ત્રણ કાવ્યો ~ પ્રાર્થના જહા (1) કોઈ અજાણી ક્ષણમાં (2) સજન! આખું આકાશ (3) શમણામાં રસ્તો ને રસ્તાની વાતો…

૧.

કોઈ અજાણી ક્ષણમાં આવ્યું…
હોય બધું “તોપણ”માં આવ્યું..!

હાથ ઝાલીને ઝાલ્યા એણે
ઉંમરભરના શ્વાસ
આંખો મીંચી ચૂમી લીધા
સપના મારા ખાસ
પરિભ્રમણને ભ્રમણા જેવા હૃદયને માથે
કોઈ લગોલગ લાગણીઓના
ધણમાં આવ્યું…
– કોઈ અજાણી ક્ષણમાં આવ્યું..!

તદ્દન સૂરજ જેવી ઉધડે
સવાર જેવી આંખો
સપનાની વાતો પર કહે છે
“થોડું મનમાં રાખો”
અભણ આંખ પર ચશ્મા જેવા
જીવન ઉપર કોઈ આંસુની જેમ જ
સમજણમાં આવ્યું…..
–  કોઈ અજાણી ક્ષણમાં આવ્યું..!

કોઈ અજાણી ક્ષણમાં આવ્યું…
હોય બધું “તોપણ”માં આવ્યું.!

~ પ્રાર્થના જહા
~ આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ

ગુજરાતી ભાષાના નવયુવાન કવયિત્રી પ્રાર્થના જ્હાની કવિતાઓમાં જુવાનીનો જુવાળ સપનાંઓ બનીને ઊછળે તો છે પણ એ નિર્બંધિત ‘ગમે ત્યાં હું નીકળું’ ની જેમ નથી વહેતો કે જે માર્ગમાં આવતું ચર-અચર બધું જ તાણી જાય.

સમજદારી અને સમતા સાથે બહેન પ્રાર્થના એક સિદ્ધહસ્ત કવયિત્રીની ક્ષમતાથી આ પ્રવાહના વેગને, ગતિને, સંયમિત રીતે નાથીને છતાં અસ્ખલિત વહેતો મૂકીને કાવ્યની અજાણી કેડી કંડારે છે.

‘કોઈ અજાણી ક્ષણમાં આવ્યું…
હોય બધું “તોપણ”માં આવ્યું..!’
સમય અને જીવન બેઉના સમાંતરે વહેતા વહેણના રસ્તાને ‘કોઈ એક ખાસ’, એક કાલ્પનિક બિંદુ પર આંતરે છે. આ ખાસ બિંદુ પૂરતાં સમાંતરે વહેતા સમય અને જિંદગી એકરૂપ થઈ જાય છે. જીવનમાં બધું જ હોવા છતાં, એ ઘડીને કોઈ અકળ રીતે ખાસ બનાવી જાય છે. આ એ ‘કોઈક ખાસ’ છે જે ઉંમરભર માટે શ્વાસોના હાથ પોતાના હાથમાં લઈ લે છે, બંધ પાંપણ પર ટહેલી રહેલા કેટકેટલાં સપનાઓને પોતાની બંધ આંખે ચૂમીને સ્વયંના કરી લે છે.

Love Story Couple Sunset On Background Stock Photo 457887763 | Shutterstock

‘કોઈ લગોલગ લાગણીઓના
ધણમાં આવ્યું…
– કોઈ અજાણી ક્ષણમાં આવ્યું..!’
અહીં “લાગણીઓનું ધણ” કહીને, કવયિત્રી એક અનોખું શબ્દચિત્ર ખડું કરે છે. ધણને હાંકીને એની મંઝિલે પહોંચાડનાર એ ‘કોઈક ખાસ’ હવે જિંદગીમાં છે, એ ભરોસો જ આવનારી તાજગીસભર સવારે આંખો ખોલીને બીજો દિવસ જીવી જવાનું જોમ આપે છે. એ ‘ખાસ’ના આવવાથી લાગાણીઓ અને સપનાઓના બેફામ આમતેમ દોડતાં અશ્વોને લગામ લગાડવાની ધીરજ મળે છે. જિંદગીની બારીકીઓને સાથે નિહાળવા માટે ‘કોઇ ખાસ’ આપણી સાથે છે એની ખાતરી આ ‘અનજાન ડગર’ની સફરને ખાસ બનાવે છે. એટલું જ નહીં પણ, જીવનમાં અનેક એવી પરિસ્થિતિઓ આવે છે કે જેમાં આપણે એક પ્રકારના ‘બ્લાઈન્ડ સ્પોટ’ પર હોઈએ ત્યારે એવી પરિસ્થિતિઓને “Objectively with Transparency”- ઉદ્દેશપૂર્વ તટસ્થ પારદર્શિતાથી નિહાળવામાં આ ‘કોઈ ખાસ’ જીવનનું એક અભિન્ન અંગ બની જાય છે. આ ખાસ વ્યક્તિ સાથેના અતૂટ, બિનશરતી સાથને કારણે જ જિંદગીની મુશ્કેલીઓમાંથી ધીરજપૂર્વક અને સમજણથી બહાર નીકળવામાં મદદ મળે છે. અને, ત્યારે જ, સાયુજ્યના રસ્તાઓ અચાનક અટપટાં ન લાગતાં સીધાં, સરળ, સાવ ચોખ્ખાં અને પવિત્ર બની જાય છે. આ રાહ પર ચાલતાં, ચાલતાં મનમાં પ્રેમની સહજતાનું દિવ્ય સંગીત અનાયસે અનુભવાય છે.
આવા સાયુજ્યની પ્રાપ્તિ થતાં પારિતોષક રૂપે મળતાં ઉલ્લાસનું અને પ્રસન્નતાનું આ ગીત, ‘કોઈ એક ખાસ’નું ન રહેતાં, આપણા સહુનું પોતીકું બની જાય છે.  બહેન પ્રાર્થનાને અભિનંદન.

૨.

‘કોઈ એક ખાસ’ના આવવાથી તન, મન અને હ્રદયમાં શું અને કેવું કેવું થાય છે એનું સુભગ અને સુંદર શૃંગારસભર નીચેનું કાવ્ય માણવું રહ્યું.

1000+ Night Sky Woman Pictures | Download Free Images on Unsplash

સજન! આખું આકાશ મને ઘેરે છે ઘેનમાં
ને’ પૂછે કે સપનામાં શું ?
સંભળાવું શ્વાસને, કે સમજાવું રાતને?
કે નસનસમાં દોડે એ ‘તું’!!
– સજન! આખું આકાશ……….

કોયલના ટહુકારા ફૂલો પર આંજ્યા,
તારા વિચારોમાં વાદળ પર નાચ્યા
સપનાની વાત હવે કોને કરું?
મારા રાતના ઉજાગરાઓ જાતે છે જાગ્યા
ફાનસની વસ્તીમાં એકલતા પૂછે
કે અજવાળ્યું મારામાં શું?
સંભળાવું શ્વાસને, કે સમજાવું રાતને?
કે નસનસમાં દોડે એ ‘તું’!!
– સજન! આખું આકાશ……….

થોડું મળે તો હવે કરવી છે જીદ,
મોંઘી પડે છે આ તડપનની રીત
દરિયો મળે તો, લખવું છે મોજા પર,
તારા કિનારા પર મારી છે જીત
રેતીનો ભેજ હવે આંખો ને પૂછે
કે ભીંજાયું તારામાં શું?
સંભળાવું શ્વાસને, કે સમજાવું રાતને?
કે નસનસમાં દોડે એ ‘તું’!!
– સજન! આખું આકાશ……..

~ પ્રાર્થના જહા

૩.
ત્રીજા કાવ્યમાં કવયિત્રી જીવનના અને સમયના સમાંતરે ચાલતાં પ્રવાહમાં ‘કોઈ એક ખાસ’ આવીને મળ્યું છે એના ઉત્સવને ખુલ્લી આંખે તો ઉજવે છે, પણ શમણાંનું આખેઆખું વિશ્વ એ ‘કોઈ એક ખાસ’ પર મધુરતાથી  ઓળઘોળ કરે છે અને જરા પણ છોછ રાખ્યા વિના, કવયિત્રી સહજતા અને પ્રસન્નતાથી શૃંગારનું ઉચ્ચ શિખર સર કરે છે.

Pin on it just pulls me in..

શમણામાં રસ્તો ને રસ્તાની વાતો
ને વાતોમાં વળગણ છે કોઈ
હું તો સમજી કે કોઈ ઊભું છે આસપાસ-
કે મારામાં ફાગણ છે કોઈ !!

મુઠ્ઠીમાં પુષ્પોની ઉછરી સુગંધ
હવે આખ્ખો બગીચો મારે હાથ છે
ખોલું હથેળી તો વરસે સુવાસ
ને પકડું તો તારો સંગાથ છે
પ્રેમ જેવી અટવાતી કુમળી ભીનાશ –
કે બીજું જ કારણ છે કોઈ !!…
– શમણામાં રસ્તો ને રસ્તા….

આંખો મીંચી ને હવે ઘેરાતો રોજ
એને વાદળ બનવામાં ઉકળાટ છે
ધોધમાર ધોધમાર વરસે મોસમ..!!.
કે એની ઉંમરમાં થોડો કચવાટ છે
પલળેલી માટી એ ખાધા સોગંદ –
કે બીજું જ તારણ છે કોઈ !!…
– શમણામાં રસ્તો ને રસ્તા…

~ પ્રાર્થના જહા

 

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ત્રીજા કાવ્યમાં કવયિત્રી જીવનના અને સમયના સમાંતરે ચાલતાં પ્રવાહમાં ‘કોઈ એક ખાસ’ આવીને મળ્યું છે એના ઉત્સવને ખુલ્લી આંખે તો ઉજવે છે, પણ શમણાંનું આખેઆખું વિશ્વ એ ‘કોઈ એક ખાસ’ પર મધુરતાથી ઓળઘોળ કરે છે અને જરા પણ છોછ રાખ્યા વિના, કવયિત્રી સહજતા અને પ્રસન્નતાથી શૃંગારનું ઉચ્ચ શિખર સર કરે છે. ત્રણે કાવ્ય સજન પર લખાયેલા છે અને મસ્ત ભાવજગત પેદા કરે છે પ્રાર્થના સરસ કાવ્યો અને જયશ્રી સરસ આસ્વાદ મુબારક

  2. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    પ્રસન્ન ચિત્ત થઈ જાય, એવા રચનાના શબ્દો… ધન્યવાદ પ્રાર્થનાબેનને…