ઠંડા સન્નાટાની અડોઅડ ~ લલિત નિબંધ ~ નીતિન ત્રિવેદી (ભાવનગર)
મોડી રાત છે, પણ મધરાત નથી. જાગું છું, પણ ઉજાગરો નથી. બહારથી ખુલ્લી બારી વાટે આવતા ઠંડા સપાટા થીજવી દે એવા કાતિલ નથી.
શહેરી શોરબકોરથી દૂર દૂર જઈએ ત્યારે આવા ગ્રામીણ મૌનનું મૂલ્ય સમજાય છે. કાનના પરદા પર પડતા ઉઝરડા પર શીતળ લેપ લીંપાય છે… ને બસ એમ જ નીરવ શાંતિનું સામ્રાજ્ય વિસ્તરતું જાય છે.
ઓરડામાં નર્યો સન્નાટો છે. બહારના અંધકારથી નાસીને આવેલો લાગતો પ્રકાશનો એક ટુકડો ઓરડાની છત પરના બલ્બમાં કેદ છે.
મનમાં કેદ થઈ ગયેલા કેટલાંક સ્મરણો ઊભરાઈને બહાર આવી, આંખો સામે ઊભાં રહી જાય છે. દેખીતી એકલતા હોવા છતાં મહેફિલમાં આવી ચડ્યો હોઉં એવું કેટલીક ક્ષણ અનુભવાય છે. ખુદ મહેફિલ મારી એકલતા જોઈ આવી ચઢી હશે એમ માનવું વધુ ગમે છે. ફીણના પરપોટાઓ જેવી ક્ષણોની મહેફિલમાં એકાદ પરપોટો ફૂટે છે અને વળી એકલતામાં સરી પડાય છે.
દૂર, કદાચ ગામના ચોરેથી, ભજનના સૂરો હવાની સાથે વહેતાં વહેતાં અહીંના સન્નાટાને સ્પર્શીને આગળ ચાલ્યા જાય છે. દેખીતું કારણ ન હોવા છતાં ન સમજાય એવું સંવેદન થાય છે. ને કશુંક બોલી ઊઠવાનું મન થાય છે.
કોઈની સાથે વાતો કરવાની તડપ ઊઠે છે પણ સાદ પાડીને બોલાવી શકાય એટલું નજીક અત્યારે કોઈ નથી. અંદરથી આવતો ઉમળકો પાછો પડે છે. કોઈને મળવાની કે વાતો કરવાની ઇચ્છા પર ક્યાંકથી લપાઈને આવીને પોષ મહિનો ચડી બેસે છે… ને આવી આવી ઇચ્છાઓ થીજી જાય છે.
ઇચ્છાઓની અસરમાંથી માંડ બહાર આવું છું. અત્યારે ખામોશી છે કે ખલેલ, એ સમજવાની ઇચ્છા આળસ મરડીને જાગે છે.
વિચાર આવે છે; કોલાહલ વગરની કેટલીક ઘટનાઓનો પિંડ આવા વાતાવરણમાં બંધાતો હશે? એમાં એ હવામાં જરા સરખી પણ હૂંફ હોય તો? હૂંફાળી હવામાં બનતી ઘટના રૂપાળી થઈ જતી હશે?
હવાનો સપાટો આવે છે. ને ભીંત પરના કૅલેન્ડરનાં પાનાંઓ ફફડી ઊઠે છે. કેલેન્ડરમાંથી દરરોજ એક એક દિવસ ખરતો જાય છે. રાતો પણ વેરાતી જાય છે. આ રાતો, આ દિવસો.. અરે, વરસોનાં વરસો… ગણ્યાં રે ગણાય, વીણ્યાં રે વીણાય, તોય મારી જિંદગીમાં ન માય !
ભીંત પરથી નજરને ધક્કો લાગે છે. ને પડે છે આ લંબચોરસ દુનિયા વચ્ચે ઊંચે લટકીને વીજળી બોર્ડની લાચારી ભોગવતા ૬૦ વૉલ્ટના ‘સૂર્ય’ ૫૨. એ સૂર્યની આસપાસ કેટલાંક જંતુઓ સતત પરિભ્રમણ કરી રહ્યાં છે.
ગ્રહો કે ઉપગ્રહો વગરના આ સૂર્યને અવારનવાર ગ્રહણ લાગતું રહે છે. જોકે આવા ટાણે સામેની ભીંતમાંના ‘શૉ કેઈસ’માં રબરનો સાપ સ્થિર નજરે એ સૂર્યને તાકતો રહે છે એ જુદી વાત છે. આવો સાપ મંદિરમાં ગોઠવ્યો હોય તો એની પૂજા થાય. પણ આ તો ‘શૉ’ માટે છે. માણસને ક્યાંય કે ક્યારેય ‘શૉ’ કર્યા વગર ચાલતું નથી, શૉ કર્યા વગર પોતાનો ‘ચાર્મ’ કઈ રીતે સિદ્ધ થાય!
માણસ માટે શૉ કરવો અનિવાર્ય શા માટે છે એ જલદી સમજાતું નથી. ગામડાંના પાકાં મકાનના ઓરડામાં આવો શૉ કેસ હોવો એ પ્રગતિનું પ્રતીક ગણાય. એક ડગલું ભરવામાં ગામડાને વર્ષોનાં વર્ષો કેમ લાગી જાય છે, એ સમજાતું નથી.
કશુંક સમજવાનો પ્રયાસ કરતાં કરતાં નજર નજીકની ભીંત પર પડે છે. આકાશની વાદળીઓમાંથી અવનવા આકારો શોધવાની મોજ પડે છે એવી જ મોજ ભીંત પર ચૂનાની પોપડીઓ ઊખડી જાય એ પછી ઊપસતાં આકારોમાંથી પડે છે.
આકારોના આવા શહેરમાં ક્યાંક ક્યાંક કેટલાક ચહેરાઓ નજરે ચડે છે. એમાં વળી કોઈ પરિચિત ચહેરો પણ દેખાય. સાદ પાડવા જઈએ તો અવાજ ભોંઠો પડે ને પછી માત્ર મહોરાં દેખાય. બસ આ જ કારણે આકારોનું શહેર લાગે છે, ગામડું નહીં.
ચોરસ ચોકીમાં મોહનથાળનાં ચોસલાં પડ્યાં હોય એવી લાદીજડિત ‘ધરતી’માં માટીની મીઠી સોડમ તો ક્યાંથી મળે? રસ્તો ભૂલેલ કોઈ રજકણ આવી ચડે તો એના પર પાછું સાવરણીનું બુલડોઝર ફરી વળે. એ બધું તટસ્થ અને નિખાલસ અરીસો તાક્યા કરે છે, પણ રજકણને ન્યાય અપાવી શકતો નથી.
ખૂણામાં નહાવા માટે ચોકડી છે. એમાં એક બાલદી છે. બાલદીમાં એક નાનકડું સરોવર છે, જેમાં કમળ ખીલી ઊઠવાની શક્યતા ડૂબી ગયેલી છે.
બારીમાંથી ખળખળ આવતી હવાની ઠંડક બાલદીમાંના શાંત અને ગતિહીન સરોવરને વધુ ઝંખવાણું પાડી દે છે. આવા સરોવરનું ‘વાંઝિયામહેણું’ ભાંગે એવા ટહુકા માટે પંખી ક્યાં? જેને પંખી થવું છે એને પાંખ ક્યાં? પાંખ છે એને માટે અહીં આકાશ ક્યાં?
પોતે સૂર્ય છે એવા ભ્રમમાં રહેતા બલ્બને જોઈ છતને પણ આકાશ થવાનાં ઘણાંય સપનાં આવે. બિચારી છત! એનાં સપનાં દિવાસ્વપ્ન ન હોય તોય ન ફળે. છતને તો બસ સપનાંની છત, પણ એ ફળવાની અછત. વૅન્ટીલેશનની બહાર વાદળ જોઈ નિસાસા નાખે.
છતને ક્યારેક ધુમાડો અડે તો ધુમાડાને વાદળ હોવાનો વહેમ પડે; પછી એ છોભીલું પડીને વિચારે, ‘હું ક્યાં આકાશ છું?’ સ્વિચ ઑફ થાય, ને બાર રૂપિયાનો સૂર્ય ક્ષણવારમાં આથમી જાય, ત્યારે છત પોતાની જાતને સંકોરીને જુએ, ‘ક્યાંય તારા ઊગી નીકળ્યાં છે?’
– પણ છતને શું ખબર હશે, કે એની નીચે વસતા, છતાં અછતથી સતત અકળાતા રહેતા માણસની સૌથી મોટી ઉપલબ્ધિ છત પોતે છે?
સામેની ભીંત પર ખીંટીએ ચોરસ ફ્રેઇમમાં એક ચહેરો ટીંગાયેલો છે. ચહેરાના હોઠ પરનું સ્મિત ‘ફ્રીઝ’ થઈ ગયું છે. ફ્રીઝ થઈ ગયેલું સ્મિત ઓગળે તો ઉદાસી ઊપસી આવે, પણ એવી કોઈ શક્યતા એમાં નથી.
‘સ્માઇલ પ્લીઝ’ની ક્ષણ સમયવટો ભોગવી રહી છે. ને ઉદાસીનાં વરસો ફ્રેમ બહાર ખુલ્લેઆમ ઘૂમી રહ્યાં છે.
પડછાયાં તો આવા ટાઢાબોળ તડકામાંયે સતત હાજરાહજૂર હોય છે. નહીં દેખાતાં દેવ-દેવીઓ હાજરાહજૂર હોવાનો ભ્રમ સેવતો માણસ સદા હાજરાહજૂર એવા પડછાયાની નોંધ સરખી લેતો નથી.
જીવનની તડકી-છાંયડીની ફિલસૂફી વેરતા પડછાયાને નથી ભેદી શકાતો, નથી છેદી શકાતો, નથી ભૂંજી શકાતો, નથી ભીંજવી શકાતો.
એ જોતાં પડછાયો આત્મા જેવો ગણાય, પણ આત્માને છેતરી શકાય છે, પડછાયાને છેતરી શકાતો નથી. અલબત્ત એને ભગાડી શકાય. અંધારું આવે એટલે એ અદૃશ્ય, પણ એ માટે આપણે અંધારા જેવા અંધારાના ઑબ્લિગેશનમાં રહેવું પડે છે. આપણો પડછાયો છુપાવવા આપણી જાત છુપાવવી અનિવાર્ય થઈ પડે, પણ જાતનું સૂક્ષ્મ અપમાન કરવું એના કરતાં પડછાયાનું સન્માન કરવું બહેતર ગણાય.
ધરતી પર અંધારું આપમેળે આવે ત્યારે પણ આ ‘ચોરસ’ દુનિયામાં ઊછીનો દિવસ જલદી આથમતો નથી. આવા દિવસના ઊગવા-આથમવા માટે સ્વિચનું ઑન અને ઑફ થવું જરૂરી છે. અને એ રીતે દિવસ આથમે પછી પણ સોડ તાણ્યા બાદ ઇચ્છાઓ કેદમાંથી છૂટી શકતી નથી. કાં જાગરણ થઈ જાય, કાં તો સમણાંમાં ડોકાય.
આ ઇચ્છાઓ રૂમઝૂમ કરતી નીકળી પડે. સામે સપનાંઓ મળે. ઇચ્છાઓ અને સપનાંઓનું મિલન અને સમૂહનૃત્ય આખી રાત ચાલ્યા કરે.
ઇચ્છા અને સ્વપ્ન મળે ખરાં, પણ ફળે એની કોઈ ગૅરંટી નહીં. ખુદ જિંદગીના ચોક્કસ માપની ગૅરંટી નથી હોતી તો એની આડપેદાશની તો ગૅરંટી ક્યાંથી હોય?
બસ… આમ ને આમ સવાર પડે છે. એ સાથે જ ઠંડા સન્નાટામાં ઝીણી ઝીણી તિરાડો પડવા લાગે છે અને નવા જગતમાં પ્રવેશ થાય છે.
વિસ્મય પણ થાય છે, એક જિંદગી ને બે જગત! બબ્બેનું પ્રભુત્વ પણ કેટલું બધું! તમસ- અજવાસ… સ્નેહ-નફરત… સુખ-દુઃખ… ઊડવું-પડવું… કેટકેટલુંયે! અરે, આપણાં તો ધોરણોયે બેવડાં. જાણે એક ભવમાં બે ભવ!
~ નીતિન ત્રિવેદી
(નીત્યો શૂન્યવેદી)
ભાવનગર
(૯૪૨૮૫૮૯૯૨૩: ૭૯૯૦૫૩૨૩૦૫)