ગાડી ભાડે કરીએ છીએ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-3 ~ ઉત્કર્ષ મઝુમદાર

અમારું પ્લેન ફ્રેન્કફર્ટ શહેર ઉપર મંડરાઈ રહ્યું છે. થોડીક જ વારમાં અમે એના એરપોર્ટ પર ઉતરાણ કરીશું. અમે બધા ઉત્તેજિત છીએ. નિશ્ચિન્ત અને મારી બંનેની આ લાંબામાં લાંબી યાત્રા સુખરૂપ નિર્વિઘ્ને પાર પડે એવી આશા રાખું છું.

સીટ પાસેની બારીમાંથી ઘરો નાના નાના રમકડાં જેવા દ્રષ્ટિગોચર થઇ રહ્યા છે ને મારું દિલોદિમાગ સરકી જાય છે, બેંતાળીસ વર્ષ પહેલા.

સન ૧૯૭૭માં પ્રથમ વાર પરદેશ જઈ રહ્યો હતો એ પણ યુએસએ અને કેનેડાની નાટક ટુરમાં. એ પણ એર ઇન્ડિયાના પ્લેનમાં જ વાયા ફ્રેન્કફર્ટ. ઈકોનોમી કલાસિસની સિટ્સમાં એ વખતે લેગ સ્પેસ વધારે હતી.

એ વખતે  બારીમાંથી દેખાતા નળિયાવાળા નાના નાના ટચુકડા ઘરોની છબી હજી સુધી મારા મનમાં અંકિત થયેલી છે. અમારે ન્યુ યોર્ક જવા માટે ફ્લાઈટ અહીં બદલવાની હતી કે એ જ ફ્લાઈટ હતી એ અત્યારે યાદ નથી, પરંતુ અમારે અહીં કેટલાક કલાકનો હૉલ્ટ લેવાનો હતો એ યાદ છે.

પ્લેને ઉતરાણ કર્યું ને અમે થોડીવારમાં એના ટર્મિનલની ડ્યૂટી-ફ્રી શોપ્સના વિસ્તારમાં રોમાંચિત થઈને દોડ્યા. એ અરસામાં ભારતમાં પરદેશી વસ્તુઓ આજની જેમ ખુલ્લેઆમ મળતી નહિ. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો જમાનો હતો. અમે ભુખાળવી નજરે ત્યાંની દુકાનોમાં ગોઠવાયેલી વસ્તુઓ જોઈ રહ્યા હતા.

અહાહા! ચોકલેટ્સ, શરાબ, કપડાં, વીજળીથી ચાલતા ઉપકરણો ને કઈ કેટલું બધું. ક્યારેય જોઈ ન હોય એવી ચીજવસ્તુઓના દર્શન થઇ રહ્યા હતા. જોકે અમારે માત્ર જોવાનું હતું, ખરીદવાનો તો સવાલ જ ન હતો. ખિસ્સામાં ફદિયા હોવા જોઈએને! એ વખતે આઠ રૂપિયે ડોલર હતો પણ અમારી પાસે થોડાક જ ડોલર્સ હતા.

અચાનક મારું ધ્યાન એક શોપ પર ગયું ને મને આંચકો લાગ્યો. એ હતી સેક્સ શોપ. આ અગાઉ ભારતમાં તો આવી કોઈ દુકાન ખૂણેખાંચરે છુપાયેલી જોઈ હોય એવું પણ ના હતું. અહીં જાહેરમાં અને તે પણ એરપોર્ટ પર જ્યાં આબાલવૃદ્ધ સહુ સાથે મુસાફરીઓ કરતા હોય ત્યાં આવી શોપ?

કોઈ પણ છોછ વગર લોકો દુકાનની અંદર જઈ ખરીદી કરી બહાર આવતા હતા. અન્ય કોઈ વસ્તુઓ ખરીદીએ તેમ એ વસ્તુઓ ખરીદાતી હતી. પછી સમજ્યો કે ‘કલ્ચરલ શોક’ની બધા જે વાતો કરે છે તે શું છે.

ખોટું નહિ કહું, કુતુહલથી બહાર દેખાતી એ અવનવી વસ્તુઓને અત્યંત ઉત્તેજનાથી જોતો રહ્યો. એ ઉંમર જ એવી હતી. બીજો આંચકો અસંખ્ય ‘ગોરા’ અને આફ્રો-અમેરિકન્સ લોકોને જોઈને લાગ્યો. અમારી એક સાથી કલાકાર તો બોલી ઉઠી કે “હૈ લ્યા, અહીંયા તો કેટલા બધા ‘ફોરેનર્સ’ છે. ” ભૂલી ગઈ કે અહીંયા તો આપણે ‘ફોરેનર્સ’ છીએ.

પ્રથમ વાર વિવિધ પ્રકારની ચીજવસ્ત્તુઓ અને વિવિધ રંગના, વિવિધ પ્રદેશના માણસો, ભાતીગળ લિબાસમાં અહીં જોવા મળ્યા.

1977થી દ્રશ્ય બદલાય છે ને પહોંચી જાઉં છું સન 2000માં. ફરીથી યુએસએ જઈ રહ્યો છું. એ પણ વાયા ફ્રેન્કફર્ટ જ. ફ્લાઇટ બદલવાની છે ત્રણેક કલાકનો હૉલ્ટ છે. ફરીથી ડ્યૂટી ફ્રી શોપ્સ આવેલી ત્યાંથી પસાર થયા.

આ વખતે વસ્તુઓ જોવાની ઘેલછા રહી નથી. ભારતમાં પણ રંગીન ટીવી આવી ગયું છે અર્થતંત્ર મુક્ત થતા પરદેશી વસ્તુઓ પણ સહેલાઈથી મળી રહે છે. આ વખતે કોઈ રીઢા મુસાફરની જેમ પસાર થઈને એક શાંત જગ્યા શોધીએ છીએ જ્યાં બેસીને નાટકનું રીડિંગ કરી શકાય કારણ કે છેલ્લી ઘડીયે કલાકાર બદલાવાથી નવો કલાકાર સાથે છે.

અચાનક મારા ધ્યાનમાં આવ્યું કે પેલી મોકાના સ્થાન પર આવેલી સેક્સ શોપ ત્યાં નથી અને ઘણા બધા ફેરફારો થઇ ગયા છે. વિશ્વ કેવું ઝડપથી બદલાય છે. એક વસ્તુ મને સમજાઈ ગઈ કે ‘આ દુનિયામાં કશું શાશ્વત નથી સિવાય કે બદલાવ.’

Life Changes When We Change

વસ્તુઓ આવે ને જાય, માણસો આવે ને જાય, રુચિ પણ બદલાય, ફિલોસોફીમાં પણ બદલાવ આવે. અરે દેશની સરહદો પણ બદલાય.

સન 1977માં ફ્રેન્કફર્ટ વેસ્ટ જર્મનીનો ભાગ હતું. સન 2000માં એ અખંડ જર્મનીનો ભાગ છે. ઈસ્ટ જર્મની અને વેસ્ટ જર્મની ફરી પાછા એક થઇ ગયા છે. દુનિયાનો રાજકીય નકશો પણ બદલાઈ ગયો છે. જૂના દેશો નકશામાંથી ભૂંસાઈ ગયા છે ને નવા દેશોએ આકાર લીધો છે. કેટલુંય પાણી વહી ગયું છે. ‘બદલાવ’ આ વાત જો ધ્યાનમાં રહે તો સુખ-શાંતિ આસાનીથી મળી શકે.

દિલોદિમાગ હવે આવી ગયા વર્તમાન કાળખંડમાં. ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ઉતર્યા. સદ્ભાગ્યે ઇમિગ્રેશનમાંથી પસાર થતા વાર ન લાગી. જીવનમાં પહેલી વાર આ વિધિ પતાવીને એરપોર્ટની બહાર ન નીકળ્યો.

હું જ નહિ અમારામાંનું કોઈ પણ બહાર ન નીકળ્યું; બલ્કે અમે એરપોર્ટની અંદર જ હતા ને બીજા છેડે ચાલવા લાગ્યા. કારણ એ હતું કે બહાર અમને કોઈ લેવા આવ્યું નહોતું કે ના અમારે ટેક્સી કરીને હોટેલ કે કોઈકને ઘરે પહોંચવાનું હતું. આ અમારી રોડ ટ્રીપ હતી એટલે અમે અમારે અમારી ગાડી જેનું બુકીંગ સીજેએ અહીં આવતા પહેલા કરાવી દીધેલું તે ગાડી લેવાની હતી. તેથી અમે કાર કંપનીના કાઉન્ટર ભણી જઈ રહ્યા હતા.

ખાસ્સું ચાલવું પડ્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે એરપોર્ટ કેટલું વિશાળ હતું. મેં ટેવ મુજબ અહીંતહીં જોવામાં ડાફોળિયા ન માર્યા કારણ કે હું વાંકમાં આવું એ મારે જોઈતું ન હતું. ઉલ્ટાનું મને તો ઉતાવળ હતી કે ઝટ ગાડીનું પતી જાય ને અમે ફટાક દઈને નીકળી પડીએ સેન્ટ ગોર તરફ જવા. જ્યાંથી અમારી ટુરની શરૂઆત થતી હતી.

અમે કાર હાયરની ઓફિસમાં પહોંચ્યા ને સીજેને એક લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું. વિધિઓ પતાવતા થોડીવાર થઇ ને મારી બેચેની વધી ગઈ. સીજે ચાવી અને કેટલાક કાગળિયા લઈને આવ્યો. એણે એની માનીતી બીએમડબ્લ્યુ પસંદ કરી હતી.

ગાડીઓ જ્યાં પાર્ક કરેલી તે જગ્યાએ પહોંચવા પણ ખાસ્સું ચાલવું પડ્યું. જર્મની ઊતરતાની સાથે જ અમારું ચાલવાનું શરુ થઇ ગયું હતું તે અમે પાછા ફરશું ત્યાં સુધી ચાલુ રહેવાનું હતું.

આખરે અમે ત્યાં પહોંચ્યા ને હવે બીજી મુસીબતનો સામનો કરવાનો હતો. અસંખ્ય કાર્સમાંથી અમારી કાર શોધવાની હતી. જુદા જુદા મોડેલ્સની અને કંપનીઓની સેંકડો કાર્સમાંથી અમારી કાર શોધવી એ સમય માગી લે તેવું કામ હતું. (આ દર્શાવે છે કે કાર હાયર પર આપવાનો વ્યવસાય કેટલો ફૂલ્યોફાલ્યો હશે.)

કોઈ કર્મચારી હતો નહિ. બધું જાતે કરવાનું હતું. છેવટે અમારી બીએમડબ્લ્યુ શોધવામાં સફળ થયા પણ એક વિઘ્ન દેખાયું. કારની ડીકી અમારો બધો સામાન સમાવી શકે એટલી મોટી ન હતી.

સીજેએ કહ્યું, “સાંકડમોકડ આપણે ચલાવી લઈશું -વાળો અભિગમ કામ નહિ લાગે. બે ત્રણ દિવસ નહિ પરંતુ બાવીસ દિવસ આમાં કાઢવાના છે. મોટી ડીકી વાળી ગાડી લીધા વગર છૂટકો નથી.”

સીજે પાછો પેલી ઓફિસમાં ગયો નવી ગાડી માટે. એને આવતા લગભગ વીસેક મિનિટ થઇ ત્યાં સુધીમાં મેં સદ્નસીબે એક ટોયલેટ જે નજીક્માં જ હતું ત્યાં જઈ મારી કેબિન બેગમાં રાખેલું એડલ્ટ ડાયપર કાઢી પહેરી લીધું.

અહીંથી સેન્ટ ગોર સુધી પહોંતાં બે કલાક જેટલો સમય લાગવાનો હતો ને રસ્તામાં ને રસ્તામાં જયારે જરૂર પડે ત્યારે ટોઇલેટ્સ આવે નહિ તો મોટી મુશ્કેલી ઊભી થાય. હિન્દુતાન જેવું નહિ કે રસ્તામાં ક્યાંય ગાડી ઉભી રાખી, હળવા થઇ જાવ.

પરદેશમાં તો ગાડી રસ્તામા ઊભી રાખી આવું કરાય જ નહિ. (આમ જોવા જાઓ તો હિન્દુસ્તાનમાં પણ આવું કરાય જ નહિ.) તકેદારી રાખવી સારી. હું તો હિન્દુસ્તાનમાં પણ બાય રોડ લાંબી મુસાફરી કરવાની થાય તો (મોટે ભાગે તો ટાળું) તો ત્યાં પણ ડાયપર પહેરી લઉં જેથી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો ન પડે.

મને એનો કોઈ છોછ નથી ઉલ્ટાનું મુક્ત મને મુસાફરી કરી શકાય. જેમ ઉંમર થતી જાય તેમ ઘણો બદલાવ આવે. આગળ જેમ કહ્યું તેમ ‘બદલાવ’ જ મુખ્ય છે. એ સ્વીકારી લો એટલે ભયો ભયો.

Care4 Hygiene – Adult Diaper – Care4 Hygiene

સામાનમાં મેં આટલા બધા દિવસો માટેના ડાયપર લઇ રાખેલા એટલે હું લાંબી મુસાફરી નચિંત થઈને માણી શક્યો. મારી તો મોટેરા માણસોને આ જ સલાહ છે કે ડાયપર સાથે રાખવા એટલે ઘાંઘા થવું ન પડે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.