આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૯ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૨૯

પ્રિય 

મારા પત્રની એક એક વાતને તારા વિચારોમાં ભેળવીને તેં સરસ રીતે ખીલવી. ચાલ, આજે ફરીથી એક નવી વાત.

 યાર, ગઈકાલે એક સ્વપ્ન આવ્યું. યુએસએ.ના એક ખુલ્લા મેદાનમાં હજારો લોકો ઊભરાયા હતા. શાંતિથી બધા જાતજાતની રમતગમતો જોતા હતા. તેમાં, હસીશ નહિ હોં, હું ગોલ્ફ રમતી હતી! ને પછી બોલના પહેલાં ફટકે જ હું જાગી ગઈ! તું કહીશ કે, તું તો કવિતાની વ્યક્તિ. ગોલ્ફ કે કોઈ પણ ગેઈમ રમે તો હસવું જ આવે ને! સાચી વાત છે. એ વિશે જાગીને વિચારે ચડી ગઈ. તાર્કિક રીતે કારણો તો ઘણાં મળી ગયાં. પણ એક નવો પાઠ પણ શીખવા અને જાણવા મળ્યો.

life is a learning process. ભણતર કરતાં ગણતર કેટલું મહત્વનું છે ? અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થી તરીકે પુસ્તક ઉપરાંત જીવન જીવવાની સાચી કેળવણી તો લેવી જ પડે છે. ઉદાહરણ તરીકે કહું તો, હું એમ સમજું છું કે મારો અભ્યાસ–કાળ હજી યે ચાલે છે. મને સ્પોર્ટસમાં રસ ન હતો.. મારા કોઈ ભાઈબહેનોને નથી. કારણ કે, અમારો ઉછેર એક જુદી જ રીતે, જુદા જ વાતાવરણમાં થયો છે. લગભગ રોજ, તે વખતે કદાચ આર્થિક સંકડામણોને કારણે, હૃદયને ઠેસ વાગ્યાં કરી છે, સંવેદનાઓને ધક્કા પહોંચતા રહ્યાં છે. તેથી જ કદાચ સર્જન ભાવનાનો ઉદય થતો ગયો છે. અમે બધાં જ ભાઈબહેનો કોઈ ને કોઈ રીતે કલાકારો  છીએ. સંગીત, શબ્દ, અને વાજિંત્રની દેન સૌને જુદે જુદે રૂપે મળી છે. જેણે પોતાની સમજણ પ્રમાણે જેમાં રસ કેળવ્યો તેમાં અમેરિકામાં રહીને પણ તે જ રીતે વિકાસ કરતા રહ્યાં.

હવે તું જાણે છે તેમ સ્વ–પસંદગી છતાં યોગાનુયોગે, મારું લગ્ન એક એવા કુટુંબમાં થયું કે જ્યાં સ્પોર્ટ્સ મુખ્ય છે. મેં જ્યારથી અમેરિકામાં ગોલ્ફ્ની રમતને જોવા માંડી, સમજવા માંડી ત્યારથી મને મઝા પડતી ગઈ. મઝાને કારણે રસ કેળવાતો ગયો. મારા આશ્ચર્ય વચ્ચે મેં ગોલ્ફ પર કવિતા લખી!!!. નિરીક્ષણ-દૃષ્ટિને અહીં પણ એક નજર મળી. જીવન સાથે સરખાવવાની. એટલે કે સ્પોર્ટ્સમાં રસ ન હોવા છતાં અંદર પડેલી સર્જન શક્તિને તેમાં પણ કંઈક વિશેષ દેખાયું અને એ વિશેષતા એક નવા વિષયને આંબી ગઈ. અંદરની પેલી કવિ-દૃષ્ટિ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જિંદગી જેવી જ છે અને જિંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને? પણ છતાં આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું. કારણ કે ગોલ્ફની રમતમાં ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું.

હવે વાત માંડી જ છે તો થોડું ગોલ્ફ વિશે તને જણાવી જ દઉં.

:

એમાં ૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. બોલના ઓછા ફટકાથી સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. ઘણીવાર બોલ, રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે.  અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, (અભિમન્યુના કોઠા કરતાં વધારે ) લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

હાં, તો મારા સ્વપ્નમાં, છોકરાઓ પાસેથી શીખેલા આ નવા પાઠોના પ્રતિબિંબ ઝીલાયા હશે એમ લાગે છે. તું કંટાળે તે પહેલાં વિષય બદલું. મારા ખ્યાલથી તને પણ સ્પોર્ટ્સમાં ઓછો રસ હશે. સાચી છું? લખજે.

અગાઉના એક પત્રમાં મેં લખ્યું હતું કે, વિશ્વ નાનુ થતું ગયું છે, પણ સાંકડું પણ થતું જાય છે. સાંકડું એ રીતે કે ટેક્નોલોજીએ અને એની ઝડપે માનવીય સ્પર્શ બુઠ્ઠો કરી નાંખ્યો છે. ફેસબૂકના ફળિયે, સેલ્ફીના સથવારે અને વોટ્સ-એપના વ્યવહારે સંવેદનાના તારોને શબવત કરી દીધા છે. આંગણાના દ્વાર પર ટકોરા મારીને આવનારા દોસ્તો અદૃશ્ય થયા છે ! સાથે બેસીને સુખ-દુઃખની વાતો કરનારા લોકો (આપણા સહિત) હવે આધુનિક માધ્યમોમાં વ્યસ્ત થઈ ગયા છે! માનવીને હવે એકલતા સતાવતી નથી. ટેક્નોલોજીએ એને ઘણા સહારા શોધી આપ્યા છે. પરિવર્તન આવકારદાયક જરૂર છે પરંતુ હકીકત તો હવે એ બની છે નીના, કે વ્યક્તિને માત્ર જાત સિવાય કશામાં રસ નથી, કોઈનામાં રસ નથી. મેઈલબોકસમાં કોઈનો હાથથી લખાયેલો પત્ર મળે તો એક આશ્ચર્ય થાય છે! આ પ્રક્રિયાને શું કહીશુ? એના પરિણામને શું કહીશું? પ્રગતિ કે અધોગતિ? વિકાસ કે વિલાસ? કે આ ટેક્નોલોજીની બલિહારી! ખરેખર નીના, આ એક ચિંતાજનક વાત છે.

ચાલ, વગર લાકડે બાળનારી આ ચિતામાં કૂદી પડ્યા વગર તને તારી ગમતી રીતે થોડું હસાવી લઉં..

કોઈ “ળ” ને બદલે “ર” બોલતો માણસ (ખાસ કરીને અમદાવાદ/મહેસાણા તરફનો)  કવિતાને વાંચે ત્યારે કેવું લાગે તે આપણને સમજાવે છે કવિ શ્યામલ મુન્શી.

થોડી ઝલકઃ
વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી.
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી.
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા.
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા….

મેરામાંથી એક કબૂતર લીધું છે મેં કાંસાનું.
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું.
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા.
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

 મળીશું પત્રની રાહે..

આવતા શનિવારે..

દેવીની યાદ…

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પત્રધારા વાંચવાની ખરેખર મજા આવે છે!