન મળી તો આ ફુસ્સેનની ટ્રીપ માથે પડે ને આ કેસલસ જોવાની તક જતી રહે. આમ થાય તો તો મોટી ગરબડ થઇ જાય. અમે વહેલી સવારે પાંચ વાગે ઉઠી ગયા ને ઝટપટ નાહીને નીકળી પડ્યા. નાસ્તો બનાવવાનો ને કરવાનો સમય ગુમાવવો પરવડે તેમ ન હતો.
(ક્રમશ:)