દરેક તબક્કામાં મેં એક નવી જીજી જોઈ છે: મારી મા અને હું ~ ગિરિમા ઘારેખાન
અનેક વાર સાંભળ્યું છે કે ‘પ્રેમ આંધળો હોય છે.’ એકબીજાના આંધળા પ્રેમમાં પડતા નાયક-નાયિકાઓની વાર્તાઓ પણ વાંચી છે અને આંધળુકિયા કરીને પ્રેમમાં પડતા લોકોને જોયાં પણ છે. પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના આવા પ્રેમને શું આંધળો પ્રેમ કહી શકાય? અરે ચર્મચક્ષુ વિનાની બે વ્યક્તિઓ એકબીજાના પ્રેમમાં પડે એમાં પણ આંખો સિવાયની બીજી ઈન્દ્રીયોએ ભાગ ભજવ્યો જ હોય છે.
એટલે જ મને કાયમ લાગે છે કે એક મા પોતાના ગર્ભમાંના બાળકને જે પ્રેમ કરે છે એ ખરેખર આંધળો પ્રેમ છે. એને જોયા પહેલાંનો તો ખરો જ પણ એના હાલતા અસ્તિત્વની અનુભૂતિ થતા પહેલાં જ, પોતાના ગર્ભમાં એક બાળક છે એની સભાનતા થાય ત્યારથી માતા તો એ અજન્મા, અણદીઠા શિશુને પ્રેમ કરવા જ માંડે છે.
પૃથ્વી ઉપરની દરેક માતા પોતાના બાળકને પ્રેમ કરતી હોય એટલી ‘મારી મા મને બહુ પ્રેમ કરતી હતી’ એમ કહીશ તો એમાં કશું નવું નથી. મારી મા માટે નવું એ હતું કે એ એના પ્રેમને ક્યારેય દેખાડતી, વ્યક્ત કરતી ન હતી.
મારી મમ્મીનું નામ જીગીષા. અમે ત્રણેય ભાઈ બહેનો એને ‘જીજી’ કહીને બોલાવતાં. એના ઢીચણથી પણ લાંબા કાળા ભમ્મર વાળને લમણાથી લઈને ચોટલા સુધી ધીરે ધીરે સફેદ થતા જોયા એ જિંદગીના દરેક તબક્કામાં મેં એક નવી જીજી જોઈ છે.
મમ્મી ખેંચી ખેંચીને ખોળામાં બેસાડતી હોય, માથે હાથ ફેરવ્યા કરતી હોય કે બકીઓ ભર્યા કરતી હોય એવી અવસ્થા તો લગભગ બાળક બધું યાદ રાખતું થાય એ પહેલાના બાળપણમાં જ પૂરી થઇ જતી હોય છે.
સમજણમાં આવ્યા પછી જીજીએ અમને ક્યારેય વળગીને વ્હાલ કર્યું હોય કે બકી કરી હોય એવું યાદ નથી આવતું. સ્કૂલમાંથી કે બીજી કોઈ પ્રવૃત્તિને લગતી મોટી ‘ધાડ મારીને’ આવી હોઉં ત્યારે પણ એણે એવો ખાસ હરખ વ્યક્ત કર્યો હોય કે પીઠ થાબડી હોય એવું યાદ નથી આવતું.
કદાચ એટલે જ હું ખાસી મોટી થઇ ત્યાં સુધી મમ્મી કરતાં પપ્પા સાથે વધારે અટેચ્ડ હતી.

મમ્મી અને પપ્પાનો ઉછેર તદ્દન જુદી જુદી રીતે થયો હતો. મમ્મીનું કુટુંબ વગવાળું, પૈસાવાળું, આબરૂદાર, ‘મોટું ઘર’ કહેવાય એવું. નાનાજી વકીલ અને કુટુંબ શિસ્તનું અતિશય આગ્રહી. ‘છોકરીઓએ આવી રીતે જ બેસાય, આવી રીતે જ હસાય, આટલું જ બોલાય અને અમુક રીતે જ ખવાય’-એવા બધા આગ્રહવાળું.
પપ્પાએ નાનપણમાં જ એમના મમ્મી-પપ્પા ગુમાવી દીધેલાં એટલે લગભગ ‘એમની રીતે’ જ ઉછરીને મોટા થયા હતા. એટલે બંનેના જીવન જીવવાના અભિગમમાં બહુ ફેર. મમ્મી એના લોહીમાં વણાઈ ગયેલી શિસ્ત અમારામાં જોવા માંગતી અને પપ્પા એમણે ન મેળવેલો માબાપનો પ્રેમ અમારી ઉપર ઠાલવતા.
હું ઘરમાં સહુથી નાની એટલે એ સ્નેહ મારા ઉપર તો ધોધ થઈને ઠલવાતો.
આ બધાનું પરિણામ એ આવ્યું કે મારી બધી નાની નાની માંગણીઓ પપ્પા પાસે જ થતી. ઘણીવાર એવું બન્યું છે કે પપ્પાની બારોબાર પરવાનગી લઈને પિચ્ચર જોવા ગઈ હોઉં કે બહેનપણીઓ સાથે બહાર ગઈ હોઉં અને ‘જીજી તો ના જ પાડશે’ એ બીકથી ન એને પૂછ્યું હોય કે ન એને જણાવ્યું હોય. જીજી ક્યારેક ઠપકો આપે ત્યારે એની સામે ‘પપ્પાને કહી દઈશ’ એવું ટ્રમ્પ કાર્ડ પણ વાપર્યું હશે.
ઘરમાં જીજીનો અવાજ જ ઓછો એટલે ‘કિશોરી’ થઇ ત્યાં સુધી તો એની સાથે જાણે આત્મીયતા ઓછી હોય એવું જ લાગતું.
પણ જયારે મારું ‘સ્ત્રી’ બનવાનું ચાલુ થયું ત્યારથી જીજીનો પ્રેમ અનુભવાયો અને સમજાયો. એ દિવસોમાં જીજી મારું ખૂબ જ ધ્યાન રાખતી–શારીરિક અને માનસિક- બન્ને રીતે. એ પછી અમુક વાતો તો જીજી સાથે જ થાય એવું થઇ ગયું. શિસ્ત અને નિયમોની ઢાલ નીચે ઢંકાયેલો એનો પ્રેમ ડોકિયાં કરતો દેખાવા માંડ્યો.
એની પાસેથી એની નાનપણની વાતો સાંભળી ત્યારે ખબર પડી કે એ અમુક જ પ્રકારના વ્યવહારની આટલી બધી આગ્રહી કેમ હતી. મારો બહારની દુનિયા સાથેનો પરિચય જેમ જેમ વધતો ગયો એમ એમ ખબર પાડવા માંડી કે મમ્મીએ આપેલી તાલીમને લીધે હું મારી વયના બીજા ઘણા બાળકો કરતાં ઘણી વધારે આગળ હતી.
એ મને કહેતી એ ઘણી મને ‘ન ગમતી’ વાતો મારી જાણ વગર મારામાં આત્મસાત થઇ ગઈ હતી અને એ વાતો મને જિંદગી જીવવામાં, આગળ વધવામાં ઘણી મદદરૂપ થતી હતી.
એ તબક્કો એવો હતો જયારે મેં મારી માને સમજવાનું ચાલુ કર્યું હતું. અત્યારે એ ન હતી બતાવતી એ પ્રેમ પણ દેખાતો હતો, અનુભવાતો હતો અને એના અવ્યક્ત સ્નેહની સરવાણીથી મન ભીજાતું જતું હતું –ભૂગર્ભમાં રહેલું પાણી જેમ ઉપરની જમીનને ભેજવાળી રાખીને એના ઉપર વનસ્પતિ ઉગાડે એવી રીતે મારી ઘણી ગેરસમજણનું સૂકું થઇ ગયેલું ઘાસ લીલું અને કૂણું થવા માંડ્યું હતું.
પણ મારી માને મેં ખરેખર ઓળખી મારા લગ્ન થયા પછી, ખાસ કરીને હું પોતે ‘મા’ બની ગઈ પછી. પ્રેગ્નન્સી અને બાળઉછેરના દરેક પગથીયે એવું થતું કે ‘મારી જીજીને પણ આવું જ થયું હશે ને? એને પણ મને જન્મ આપતી વખતે આટલું જ કષ્ટ પડ્યું હશે ને? એણે પણ આટલા જ ઉજાગરા કર્યાં હશે અને આટલા જ પ્રેમથી મને જમાડતી હશે’.
નાનપણમાં એના જે જે કાર્યો ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લીધા હતા એ બધાની કદર થવા માંડી. મમ્મી એ જ હતી, મારી નજર બદલાઈ ગઈ હતી.
સ્કૂલથી આવીએ ત્યારે વાડકીઓમાં નાસ્તો ભરીને તૈયાર રાખતી મમ્મી, અમારી ફરમાઈશો પૂરી કરવા એનો મોટા ભાગનો સમય રસોડામાં વિતાવતી મમ્મી, શિયાળામાં યાદ કરીને ચ્યવનપ્રાશ અને અડદિયા ખવડાવતી મમ્મી, છેક છેલ્લી ઘડીએ કહીએ તો પણ કોઈ જ બબડાટ વિના યુનિફોર્મ ઉપર બટન લગાવી આપતી મમ્મી અને હું એના ઘરમાંથી નીકળું ત્યારે પાલવથી આંખમાં આવેલા ઝળઝળિયાં છૂપાવી દેતી અને રસ્તો વળે ત્યાં સુધી મને જોયા કરતી મમ્મી નજર સામે આવવા માંડી.
હું મા બની એની સાથે એક વધુ સારી દીકરી પણ બની. ક્યારેક તો અપરાધભાવની અનુભૂતિ થવા માંડી અને એટલે જ હું પરદેશ ગઈ પછી તો કાગળોમાં અને ફોનમાં મારી એના પ્રત્યેની લાગણી અને દરકાર મેં અનેકવિધ રીતે ઠાલવવા માંડી.
મારા બાળકો મોટા થવા માંડ્યાં અને સાથે સાથે એક પ્રેમાળ ‘દીકરી’ તરીકે પણ હું મોટી થતી ગઈ. પછી તો હું જયારે જયારે ભારત જઉં ત્યારે અમે બન્ને એકબીજાની આંખોમાંથી પરસ્પરના મનોભાવ વાંચી લેતા હતા.
હું નાની હતી ત્યારે એ એની મોટી મોટી આંખો પહોળી કરીને મારી સામે જોતી ત્યારે એ ‘ડોળા’નો ડર લાગતો હતો. હવે એ સુંદર ચક્ષુમાં છૂપાયેલો નિર્મળ પ્રેમ વરસાદ વરસી ગયા પછીના નિરભ્ર આકાશની જેમ વધારે ઉઘડતો દેખાતો હતો.

હું નાની હતી ત્યારે મોટે ભાગે ચૂપ જ રહેતી મમ્મી સાથે મારે શબ્દોનું બહુ આદાનપ્રદાન ન હતું થતું. હવે અમારે વાતો કરવા માટે શબ્દોની જરૂર જ ન હતી. કદાચ એટલે જ એક રાત્રિએ લાઈટની સ્વીચ ઓફ થઇ જાય એવી રીતે સાવ ઓચિંતી એણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે, આ ઘટનાથી તદ્દન અજાણ, હજારો માઈલ દૂર બેઠેલી હું, ઈશ્વરે કોઈ સંકેત આપી દીધો હોય એવી રીતે મહામૃત્યુંજય મંત્રના જાપ જપતી આખી રાત જાગતી બેસી રહી હતી.
મારા જન્મ વખતે એક નાળ થકી અમારા દેહ જોડાયેલા હતા અને એ વખતે કોઈ નાળ વિના જ અમારા મન જોડાઈ ગયા હતા.
મારી જીજી ઘણી બધી સારી આદતોનું વ્યસન કરાવીને ગઈ છે – ક્યારેક સમજાવીને, ક્યારેક વઢીને પણ મોટે ભાગે પોતાના આચરણથી. એને લીધે જ એ સારી શિખામણો લોહીમાં ભળી ગઈ છે.
‘અંધારામાં હાથ નાખીએ અને વસ્તુ જડવી જોઈએ’ એવી એની તાલીમ મારા ઘરને વ્યવસ્થિત રાખે છે. કશું શોધવામાં સમય વેડફવો નથી પડતો.
બધા જ માણસો સાથે કેટલા માનપૂર્વક વર્તવું એ બાબતની એની શિખામણ સંબંધોને કાયમ સુંવાળા રાખે છે. સંયમ, સુઘડતા, સ્વચ્છતા, સન્માન, સ્વમાન અને સંસ્કારના એણે ભણાવેલા પાઠ જિંદગીને વધુ ઉજળી બનાવવા માટે ડગલે ને પગલે કામ લાગે છે.
જીજીના ઉત્સાહ અને ઉમંગને ક્યારેય ઉંમર અતિક્રમી ન શકી અને એના આ અભિગમે જ મારા લોકો અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને હકારાત્મક બનાવ્યો છે. એના બહોળા વાંચને મને સાહિત્યનો પહેલો સંસ્પર્શ કરાવ્યો જેના પરિણામે આજે હું લખી શકું છું.
જાણતા-અજાણતા આ બધું મારાથી મારા બાળકોમાં પણ રોપાઈ ગયું છે. અત્યારે એ લોકો એમણે મેળવેલી કોઈ સિદ્ધિ માટે ‘મમ્મી, આ તારી આપેલી ટ્રેઈનીંગને લીધે શક્ય બન્યું’ એમ કહીને યશનો ટોપલો મારા માથે ઓઢાડે ત્યારે હું પણ આંખ મીંચીને કહી દઉં છું, ’જીજી, આ તારે લીધે શક્ય બન્યું. લવ યુ જીજી.’
~ ગિરિમા ઘારેખાન
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯
ખૂબ સરસ, હ્રદય સ્પર્શી લેખ!! 👌👌👌❤
ખૂબ અનોખો માતૃપ્રેમ , અહોભાવ… સ્પર્શી ગયો
જીજી ને વંદન
વાહ, ગિરિમાબહેન! બહુ મઝા આવી!
એક એક શબ્દ ગિરિમાબેન, તમે જિગરના ખડિયામાં બોળીને લખ્યો છે. મા-દીકરીના પ્રેમની આ અદીઠ દોરીથી અનાયસે વાંચતાં વાંચતાં બંધાઈ જવાયું. Thank you so much for sharing with us.🙏🙏🙏🙏
જીજી અને દીકરીની પરસ્પર મૌનની ભાષાનો અદ્ભુત પ્રેમ આત્મસાત કરાવ્યો.
સૌને આપના બાળપણની, જીવનની મધુર યાદોમાં સફર કરાવી, આભાર ગરિમાબહેન. 🙏 ખુબ સરસ.
ખૂબ અંતરંગ લાગણીભર્યા લેખ. અભિનંદન ગિરિમાબહેન.
જીજી વિશે વાંચવાની મઝા પડી..તમારાં સમૃદ્ધ બાળપણ વિશે પણ જાણવા મળ્યું…👌
સરસ બેન👌