રક્ષાબંધનનો દિવસ, ૨૦૨૩ ~ જયશ્રી વિનુ મરચંટ

ચાલો, આજે રક્ષાબંધનના આ પવિત્ર દિવસે રાખડી બાંધીએઃ

  • આ વૃક્ષ પર માળો બાંધીને બેઠેલા પંખીઓના ટહુકાને,
  • ઘાસનાં લીલાછમ ગાલીચાની નીતરતી લીલાશને,
  • મોગરા અને રાતરાણીની સુગંધમાં તરબતર લહેરાતી હવાની લહેરખીઓને,
  • પર્વતોના ઢોળાવ પરથી લપસવાની મજા લેતાં લેતાં, ખિલખિલાટ હસતાં ઝરણાંના કલરવને,
  • વહેલી સવારના સોનવર્ણા તડકાની કુમાશને,
  • સ્તબ્ધ થઈને, સ્થગિત થઈ ગયેલી બપોરના અગતિગમનને,
  • ડૂબતા સૂરજ સાથે પોતાનું માથું પણ સાગરના ખોળામાં મૂકી, લજવાતી, શરમાતી સાંજની લાલિમાને,
  • વ્યોમગંગાની હોડીમાં તરતી રાતની નિઃશબ્દ શાંતિમાં ઊડતા આગિયાના ચમકારાને,
  • તારલિયા અને ચાંદનીમાંથી ટપકતી અમૃતમય આભાને,
  • તપતી ધરા પર મન મૂકીને વરસેલા પહેલા વરસાદથી ઊઠતી મીઠી સોડમને,
  • બદલાતી દરેક મોસમના મોહક અને મોઘમ ઈશારાને,
  • હાથીને મણ અને કીડીને કણ આપવા માટે આ ધરતીની સહનશીલતાને

કારણ, માણસ નામની એક પ્રાણીની જાતને હજારો વર્ષોથી તમે રક્ષતા આવ્યા છો અને એ માણસ જાતમાં હું પણ છું. પણ, હવે તો એવું કદાચ ભાવિમાં કરવું પડે કે તમે સહુ ભેગા મળીને, માણસ નામની આ પ્રાણીની સમસ્ત જાતને રાખડી બાંધવા જીવિત થઈને દર્શન આપો, જેથી અમારી નગુણી માણસની આ જાત કોઈક રીતે તો તમારી સાથે પ્રણ-બંધનમાં બંધાય… અને, તમારી રક્ષા કરવા ઉદ્યત થાય!

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.