આત્મીયતા નામની અનાથ કન્યા ~ કટાર: અલકનંદા (11) ~ અનિલ ચાવડા
પૈસા અને સાધનો આધાર છે, જીવનની ટેકણલાકડીઓ છે. એ લાકડીઓ વિના ચાલવાનું નથી. જે માણસ એમ કહેતો હોય કે પૈસો એ હાથનો મેલ છે, એ માણસનો વિશ્વાસ કરતા સો વાર વિચારવું જોઈએ. હાથનો મેલ કહેનાર એ માણસ હાથમાંથી એ મેલને જરાય ઓછો થવા દેવા માગતો નથી. મેલથી એના ખિસ્સા અને મહેલો ભર્યાં હોય છે એટલે જ આટલી સહજતાથી બોલી શકે છે.
![]()
દિવસમાં એક ટંકનું ખાવાય ના પામી શકતો માણસ એમ કહે કે પૈસો હાથનો મેલ છે, તો તે વાતને ફિલસૂફીનો દરજ્જો આપવો જોઈએ. ધનવાન આ વાત કરે તો નર્યો દંભ ગણાય. પૈસા નામની કાગળની હોડીને સહારે ઘણા ભવસાગરો તરી ગયા છે. આજે પણ તરી રહ્યા છે. પણ એ કાગળની હોડીમાં બેસીએ ત્યારે આપણામાં સંવેદનની શરણાઈના સૂર બોદા ન થઈ જવા જોઈએ. કેમ કે માણસ સંવેદનની શરણાઈથી ફુંકાય છે. એ શરણાઈના સૂરે જ જીવનનો લય ચાલે છે.
અત્યારે આ સંવેદનાઓ સોશ્યલ મીડિયામાં વહાવી દેવાઈ છે. સવારમાં ઊઠતાની સાથે ફોરવર્ડિયા સુવિચારના શેરિંગ સાથે દુનિયામાં અજવાળું પાથરવાના પ્રયત્નો થાય છે.

વોટ્સએપમાં સેંકડો લોકોને માતાજીના ફોટાઓ મૂકવાથી સૂરજનો સત્કાર કરવા મથે છે. અને એવો ગર્વ પણ અનુભવે કે પોતે કેટલું મહાન કાર્ય કર્યું છે. ફેસબુક ઉપર ઉછીના વિચારોને વહેતા કરીને અનેક લોકોને જીવનનું મહાસત્ય સમજાવી દીધાનો અનુભવ કરે છે. પોતાના આત્માને ઉન્નત બનાવવાનું મહાકાર્ય કર્યાનો સંતોષ મેળવે છે. ઇન્સ્ટા ઉપર નાની ક્લિપ કે સુવિચારનું પોતાને જડેલું સત્ય ચોંટાડીને લાઇકનાં લટકણિયે લટકવા મથે છે. વધારે લાઇક મળ્યાથી આત્માનો ઉદ્ધાર થયાની લાગણી અનુભવે છે.

આપણો સંતોષ કે અસંતોષ પણ કેટલો વામણો થઈ ગયો છે. આપણે આપણા ઘરપરિવારના સરનામે રહેવા કરતા સોશ્યલ મીડિયાના સરનામે વધારે જીવવા લાગ્યા છીએ. ઘરમાં કોને ખોટું લાગે છે એની પરવા કર્યા કરતા કોની પોસ્ટ લાઇક ના કરીએ તો કોને ખોટું લાગશે તેની વધારે ચિંતા રહ્યા રહેતી હોય છે.
પરિવારમાં કયા સ્વજનને નોકરી મળી અને કોણ સધ્ધર થયું તેની કરતા વધારે આપણને એની ચિંતા હોય છે કે કોની પોસ્ટ વધારે શેર થઈ, કોનાં ફોલોઅર્સ વધ્યાં. પરિવારના ફ્લાવર્સની સુગંધ મુરઝાઈ ગઈ છે.

સંવેદનની શરણાઈ ફુંકાય છે, પણ તેના સૂર બહેરા અને બોદા કાનમાં જાય છે. જેના કાનમાં જાય એ પણ પોતાની શરણાઈ આખું જગત સાંભળે તેની પેરવીઓ ગોઠવવામાં રચ્યોપચ્યો છે. જેટલી સુવિધા વધી છે એટલી જ દુવિધા પણ પેદા થઈ છે. આપણે શેમાંથી શું મેળવવું છે એ સમજાતું નથી. ઘર પરિવારમાં જે આત્મીયતા નામની કન્યા હતી તે અનાથ થઈ ગઈ છે.
આ બધું કહીને સોશ્યલ મીડિયાની ટીકા કરવાનો આશય જરા પણ નથી. સોશ્યલ મીડિયા આપણી જરૂરિયાતમાંથી જ ઊભું થયેલું એક માધ્યમ છે. બધાને એની જરૂર છે, એટલે જ તો એ દુનિયામાં આટલા બહોળા પ્રમાણમાં વપરાય છે.
સોશ્યલ મીડિયા ના હોય તો શું થાય? આટલું વિચારશો તો તરત તમારા મનમાં આ મીડિયાની ડાળી પર પોતાનો માળો બાંધીને કાયમ વસી ગયેલા અમુક બહુ નજીકના જીવો આંખ સામે છતાં થઈ જશે.
તમને એમ પણ થશે કે સારું થયું કે આ મીડિયા છે, નહીંતર આ લોકોનો સાયકોલોજીકલી ઇલાજ કરાવવો પડત. તેમની અધૂરી મંછાઓને ખીંટીઓ મળી ગઈ. જ્યારે અમુક કિસ્સાઓમાં આનાથી ઊંધું પણ છે, જે મજાથી જીવતા હતા તે આ મીડિયાની મોહજાળમાં અટવાઈને ગડથોડલિયાં ખાવા લાગ્યાં છે.
કોને ક્યાં આશરો મળે છે એ એટલું જ અગત્યનું છે. છેલ્લો મુકામ તો સ્વયંમનો સંતોષ છે. એક જીવ અન્ય જીવ પ્રત્યે સહિષ્ણુતા દાખવે, પ્રેમ રાખે, સંવેદન દાખવે એનાથી મોટી વાત બીજી ન હોઈ શકે.

માનવ સૃષ્ટિનું શ્રેષ્ઠ પાણી છે એવું માનવાની ભૂલ ન કરવી. પૃથ્વી પર માણસે જેટલી ગંદકી ફેલાવી છે એટલી અન્ય કોઈ પ્રાણીએ ફેલાવી નથી. હું તો ઊલટાનો એમ કહું છું કે માનવ સૃષ્ટિનું સૌથી હિંસક, ગંદું અને ચાલાક પ્રાણી છે. પોતાની ગરજે એ ભગવાન નિપજાવશે. પોતાની ગરજે બલિઓ લેશે.

પોતાની ગરજે જ વળી અહિંસાની આંખે જગતને જોવા પ્રયત્નો કરશે. પોતાના આત્માને વેચશે પણ ખરો અને આત્માના મોક્ષ માટે જિંદગીભર વૈતરાં પણ કરશે.
પોતાની અંદર વસતી આત્મીયતા નામની કન્યાને એ પોતે જ અનાથ કરશે. પોતે જ એને ઓર્ફનહોમમાં મૂકી આવશે, વળી સમય આવ્યે એને દત્તક પણ લેશે. માનવ જેટલું ભેદી પ્રાણી જગતમાં બીજું એક્કે નથી.
બધી સાધનશુદ્ધિ, સુખ-સખવડ, વ્યાપાર-વ્યવહાર, કલા-કારીગરી, ધર્મ-અર્થ, ફિલસૂફી છેવટે તો આત્માના ઉદ્ધાર અર્થે છે એવું કહેવાય છે, પણ છેક સુધી આપણે શરીરનો જ ઉદ્ધાર કરતા રહીએ છીએ. કેમ કે બધી વેદના સંવેદના શરીર સાથે જ જોડાયેલી છે. શરીર નથી તો કશું નથી.

તમારી અંદર રહેતી આત્મીયતા નામની કન્યા શરીર નામના મહેલમાં નહીં રહે તો ક્યાં રહેશે. આત્માને રહેવા માટે પણ શરીર તો જોઈશે ને. પહેલું મહત્ત્વ શરીરનું લાગે છે, આત્માનું મૂલ્ય અનેકગણું છે જ, પણ આપણે શરીરને નફરત કરીને આત્માનું મૂલ્ય વધારવાનું ગાંડપણ શા માટે?
કોઈ એક માણસ સારો હોય તો હોય, એના લીધે બીજાને શા માટે ખરાબ કહેવાનો? જે દેહમાં આપણે રહીએ છીએ તેનો આદર તો કરવો જ જોઈએ ને. જગતનો એક સાદો નિયમ છે, જેની પણ તમે નિંદા કરશો એ તમારાથી દૂર ભાગશે. પછી એ મિત્ર હોય, સ્વજન હોય, શરીર હોય, વસ્તુ હોય કે વિચાર હોય.

સોશ્યલ મીડિયા હોય કે સામાજિક મેળાવળો. છેવટે તો આપણને આનંદ જોઈએ છે. શરીરને આનંદ મેળવવા માટે બાહ્ય સાધનો મદદ કરે છે એટલા જ આંતરિક-વૈચારિક ઉદ્વેગો પણ ઉપયોગી બની રહે છે. બંનેમાંથી એક્કેને નકારી શકાય તેમ નથી.
સહિષ્ણુતા, આત્મીયતા, સંવેદના અને સહવાસ નામના ચાર નાવિકો સરખાભાગે દેહની નાવમાં કામ કરતા રહેશે તો આત્માની દીવાદાંડીનો પ્રકાશ આપોઆપ પામી શકાશે અને તો જિંદગીના સાગરકિનારે નાવ લાંગરવામાં જરા પણ મુશ્કેલી નહીં થાય. બસ આપણી અંદર રહેલી આત્મીયતા નામની કન્યા અનાથ ન થાય એ જોવાનું છે.

***
“અત્યારે આ સંવેદનાઓ સોશ્યલ મીડિયામાં વહાવી દેવાઈ છે.
પરિવારના ફ્લાવર્સની સુગંધ મુરઝાઈ ગઈ છે.
ઘર પરિવારમાં જે આત્મીયતા નામની કન્યા હતી તે અનાથ થઈ ગઈ છે.
જે મજાથી જીવતા હતા તે આ મીડિયાની મોહજાળમાં અટવાઈને ગડથોડલિયાં ખાવા લાગ્યાં છે.”👌👌👌👌✅