માતૃવંદના ~ ચાર ગઝલ ~ દીપક ઝાલા “અદ્વૈત” (નૈરોબી)

1) તારણ હતી “મા”

અમારી ખુશીઓનું કારણ હતી “મા”
બધા દર્દનું એક નિવારણ હતી “મા”

શિરે ધોમધખતો લઈ તાપ હસતી,
મળે સૌને ટાઢક એ ઠારણ હતી “મા”

મિટાવી શકે જે ધડીભરમાં સઘળાં,
હતા લાખ ઝખ્મો ને મારણ હતી “મા”

વહાવ્યો સદા સ્નેહ આંખોથી એણે,
મીઠું વ્હેણ ગંગાનું ઝારણ હતી “મા”

હતી જિંદગી ક્યાંક વૈશાખ જેવી,
જીવન બાગમાં પોષ-ફાગણ હતી “મા”

હ્રદયની ધરા પર અમી છાંટણા સમ,
ગમે સૌને એ ઋતુ શ્રાવણ હતી “મા”

કદી આંગળી ચીંધતું કોઈ સામે,
સહે ઘાવ સઘળાં એ વાઘણ હતી “મા”

કદી ચૂકવી ના શકું વ્યાજ જેનું,
ખરેખર અમારી તું થાપણ હતી “મા”

તમે “દીપ” એના વિના છો અધૂરા,
જીવનનું તમારા તો તારણ હતી “મા”
*

2) “મા” સહે છે

ક્યાં કશું એ તો કહે છે?
“મા” તો ફોટામાં રહે છે.

યાદ જ્યારે “મા”ની આવે,
આંસુ એકધારા વહે છે.

આ હૃદય વ્યાકુળ થઈને,
હાજરી “મા”ની ચહે છે.

સ્મિત હોઠો પર સજાવી,
દર્દ લાખો “મા” સહે છે.

“મા” વિનાના “દીપ”ને તો
આગ અંદર પણ દહે છે.
*

3)  તારા વગર મમ્મી…

મહિના ને ઉપર વર્ષો જશે,
તારા વગર મમ્મી,
અમારી જિંદગી સૂની હશે,
તારા વગર મમ્મી.
જરા સી વાતમાં પપ્પાની તાળી
આપતી’તી તું,
ફરીથી કોણ તાળી આપશે,
તારા વગર મમ્મી?
હવે તારા વિના પપ્પા
પડ્યા છે એકલા જો ને,
ઝુરીને રાત આખી જાગશે,
તારા વગર મમ્મી.
ભલે ને કામમાં ખુદને
પરોવી તો  લઈશું, પણ
નિરંતર આંખ મારી ટપકશે,
તારા વગર મમ્મી.
ખુદા આપે જો મોકો,
તો ફરી પાછી તને માગું
લગીરે ચેન મળશે ના કશે,
તારા વગર મમ્મી.
વધુ આગળ જરા, તો ઘોર
અંધારા મળે સામે,
ભયંકર લાગશે દિશા દશે,
તારા વગર મમ્મી.
સમય પાછો વળી આવે
તો રોકી હું લઉં પાસે,
તને વળગી રડું, એવું થશે
તારા વગર મમ્મી?
કરીને યાદ આખી રાત
રોતો બસ રહું છું હું,
કહે ક્યાંથી રહું મારા વશે
તારા વગર મમ્મી.
સગાંવ્હાલાં બધા તારા
‘દીપક’ને સાચવે સારું,
છતાં તારી કમી તો સાલશે
તારા વગર મમ્મી.
*
4) કમી લાગે છે મા
તું નથી તો જિંદગી
બહુ આકરી લાગે છે મા,

આટલી વિશાળ દુનિયા
સાંકડી લાગે છે મા.

ફેરવ્યો’તો  હાથ માથા પર
તેં મારા એ પછી,
આખી દુનિયાની દુઆઓ
વામણી લાગે છે મા.

રોજની ઘટમાળમાં
ખુદને  પરોવી  રાખું છું,
પણ બધું હોવા છતાં
તારી કમી લાગે છે મા.

ના, જરા પણ એવું ના
વિચારતી હું ખુશ નથી,
ખુશ રહું છું પણ ખુશીઓ
વાંઝણી લાગે છે મા.

હા સમય સાથે બધું
થાળે જ પડતું  હોય છે,
પણ સમયને મારી સાથે
દુશ્મની લાગે છે મા.

એમ વલખાં મારું પાણી બહાર
જાણે માછલી,
હું  જે રીતે જીવું છું એ
વાજબી લાગે છે મા?

મસ્ત  ફોટોફ્રેમમાં
રાખી મઢાવી તે છતાં,
જોઈ લે મારા વગર
તું એકલી લાગે છે મા

~ દીપક ઝાલા “અદ્વૈત” (નૈરોબી)
dipak.zala@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.