પ્રકરણ:6 ~ મુંબઈ આવ્યો ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

પ્રકરણ:6

મારા જીવનમાં જે વળાંકો આવ્યા છે, જે પરિવર્તનો થયાં છે, તેમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે.

દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ એ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ નહિ, પણ દુનિયાની બારી હતી. અહીં મને પહેલી વાર ભાતભાતના લોકો જોવા સાંભળવા મળ્યા. દેશવિદેશના અંગ્રેજી છાપાં અને મેગેઝિન જોવા વાંચવાં મળ્યા. મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો!

આજનું મુંબઈ તો રહેવા માટે લગભગ અશક્ય થઈ ગયું છે. અત્યારે તો ત્યાં આવવાજવાની મુશ્કેલીથી જ થાકી જવાય છે. એમાં ઉમેરો: ગંદકી, ગરમી, ગિર્દી, ઘોંઘાટ, હુંસાતુંસી, કીડિયારાની જેમ ઊભરાતી વસતી, પૈસા અને માત્ર પૈસાની જ બોલબાલા, ખૂણે ખૂણે ઊભી થઇ ગયેલી ઝૂંપડપટ્ટી લગોલગ બંધાતા મિલીયન કે બિલીયન ડોલર્સના મહેલો, ટ્રાફિક લાઈટ આગળ હુમલો કરતા ભિખારીઓ, અસહ્ય ગરીબી વચ્ચે છડેચોક પૈસા ઉડાડતા અને મોજમજા કરતા ધનિકો – આ બધું જોતાં અમારા જેવા અમેરિકાની સુવિધાઓથી સુંવાળા થઈ ગયેલા મુલાકાતીઓને એક બે અઠવાડિયામાં જ થાય કે ભાગો!

પરંતુ ઓગણીસો પચાસના અને સાઇઠના દાયકાનું મુંબઈ જુદું હતું. આધુનિક સગવડ વગરના નાના ગામમાં ઉછરેલા મારા જેવા માટે મુંબઈનું  મહાનગર એ જ મોટું આશ્ચર્ય હતું! મેં જિંદગીમાં પહેલી જ વાર આટલા બધા માણસો અને આટલો બધો ટ્રાફિક જોયો.

May be an image of 8 people

પાણીના રેલાની જેમ સરતી પીળી પીળી ટેક્સીઓ, મુસાફરોથી ખીચોખીચ ટણણ કરતી દોડતી ટ્રામો, હજારો અને લાખો પરાંવાસીઓને સડસડાટ લાવતી ને લઇ જતી ઇલેક્ટ્રિક ટ્રેન, ડબલ ડેકર બસો, ફોર્ટ એરિયાના આલિશાન મકાનો, ભવ્ય ગેઇટ વે ઑફ ઇન્ડિયા અને એની સામે તાજમહાલ હોટેલ, મરીન ડ્રાઈવ, મલબાર હિલ, હેંગિંગગાર્ડન, મુંબઈ યુનિવર્સીટી, રાજાબાઇ ટાવર, એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ જેવી વિખ્યાત કૉલેજો, એરકન્ડીશન્ડ મુવી થિયેટરો, હોલીવુડની મૂવીઓ, ક્રિકેટ માટેનું બ્રેબોર્ન સ્ટૅડિયમ, બોરીબંદર અને ચર્ચગેટ સ્ટેશન, ઊંચાં મકાનોમાં ઉપર નીચે લઈ જતી લિફ્ટો – આવું આવું તો કંઈ કંઈ હું મારી ભોળી આંખે જોઈને અંજાઈ ગયો. પહેલી વાર લિફ્ટનો અનુભવ કંઈક અનોખો જ હતો!

આજે તો મુંબઈમાં ચાલવું જ મુશ્કેલ થઈ ગયું છે. ફોર્ટ એરિયાની બધી જ ફૂટપાથ ફેરિયાઓએ કબજે કરી છે. (જો કે એમને હવે ફેરિયા કેમ ગણવા? ફરવાને બદલે એ તો એમને જે વેચવાનો માલ હોય છે તેનો પથારો કરીને ફૂટપાથ ઉપર બેઠા હોય છે!)  પણ એ જમાનામાં ફૂટપાથ ઉપર લોકોને હાલવાચાલવાની મોકળાશ હતી.

શરૂ શરૂમાં હું ફોર્ટ એરિયામાં ફરવા જતો. ભવ્ય ગેટ વે ઑફ ઇન્ડિયાથી ઠેઠ હું ચાલવાનું શરૂ કરું. ત્યાંની તાજમહાલ હોટેલ, આગળ ચાલતા ડાબી બાજુ વિશાળ કાવસજી જહાંગીર હોલ. 1957માં પ્રવૃત્તિ સંઘનું કવિ સમ્મેલન થયેલું ત્યારે ત્યાં ગયો હતો. આવો મોટો હોલ મેં જિંદગીમાં પહેલી વાર જોયો.

Cowasji Jehangir Hall - Wikipedia

આ જ હોલમાં વર્ષો સુધી પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ટેક્સ નિષ્ણાત નાની પાલખીવાલા દર વર્ષે એમનું નવા બજેટના કરવેરા વિષે જોરદાર ઈંગ્લીશમાં ભાષણ આપતા. (આવું ભારેખમ અને જૂનવાણી ઈંગ્લીશ આપણા દેશ સિવાય ભાગ્યે જ ક્યાંય બોલાતું હશે. અમેરિકામાં તો નહીં જ.) એમને સાંભળવા આખો હોલ ભરાઈ જતો.

For sheer advocacy, Nani Palkhivala was unsurpassable. Clarity of thought, precision and elegance of expression, impassioned plea for the cause he espoused, excellent court craft, and extraordinary ability to think on his legs rendered him an irresistible force(HT Archives)
નાની પાલખીવાલા

થોડુંક આગળ વધો તો કાલાઘોડા પર જમણી બાજુ જહાંગીર આર્ટ ગેલેરી આવે અને ડાબી બાજુ ડેવિડ સાસુન લાયબ્રેરી અને એલ્ફિન્સ્ટન કૉલેજ. ડેવિડ સાસુનની પાછળ એક નાનો બગીચો. ત્યાં ચા કૉફીની નાની દુકાન. ચા લઈને બગીચામાં બેસો અને મિત્રો સાથે અલકમલકની વાતો કરો. હું એનો મેમ્બર થઇ ગયો હતો.

David Sassoon Library in 1869 and in 2014,Mumbai,India: OldPhotosInRealLife | Mumbai india, Old photos, Bw photo
David Sassoon Library in 1869

લો કૉલેજમાં ભણતો હતો ત્યારે ત્યાં વાંચતો. દેશવિદેશના મેગેઝિન ત્યાં મને પહેલી વાર જોવા મળ્યાં – એનકાઉન્ટર, ન્યુ સ્ટેટ્સમેન, સ્પેકટેટર, ક્વેસ્ટ. એની અગાશીમાં લાંબા થઈને પડવાની વ્યવસ્થા. પરંતુ એ બધી આર્મ ચેર ઉપર તો બૂઢા પારસીઓનો ઈજારો. સવારથી સાંજ સુધી એ ત્યાં સુતા પડેલા હોય.

ધોબી તળાવ ઉપર મેટ્રો સિનેમા સામે એક મોટી લાયબ્રેરી.

ત્યાં પણ લોકો સૂવા જ આવે! આ સૂનારાનાઓનો એવો તો ત્રાસ થઈ ગયેલો કે પ્યૂન દર કલાકે ટેબલ પર લાકડાની એક જાડી પટ્ટી પછાડે. લોકો જાગે, અને પાછા સૂઈ જાય! આ ત્રાસ ઓછો હોય તેમાં ખુરસીઓમાં માંકડનું ધણ છુપાઈને બેઠું હોય. જેવા તમે ત્યાં બેસો કે તુરત તમારા ઉપર હુમલો કરે. જો કે સૂનારા બહાદુરોને ન પ્યૂનની કે ન માંકડની કોઈ અસર!  એ તો નસકોરાં બોલાવે જ જાય!

કાલાઘોડાથી આગળ ચાલો તો ડાબી બાજુ મુંબઈ યુનિવર્સીટી આવે. એનો રાજાબાઈ ટાવર, કોન્વોકેશન હોલ, ગાર્ડન, એની સામે જ ભવ્ય મેદાન જ્યાં પોપ આવેલા ત્યારે જંગી સભા યોજાઈ હતી.

આગળ વધતા ફ્લોરા ફાઉન્ટન અને સર ફિરોજશાહ મહેતાનું ભવ્ય પૂતળું.  એક વખતે એ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી એમની ચળવળ માટે મદદ લેવા દેશમાં આવ્યા હતા ત્યારે તેમને મળવા ગયા હતા. ગાંધીજી એમનાથી કેટલા પ્રભાવિત થયેલા એ વાત એમણે ‘આત્મકથા’માં લખી છે.

Mumbai University to frame anti-plagiarism guidelines based on UGC rules, set up panel to curb problem-India News , Firstpost

એ એરિયામાં અસંખ્ય રેસ્ટોરાં. સસ્તા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં પણ ઘણાં.  ટેમરીન્ડ લેનમાં એક છાયા નામનું રેસ્ટોરાં હતું. હજી પણ છે. જયારે જયારે હું ફોર્ટ એરિયામાં જાઉં ત્યારે ત્યાં મારો ધામો જરૂર પડે. સસ્તું ખરું ને. એ બધાં રેસ્ટોરાંમાં જબ્બર ગિર્દી હોય.  તમારા ચારના ટેબલ પર બીજા ત્રણ બેઠેલા હોય જેમને તમે કોઈ દિવસ જોયા પણ ન હોય. બધા નીચે મોઢે મૂંગા મૂંગા જલદી જલદી ખાઈ લે. તમે ઉઠો કે તરત તમારી જગ્યાએ બેસવા માટે પાછળ કોક ઊભું જ હોય!

CHHAYA - FORT - MUMBAI Menu, Photos, Images and Wallpapers - MouthShut.com

તમારે જો તમારા ટેબલ પર કે બુથમાં એકલા કે મિત્રો સાથે બેસવું હોય તો ગે લોર્ડ કે લા બેલા જેવા વેસ્ટર્ન સ્ટાઈલના મોંઘા રેસ્ટોરામાં જવું પડે. પણ ત્યાં જવાની આપણી ત્રેવડ નહીં.

ફ્લોરા ફાઉન્ટનથી થોડા આગળ હોર્ન્બી રોડ પર જઈએ તો ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનું બિલ્ડીંગ, ન્યુ બૂક કંપની, વેસ્ટ ઍન્ડ વોચ, હેન્ડલુમ હાઉસ, ખાદી ગ્રામોદ્યોગ વગેરે જોવા મળે.

r/mumbai - D N Road - 1952 (Formerly Hornby Road)
Formerly known as Hornby Road

ખાદી ગ્રામોદ્યોગવાળા લંચ ટાઈમે એક કલાક સ્ટોર બંધ કરી દે, કારણ કે કર્મચારીઓનો લંચ ટાઈમ તો સચવાવો જ જોઈએ!  જ્યારે આજુબાજુની ઑફિસોના લોકોને લંચ ટાઈમે શોપિંગ કરવું હોય ત્યારે આ સ્ટોર બંધ હોય! બોલો, એ કેવો ધંધો કરતા હશે?!  પણ કર્મચારીઓના યુનિયનનું જોર જબરું. સ્ટોરમાં નફો થાય કે ખોટ, એમને એમનો લંચ ટાઈમસર લેવાનો એટલે લેવાનો જ.

ટાઈમ્સના બિલ્ડીંગમાં મારું રોજનું આવવાનું થતું. નોકરી શોધવાની જે એપ્લીકેશન કરતો તે રોજ અહીં આવીને એના ચમકતા પીળા બોક્સમાં નાખતો. દર વખતે ભગવાનને કહેતો કે બાપા, હવે ખમૈયા કરો, જેવી તેવી પણ કોઈક નોકરી અપાવો!

Times Of India Building | Times of india, Incredible india, South asia

ફ્લોરા ફાઉન્ટનની (આજના હુતાત્મા ચોક)ની આજુબાજુ ફરતા હું નિરંજન ભગતના મુંબઈ વિશેને ‘પ્રવાલદ્વીપનાં કાવ્યો ગણગણતો. 1864માં બંધાયેલ ગ્રીક ગોડેસ ફ્લોરાના આ આરસના પૂતળામાં આર્કિટેક્ચર, સ્કલ્પચર અને વોટરનો અદ્ભુત સમન્વય થયો છે. કવિએ ગોડેસ ફ્લોરા માટે ‘વિશ્વ માલણી’ જેવો સુંદર શબ્દ વાપર્યો છે, તો એના હાથમાં રહેલાં પુષ્પોને “શલ્ય ફૂલ” કહ્યા છે.

Majestic And Steeped In History, Flora Fountain Is An Iconic Mumbai Monument | WhatsHot Mumbai

‘હોર્નબી રોડ’ના પ્રવાહી લય અને એના કાવ્ય વસ્તુનું મને હંમેશ આકર્ષણ રહ્યું છે: “આસફાલ્ટ રોડ, સ્નિગ્ધ સૌમ્ય ને સપાટ, કશી ન ખોડ!” ‘હોર્નબી રોડ’ના કવિ મધરાતે લટાર મારવા નીકળે છે તે મોટિફનું મેં વર્ષો પછી મારા ‘પેન્સીલવેનિયા એવન્યૂ’ નામના કાવ્યમાં અનુસરણ કર્યું છે, જો કે મેં ગુલબંકી નહીં પણ ઝૂલણા છંદ વાપર્યો છે.

હોર્નબી રોડ ઉપર આગળ જમણી બાજુ બોરીબંદર સ્ટેશન અને ડાબી બાજુ જરાક અંદર એક્સેલ્સિઅર થિયેટર. ઓપેરા થિયેટરની જેમ બેસવા માટે અનેક લેયર. ત્યાં સૌથી ઉપરના માળે બેસીને માથું એકદમ નીચું કરીને ‘Bridge on River Kwai’ નામની હોલીવુડની ફિલ્મ જોઈ હતી તે હજી યાદ છે.

The Bridge on the River Kwai

આગળ જતાં કાલબાદેવી, પણ એ પહેલાં મેટ્રો થિયેટર જ્યાં અનેક મેટિની શો જોયેલા. દર રવિવારે લાઈનમાં ઊભા રહી જવાનું.

Mumbai Heritage on Twitter: "1950s: Scene outside Metro Cinema,Mumbai on a rainy day Notice Traffic Cop with umbrella #MumbaiRains #MumbaiMonsoon https://t.co/AxUHRq3JQb" / Twitter
મેટ્રો થિયેટર

આ હોલીવુડની મૂવીઓ બે કલાક માટે મને અમેરિકા પહોંચાડી દેતી. એ જમાનામાં હજી મુંબઈમાં ટ્રામ હતી. કિંગ્સ સર્કલ ઉપરથી બેસો તો ઠેઠ ફોર્ટ સુધી લઈ જાય. એ સર્કલ પર અરોરા થિયેટર, ત્યાં પણ હોલીવુડની ઘણી મુવીઓ જોઈ છે.

મુંબઈના મલબાર હિલ, માટુંગાના ફાઈવ ગાર્ડન્સ, હોર્ન્બી રોડ જેવા અનેક વિસ્તારોમાં ફરતા મને વારંવાર થતું કે ક્યાં મારું ધૂળિયું ગામ અને ક્યાં આ મુંબઈ! ગંદકી, વરસાદની મોસમમાં થતો કીચડ, ગમે ત્યાં પિશાબ કરતા છોકરાઓ, રખડતી ગાયો, ગૂંગળાવી નાખે એવું અંધારિયા કૂવાનું એ વાતાવરણ છોડીને મને હવે આ મહાન શહેરની સ્વચ્છતા અને મોકળાશમાં રહેવાનું મળ્યું. થયું હું કેટલો ભાગ્યશાળી છું! જાણે કે મારું સપનું સાકાર થયું.

ગામની સંકુચિતતામાંથી નીકળીને આવ્યો હતો તેથી મુંબઈનું બૃહદ્દ સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય વાતાવરણ મારે માટે કોઈ ઈશ્વરદત્ત વરદાન હતું. જે મને ગામમાં કયારેય જોવા ન મળતું તે બધું મુંબઈમાં એકાએક જ મારા ખોળામાં આવી પડ્યુ. હું તો ભૂખ્યા ડાંસની જેમ તૂટી પડ્યો. જ્યાં જ્યાં મને જવાની જોવાની તક મળે કે તરત જ દોડી જતો.

દરરોજ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા લઉં. ખબર પડે કે ન પડે પણ વાંચું. ટાઇમ્સમાં રોજના બનાવો અને મિટીંગની માહિતી આપવામાં આવતી. સવારે પહેલું કામ એ જોવાનું કરું. સાંજે જવા જેવી કોઈ મિટીંગ છે ખરી? કોઈ સાહિત્યકાર કે દેશપરદેશનો નેતા આવવાનો છે?

આમ મુંબઈના સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય વાતાવરણમાં હું સહેજે વિહરવા માંડ્યો.

(ક્રમશ:)
natgandhi@yahoo.com

Leave a Reply to Dhiru KapadiaCancel reply

2 Comments

  1. The struggle of an aspiring small town guy transplanted in big city didn’t need to happen. What a waste of precious time Gandhi had to endure!
    Just like the other Gandhi in Africa!

  2. Sir, this is very interesting. Thanks for sharing your story. You frequently mention “my village”. We are eager to know what is name of that village / town. Please mention in future blog.