જૂના લાહોરની ગલીઓમાં સૈર-સપાટા (2) ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 34) ~ પૂર્વી મોદી મલકાણ

એકસાથે ૧,૦૦૦ માણસો એકસાથે નમાઝ કરવા બેસી શકે તેવો વિશાળ કોર્ટયાર્ડ ધરાવતી આ મસ્જિદમાં જ્યારે અમે પહોંચ્યાં ત્યારે બપોરે અગિયાર થવા આવેલા અને સૂરજ દાદા મધ્યાહને પહોંચવા આવેલા. ગરમી પણ સારા પ્રમાણમાં હતી પણ ઇમારતની અંદરના ભાગમાં ઘણી જ ઠંડક હતી.

આ કોર્ટયાર્ડની અંદર ચારે દિશામાં નાના નાના ૩૫ લાકડાના દરવાજાઓ બનેલા છે. આ દરવાજાઓમાં મોટાભાગના દરવાજાઓ બંધ છે, પરંતુ કુતૂહલવશ મેં બેથી ત્રણ દરવાજા ખુલ્લા હતા તેમાં નજર કરતાં મને નાના રૂમનો અહેસાસ થયો.

આ મસ્જિદની ચારે દિશામાં ચાર દરવાજા છે જે અલગ અલગ બજારો તરફ લઈ જાય છે. દા.ત. ઉત્તરનો દરવાજો કાશ્મીરી બઝાર તરફ ખૂલે છે, પશ્ચિમનો દરવાજો દિલ્લી ગેટ તરફ લઈ જાય છે. કોર્ટયાર્ડની મધ્યમાં નાનો શો pond fountain છે. તે pond fountainની પાસે નાનો શો ચોક છે જ્યાં પગ ધોવાની વ્યવસ્થા છે.

આ કોર્ટયાર્ડ પાસે બે વૃદ્ધ ચોકીદાર બેસેલા હતાં. તેમને અમને કહ્યું કે જૂતાં અહીં મૂકી પછી તમે મસ્જિદમાં અંદર જઇ શકો છો. મંદિરમાં પ્રવેશીએ ત્યારે જેમ આપણે જૂતાં ચંપલ બહાર ઉતારીને જઈએ છીએ તેમ જ ધર્મ કોઈપણ હોય, પણ એ ધર્મની શક્તિ પાસે જવાનો માર્ગ દુનિયામાં લગભગ એકસરખો જ જોવા મળે છે.

અહીં ફરી મારા પગનો પ્રોબ્લેમ તો ઊભો જ હતો. આથી મારા એક પગનું શૂઝ કાઢ્યું પણ બીજા પગનો શૂઝ કાઢવા પગ ઊંચો કર્યો ત્યારે એજ દર્દ અને પીડાએ મને ઘેરી લીધી તેથી ત્યાં જ થોડીવાર માટે બેસી પડી. થોડીવાર બાદ ફરી શૂઝ કાઢવા પ્રયત્ન કરવા લાગી ત્યારે ત્યાં બેસેલા ચોકીદારે કહ્યું કે આ અલ્લાહની જગ્યા છે તેથી અદબ રાખીને અલ્લાહ પાસે જઈએ તો વધુ સારું. પરંતુ આપના પગમાં તકલીફ છે અને આપને અલ્લાહ પાસે જવું છે તો પછી પ્લાસ્ટિકનું લિફાફૂ લો અને આપના આ બૂટની આસપાસ વીંટી પછી અંદર જાઓ. આ રીતે કરવાથી આપની અને અમારી બંને ટેક રહી જશે.

અલ્લાહના ઘરમાં તેની આમાન્યા જળવાય તેથી પ્લાસ્ટિક લિફાફાને મારા શૂઝની આસપાસ લગાવી હું જેવી મસ્જિદનાં કોર્ટયાર્ડ ગઈ કે તરત ઉડતા કબૂતરોનાં ઝૂંડોએ ઘૂ .. ઘૂ કરતાં અમારું સ્વાગત કર્યું.

કોર્ટયાર્ડના લેક પાસે એક મજાર છે. મસ્જિદની અંદર પ્રવેશતાં પહેલા આ pondમાં એવી વ્યવસ્થા છે કે પગ ત્યાં ધોઈ પછી આગળ વધી શકાય. ઉપરાંત ત્યાં કોર્ટયાર્ડમાં વિશાળ કાર્પેટ પણ બિછાવવામાં આવી છે, જેથી મસ્જિદના મુખ્ય ભાગમાં પ્રવેશો ત્યાં સુધીમાં ભીના પગ કોરા થઈ જાય.

આ મસ્જિદના વિશાળ કોર્ટયાર્ડની બહારની બાજુની દિવાલોને સ્પર્શીને અનેક વસાહતોની દિવાલો ત્યાં ઊભી છે. આગળ જેમ જણાવ્યું તેમ આ વસાહતોની ઇમારતોની બાંધણી અતીતની યાદ અપાવી જાય છે.

આ મસ્જિદની ડાબી અને જમણી બાજુ ૧૦૦ ફૂટ ઊંચા મિનારાઓ ઊભા છે જેના પર આછા વાદળી, ઘાટો બ્લૂ,  લાલ, લીલા અને પીળા રંગની ડિઝાઇન છે.

કહેવાય છે કે વઝીરખાને જ્યારે આ મસ્જિદ બનાવેલી ત્યારે આ ગૂંથણીના અમુક ભાગમાં માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નો લગાવેલા હતાં પરંતુ તે રત્નો અંગ્રેજો કાઢી ગયાં. આમેય એ સમયનાં વૈભવશાળી લૂટારા કહેવા હોય તો તેમાં અંગ્રેજોનો જ પહેલો નંબર આવતો જેઓ તાજમહેલમાંથી પણ આ જ રીતે રત્નો કાઢીને લઈ ગયાં હતાં. પણ અતિક્રૂર કહેવાતાં લોર્ડ કર્ઝને આ રત્નોની જગ્યાએ રાજસ્થાન માર્બલનો ઉપયોગ કરી તાજમહેલને એક અલગ સૌંદર્ય પ્રદાન કર્યું.

રહી આ મસ્જિદની વાત તો, આ મસ્જિદ ઠીક કરવામાં અંગ્રેજોને રસ ન હતો અને આઝાદી પછી તરત આરસપહાણનો ખર્ચો પાકિસ્તાન લઈ શકે તેમ ન હોવાથી સરકારે આ રત્નોની જગ્યાએ ફારસી પદ્ધતિ પ્રમાણે કાશાની ડિઝાઇન એટ્લે કે રંગબેરંગી ટાઇલ્સનાં ટુકડાઓ જડી દેવાનું વધુ ઉચિત માન્યું. જેને કારણે મોટાભાગની મસ્જિદમાં આજ ટાઇલ્સ વર્ક જોવા છે. જો’કે એય જોવામાં સુંદર જ છે, બસ તાજનાં આરસ સાથે તેની સરખામણી ન કરી શકાય.

આ ટાઇલ્સ વર્કમાં ખાસ કરીને પીળો, ઘાટો બ્લૂ, અને કથ્થાઇ રંગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. દરવાજાના ગુંબજની દિવાલોમાં કરેલી ગૂંથણીમાં ફળોથી ઝૂલી રહેલા વૃક્ષોની ગૂંથણી કરવામાં આવી છે જેમાં કેસરી, લીલા અને પીળા રંગનું વધુ પ્રાધાન્ય જણાય છે.

ગુંબજની ઉપર તરફ ગેલેરી પણ છે પરંતુ તે ગેલેરી બિસ્માર હાલતમાં હોવાથી ત્યાં જવાની પરવાનગી નથી. મુખ્ય નમાઝખાનાની ગુંબજની દિવાલો પર ૩D ગ્રાફિક ડિઝાઇન એટલી સુંદર છે કે તેનાથી આખો ખંડ સુશોભિત થઈ જાય છે.

અમે જ્યારે મુખ્ય નમાઝ ખંડમાં પહોંચ્યાં ત્યારે એક માણસ ત્યાં નમાઝ કરી રહ્યો હતો.

તેને તેના અલ્લાહ પાસે દુઆ માંગવામાં પરેશાની ન થાય તે હેતુથી અમે જરાપણ વાતચીત કર્યા વગર મસ્જિદ જોઈ રહ્યાં હતાં. પરંતુ તેમ છતાં તેને અમારું આવવું ગમ્યું ન હતું તેથી થોડીવારમાં જ તે ઊભો થઈ ચાલ્યો ગયો. તે જ્યારે ગયો ત્યારે મને એમ જ લાગ્યું કે તેની નમાઝ પૂરી થઈ ગઈ છે તેથી તે ચાલ્યો ગયો, તેથી તેના ગયા બાદ પણ અમારું મસ્જિદ જોવાનું ચાલુ જ રહ્યું. મસ્જિદના પ્રત્યેક ખૂણાને મન ભરીને જોયા બાદ અમે કોર્ટયાર્ડ તરફ નીકળ્યા.

કોર્ટયાર્ડનું આકાશ કબૂતરોથી છવાયેલું હતું. બપોરે ૧૨.૩૦ વાગવા આવ્યાં હતાં અને બપોરની નમાઝનો સમય પણ થવા આવ્યો હતો. તડકાનું સામ્રાજ્ય વધી ગયેલું હતું અને ગરમીનો પારો ઉપર ચઢી ગયો હતો. તેમ છતાં અમે વઝીરશાહ મસ્જિદ તરફથી નીકળી લાહોરના બીજા સ્થળો જોવા માટે ઉત્સુક હતાં.

હું જ્યારે મસ્જિદમાંથી બહાર આવી ત્યારે જોયું કે ગલી એકદમ સાંકડી હતી પરંતુ ચોક પહોળો હતો. થોડે દૂર સાઇકલનું સ્ટેન્ડ હતું, મુખ્ય ગલીમાંની આસપાસની ઇમારતો એકદમ જૂની હતી. ગલીના એક તરફ યુવાનો અને બાળકો ક્રિકેટ ખેલી રહ્યાં હતાં અને બીજી તરફ ખૂણામાં અમુક યુવાનોનું ટોળું થઈ રહ્યું હતું.

તેમની વાતચીતનો અવાજ ખાસ્સો મોટો હોઈ મારું ધ્યાન તેમના તરફ ખેંચાયું. પહેલી નજરે જોતાં મને લાગ્યું કે ક્રિકેટ માટે જ કોઈ બોલચાલ ચાલી રહી હતી. પરંતુ તેઓના ચહેરાઓ પરના હાવભાવ કંઈક અલગ જ મૂડને દર્શાવી રહ્યાં હતાં. તેઓના અવાજમાં કોઈક રીતે ગુસ્સો અને ઉગ્રતા જણાઈ રહી હતી. તે ટોળામાં મેં એ માણસને પણ જોયો જે મસ્જિદમાં નમાઝ કરી રહ્યો હતો. જ્યારે આ બંદો નમાઝ કરી રહ્યો હતો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે આ બંદો મસ્જિદની આસપાસ જ રહેતો હોવો જોઈએ. તે કંઈક કહી રહ્યો હતો અને તેના પ્રત્યેક અવાજે ટોળામાં રહેલા લોકો વધુ ને વધુ ગુસ્સામાં આવી તેમનાં હાથમાં રહેલ તલવાર અને પાઇપોને ઊંચા કરી રહ્યાં હતાં.

મારી નજર એક મિનિટની અંદર બે જુદા જુદા દ્રશ્યોને નિહાળી રહી હતી. એક તરફ ખેલની ઉગ્રતા અને બીજી તરફ આ ટોળાંની ઉગ્રતાએ વાતાવરણ બદલાયું હોવાનો ભાસ કરવી રહ્યો હતો. પરંતુ એ ટોળામાં શું ચાલી રહ્યું છે તે વાત વિષે હું અજાણ હતી. પરંતુ, મોટા કોલાહલથી મારું ધ્યાન વારંવાર ખેલમાંથી નીકળી એ ટોળામાં થઈ રહેલ વાતચીત પર અટકી જતું હતું. ભારે કોલાહલની અંદર તેઓ શું બોલી રહ્યાં છે તે ખ્યાલ આવતો ન હતો પણ એવી કોઈક વાત હશે તેથી અંદરથી પેલા ચોકીદાર બહાર આવ્યાં અને ટોળાંની વાતચીત સમજવા લાગ્યાં. પછી થોડી જ ક્ષણોમાં તેમણે અંદર જઈ માઝદજી સાથે વાત કરી.

હજુ તો હું બહારની તરફ આ વાતચીત, આસપાસના વાતાવરણ અને, જૂની ઇમારતો વગેરેને જોઈ જ રહી હતી ત્યાં જ મી. મલકાણ અંદરથી આવ્યાં અને મને કહે કે, ચાલ જલ્દીથી અહીંથી જવું પડશે. આમ કહી મારો હાથ ખેંચી ચાલવા લાગ્યાં. પણ હું તો મારા જ મૂડમાં હતી તેથી મેં કહ્યું કે હજુ આપણાં ગ્રૂપનાં અડધા લોકો પાછળ છે. તેથી જલ્દી કેવી રીતે કરાય? ધીરેથી ચાલો. પરંતુ તેઓ બસ જલ્દીથી જવાના જ મૂડમાં હતાં, મારો હાથ ખેંચી તેમની ઝડપી ચાલ જોઈ મને આશ્ચર્ય થતું હતું.

મારા આશ્ચર્યને જોઈ તેઓ કહે અહીંથી જેમ બને તેમ ઝડપથી નીકળી જઈએ કારણ કે આ લાહોરનો અત્યંત જૂનો અને રૂઢિચુસ્ત વિસ્તાર છે. વળી હવે તેઓની નમાઝનો સમય થવા આવ્યો છે તેથી જેમ બને તેમ જલ્દીથી આ વિસ્તારની બહાર અહીંથી નીકળી જઈએ.

મેં કહ્યું કે આ વિસ્તાર તો એવો જ છે એ તો આપણને ખબર જ હતી તો …? પરંતુ તેઓ જાણે કંઇ સાંભળવા માંગતા જ નહોતા. મલકાણનું અચાનક બદલાયેલું વર્તન એક તરફ મને સમજમાં આવતું ન હતું અને બીજી તરફથી તેઓ મને લગભગ ભગાડી રહ્યાં હતાં. અમારા મિત્ર અને તેમનો પરિવાર ધીરે ધીરે પાછળ આવી રહ્યો હતો.

અચાનક બદલાયેલાં વાતાવરણ અને સંવેદનશીલ એરિયામાંથી નીકળી અમે મુઘલ બાદશાહ ઔરંગઝેબે બનાવેલી એ બાદશાહી મસ્જિદ તરફ ચાલી નીકળ્યાં જે પોતાનાં સમયની સૌથી મોટી ઇમારત હતી અને તેનો એ દબદબો ૧૯૮૬ સુધી રહ્યો. ત્યારપછી મોટી મસ્જિદનું સ્થાન  ઇસ્લામાબાદની ફૈઝલ મોસ્કને મળ્યું.

Faisal Maseet.JPG

એક સાથે ૫૦,૦૦૦ માણસો એકસાથે બેસી નમાઝ કરી શકે તેવી આ બાદશાહી મસ્જિદનું નિર્માણ ૧૬૭૧-૧૬૭૩માં ઔરંગઝેબે કરાવેલું હતું.

પાકિસ્તાન ઈતિહાસકારોને મતે ઔરંગઝેબે યમુના અને તાજમહેલથી પ્રેરણા લઈ ૩ ડોમ, ૪ નાના અને ૪ મોટા મિનારા ધરાવતી આ મસ્જિદનું બાંધકામ રાવીને કિનારે ચાલુ કરેલું, આજે રાવી નદી અહીંથી લુપ્ત થઈ ગઈ છે, જ્યારે મસ્જિદ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે.

સાત ભાગમાં વહેંચાયેલી આ બાદશાહી મસ્જિદનાં નિર્માણ દરમ્યાન બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ ઔરંગઝેબે હઝરત મહમ્મદ પયગંબરનાં વાળ મૂકેલાં અને જ્યારે મેઇન હોલ -નમાઝ ખંડ બનાવવામાં આવ્યો ત્યારે તેમાં આરસ તેમ જ રેડ સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો. આરસ ઈરાનથી મંગાવવામાં આવેલો અને રેડ સેન્ડ સ્ટોન જયપુરથી મંગાવવામાં આવેલો. પાકિસ્તાની ગર્વર્મેન્ટે હાલમાં આ મસ્જિદને રોજિંદી નમાઝ અને ટુરિસ્ટો માટે ખુલ્લી રાખેલ છે.

આ મસ્જિદનાં સંકૂલમાં બીજી ચાર ઇમારતો આવેલી છે. મસ્જિદની સામે અને મુખ્ય દ્વારમાંથી પ્રવેશતા ડાબી બાજુ લાહોર ફોર્ટ આવેલો છે. લાહોર ફોર્ટ અને બાદશાહી મસ્જિદની વચ્ચે પાકિસ્તાની કવિ ઇકબાલની કબર આવેલી છે.

લાહોર ફોર્ટની જમણી બાજુ શીખોનું ગુરુદ્વારા છે. શીખ ગુરુ રાજા રણજીતસિંઘે લાહોરનો કબ્જો ૧૭૯૯માં કરેલો. આ ઇમારતનો કોર્ટયાર્ડ સૌથી વિશાળ હોવાને કારણે તેમણે આ ઇમારતનો ઉપયોગ મિલીટરી બેઝ તરીકે કર્યો. આ ઉપરાંત આ વિશાળ કોર્ટયાર્ડમાં શીખ આર્મીના ઘોડાઓ બાંધવામાં આવતા. તે વખતે આ મસ્જિદને થોડાઘણા અંશે નુકશાન પહોંચેલું પરંતુ બ્રિટિશરોએ જ્યારે લાહોરનો કબ્જો લીધો ત્યારે તેઓએ સૌથી વધુ નુકશાન કરેલું હોઈ લાહોરના મુસ્લિમો ઘણા જ ક્રોધિત થયેલા. આ ક્રોધને કારણે બ્રિટિશરો અને ત્યાં રહેતી આમ મુસ્લિમ પ્રજા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતો. આખરે બ્રિટિશ સરકારે આ ઇમારતનું રિપેરિંગ કામ ચાલું કર્યું હતું જે સાત વર્ષ સુધી ચાલ્યું હતું.

બાદશાહી મસ્જિદ બાદ શીખ ગુરુદ્વારા અને લાહોર ફોર્ટ જોવાની ઈચ્છા અધૂરી જ રહી કારણ કે સવારના સમયે ત્યાં તોફાન થયેલું હોઈ  પોલીસ ખડી કરી દેવામાં આવી હતી. આ બંને સ્થળોને સુરક્ષા કાજે બંધ કરી દેવામાં આવેલા. આથી આ વિશેષ સ્થળોને જોવાની ઈચ્છા અધૂરી રાખી અમે ઇસ્લામાબાદ તરફ નીકળી પડ્યાં.

નોંધ:-

બહુ પાછળથી મને ખબર પડેલી કે જે માણસ અંદર નમાઝ કરી રહ્યો હતો તેને અમારું આવવું ગમ્યું ન હતું તેથી તેણે ચોકમાં જઇ દેકારો મચાવીને તેના જેવા લોકોને એકઠા કર્યા હતાં. પાઇપ, તલવાર અને છરી સાથે તેઓને શું કરવું હશે તે તો તેઓ જ જાણતા હતાં પરંતુ પહેલાં ચોકીદારને અને ત્યાર પછી માઝદજીને ખ્યાલ આવી જતાં તેમણે મી. મલકાણને સૂચિત કર્યું અને અમને બને તેટલા ઝડપથી નીકળી જવા માટે સૂચના આપી. સાથે સાથે તેમણે ડ્રાઇવરને ય ફોન દ્વારા સૂચના આપી અને તેને સ્ટ્રીટને ખૂણે બોલાવી લીધો. અમે તે ગલીમાંથી અને તે વિસ્તારમાંથી સંપૂર્ણપણે નીકળી ગયાં પછી તેમણે એ માણસને અને ટોળાંને થોડા રૂપિયા આપી તેઓનું મો બંધ કરાવેલું.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment