પાંચમું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. મેં તો કોરાયેલ ગરબો ૨. મા! ધન્ય બની ૩. માડી પધારો…

 ૧. મેં તો કોરાયેલ ગરબો

મેં તો કોરાયેલ ગરબો દીઠો,
રે માડી મને શુકન થયાં,
માંહી ઝગમગતો દીવડો અનોખો,
રે માડી મને શુકન થયાં.

રોમરોમમાં ઝળહળ
માનો દોમદોમ દરબાર,
નાદે અંબર ગાજે,
માનો રણઝણતો અંબાર,
સઘળે પ્રસરે છે તેજનો લિસોટો,
રે માડી મને શુકન થયાં.
મેં તો કોરાયેલ…..

તાળીઓના તાલે આખી
અવની રૂમેઝૂમે,
મહેકે ચંદનચોક એમાં
માવલડી ગોળ ઘૂમે,
કેવો સોહે ગુલાબ ને ગલગોટો,
રે માડી! મને શુકન થયાં.
મેં તો કોરાયેલ…..

૨. મા! ધન્ય બની

હો.. હો.હો.. હો..હો..હો..

ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ..
ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ…(૨)
ધન્ય ધન્ય ધન્ય હો મા!…(૨)

મા! ધન્ય બની તુજથી આ ધરતી,
મા! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી.

મા, તારા ખોળામાં સહુને
શાતા કેવી મળતી!
તારે હૈયે સ્નેહ નીતરતી
એક નદી ખળખળતી,
સદા અમારાં સુખને કાજે
પાલવ તું પાથરતી,
મા! તું વ્હાલની ભરતી,
વ્હાલની ભરતી, વ્હાલની ભરતી.

માથી મોટી કોઈ પ્રાર્થના
નથી જ સચરાચરમાં,
આખી દુનિયા સમાઈ જાતી
માના એક અક્ષરમાં,
મમતાની એ મૂરત જોઈ
ઈશની આંખો ઠરતી,
મા! તું વ્હાલની ભરતી,
વ્હાલની ભરતી, વ્હાલની ભરતી.

૩. માડી પધારો…

માડી પધારો મારે આંગણે રે.
મેં તો દીવડો પ્રગટાવ્યો ઝાકમઝોળ
કે માડી, તમે વહેલાં આવો રે.

સખી! હળવે ચંદનચોક છાંટજોને,
લીલા તોરણિયાં બંધાવો કે માડી,
તમે વહેલાં આવો રે.

ભાઈ રે સુથારી! રૂડા બાજઠ લાવોને,
ઉપર મોરપોપટ ચિતરાવો
કે માડી, તમે વહેલાં આવો રે.

ભાઈ રે દોશીડા! રૂડી ચૂંદડી લાવોને,
માંહી રૂપેરી તારલિયા ટાંકો
કે માડી, તમે વહેલાં આવો રે.
ભાઈ રે સોનીડા! રૂડા ઝાંઝર લાવોને,
એમાં સોનાની ઘૂઘરી લગાડો
કે માડી, તમે વહેલાં આવો રે.

ભાઈ રે માળીડા! રૂડા ગજરા લાવોને,
એને મોગરાની કળીથી ગૂંથાવો
કે માડી, તમે વહેલાં આવો રે.
ભાઈ રે કુંભારી! રૂડો ગરબો લાવોને,
એને લાલચટક રંગે રંગાવો
કે માડી, તમે વહેલાં આવો રે.

~ યામિની વ્યાસ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.