“બે જુદા ભાવવિશ્વની ગઝલ…” ~ *મહિલા દિવસ વિશેષ* ~ હિમાદ્રી આચાર્ય દવે
“બે જુદા ભાવવિશ્વની ગઝલ…” ~ *મહિલા દિવસ વિશેષ*
(સમાન રદીફ-કાફિયા સાથે)
“નારી… (1)”
સભર સભર હું છલકતી પ્યાલી ‘ને રંગે ઘૂંટયો સુગંધી રસ છું,
તમારા હોવાની હું શરત છું, સદાયે ફળતી ભૂમિનો કસ છું!
ન મુજને માપો, પ્રમાણતા નહિ, ટૂંકી જ પડવાની માપપટ્ટી
ન પામવાનાં કિનારે રહીને, ભીતર જો તાગો, તો હું સ-રસ છું
તમારી હદમાં રહું છું, છોડી અફાટ નભની ઊંચી ઉડાનો
સભર અભાવોથી હું રહું છું, ન જાણશો કે નિરસ નિરસ છું
ખપે ખિતાબો ન તાજ મોટા, શબદના અંબાર પણ ન ખપતાં
નથી હું અબળા ન થાઉ બાગી, તમારા જેવી, સહજ સરસ છું!
તમારા આંગણની દીપજ્યોતિ ‘ને અવસરોનું છું શુભ મુરત
તમારા ચહેરાનું સ્મિત મીઠું તમારું ફળતું નવું વરસ છું
સમાનતા હું શું કામ માંગું, અનેરી છે અસ્મિતા જ મારી,
ઘણી ઘણી છું તમારા જેવી, તમારા કરતાં ઘણી સરસ છું!
~ હિમાદ્રી આચાર્ય દવે
“નારી… (2)
છું ક્ષેમકુશળ, સદાય હસતી, તમે જુઓ છો, સરસ સરસ છું.
તમારી આંખોમાં ના ઝિલાયું કે કેટલી હું તહસનહસ છું!
થીજેલ વેરાન હિમનગરનાં બરફ તણી શુષ્ક છું પરત -પણ,
જો ખુંપશો તો જ પામી શકશો કે ભીતરે હું સભર સ-રસ છું
અભાવ વચ્ચેય મેં લૂંટાવી જીવનનાં રસની મધુર લ્હાણી
ભીતર જો ઝાંકો તો હું પરબ છું, નયનમાં ઝાંકો તો હું તરસ છું
ફક્ત તમારા જ શમણાં કાજે, ગુલાબી શમણાંનો બાગ ત્યાગી,
જમીન બિનખેતી મેં ઠરાવી, નહીં તો કસથી છલકતો રસ છું
તમે જ નક્કી કરેલી હદમાં હું વિસ્તરુ છું, બીડેલી પાંખે
ગગન-મિનારા છો આંબી શકતી, ભવન તમારાની હું ફરસ છું
~ હિમાદ્રી આચાર્ય દવે