‘ગાંધારી’ ~ એકોક્તિ ~ મીનાક્ષી વખારિયા (મુંબઈ)

(આંખે પાટો બાંધેલી ગાંધારીને શ્રીકૃષ્ણ (કલ્પિત) પોતે હાથ પકડીને, કુરુક્ષેત્રનાં રણમેદાનમાં લઈ આવતા હોય છે. હવામાં આમતેમ હાથ વડે ફંફોળતી, દીર્ઘ શ્વાસ લઈને, આજુબાજુનાં વાતાવરણનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરતી તેણી પૂછે છે…)

“હે કેશવ, તમે મને ક્યાં લઈ આવ્યા? આ….આ ગીધ, ચીબરી, કાગડાઓના કર્કશ અવાજો…, સડેલાં લોહીમાંસની બેભાન કરી દેતી આ દુર્ગંધ…! અવશ્ય…અવશ્ય, તમે મને કુરુક્ષેત્રમાં લઈ આવ્યા છો.

શું કહ્યું? મારા પુત્રોના અંતિમ દર્શનાર્થે…? ના હોય….ના હોય…!”

(કાન પર હથેળી દાબતાં, ત્રસ્ત થઈને ઊંચે અવાજે કૃષ્ણ પર રોષે ભરાઈને)

“ફરી પાછું તમારું આ જુઠ્ઠાણું? હે કેશવ, તમને ભાન છે, તમે કેવો અગનખેલ રમી રહ્યાં છો? હજી કેટલાં છળકપટ, કાવાદાવા ખેલશો અમારી સાથે?”

(આકાશ તરફ જોઈને)

“હે મહાદેવ, દ્વારિકાના ધણીનાં મુખે આવી કાળવાણી સાંભળતા પહેલા હું મરી કેમ ન ગઈ?

મા યશોદાના જાયા, તમને સમજાય છે કંઈ? સો-સો પુત્રો ગુમાવવાનું દુઃખ? ના સમજાય તો પૂછી લેજો તમારી બંને માતાઓને…! એમને ભાગે તો પુત્ર વિરહ જ સહન કરવાનો આવ્યો છે અને મેં તો…”

(અને રડતાં રડતાં પૂછે છે)

“હવે…, હવે કોના આધારે? શા માટે જીવવાનું અમારે બંનેએ?

(અચાનક જ) મારું હવે એક છેવટનું કામ કરશો, કેશવ? ક્યાંકથી વિષગુટી મંગાવી આપો,… ઘૂંટીને પી નાખીએ એટલે થાય અમારો છૂટકારો…!”

(ગાંધારી હ્રદયદ્રાવક કલ્પાંત કરતી રહે છે. કેટલીયે પળો એમ જ વિતે છે. પછી કંઈક સ્વસ્થ થઈ જતાં બે ડગલાં, આગળ આવીને બોલે છે.)

“હે કેશવ, ચાલો… તમે કહો છો તો મારાં લાડકવાયાઓને, મારાં હ્રદયના ટુકડાઓને છેલ્લીવાર જોઈ જ લઉં… એમ કરતાં હું ફાટી પડું તો સઘળો દોષ તમારો…!”

(ને આંખે બાંધેલો પાટો છોડી નાંખે છે. વર્ષો પછી આટલો બધો ઉજાસ સહન નથી થતો. આંખોને ખુલી રાખવા પ્રયત્ન કરવો પડે છે.)

(અને ગગનભેદી ચિત્કાર કરી ઊઠતા) “હે પ્રભુ, આ વિનાશકારી મહાયુદ્ધે મારાં વહાલાં સંતાનોને ઓળખાય એવાય નથી રહેવા દીધાં. કોઈનો હાથ નથી તો કોઈનો પગ, ચહેરાય ફૂલી ગયા છે, ઓળખાતા પણ નથી… કોઈનું ધડ ક્યાં, તો માથું ક્યાં?

કેશવ, તમે, મને આવું દુર્ગમ દ્રશ્ય જોવા બોલાવી? આ દારુણ દ્રશ્ય હું કેવી રીતે ભૂલી શકીશ? તમે તો મારું સુખચેન હરી લીધું. એક જનેતાની લાગણીઓ સાથે તમે જે ખેલ ખેલ્યો છે તેને હું, કદાપિ ક્ષમા નહીં કરું.

તમે જગતના રચયિતા, મહાન યુગદ્ર્ષ્ટા! વળી સામ, દામ અને દંડભેદના જાણકાર! ધારત તો રણભૂમિ પરના આ વિનાશકારી યુદ્ધને રોકી શક્યા હોત… પણ ના, તમારે તો અધર્મ પર ધર્મને જીત અપાવવી હતી. સમગ્ર ભારતવર્ષમા ધર્મને સ્થાપિત કરવો હતો ને?

તો જુઓ, આ આર્યનગરી હસ્તિનાપુરમાં સ્મશાનવત સૂનકાર વ્યાપી ગયો છે તે? ચારેકોર હાહાકાર પડઘાઈ રહ્યો છે…! સાંભળો છો ને? વનવગડો તો કેવો વેરાન થઇ ગયો છે. તેના સઘળાં વૃક્ષોના લાકડાં, સેનાનીઓના અંતિમ સંસ્કારમાં વપરાઈ ગયા છે. લાકડા ખૂટી પડતાં, મૃતદેહોને સરયૂ નદીમાં વહાવી દેવા પડે છે.

હે રામ, જુઓ, જુઓ અમારી આ પાવન સરયૂ નદીનું જળ રક્તરંજિત થઈ ગયું છે તે…! સોએ સો કૌરવપુત્રો, તમારી એકોએક નારાયણીસેના. તમારા – અમારા મિત્ર રાજ્યોની સેનાઓનો અને પાંડવોના વિશાળ સૈન્યનો કચ્ચરઘાણ નીકળી ગયો. ક્યારેય ભૂલાય નહીં એવો વિનાશ સર્જાઈ ગયો છે તે માત્ર ને માત્ર તમારે લીધે જ! શું આ છે તમારો ધર્મ?

કેશવ, તમે મારા પ્રશ્નો સાંભળીને મલકાઈ રહ્યા છો? સર્વત્ર વિનાશ, વિનાશ ને વિનાશ! કેવા કઠોર છો તમે? કાંઈ ફરક નથી પડતો?”

(ફરીથી આંખે પાટો બાંધીને જાણે (કલ્પિત) કૃષ્ણની આજુબાજુ ચક્કર લગાવતી હોય તેમ, ફિટકારથી બોલી ઊઠે છે),

“ધિક્કાર છે તમને નંદજીના લાલા, લગીરેય શરમ-લજ્જા બચી હોત તો મારી આંખોમાં, આમ આંખ મેળવીને જોઈ જ ના શકત…! હું, મહાદેવની આજન્મ ઉપાસક, એક સતી, પતિવ્રતા સ્ત્રી તમને શ્રાપ આપું છું. જાવ, કુરુવંશની જેમ તમારો યદુવંશ પણ આપસમાં લડી લડીને નામશેષ થઈ જશે ને… ને તમે તડપી તડપીને સાવ એકલાં, અજાણી જગ્યાએ મરો. તમારી અંતિમક્ષણે ગંગાજળ પીવડાવવાવાળું પણ કોઈ ન હોય…”

(ક્ષણેક પછી અચાનક બોલી ઊઠે છે)

 “કેશવ, એ શું બોલ્યા, તમે? શું એ નિયતિ હતી…! મહાકાળે નિર્મિત કરેલું? હજીયે અસત્યનો જ સહારો…? ક્યાં સુધી? કેટકેટલાં દોષો ગણાવું તમારા? જિંદગી આખી તમે છળકપટ અને કાવાદાવા સિવાય કર્યું છે શું, બીજું?

આજે જે કંઈપણ ઘટ્યું છે તેનાં મૂળમાં તમે, તમે ને તમે જ છો. બિચારા બ્રાહ્મણપુત્ર અશ્વત્થામાને માથામાં ઝરતો ઘાવ લઈને યુગો-યુગો સુધી ભટકતાં રહેવાનો તમે શ્રાપ આપ્યો! કારણ, એણે પાંડવોના પુત્રોને મોતને ઘાટ ઉતાર્યા! પાંડવોનું બહુ લાગી આવ્યું નહીં, તમને? પાંડવો તરફી તમારો એ વિશિષ્ઠ પક્ષપાત નહીં તો બીજું શું? એની સજા તો તમારે ભોગવવી જ રહી.

હું તમને બીજો શ્રાપ પણ આપું છું, ધ્યાનથી સાંભળજો…, સતીના શ્રાપ કદાપી ટાળી નથી શકાતાં. ‘જાઓ, જીવશો ત્યાં સુધી, ભૂતકાળની એ ભયાનક ભૂતાવળો તમને યાદોમાં આવી સતાવ્યા કરશે. જે તમને, દિવસે શાંતિથી જીવવા નહીં દે ને રાતોની તમારી નિંદર છીનવી લેશે…’

કેશવ, હમણાં ને હમણાં તમે મારી સમક્ષથી દૂર થઈ જાવ નહીં તો, ઘોર અનર્થ થઈ જશે.”

(તે હાથ જોડતી ધ્રૂજી રહી. (કેટલીક ક્ષણો આમતેમ આંટા મારી રહી. કૃષ્ણના રવાના થઈ જવાનો અંદેશો આવતાં જ તે પાગલની જેમ ખડખડાટ હસી પડે છે… ઉપર આકાશ તરફ જોતાં)

“ભ્રાતા શકુનિ, જોયું ને? આજે, આપણે વર્ષોથી પંપાળી રહ્યાં હતાં એ એષણા ફલિત થઈ તે! વાકબાણો મારી મારીને યુગપુરુષને મેં કેવા લજ્જિત દીધાં તે! તમેં જોયું, લજ્જાના માર્યા એ કેવા ક્ષુબ્ધ  થઈ ગયેલા! કુટિલ, કપટી ભીષ્મ પિતામહને જેનું અભિમાન હતું, ગૌરવ હતું એ કુરુવંશનું સમૂળગું નિકંદન નીકળી ગયું!

હા…હા…હા, (હસે છે) એક સમયે દોમદોમ સાહ્યબીથી છલકાતાં હસ્તિનાપુરની થયેલી અવદશા તમે જોઈ કે નહીં? મારા હૈયે તો આજે એવી શાતા વળી છે કે ન પૂછો વાત!  હાશ!”

(એકાએક તે, આવેશપૂર્વક આંખેથી પાટો ખોલી નાખે છે.)

 “મારા સો કુંવરોમાંથી કોઈ બચ્યું નહીં! હું મા હતી તેમની, પણ લોહી તો કુરુવંશનું જ ને? એટલે એમના નિકંદનથી મારું મન લેશમાત્ર પણ દુખાયું નથી. શું કહો છે? પેલા આંસુ? એ તો નર્યું સ્ત્રીચરિત્ર જ! લોકોને દેખાડવા માટે રડવું પણ પડે ને!  બાકી તો, મગરનાં આંસુ હતાં મગરનાં!”

(ફરીથી તે ખડખડાટ હસી પડે છે ને પછી કંઈ યાદ કરતી હોય તેમ, ઉપર જોઇને)

 “હે ભ્રાતા શકુનિ, ભીષ્મ પિતામહે આપણી સાથે, ગાંધાર સાથે જે છળ કર્યું તેનો બદલો તો લેવાનો જ હતો. કૂટનીતિજ્ઞ પિતામહ, ગાંધારના અતિથિ બન્યા. આપણાં પિતાશ્રી સુબલરાજને મોટીમોટી વાતોથી ભરમાવી, હસ્તિનાપુરના બળાબળની શેહમાં લાવીને મારા વિવાહ યુવરાજ ધૃતરાષ્ટ્ર સાથે નક્કી કરાવ્યા, ધૃતરાષ્ટ્ર વિના જ…! સારુંનરસું વિચારવાનો સમય પણ ન આપ્યો અને હસ્તિનાપુર જવા માટે, અણધારી જ, ઉતાવળભેર મારી વિદાય કરાવી લીધી.

સારું થયું હં…, વળાવિયા તરીકે ભ્રાતા, તમે મારી સાથે જ આવ્યા. મારી અંગત સખી કહો કે દાસી, ભૂમિકા પણ આપણી સાથે જોડાઈ. એની પંચાત કરવાની કુટેવ ખરે સમયે રંગ બતાવ્યો. આપણો મસમોટો રસાલો હસ્તિનાપુર પહોંચે તે પહેલાં જ યુક્તિથી એ વાત લઈ આવેલી ને કહેલું કે ‘હે ગાંધારપુત્રી, આપની સાથે છળ થયું છે. યુવરાજ ધૃતરાષ્ટ્ર તો જન્માંધ છે.!’

એ સાંભળીને યાદ છે, ભ્રાતા? આપણે પાછાં વળી જઈએ એવો એક વિચાર પણ તમને આવેલો પણ ત્યાં સુધીમાં આપણે તો હસ્તિનાપુરના પાદરે પહોંચી ગયેલાં. ગાંધારથી હસ્તિનાપુરનું અંતર કાપતાં લગભગ ત્રણેક મહિના વિતી ગયેલાં. આપણે અને આપણો આખો રસાલો ખૂબ થાકી ગયેલો. વળી ઉમંગભેર, મને વિદાય કરીને નિરાંત અનુભવતાં આપણાં માવતરનું ઘડપણ બગડે એવું મારે કંઈ જ નહોતું કરવું. ખૂબ સમજાવટ પછી તમે મારા વિચારો સાથે સહમત થયેલા. એ જ ઘડીએ આપણે બંનેએ કુરુવંશને નિર્વંશ કરી, મહાસત્તાધારી હસ્તિનાપુરનો સર્વનાશ કરવાનું પ્રણ લઈ લીધેલું તે?”

 “હસ્તિનાપુર પહોંચ્યા પછી જ્યારે લગ્નમંડપમાં અંધ ધૃતરાષ્ટ્રનો પ્રથમવાર સામનો થયો ત્યારે હું, ખરેખર છળી મરેલી. મારી હ્રદયોર્મિ ક્ષતવિક્ષિત થઈ ગઈ. હું નિયતિ સામે લાચાર હતી, અસહાય હતી. અંતે અમારો વિવાહ રાજવી ઠાઠમાઠ સાથે સંપન્ન થયો. રાજકુળના નિયમ પ્રમાણે હું ગાંધારી, હસ્તિનાપુર જેવા દિગ્ગજ રાજ્યની પટરાણી બની. ત્યાં હાજર સર્વે વડીલોને અમારે સજોડે પાયલાગણ કરવાનું હતું. બધાનાં શુભાશિષ લેવાયા. જ્યારે ભીષ્મ પિતામહનો વારો આવ્યો ત્યારે પગે લાગતાં લાગતાં તેમના કાનમાં મેં મારી મનોકામના વ્યક્ત કરી દીધેલી કે ‘હે પિતામહ, તમે જે કપટનો આરંભ કર્યો છે તેનો અંત હું જ લાવીશ!’

પિતામહ, મારા વચનોનો મર્મ તો પામી જ ગયેલા. કૂટનીતિ જેમની રગરગમાં ભરી હતી એવા તેમણે મૂંગા આશીર્વાદ સિવાય કોઈ પ્રતિક્રિયા બતાવી નહીં. પછી તો તમને ખબર છે ને? આજીવન તેઓ મારી વાતમાં કે મારા સંબંધે કોઈ વાત નીકળતી ત્યારે મૌન જ ધારણ કરી લેતા.”

(ગાંધારી થોડાં ડગલાં ચાલે છે ને ફરી કંઈ યાદ આવ્યું હોય તેમ વાત આગળ વધારે છે.)

“….એ પશ્ચાત બીજો આંચકો! અંધ પતિને સમર્પિત હોવાનો દેખાડો કરી મેં મારી આંખે આજીવન પાટો બાંધી દીધો. સચ્ચાઈ એ હતી કે કુદરતી રીતે જ આપણાં મનોભાવ આપણી પોતાની આંખોમાં સહજપણે દેખાઈ આવતા હોય છે, અને? …. અને મારે મારા મનોભાવ કુરુવંશના ઠેકેદારો સમક્ષ છતા નહોતાં થવા દેવા… કારણ અહીં તો મારે કોઈ ભૂલચૂક વગર ઘણાં દિવસો, કદાચ વર્ષોના વર્ષો સુધી કુરુવંશ પ્રત્યેની ઘૃણા મનમાં ઘૂંટ્યા કરવાની હતી. કોઈનેય રતિભાર વહેમ ન આવે એ રીતે આદર્શ પત્ની, મહાન પટરાણી અને આજ્ઞાંકિત પુત્રવધૂની ભૂમિકા ભજવવાની હતી ને ભજવી પણ ખરી જ તો!”

“મારા સદભાગ્યે, તમે સતત મારી સહાયમાં રહેલાં કૌરવપુત્રોનો ઉછેર સ્વહસ્તક રાખીને, પાંડવો પ્રતિ વેરનો કક્કો ઘૂંટાવવામાં તમે જરાય ઊણા નહોતા ઉતર્યા. હું પોતે બધાનાં દેખતાં પાંડુપુત્રોને, દ્રૌપદીને કે રાજયમાં કોઈનેય કૌરવપુત્રો તરફથી કનડવામાં આવતા ત્યારે કૌરવોને ઉપરછલ્લો ઠપકો આપતી. ક્યારેક સજા પણ આપતી પણ મનેષણા તો બંને પિત્રાઈઓ વચ્ચે વૈમનસ્ય વધારવાની જ હતી. આપણું જે લક્ષ્ય હતું, તે કુરુવંશનો સર્વનાશ નોતરવાનું અને કેશવને પોતાની જ નજરોમાં નીચો પાડવાનું, જે આજે પાર પડ્યું.!

સાચે જ, આજે હરખનું માર્યું, મારું હૈયું હાથમાં નથી રહેતું. મારા એ રાજીપાની કોઈ સીમા નથી. ચાલો ત્યારે, હું ઉત્સવ મનાવું, તોરણિયાં બંધાવું. મારી પ્રજાને મીઠા ભોજનિયા કરાવું. આજે ખૂબ ખૂબ હસુ અને સૌને હસાવું…”

 (આમ બોલતાં બોલતાં મોટેથી પોક મૂકી, જમીન પર ફસડાઈ જાય છે. ને પુત્રોને યાદ કરતી, પારાવાર કલ્પાંત કરી છાતી ફૂટવા લાગે છે.)

 ~ મીનાક્ષી વખારિયા (મુંબઈ)
vakhariaminaxi4@gmail.com

Leave a Reply to MinaxiCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 Comments

  1. ખૂબ સરસ ગાંધારીની અભિવ્યક્તિ દર્શાવી છે.

  2. સરસ રીતે ગાંધારીની અભિવ્યક્તિ દર્શાવી છે.

  3. બહુ જ સરસ એકોકતિ, ગાંધારી ના મનોભાવો આલેખવામાં લેખિકા ની કલમ તેજ ધારે ચાલે છે.અભિનંદન્