નવેસર હવે ચલ, શરૂઆત કરીએ ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
વર્ષ ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે. પહેલી જાન્યુઆરીએ જ ઇસરોએ વિરલ કહી શકાય એવું એક્સોપેઝેટ મિશન લૉન્ચ કરીને ભારતની વૈજ્ઞાનિક છબિ સુદૃઢ કરી.
બાવીસમીએ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થશે ત્યારે સનાતન ધર્મની ફરફરતી ધ્વજા આખું વિશ્વ નિહાળશે. અનેક પારંપરિક સમસ્યાઓ વચ્ચે ફીલ ગુડ વર્તાઈ રહ્યું છે ત્યારે સર્વ વાચકોને નવા વર્ષની શુભકામના અને આપણી માતૃભાષા અને સાહિત્ય માટે સૌકોઈ યથાશક્તિ પ્રયાસો કરે એવો આગ્રહ નહીં પણ દુરાગ્રહ. રાજેશ વ્યાસ મિસ્કીનની પંક્તિઓનો સાર આપણે ક્યારે અમલમાં મૂકીશું?
ટીપું છીએ, વિસાત ભલે કૈં નથી છતાં
ભેગા થઈને ચાલને સાગર બનાવીએ
ગમશે બધે જ, એક શરત છે ઓ જિન્દગી
કરીએ વહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ

સૃષ્ટિ સુંદર જ છે, પણ આપણાં દુઃખો એને કદરૂપી ચીતરે છે. જિંદગી ટકાવવાની મથામણ જિંદગીભર ચાલ્યા કરે એવા સંજોગોમાં ઘણી સારી વાતો નજર ભાર અને પહોંચ બહાર રહી જાય. ગમે એટલા અપરિગ્રહી હોય તો પણ દરેક જણને એકાદ સપનું તો હોવાનું. આપણા જેવા સામાન્ય માણસોને તો સપનાંઓ હોલસેલમાં હોય. આપણા રાગદ્વેષ, ગમા-અણગમા વગેરેને કારણે સંબંધો જ નહીં, સપનાંઓ પણ અળપાઈ જાય છે. દિનેશ કાનાણી મર્યાદા છડેચોક સ્વીકાર કરે છે…
બે’ક સપનાં તો બધાને હોય, મારે પણ હતાં
ઘરમાં ઝઘડા તો બધાને હોય, મારે પણ હતા
શું કરીએ જિંદગી નાટક કરાવે છે સતત
એક-બે ચહેરા તો બધાને હોય, મારે પણ હતા

એક-બે ચહેરા હોય ત્યાં સુધી ઠીક છે, પણ પાંચ-પચ્ચીસ ચહેરા હોય એવા માણસને ઓળખવો મુશ્કેલ બની જાય. સમજવા પૂરતું કહીએ તો અરવિંદ કેજરીવાલને જોઈ લો. તમને બધું જ સમજાઈ જશે. જિંદગી નાટક કરાવે એ વાસ્તવિક વિમાસણ છે, જ્યારે સત્તા નાટક કરાવે એ વરવી વાસ્તવિકતા છે. રમેશ પારેખના દુહા સાથે લાચારી વ્યક્ત કરીએ…
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર
અમે કમળની દાંડલી – કરીએ શું તકરાર?
કચ્છની કલાકારીમાં ભરતગૂંથણ, બાંધણી, પકવાન ઉપરાંત સૂડી-ચપ્પુ પણ વખણાય છે. અંજારમાં એક સમયે સૂડી-ચપ્પુનું બજાર ધમધમતું હતું. આજે સૂડીનો ઉપયોગ ઓછો થઈ ગયો છે.

ટેક્નૉલૉજી સાથે અગવડો જાય એ આવકાર્ય છે, પણ પારંપરિક ચીજવસ્તુઓની સાથે કૌશલ્ય ભૂંસાતું જાય એ ચિંતાજનક છે. આપણી વિરાસત બહમૂલ્ય છે.

ખલીલ ધનતેજવી ઉફરું વિચારે છે…
પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી
ટોળામાં ભળી જવાનું સહેલું હોય છે. અલગ ચીલો ચાતરવો હોય તો કસબ પણ જોઈએ અને ધીરજ પણ જોઈએ. જે વિચારોને શેખચલ્લી જેવા ગણીને હસી કઢાયા હોય એ વિચારો સાકાર થાય ત્યારે એમનું મહત્ત્વ સમજાય.

નિશ્ચિત ઢાંચાની બહાર પણ એક વિશ્વ હોય છે. જો આપણે ભીતરના વિશ્વની વાત કરીએ તો સુરેન્દ્ર કડિયા કહે છે એવી અનુભૂતિ થઈ શકે…
ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ
શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

રામમય થઈ રહેલા વાતાવરણમાં રાવણમય તત્ત્વો સક્રિય થઈ ગયાં છે. રાજકારણ ગંદી ચીજ છે એ તો ગર્ભમાં રહેલા બાળકને પણ ખબર હશે, પણ એ નીચત્વની પરમ સીમા તરફ ધકેલાઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. રામ માંસાહારી હતા એવું કહીને મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે નિમ્ન ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વાત સત્ય-અસત્યની નથી, આ વાત કાદવ ઉછાળતી મલિન માનસિકતાની છે. કેટલાક લોકો પાસે આંખ નથી હોતી, કેટલાક પાસે ચશ્માં નથી હોતા, કેટલાક પાસે દૃષ્ટિ નથી હોતી. સુધીર પટેલ અસીમને શબ્દસ્થ કરે છે…
એ કહો કઈ જગા નથી હોતા?
આપણે પામવા નથી હોતા
ગુફ્તગૂ જાતથી કરીએ કેમ?
કોઈ પળ એકલા નથી હોતા

લાસ્ટ લાઇન
અબોલા તજીને ફરી વાત કરીએ
અધૂરી રહી, તે મુલાકાત કરીએ
હશે ભૂલ મારી, કદી ક્યાંક તારી
કરી માફ દિલથી, કબૂલાત કરીએ
વીતી વાત વાગોળવાથી મળે શું!
નવેસર હવે ચલ, શરૂઆત કરીએ
નસીબે હતી, ઝૂંટવી જે લીધી તે
સુગંધી ક્ષણોની વસૂલાત કરીએ
રહે અંતરે દીપ ઝળહળ નિરંતર
પ્રણયથી ઉજાસી બધી રાત કરીએ
~ દીપાલી લીમકર ‘દીપ’ (દુબઈ)
~ ગઝલસંગ્રહ : દીપ તારી યાદનો

વાહ હિતેશભાઈ ખૂબ સરસ આલેખન… 💐
સરસ લેખ…સુંદર શેરોનું સુપેરે ચયન.. છેલ્લે દીપાલીની ગઝલ પણ ખૂબ મજાની..
વાહ હિતેનભાઈ સુંદર અને પ્રાસંગિક. અભિનંદન દીપાલી.