બે ગઝલ ~ ઉષા ઉપાધ્યાય

. જળસમાધિ…!

લો હવે આ નાવને સઢ અપાવો કે જળસમાધિ;
આપના આ હાથમાં છે, સાચવો કે જળસમાધિ!

કેટલાયે  દાયકાથી  બાળતો’તો  જે   હુતાશન,
આપની  ફૂંકે ઠરે  છે,  જાળવો  કે  જળસમાધિ!

ને પ્રણયમાં હોય ના કૈં માગવાનું કે આપવાનું,
બસ,  ફરેબી વાયદાને  કાપવો કે  જળસમાધિ!

છે સમયના હાથમાં ફૂલો અને તલવાર સાથી,
આ જગતથી જાતને કૈં તારવો  કે જળસમાધિ!

રે અહીં તો ચોતરફ છે ઝાંઝવાની એ જ રમણા,
તું નથી છળ, એ ભરોસો આંજવો કે જળસમાધિ!

  • ઉષા ઉપાધ્યાય

મુદિત મન…!

અમે મોર  દાદુર  મલ્હારી  સદાના;
પતંગ પાંખ ઝીણી સતારી સદાના.

સ્વયં સૂર્ય પણ જ્યાં ઊગે નિત્ય નૂતન
અમે એ મુદિત મન અટારી સદાના.

ધરી પાલખી જે કુસુમ સૌરભે આ,
અમે એ નિજાલય સવારી સદાના.

હશે ગારુડી એય કેવો અજાયબ!
અમે ભાન ભૂલ્યા મદારી સદાના.

ઢળ્યે સાંજ અંધાર ઘેરો ઊતરતાં
અમે સાદ દેતા  રબારી  સદાના.

  • ઉષા ઉપાધ્યાય

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.