તેરે મેરે બીચ મેં ~ કટાર: બિલોરી (૯) ~ ભાવેશ ભટ્ટ
માનો કે ના માનો પણ ‘મહિલા સશક્તિકરણ’ શબ્દ વાપરવાથી જ તમે જાણે અજાણે દરેક પુરુષને જાલિમ/આરોપી જાહેર કરી દો છો.
ભારત દેશ પરંપરાઓનો દેશ છે.

વાણી, વર્તન, પહેરવેશ, પૂજા, અર્ચના, વગેરેથી લઈને ઘરની કાર્યવ્યવસ્થા સુધી બધું જ સદીઓથી ચાલતી પ્રણાલી પ્રમાણે થાય છે. હાલમાં તમામ જીવિત પુરુષો એંસી કે નેવું કે એથી વધુ વરસ સુધીનાઓમાંથી કોઈએ પણ આપણી ગૃહસ્થ વ્યવસ્થા ગોઠવી નથી. એ યુગોથી આમ જ ચાલતી આવી છે.
જો સંસારના પ્રારંભના સમયમાં તે વખતની પરિસ્થિતિ કે જરૂરીયાતોની અવગણના કરીને કેવળ ગૃહકાર્યોની વહેંચણી વિશે જ વાંધો ઉઠાવીએ તો પણ વાંધો નથી, પણ એક વાત તો નક્કી જ છે કે જે વ્યવસ્થા નક્કી કરી, એ એમ ન હોત તો એનાથી ઊંઘી હોત. એટલે કે જે કામોની જવાબદારી અત્યારે પુરુષની છે એ સ્ત્રીઓની હોત, કેમ કે ત્રીજું તો કોઈ ઓપ્શન છે જ નહીં.

તો શું આજે ‘પુરુષ સશક્તિકરણ’ની વાતો થતી હોત! અને શું મહિલાઓને એનો વાંધો હોત કે ના હોત!
મોટે ભાગે સંસ્કૃતિની કેડીએ ચાલતા બે જીવમાં જેના પર ભાર વધુ હોય એ અન્ય જીવને અત્યાચારી સમજવા લાગે તો એ કેટલું યોગ્ય છે? એ જીવ આ પ્રથા નક્કી કરવાવાળો નથી પણ અનુસરવાવાળો છે. એ અનુસરવું એની મરજી અને મોજ છે એ માની લેવું ભૂલભરેલું છે.
એમ બને કે એ પણ સંવેદનશીલ હોય, એ પોતે આનો હિમાયતી ન પણ હોય, એવું વિચાર્યા વગર એને જ ખલનાયકના કઠેડામાં ઊભો કરી દેવો એ ઉકેલ નથી.

કોઈ પરંપરા વસ્ત્રની જેમ નહીં ઉતરી જાય. જો એમાં અયોગ્યતા જણાય તો એનાથી સાથે રહીને આરોપ પ્રત્યારોપ કર્યા વગર છૂટકારો મેળવવાનો હોય છે. એના માટે સરઘસ નહીં પણ બુદ્ધિરસ કાઢવાની જરૂર છે.
આમ તો આનો એક બહુ જ સરળ ઉપાય છે કે સ્ત્રી અને પુરુષ બંને ઈશ્વર પાસે જાય અને સ્ત્રીમાં રહેલું ગર્ભાશય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવી દે, અને સ્ત્રી માના સિંહાસન ઉપરથી હસતા હસતા રાજીનામું આપી દે તો સ્ત્રીઓ પર થતા મોટા ભાગના અન્યાયનો ઉકેલ તાત્કાલિક આવી જાય, પણ એ શક્ય નથી તો આનો ઉકેલ બીજી રીતે લાવવાનો રસ્તો વિચારવો જોઈએ.
જો એક સર્વે કરવામાં આવે કે રસ્તા ઉપર કોઈ અતિબોજ ન ખેંચી શકતું હોય કે લડથડાતું હોય, કે કોઈ અકસ્માત થતો જોશો કે કોઈ અંધને રોડક્રોસ કરવો હશે તો દસમાંથી નવ પુરુષ તેની મદદે દોડી જશે.
ફક્ત વાતનો ભાવાર્થ એટલો જ છે કે જેને પથ્થર હૃદય સમજવામાં આવે છે એ કૈં નિષ્ઠુર નથી. પણ ધરાર કોઈ ઉપર વારે ઘડીએ આરોપ ઠસાવવામાં આવે તો છેવટે કંટાળીને એ પણ કબૂલી લેશે અને પછી આરોપીની જેમ જ વર્તશે.

કોઈ બાળકને સતત વાંકમાં મૂકવાથી એ રીઢો થઈ જાય છે. આ કોઈ જ રીતે પુરુષોનો બચાવ કરવાની યુક્તિ નથી. પણ જો ગણીને બે જ જણની વાત છે તો ભાર પણ એ બે પર જ લદાવાનો છે. પાંચ હજાર વરસ સુધી કોણે કેટલું સહ્યું છે એ ભૂલી જઈને આપણે દુનિયાને નહીં પણ આપણી જ જિંદગીને, આપણા જ માણસને ધ્યાનમાં રાખીને નિવેડો લાવવાનો પ્રયત્ન કરીશું તો જલ્દી આવશે.
જ્યાં ખરેખર પરંપરાના નામે અંધશ્રદ્ધા, કુરિવાજ કે અન્યાય દેખાય તેને જડમૂળમાંથી જ ઉખાડી ફેંકવાનો હોય. જેમ કે ભણતર, નોકરી, ધંધો, મોજશોખ, રમતગમત કે કોઈ કળાના ક્ષેત્રમાં જો સ્ત્રી હોવાને લીધે વિરોધ, ભેદભાવ કે ઇર્ષા થાય તો એના વિરુદ્ધ સખત પગલાં તાત્કાલિક ભરવા જોઈએ.

જ્યાં ઘરેલુ હિંસા એક ટકો પણ દેખાય ત્યાં તો આકરામાં આકરી ફાંસી સુધીની સજા તાત્કાલિક ધોરણે અપાવી જોઈએ. પણ ફેમીનીઝમના નામે જે પણ દેખાય કે જે પણ મનમાં આવે તેનો વિરોધ કરવો એ એવું ગાંડપણ છે જે પોતાને અને પરિવારને જ વિખેરી નાખશે.
હમણાં ક્યાંક એક બેનને એવું કહેતા સાંભળ્યા કે ‘પરીકથાઓમાં પરીને જ કેમ રાક્ષસ કેદ કરી દે? અને રાજકુમાર જ આવીને કેમ છોડાવે? એવું કેમ ના થાય કે રાજકુમારને રાક્ષસ કેદ કરી દે અને પરી જઈને છોડાવે!’
તાજેતરમાં ‘જ્યુસ’ નામની એક શોર્ટ ફિલ્મ જોઈ જેમાં એક ઘરમાં પાંચ છ મિત્રો પત્ની સાથે ભેગા થઈને પાર્ટી કરતા હોય છે. હોલમાં ચાલતી ડ્રિંક્સ પાર્ટીથી લઈને અંતે ડીનર માટેની પડતી બૂમો દરમિયાન ઘરધણીની પત્ની રસોડામાં એટલી બધી કંટાળી જાય છે કે છેલ્લે એક ‘જ્યુસ’નો ગ્લાસ ભરીને ડ્રિંક્સ પાર્ટીમાં બધાની સામે આવીને કમ્ફર્ટેબલ મોડમાં બેસી જાય છે અને ચહેરા પર બેફિકરાઈ ને બંડના ભાવ સાથે ધીરે ધીરે જ્યુસની ચુસ્કી લે છે, બધા એને જોઈ રહે છે. ત્યાં ફિલ્મ પુરી થાય છે.

સુંદર મેકિંગ અને સુંદર એક્ટિંગ કરીને મેસેજ શું આપ્યો? કે ઓર્ડર નહીં આપવાનો? કે તમે પણ રસોડામાં અમારી સાથે કપલમાં આવીને અડધું કામ કરો! કે અમે પાર્ટી કરીશું અને તમારે રસોડું સંભાળવાનું! કદાચ એ લોકો પણ સ્પષ્ટ જવાબ નહીં આપી શકે.
અત્યારે અમુક લોકોએ પરિસ્થિતિને વિચિત્ર બનાવી દીધી છે. એમાં જો ફિલ્મ, નાટક કે સિરિયલ્સ સિવાય આગ ચાંપવાનું કામ જો કરતું હોય તો એ છે પોતાને શું જોઈએ છે એ નહીં જાણતી અને રસ્તે ચાલતા અજાણ્યા પુરુષને પણ યમરાજ તરીકે જોતી અતિજાગૃત મહિલાઓ. જે કોઈ કાર્યક્રમના કાર્ડમાં છપાયેલા નામોમાં પણ મુખ્ય પુરુષ અને મુખ્ય સ્ત્રીની સંખ્યાનો સરવાળો કરીને મોં મચકોડતી હોય છે.

આવી સ્ત્રીઓથી એના ઘરમાં રહેલી નિર્જીવ પુલિંગ ચીજો પણ ડરીને રહેતી હોય છે. બીજી બાકીની કસર પુરી કરતા હોય તો એવા દંભી, બળદબુદ્ધિ પુરુષ છે જે ફક્ત ને ફક્ત પોતાની કોઈ ખાસિયત વગરની ઓળખને કહેવાતી પ્રસિદ્ધિ અપાવી શકે માટે ‘મહિલા મુક્તિ મોરચા’ના આયોજક / ચેરમેન તો બને છે અને એ મોરચાનું બેનર જ્યારે સમય પર મળતું નથી ત્યારે તેમની પત્નીને ધમકાવે છે.
આ કહેવાતા લેફ્ટ, લિબરલ, કોમ્યુનિસ્ટ, સેક્યુલર લોકોને જ્યાં સુધી ભગવાન એમની ચેમ્બરમાં બોલાવીને રૂબરૂમાં એમની સાથે એક ટોક શૉ નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરવી મુશ્કેલ છે.
જ્યાં સુધી આવા સ્ત્રી પુરુષ છે ત્યાં સુધી સંસારમાં પોતાના ઘરનો ભાર પોતપોતાની શક્તિ મુજબ અને હિસાબ કે ગણત્રી વગર વહેંચીને જીવન પ્રવાસને માણતા દંપતીઓ ખતરામાં છે. એવા દંપતીઓને બચાવવા માટે જ્યાં પણ પોતાના સ્વાર્થ માટે ‘નારીશક્તિ’ના નારા લગાવતા ઝૂંડ, સ્ત્રી હોય કે પુરુષ એ બંનેનો બહિષ્કાર કરવો જરૂરી છે. કેમ કે આ જ લોકો અડચણ છે જે રીસ કે નારાજગી વગરનો સમાનતાવાદી દાંપત્ય ધરાવતો સમાજ ઊભો નહીં થવા દેવા માટે, જે આપણે ઇચ્છીએ છીએ.
આઠમી માર્ચ એ ‘મહિલા દિવસ’ નહીં પણ ‘દામ્પત્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે એવી આશા છે. આ બનાવી દીધેલા પ્રાણપ્રશ્નની બાબતમાં હજી ઘણા બનાવી દીધેલા સળગતા પેટાપ્રશ્નો, મુદ્દા સમાવી શકાતા હતા પણ પછીયે વાત તો આના સીધા સાદા ઉકેલની જ કરવી હતી તો ના સમાવ્યા.
![]()
જે સ્ત્રીને પોતે પીડિત, બંદી હોવાની લાગણી થતી હોય એ જાતે જ એના પુરુષ સાથે સહજ રીતે વાત કરે તો બદલાવ બહુ જ જલ્દી આવશે. જો તમારી પથારીમાં ત્રીજી વ્યક્તિ માટે જગ્યા નથી તો તમારા આ પ્રશ્નમાં પણ આ સ્વાર્થી કાર્ટુનોને જગ્યા ન આપો.
કોઈ પણ સ્ત્રી જો એકાંતમાં તેના પતિ સાથે રાબેતા મુજબ વાત કરતી હોય એમ જ જો એના પરના અતિબોજની અને એનાથી થતી તકલીફોની, કામની વહેંચણી કે પોતાના સ્વમાનભંગની વાત કરશે તો બહુ સહજતાથી નિરાકરણ આવી જશે. બાકી જ્યાં નારીવાદ, સ્ત્રીમુક્તિ, સ્ત્રીશક્તિ વગેરેના ઝંડા જુઓ કે એ પ્રકારની નુમાઈશ કે તમાશા કરતા સ્ત્રી કે પુરુષ જુઓ તો ચેતી જજો, એ ટોળું હજી આ પ્રશ્ન વધારે વિકટ બને અને એમની નેતાગીરી ચમકે એની જ મથામણમાં હશે.
~ ભાવેશ ભટ્ટ
સ્ત્રી સશક્તિકરણના નામે ચરી ખાતા તક સાધુઓથી ચેતતા રહેવાની આવશ્યકતા છે.
ફેમીનીઝમના નામે જે પણ દેખાય કે જે પણ મનમાં આવે તેનો વિરોધ કરવો એ એવું ગાંડપણ છે જે પોતાને અને પરિવારને જ વિખેરી નાખશે.👌✅
બહુજ 🕉 સરસ
વિચાર દાયક વાતો
અભિનંદન 🕉